NMC અને MCI વચ્ચે ફેર શું છે? : NMC બિલનો આટલો વિરોધ શા માટે?

0
158
Photo Courtesy: medlarge.com

આપણે  બધા બખૂબી એક વાત જાણીએ છીએ કે હાલની એનડીએ સરકાર આપણા દેશમાં અસ્તિત્વ ધરાવતી ઘણી બધી સંસ્થાઓ અને નિયમોમાં ધરખમ ફેરફારો કરવા માટે જાણીતી છે. આ બધા પ્રયત્નોમાં નીતિ આયોગ જેવી સંસ્થાઓ નિર્વિઘ્ને બની જાય છે જ્યારે NMC જેવી સંસ્થાઓના ફોર્મેશનમાં વિરોધના વંટોળ જોવા મળે છે.

પહેલાં તો પૂર્વભૂમિકા સ્વરૂપે એક વાત જાણી લેવી જરૂરી છે કે આ NMC શું છે? તો NMCનું પૂરું નામ થાય છે. નેશનલ મેડીકલ કમિશન. આ એક એવી સંસ્થા છે જે હાલમાં કાર્યરત MCI એટલે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યા લઇ લેશે. MCI ભારતમાં ડોકટરી ક્ષેત્રના નીતિનિયમો અને ધારાધોરણો બનાવતી અને તથા એનું પાલન કરાવતી એક સ્વાયત્ત સંસ્થા છે.

ભારત સરકાર અમુક ચોક્કસ કારણોસર MCIને બરખાસ્ત કરીને એની જગ્યાએ NMC લાવવા માટે કટિબદ્ધ છે જેના માટેનું બીલ લોકસભામાંથી ઓલરેડી પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ NMCનો હાલમાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા મોટાભાગના લોકો દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ બીલના ચાલી રહેલા વિવાદ અને વિરોધને ધ્યાનમાં રાખીને આ બીલ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીની વિચારણા હેઠળ મુકવામાં આવ્યું છે. આ વિરોધના કારણો શું છે? તો એ માટે NMCના સ્ટ્રક્ચરથી શરૂઆત કરવી પડશે.

NMC એક એવી સંસ્થાની પ્રપોઝલ છે કે જે હવે પછીથી ભારતમાં તબીબી ક્ષેત્રના ભણતર અને પ્રેક્ટીસ જેવી તમામ બાબતોનું સંચાલન કરશે. તે હાલમાં આ ક્ષેત્રમાં કાર્યરત એવા MCIની જગ્યા લઇ લેશે. MCIની વાત કરીએ તો તેની સ્થાપના 1934માં બ્રિટીશર્સ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી તેમાં માત્ર 2011માં જ એક સુધારો કરવામાં આવ્યો છે.

NMCનું માળખું:-

NMCના માળખાની વાત કરીએ તો તેમાં ૨૫ સભ્યો રહેશે. જેમાં એક ચેરમેન, એક સેક્રેટરી, ૮ હોદ્દાની રુએ સભ્યો રહેશે, ૧૦ પાર્ટ ટાઈમ સભ્યો રહેશે જે સમયાંતરે બદલાતા રહેશે અને માત્ર બાકી બચેલા  ૫ જ સભ્યો રજીસ્ટર થયેલા મેડીકલ પ્રેકટીશનર્સ એટલે કે ડોક્ટર્સ દ્વારા ચૂંટવામાં આવશે.

NMCના અંતર્ગત અન્ય ૪ નવા સબડીવીઝન બનાવવામાં આવશે જેના ચેરમેન ઉપર દર્શાવેલા ૮ હોદ્દાની રુએ બનેલા સભ્યોમાંથી કોઈ ચારને બનાવવામાં આવશે. આ ચાર સ્વાયત્ત સબડીવીઝન આ મુજબ રહેશે : 1) અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન બોર્ડ (UGMEB), 2) પોસ્ટ ગ્રેજ્યુએશન મેડીકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), 3) ધ મેડીકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB), 4) ધ એથીક્સ એન્ડ મેડીકલ રજીસ્ટ્રેશન બોર્ડ.

આ ચારેય બોર્ડ કેન્દ્ર સરકારને હસ્તક રહેશે. જે દરેક UG અને PG કોર્સ તથા કોલેજના રેટિંગ અંગેના નિર્ણયો લેશે. ઉપરાંત જેટલા લાયસન્સધારક મેડીકલ પ્રેકટીસનર્સ છે તેમનું એક ઈલેક્ટ્રોનિક લીસ્ટ તૈયાર કરવામાં આવશે.

