જુગાર- દુગ્ગી પે દુગ્ગી હો, યા સત્તે પે સત્તા… આયા ‘શ્રાવણ’ ઝૂમ કે!

0
201
Photo Courtesy: jpgamesltd.co.uk

જીવન વિશે અનેક લોકો ઘણુંબધું કહી ગયા છે. તેમાંથી કોઇકે શાણપટ્ટી કરતા કહ્યું, ‘જિંદગી એક જુગાર છે.’ એક હિન્દી ગીત પણ છે – जिंदगी है एक जुआ, कभी जीत भी कभी हार भी… પણ શ્રાવણ મહિનામાં જુગારના શોખીનો માટે જિંદગી જુગાર નહીં, પણ જુગાર જ જિંદગી બની જાય છે. આપણા મોટા ભાગના સાર્વજનિક તહેવારોમાં ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ હોય છે કારણ કે લાઈટીંગ/મ્યુઝીક થોકબંધ ભાવમાં વપરાતું હોય છે. એ બાબતમાં સાતમ-આઠમ એક સુખદ અપવાદ છે. નવરાત્રીમાં કે ગણેશોત્સવમાં પાંચ માણસો ભેગા થઇને કરે, તેનાથી દસમા ભાગનો અવાજ પણ એક રૂમમાં બેસેલાં દસ માણસો વચ્ચેથી આવતો નથી.

તીનપત્તી એક અલગ જ પ્રકારની ગેમ છે. બીજા સ્પોર્ટસની જેમ આમાં કૂદાકૂદ બહુ હોતી નથી. લોકો શાંતિપૂર્વક આ ખેલને રમે છે. જો કે આમાં ‘ખેલરત્ન’ કે ‘અર્જુન/દ્રોણાચાર્ય’ એવા કોઈ એવોર્ડ દેવાયા હોય એવું ધ્યાનમાં નથી. પણ જે રાત્રે કોઈ મબલખ પ્રમાણમાં જીતે, તેની માટે તો જીતેલી રાશિ એક એવોર્ડ જ ગણવો રહ્યો. પાંચ જણનો પરિવાર હોય અને સાથે બહાર હોટલમાં જમવા જાય તો અંદાજે કેટલો ખર્ચો આવે? માથા દીઠ 200 રૂપિયા ગણીયે તો 1000 થાય, તીનપત્તીમાં તો સાડા ત્રણસો-ચારસો રૂપિયામાં આખી રાતનો આનંદ મળે.

જે પૈસે ટકે સુખી અને સમૃદ્ધ હોય એ ખેલવીરો ક્લબમાં બેસીને જુગાર રમે. પણ એ ચારે બાજુથી બંધ ખોખા જેવા ક્લબ કરતાં કોઈ સોસાયટીમાં કે પોળમાં કે ટેરેસ પર પત્તાં રમવાની મજા જ કંઈક ઓર છે. કોઈ એક જણના ઘરે લોકો સમયસર ભેગાં થાય. તમે ઘરે ભજન કે કીર્તન રાખ્યા હશે ત્યારે લોકો એટલા સમયસર નહીં આવે, પણ પત્તાં રમવામાં એકદમ ટાઈમના પાબંદ. કોઈ પૂછે તો એમ કહે કે ‘પંદર મિનિટમાં તો છ ગેમ થઈ જાય, ભાઈ!’ સ્થળની શોધ પૂરી થાય પછી બેસવા માટે સારી જગ્યાની શોધ આરંભાય છે. જ્યાંથી કોઈ બીજું આપણાં પત્તાં ન જોઈ લે એવી ખૂણાની અને પનોતી કે બેડલક વગરની જગ્યા ખૂબ ડિમાન્ડમાં હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે, જે સ્થાનકે આપ બેઠા બેઠા પત્તા ચીપતાં હો, એ મનહૂસ હોય ને આપને બાજી જ ન ચઢે. એક નાનકડો સ્થાનફેર કરવાથી ઘડીભરમાં બાજી પલટાઈ શકે છે. આને માટે પત્તાં શાસ્ત્રમાં, ‘કટ-ફોર’ની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘણી વાર એવું પણ બને કે આપણી બાજુમાં બેસેલી વ્યક્તિ અભાગી કે બૂંદિયાળ હોય તો એનાથી દૂર જવા માટે પણ ‘કટ-ફોર’નો સહારો લેવાય છે. ઘણાં લોકો જુગાર રમવા માટે શ્રાવણ મહિનાની રાહ નથી જોતાં, ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તે સીઝનમાં રમવાની જગ્યા અને રમનારા સાથીદારો શોધી કાઢે છે. આથી ઊલટું, ઘણાં લોકો ફક્ત અને ફક્ત શ્રાવણ મહિનામાં જ જુગાર રમે છે. જેમ દરેક દારૂ પીનારો ‘દારૂડિયો’ નથી હોતો તેમ દરેક જુગાર રમનારો ‘જુગારી’ નથી હોતો.

