લગભગ ગયા અઠવાડિયે એક વિશ્વસ્તરીય માતબર મિડિયા સંસ્થાની ગુજરાતી વેબસાઈટ દ્વારા ગુજરાતી ફિલ્મો વિષે અત્યંત લોકપ્રિય અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવાલ એવો હતો કે ગુજરાતી ફિલ્મોમાંથી થોડીઘણી ફિલ્મો જ કેમ ચાલે છે? જવાબમાં સિદ્ધાર્થભાઈનો પુણ્યપ્રકોપ ફૂટી પડ્યો હતો અને તેમણે આ પરિસ્થિતિ માટે દર્શકોને જવાબદાર ઠેરવ્યા હતા.

ગત અઠવાડિયે સિદ્ધાર્થભાઈની આવનારી ફિલ્મ નટ સમ્રાટની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે આવા જ એક પ્રશ્નના જવાબમાં આમ જ કહ્યું હતું. સિદ્ધાર્થ રાંદેરિયાની દલીલ એવી છે કે છ થી સાડાછ કરોડ ગુજરાતીઓમાંથી જ્યારે માત્ર વીસેક લાખ ગુજરાતીઓ જ ગુજરાતી ફિલ્મો જ જોતા હોય ત્યારે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય કેવું હોઈ શકે? એ આપણે જ વિચારી લેવાનું છે.
વાત સાચી છે, કારણકે સિદ્ધાર્થભાઈ, જે ખુદ બે સફળ ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે તેમની પાસેનો ઉપરોક્ત આંકડો સાચો જ હોય એમ માની લઈએ તો કુલ ગુજરાતી વસ્તીના દસ ટકા પણ ગુજરાતી ફિલ્મો જોવા પ્રત્યે ઉત્સાહિત નથી. આ વીસ લાખમાંથી છ કરોડના દસ ટકા એટલેકે સાઈઠ લાખ લોકો જ્યારે ગુજરાતી ફિલ્મો જોતા થશે ત્યારે ગુજરાતી ફિલ્મોની પરિસ્થિતિ કેવી હશે એ વિચારીને જ કેવો આનંદ થાય છે?
એ જ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલ એવો પણ ઉઠ્યો કે આજકાલ રિલીઝ થતી તમામ ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી અને તો શા માટે ગુજરાતીઓ ફિલ્મો જોવા જાય? એના જવાબમાં સિદ્ધાર્થ રાંદેરિયાની દલીલ હતી કે ઘણી મોટા બેનરની હિન્દી ફિલ્મો કરતાય અમુક ગુજરાતી ફિલ્મો જે નિષ્ફળ રહી છે તે સારી હતી.
લાગતું વળગતું: ગુજ્જુભાઈ Most Wanted ટીમનો એક નવતર પ્રયોગ |
સિદ્ધાર્થભાઈએ ફરીથી આંકડાકીય માહિતીનો સહારો લઈને કહ્યું કે જો એક વર્ષમાં 80 ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે તો માની લઈએ કે તમામ ફિલ્મો સરસ નથીજ, પણ એમાંથી દસથી બાર ફિલ્મો તો એવી હશેજ ને કે જે ‘જોવા યોગ્ય’ હશે? તો શું આપણે આપણા ઘરમાં એવી સંસ્કૃતિને જન્મ ન આપી શકીએ કે દર મહીને એટલીસ્ટ એક ગુજરાતી ફિલ્મ જોવા જઈએ? ભલે કરમુક્ત ન હોય પણ એક વખતના ડિનર કે રોજના પાનમસાલાના ખર્ચ કરતા તો એની ટીકીટ સસ્તીજ પડશે.
આ દલીલને માની લઈએ તો જે મોટા બેનરની અને મોટા કલાકારો સાથેની ગુજરાતી ફિલ્મો છે એ તો લોકો જોવા જશે જ પરંતુ, એના સિવાય પણ કેટલીક ફિલ્મો છે જે સારી હોવા છતાં દર્શકોના ધ્યાન બહાર રહી ગઈ હોય. આવું ન થાય એટલેજ વર્ષની દસ થી બાર ગુજરાતી ફિલ્મો જોવાનો નિયમ જો દરેક ગુજરાતી કુટુંબમાં નક્કી કરવામાં આવે તો સરવાળે દર્શકો અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ બંનેને ફાયદો થશેજ.