લાગતું વળગતું: AADHAR ને લગતી તમામ શંકાઓને ધ્વસ્ત કરી દેતા બિલ ગેટ્સ…

વિરોધના ઉદ્ભવના કારણો:-

આટલે સુધી તો કોઈ વાંધો નહતો. મૂળ મુદ્દો હવે શરુ થાય છે. બીલમાં એક વાત ઉલ્લેખાયેલી છે કે આ ચારેય બોર્ડના પ્રમુખની વરણી કેન્દ્ર સરકાર કરશે અને આ પ્રમુખને પોતાના બોર્ડ વતી કોઈ પણ નિર્ણય લેવા માટેની સત્તા આપી દેવામાં આવી છે. જેનાથી મેડીકલ ક્ષેત્રમાં સરકારનો સીધો હસ્તક્ષેપ વધી જશે અને જેનો જ બધા ડોકટર્સ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે.

વિરોધનો મુદ્દો આ એકલો જ નથી. હજી એક વધારાનું પ્રોવિઝન આ બીલમાં આપવામાં આવ્યું છે જેનું નામ છે “મેડીકલ એડવાઈઝરી કાઉન્સિલ”. આ કાઉન્સિલ એક મલ્ટી મેમ્બર કમિટી રહેશે જેમાં દરેક રાજ્યમાંથી એક સભ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ બે સભ્યો નિયુક્ત કરવામાં આવશે જે NMCને સલાહ સૂચનો આપશે. વિરોધનું બીજું કારણ એવું છે કે આ તમામ સભ્યો ભારતના “ગૃહ મંત્રાલય” દ્વારા પસંદ કરવામાં આવશે.

NMC બીલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બહારના દેશોમાંથી MBBS કરીને આવતા ડોક્ટર્સ માટે નેશનલ લાયસન્સિયેટ એક્ઝામ લેવામાં આવશે અને જો કોઈ તેને પાસ નથી કરી શકતા તોપણ અમુક સ્પેસિફિક છૂટછાટ અંતર્ગત તેમને ભારતમાં પ્રેક્ટીસ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. MCIમાં આવું કોઈ પ્રોવિઝન નહતું. જે એક્ઝામ પાસ કરી શકે તેવા જ ડોક્ટરને ભારતમાં પ્રેક્ટીસ માટે પરવાનગી આપવામાં આવતી હતી.

આવી બેકડોર એન્ટ્રીની વાતને લઈને ભારતના ડોક્ટર્સમાં નારાજગી જોવા મળે છે. આ પછી બીજીન પણ એક એવી જોગવાઈ છે જેના લીધે વિરોધનું પ્રચંડ સ્વરૂપ જોવા મળ્યું છે અને તે જોગવાઈ એવી છે કે જેટલા પણ BAMS કે BHMS (એટલે કે AYUSH) પ્રેકટીશનર ડોક્ટર્સ છે એ બધા ડોક્ટર્સ એક બ્રીજ કોર્સ (સેતુ અભ્યાસક્રમ) પૂરો કર્યા બાદ એલોપથી પ્રેક્ટીસ કરી શકશે!!

આ સવલત આપવા પાછળ સરકારનો હેતુ ભારતમાં પેશન્ટ ટુ ડોક્ટર રેશિયો ૨૦૦૦:૧ થી ઘટાડીને ૧૦૦૦:૧ કરવાનો છે. પરંતુ ડોક્ટર્સનું એવું કહેવું છે કે આ રીતે NMC તબીબી ક્ષેત્રનું ગુણવત્તાને માઠી અસર પહોંચાડશે.

વળી, NMC અંતર્ગત હાલમાં ચાલી રહેલી મેડીકલ કોલેજીસની ફીમાં 40% જેટલો ધરખમ ઘટાડો કરવાની વાત છે જેના લીધે MCI અંતર્ગત રજીસ્ટ્રેશન પામેલી તમામ મેડીકલ કોલેજીસના પેટમાં તેલ રેડાયું છે અને એમાંની મોટાભાગની પ્રાઈવેટ કોલેજીસ પણ આ બીલનો વિરોધ કરે છે.

સરકારને NMCની જરૂરીયાત વિષે પૂછવામાં આવતા તેમણે કહ્યું છે કે MCI ઉપર પાછલા કેટલાક સમયમાં લાગેલા ભ્રષ્ટાચારના ચાર્જીસ અને તેની ઉતરતી જતી ગુણવત્તાના કારણે NMCની જરૂર ઉભી થઇ છે. અન્ય કારણ એવું પણ છે કે WHOના રીપોર્ટ મુજબ MCI સ્પેસીફીકલી ગ્રામ્ય વિસ્તારોમાં પેશન્ટ ટુ ડોક્ટર રેશિયો જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ઘણી વાર માત્ર અને માત્ર એજ્યુકેશન પર જ ફોકસ આપવા માટે અને એથીક્સ એટલે કે નીતિમત્તા પર ધ્યાન ન આપવાના કારણે પણ MCIને સરકાર દ્વારા વખોડવામાં આવ્યું છે.

ખેર, હજી તો આ બીલ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી પાસે વિચારણા હેઠળ છે. આગે આગે દેખતે હૈ, હોતા હૈ ક્યા?!

eછાપું 

તમને ગમશે: બચત નું નાણાંકીય પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા પહેલાં આટલું જરૂર ધ્યાન રાખજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here