રમનારા લોકોમાં બેએક જણ એકદમ એક્સપર્ટ હોય જેને પત્તાંની ફરકડી મારતાં ખૂબ જ સરસ આવડતી હોય. એ લોકો ફરકડી મારે ત્યારે આખું ઝૂંડ એમને જોતું રહી જાય. ઘણાંને પત્તાં ચીપવામાં વધુ રસ હોય છે એ દરેક બાજી પત્યા પછી પત્તાં ઉપાડી લે અને પૂછે – કોની ચીપ છે? આથી ઉલટું, ઘણાં લોકો એટલાં આળસુ હોય કે એમને એમની પોતાની બાજીના પત્તાં કોઈ બીજાએ આપવા પડે, જો જીતે તો જીતેલી રકમ એમનાં સુધી પહોંચાડવી પડે અને પત્તાં ચીપવાનો તો એમને બહુ કંટાળો આવતો હોય છે. પત્તાં રમનારા લોકોની એક ફિલસૂફી હોય છે – ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારાથી કરે.

ઘણા પત્તાંપ્રેમીઓ તો ધૃતરાષ્ટ્રની જેમ બ્લાઈન્ડ બ્લાઈન્ડ કરતાં સામે વાળાને આંધળો કરી મૂકે. અને પોતે એટલા ભાગશાળી હોય કે સાલાને બ્લાઈન્ડમાં ય કલર, રૉન ને પંજાના ટ્રાયા નીકળે. ઘણાં પાંડવ જેવા રમે ઓછા ને હારે વધુ. ત્રણ કલાક રમે પણ એક પાનું ન ચડે બિચારાને. એના મનમાં એમ હોય કે એક મોટી ગેમ આવે તો કવર થઈ જાય પણ કવરના ચક્કરમાં સવાર થઈ જાય.

લાગતું વળગતું: ગર્જતા ચાલીસા – ચાલીસ કી ઉમ્ર કે ઉસ મોડ પર!!

પત્તાં રમતી વખતે, દરેક રમનારા માટે અખાનો છ્પ્પો લાગુ પડે – ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ!’ દરેકે દરેક બાજી વખતે રમનારાઓ પ્રાર્થના કરતાં હોય. જેમ વસ્ત્રહરણ વખતે દ્રોપદી પોતાના ચીર પૂરાય જાય એવી પ્રાર્થના કરતી હતી તેમ બે રાણી જોયા પછી ત્રીજી પણ રાણી આવશે એ આશાએ ચાચરના ચોક અને ગબ્બરના ગોખવાળા માતાજી, દ્વારિકાથી કાળિયા ઠાકર, બગદાણાથી બાપા સીતારામ, વીરપુરથી જલારામબાપા અને શિરડીથી સાઈબાબાને એકસાથે નોતરાં મોકલવામાં આવે છે. આખું વર્ષ શ્રાવણ મહિનાની રાહ જોતો હોય એવા પત્તાંના રસિયાને તમે પૂછો કે રમો છો કે નહીં, તો જવાબ આપશેઃ હું તો ખાલી સાતમ-આઠમ પૂરતો જ પત્તાં રમું છું, એ સિવાય પત્તાંની સામુએ ના જોઉં. અને એકવાર રમવા બેઠા પછી પણ આપણો કંટ્રોલ કેવો? નક્કી કર્યું એ સમયે ઊભું થઈ જ જવાનું. હાર્યા હોય કે જીત્યા હોય, આ તો બે ઘડી મજા. (બે ઘડીના બહાને આખી આખી રાત કાઢી નાખે). અને હારી પણ ગ્યા તો પાંચસો-છસો રૂપિયામાં લાખ રૂપિયાનો આનંદ મળે છે એ મહત્વનું છે.

જો કોઈ એક ને એક પત્તું દરેક બાજીમાં આવે તો રમનારાને થાય, “આ ચરકટનો પંજો કે’દીનો આંય ગુડાણો છે અને દરેક વખતે બે દાણા ખૂટે છે.” અને જ્યારે એને પાક્કી રૉન થવાની હોય ત્યારે જ પંજો ન આવે તો બોલી ઊઠે, “જો આ વખતે પંજાની જરૂર હતી તો, બાજુવાળા પોપટને ત્યાં પંજો જઈને બેઠો”. “સાલું… જરાક માટે રહી ગયું…! એક તીરી આઇ ગઈ હોત તો ટ્રાયો થતો’તો, બોલો… છે ને કમનસીબી ?” એવું કહીને પોતાની પડી ગયેલી બાજી બધાને બતાય- બતાય કરનારાઓનો આ જગમાં તોટો નથી. આવું કોઈકવાર કહેતો હોય તો ઠીક, પણ દરેકે દરેક બાજીએ ચૂકી જાય અને લોહી આપણા પીધે રાખે. કોઈ એક જ જણને લગાતાર બાજી આવતી હોય તો રમનારા બધાં બોલશે, “હાલો હવે ‘કટ-ફોર’ કરો. કયુંની એક ગેમ નથી આયવી! અને આ મગનિયાએ તો આજે બધાને ઢીબેડી નાખ્યાં, બાપ! આમની કોર બાજી આવવા જ નથ્ય દે’તો.”

પત્તાંની કૅટમાં બાવન પત્તાં હોય છે જેને લોકો ઘણી વાર બાવન પાનાંની ગીતા તરીકે પણ સંબોધે છે. તીનપત્તી તો ઠીક પણ રમી રમનારા રમીભક્તો તો એક હાથમાં 13 કે 21 પત્તાં એવી રીતે પકડી રાખે જેવી રીતે કોઈ જાપનીઝ સ્ત્રીએ પંખો પકડ્યો હોય.

જીવન અને જુગાર એટલેકે તીનપત્તીમાં એક જ સામ્ય છેઃ અનિશ્ચિતતા. ‘ન જાણ્યું જાનકિનાથે શું થાશે કાલે સવારે’ એ રીતે આ બાજીમાં પાક્કી રૉન આવી તો આવતી બાજીમાં અઠ્ઠો ભારી બાજી આવે. તીનપત્તીમાં મોટાભાગે બે પત્તાં તબલાં-તોડ આવશે પણ ત્રીજું પત્તું ભંગારના પેટનું આવશે જેમ કે કાળીના એક્કો-દૂરીની સાથે છેલ્લે ચરકટનો સત્તો આવશે. જીવનમાં પણ એવું જ છે. સુખના બે પત્તાંની વચ્ચે દુઃખનું પણ એક પત્તું હશે જ! આમ જોવા જઈએ તો તીનપત્તી એ ખરેખર હિંમતવાળાની ગેમ છે. હિંમત કરો તો દસ્સાભારે હોય તોયે બાજી આવી જાય અને હિંમત ન કરો તો બે દસ્સાની જોડમાંયે પેક થઈ જવું પડે. જીવનમાં પણ જો હિંમત કરીએ અને રીસ્ક લઈએ તો શું નથી થતું? તમે ભલે બાજી બ્લાઈન્ડમાં રમો કે જોઈને રમો, છેલ્લે તો બધાંને પત્તાં ખોલવાના જ છે. અને જેના જેવા પત્તાં હશે એવો માલ મળશે. દર ત્રીજી-ચોથી મિનિટે નવી બાજી આવે ને એક એક બાજી જોતી વખતે કોઈ મહાન સત્ય આપણી સામે ખૂલવાનું હોય, એમ ‘મન મોર બની થનગાટ કરે’. પણ જો બાજી ન આવે તો એ જ ‘મન બોર બની કકળાટ કરે’. સાચે જ જિંદગી હૈ એક જુઆ!

પડઘોઃ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,

મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીયો

– નરસિંહ મહેતાના પ્રભાતિયામાં કૃષ્ણ-નાગણ સંવાદમાંથી

eછાપું 

તમને ગમશે: કાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here