આ તો થઇ એક નિર્માતા અને કલાકાર તરીકે સિદ્ધાર્થ રાંદેરિયાની દલીલ. ફિલ્મનો રસિયો હોવા ઉપરાંત દર્શક હોવાને લીધે હું એ દલીલને જરૂરથી સ્વીકારીશ કે ગુજરાતી ફિલ્મોએ નક્કી થઇ ચુકેલી પ્રથાથી અલગ થવાની જરૂર છે જ. ગુજરાતી ફિલ્મો એટલે કોમેડી ફિલ્મો જ અને ચાર મિત્રોની જ ફિલ્મો એવી જે છાપ પડી ચૂકી છે તેને દૂર કરવા ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ તાત્કાલિક એક્શન લેવાની જરૂર તો છે જ.
પરંતુ બીજી તરફ જોઈએ તો બે યાર, કેવી રીતે જઈશ, ચલ મન જીતવા જઈએ!, રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, ચિત્કાર કે પછી ખુદ સિદ્ધાર્થ રાંદેરિયાની આવનારી ફિલ્મ નટ સમ્રાટ તો સર્વાંગ કોમેડી ફિલ્મો તો નથી. નટ સમ્રાટ તો હવે રિલીઝ થશે પરંતુ બાકીની ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારો દેખાવ કર્યો છે છે. ત્રણ-ચાર મિત્રોની દરેક ફિલ્મો હીટ નથી જતી પરંતુ એક જ ટીમની આવી જ પશ્ચાદભૂ ધરાવતી છેલ્લો દિવસ જો હીટ રહી હતી તો તેમની આ શુક્રવારે રિલીઝ થયેલી શું થયું? એ બે દિવસમાં અઢી કરોડથી પણ વધારેની કમાણી કરી લીધી છે.
અંગત મતે ગુજરાતી ફિલ્મોના ભવિષ્ય અંગે દર્શકો, ટીકાકારો, અદાકારો અને નિર્માતા તેમજ નિર્દેશકો હજી પણ ઉતાવળે કોઈ અંદાજ બાંધી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોનું પરિવર્તન શરુ થયે હજી એક દાયકો પણ નથી થયો. એક દાયકો પણ કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલશે કે કેમ એ માટે પૂરતો નથી, પરંતુ અત્યારે જે ચાલી રહ્યું છે એ પ્રયોગ માત્ર છે એમ ગણી લઈએ તો તમામની દ્રષ્ટિ જ બદલાઈ જશે.
આવનારા થોડા વર્ષો બાદ કદાચ નિર્માતાઓ તેમજ વાર્તાકારોને ગુજરાતી દર્શકને શું જોઈએ છીએ એની ઓળખ થઇ જશે અને અંગ્રેજીમાં કહીએ છીએ એમ દર્શક અને ફિલ્મ બનાવનારાઓ બંને settle થઇ જશે અને પછી આપણી સમક્ષ સતત સારી અને જોવાલાયક ગુજરાતી ફિલ્મોનો ફાલ ઉતરવા લાગશે.
બસ! આ જ પોઝીટીવ વિચાર સાથે સિદ્ધાર્થભાઈની એ સલાહ પણ માનીએ કે મહિનાની એટલીસ્ટ એક ગુજરાતી ફિલ્મ તો થિયેટરમાં જઈને જોઈએજ, કારણકે નિર્માતાઓ ફિલ્મો યુટ્યુબ કે નેટફ્લીક્સ પર બતાવવા માટે આટલો ખર્ચ નથી કરતા. એટલે એમને એમનું વળતર મળી રહે અને આપણને આપણી ચોઈસ નક્કી કરતા ફાવે તે માટે થિયેટરમાં જ ગુજરાતી ફિલ્મો જોવાની એક ટેવ જરૂરથી પાડીએ.
eછાપું
તમને ગમશે: કર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા