સાચી પડેલી ફેન થિયરીઝ, હેરી પોટર થી લઈને સ્પાઇડરમેન સુધી

0
416
Photo Courtesy: mirror.co.uk

પાછલા અંકમાં આપણે જોયું કે કઈ રીતે પોતાને ગમતી ફિલ્મ કે કૃતિઓની નાનામાં નાની ડિટેઇલ ઉપરથી ફેન્સ એક અલગ વાર્તા જ બનાવી નાખે છે. ઘણી વખત એ વાર્તા ફેન થિયરીના નામે એક ઈચ્છા હોય છે કે આવું થાય, અને ઘણી વખત આ ડિટેઇલ અને જે તે ફેન્સ નું જ્ઞાન એટલું વિશાળ હોય છે કે એમણે બનાવેલી અમુક થિયરીઝ સાવ સાચી પડેલી ફેન થિયરીઝ બની જતી હોય છે અને એ સાચી હોવાનું પ્રમાણ જે-તે સર્જકોએ દેવું પડે છે. આજના આ લેખમાં આપણે એવી અમુક સાચી પડેલી ફેન થિયરીઝ વિષે જાણશું. (અમીન સયાની ના અવાજમાં) તો દિલ થામ કે બૈઠીયે દોસ્તો, ક્યુકી આજ ઇસ કહાનીમેં હેરી પોટર ભી હૈ, ટારઝન ભી હૈ, જીસસ ક્રાઈસ્ટ ભી હૈ ઔર તો ઔર સ્પાઇડરમેન ભી હૈ, તો આવો જાણીએ અમુક સાચી પડેલી ફેન થિયરીઝ વિષે…(અમીન સયાની નો અવાજ પૂરો) .

1. હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ: ડમ્બલડોર પોતે ડેથ છે.

બેકગ્રાઉન્ડ: હેરી પોટરના અંતિમ ભાગ ધ ડેથલી હેલોઝ માં હર્માઇની એક વાર્તા કહે છે, જેમાં ત્રણ જાદુગર ભાઈઓ એક નદી પાર કરતી વખતે ડેથ ને મળે છે. સામાન્ય રીતે જે નદીને પર કરતા કરતા લોકો મૃત્યુ પામે છે એ નદી પર જાદુગર ભાઈઓ જાદુથી પુલ બનાવે છે, એટલે ડેથને છેતરાયાની લાગણી થાય છે. સાથે સાથે ડેથ આ ત્રણેય ભાઈઓને પોતાના ચાતુર્ય માટે મોં માંગી ભેટ આપવાનું પણ કહે છે.

ત્રણેય માંથી મોટો ભાઈ સહુથી પાવરફુલ જાદુઈ છડી માંગે છે. પણ જે રાત્રે એ છડી એને મળી હોય એ જ રાત્રે એક સામાન્ય જાદુગર એની હત્યા કરીને છડી લઇ લે છે, અને એમ ડેથ મોટા ભાઈને હરાવી દે છે. વચલો ભાઈ થોડો વધારે ચતુર નીકળે છે અને એવા પથ્થરની માંગણી કરે છે જેનાથી એ મૃત્યુ પામેલા સ્વજનોને પુનર્જીવિત કરી શકે. એ પથ્થરની મદદથી વચલો ભાઈ એની મૃત પ્રેમિકા ને જીવતી તો કરે છે, પણ એ પ્રેમિકા પોતે દુઃખી થઇ ફરી પોતાની મૃત દુનિયામાં જતી રહે છે, અને વચલો ભાઈ એની મૃત પ્રેમિકા ને જલ્દી મળવા  માટે આપઘાત કરી લે છે અને ડેથ વચલા ભાઈને પણ હરાવી દે છે. નાનો ભાઈ થોડો વધારે વિનમ્ર હોય છે અને એ ડેથ પાસે થી એવી માંગણી કરે છે કે ડેથ એને ક્યાંય અનુસરી ન શકે એટલે ડેથના અદ્રશ્ય કાપડનો એક ટુકડો માંગે છે. નાનો ભાઈ એ ટુકડાનો ઉપયોગ કરી બહુ લાબું અને સુખી જીવન જીવે છે. અને જયારે એની ઉંમર થાય ત્યારે એ અદ્રશ્ય કાપડનો ટુકડો પોતાના પુત્ર ને આપી ડેથને રાજીખુશી થી સ્વીકારી એની સાથે જતો રહે છે. ડેથ એ આપેલી આ ત્રણેય વસ્તુઓ એલ્ડર વાન્ડ (શક્તિશાળી છડી), રેઝરેક્શન સ્ટોન(પુનર્જન્મનો પથ્થર) અને ઇન્વિઝિબિલિટી ક્લૉક(અદ્રશ્ય ચોગુ) હેરી પોટરની વાર્તાઓમાં યોગ્ય સમયે દેખાતી રહે છે અને ઘણી વાર વાર્તાઓનો મુખ્ય પોઇન્ટ આ ત્રણ માંથી એક વસ્તુ હોય છે. આ વાર્તા હેરી પોટરમાં મસ્ત એનિમેશન થી દેખાડી છે, જેનોં વિડીયો અહીં રહ્યો.

ફેન થિયરી વિથ પ્રૂફ: ડમ્બલડોર પોતે ડેથ છે , વોલ્ડેમોર્ટ પોતે મોટોભાઈ છે જેને માટે પાવર મહત્વનો છે. સેવેરસ સ્નેપ વચલો ભાઈ છે જેને માટે એની મૃત પ્રેમિકા (લીલી પોટર)મહત્વની છે અને હેરી પોટર નાનો ભાઈ છે જેણે મૃત્યુનો હસી ખુશીથી સ્વીકાર કર્યો. અને ડમ્બલડોર પોતે ડેથ છે અને આખી સિરીઝમાં ડમ્બલડોર હેરી નો મિત્ર બની રહે છે. ઉપરાંત ડેથની જેમ જ ડમ્બલડોર પાસે આ ત્રણેય વસ્તુઓ આખી સિરીઝ દરમ્યાન હોય છે.

સ્વીકાર: હેરી પોટરની લેખિકા જે કે રોલિંગ ટ્વીટર પર વધારે સક્રિય છે અને ફેન્સ ઘણીવાર વાર્તાલાપ કરે છે. એણે 2015માં એક ટ્વીટમાં આ સાચી પડેલી ફેન થિયરીઝ વાળી વાત કન્ફર્મ કરી.

2. પ્રોમેથિયસ અને એલિયન સિરીઝ: જીસસ ક્રાઈસ્ટ એક એન્જીનીયર છે.

બેકગ્રાઉન્ડ: નિર્દેશક રીડલી સ્કોટ હોલીવુડના ફિલ્મ રસિયાઓ માટે બહુ જાણીતું નામ છે. ધ માર્શિયન, ગ્લેડિયટર, રોબિન હૂડ અને બ્લેડ રનર જેવી ફિલ્મો બનાવવા માટે વખણાયેલા આ ડિરેક્ટર ને ખ્યાતિ મળી છે એની “એલિયન” સિરીઝ થી જે બહુ પ્રખ્યાત સાયન્સ ફિક્શન હોરર ફિલ્મોની સિરીઝ છે. આ સિરીઝમાં માનવજાતની ડરાવના એલિયન્સ સામેની લડાઈ દેખાડી છે. અને 2012માં આવેલી ફિલ્મ ધ પ્રોમેથિયસ  આ સિરીઝની પ્રિક્વલ હતી. આ ફિલ્મમાં અમુક સિલેક્ટેડ વૈજ્ઞાનિકો પ્રોમેથિયસ નામના અવકાશયાનમાં બેસીને એક જુના અવકાશી નકશાને અનુસરતા જાય છે, જે નકશો ફિલ્મના મુખ્ય પાત્ર ના પ્રમાણે “એન્જીનીયર્સ” નામની પ્રજાતિએ માનવજાત ને આપ્યો છે, અને માનવજાત ની રચના પણ એન્જીનીયર્સેજ કરેલી છે.

એન્જીનીયર: ફિલ્મ પ્રોમેથિયસ(2012) courtesy: http://alienanthology.wikia.com

ફેન થિયરી વિથ પ્રૂફ: જીસસ ક્રાઈસ્ટ એ “એન્જીનીયર્સે” મોકલેલા દૂત હતાં. (સ્પોઈલર એલર્ટ) ફિલ્મની શરૂઆતમાં જ પ્રોમેથિયસની ટીમને ઘણાં એન્જીનીયર્સના શબ મળે છે. અને ફિલ્મની મુખ્ય પાત્ર એવી ડોક્ટર એલિઝાબેથ શૉ ના કહેવા મુજબ આ શબ બે હજાર વર્ષ જુના છે. ફિલ્મના અંતમાં જયારે મુખ્ય પાત્રો એક બચેલા એન્જીનીયરને મળે છે ત્યારે એન્જીનીયર ગુસ્સે થઇ બધા લોકોને મારી નાખવાની કોશિશ કરે છે. એ સીનમાં ચોખ્ખે ચોખ્ખું એવું દેખાય છે કે એન્જીનીયર્સને માનવજાત થી નફરત છે. આ પહેલા ફિલ્મમાં પુરાતન ચિત્રો દ્વારા એવું પણ દેખાડવામાં આવ્યું છે કે આ જ એન્જીનીયર્સ વખતો વખત પૃથ્વી પર આવીને માનવજાતને પોતાનાં  સુધી પહોંચવાનો રસ્તો દેખાડતા રહ્યા છે. તો અચાનક એવું શું થયું કે જેનાથી એન્જીનીયર્સ માનવજાતને ધિક્કારવા લાગ્યા?

ફેન થિયરી મુજબ માનવજાત જ્યારે કાબુ બહાર જવા લાગી ત્યારે એને કાબુમાં કરવા એન્જીનીયર્સે પૃથ્વીપર એક દૂત મોકલ્યો, અને કદાચ એ દૂતનું કહ્યું માનવજાત ન માને તો બેકઅપ તરીકે માનવજાતને નષ્ટ કરવા માટે એન્જીનીયર્સે એક બાયો-વેપન બનાવ્યું. પણ આ વેપન કાબુ બહાર જતું રહ્યું અને એટલે એક ને બાદ કરતાં બધાજ એન્જીનીયર્સ બે હજાર વર્ષ પહેલા મૃત્યુ પામ્યા, હવે જો આ વાત સાચી હોય તો આજથી બે હજાર વર્ષ પહેલા પૃથ્વી પર કોણ આવ્યું હતું? ઓફકોર્સ જીસસ ક્રાઈસ્ટ, મતલબ જીસસ ક્રાઈસ્ટ એન્જીનીયર્સના મોકલેલા શાંતિદૂત હોવા જોઈએ.

સ્વીકાર: 1. ફિલ્મના ડિરેક્ટર રીડલી સ્કોટસે મુવીઝ.કોમ ને આપેલા ઇન્ટરવ્યૂમાં આ થિયરી કબૂલ કરી

2. ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી ફિલ્મની ઓરીજીનલ સ્ક્રિપ્ટ ઓનલાઇન આવી અને એમાં એક મુખ્ય પાત્ર ના મોઢે આ સાચી પડેલી ફેન થિયરીઝ હોઈ એ મતલબનો ડાયલોગ મુક્યો હતો, જે તમે પાનાં નં 58 ની શરૂઆતમાં જોઈ શકશો.

3. ધ ટેરન્ટીનોવર્સ – કવેન્ટીન ટેરન્ટીનો ની અલગ દુનિયા.

બેકગ્રાઉન્ડ: કવેન્ટીન ટેરન્ટીનો, જે હું ફરી એક વાર યાદ અપાવી દઉં કે કોઈ ગાળ નથી, એક ડિરેક્ટરનું નામ છે. અને એમણે ત્રીસ વર્ષની કરિયરમાં દસ બહુ સરસ ફિલ્મો બનાવી છે. જેમાં કિલ બિલ, Django Unchained, Inglorious Basterds જેવી વખણાયેલી ફિલ્મો છે.

Tarantinoverse- with Director Quentin Tarantino in the middle: Courtesy: DailyMirror

ફેન થિયરી વિથ પ્રૂફ: ફેન્સ રિઝર્વોયર ડોગ્સ(1992) અને પલ્પ ફિક્શન(1994) ના બે પાત્રો વીક વેગા અને વિન્સેન્ટ વેગા બંને ની અટક સરખી હોવાને લીધે બંને ભાઈઓ હશે એવી ધારણા એ સમય રાખી રહ્યા હતા. અને ટેરન્ટીનોએ આવું ઘણીવાર કર્યું છે. જેમકે Inglorious Basterds માં સાર્જન્ટ ડોની ડોનોવીત્ઝ અને ટ્રુ રોમાન્સમાં લિ ડોનોવીત્ઝ, ધ હેટફુલ એઈટ નો પીટ હિકોક્સ અને Inglorious Basterds નો આર્ચિ હિકોક્સ. આ બધી ફિલ્મો અલગ અલગ સમયગાળાની છે અને કોઈપણ બે ફિલ્મોની વાર્તામાં કોઈ સામ્ય નથી. એટલે લોકોએ એવું ધારી લીધું કે ટેરન્ટીનોની બધીજ ફિલ્મો માર્વેલનાં યુનિવર્સની જેમ એક શેર્ડ યુનિવર્સમાં હોવી જોઈએ.

અને એના પ્રૂફ ફેન્સ વર્ષોથી આપતા રહ્યા છે. અને આ થિયરી જોર ત્યાર પકડી જયારે Django Unchained ના મુખ્ય પાત્ર ડૉ. શકલ્ટઝ ના મોઢે એવું બોલાવરાવ્યું કે એણે છેલ્લા પાંચ વર્ષથી ડેન્ટિસ્ટ્રી ની પ્રેક્ટિસ નથી કરી. Django Unchained 1858 માં આકાર લે છે. આ તરફ ટેરેન્ટિનોની અતિ વખણાયેલી ફિલ્મ કિલ બિલ 2 માં મુખ્ય પાત્રને એક પૌલા શકલ્ટઝની કબર માંથી બહાર નીકળતી દર્શાવી છે, જેનું મૃત્યુ 1898માં થાય છે, ઘણા ફેન્સ આને ભૂલથી 1853 સમજી બેઠા હતા અને એટલે ડૉ. શકલ્ટઝ ને પૌલા શકલ્ટઝના પતિ માની બેઠા હતા…. અહીંયા ફેન્સ સાવ ખોટા ન હતા, પૌલા શકલ્ટઝ અને ડૉ શકલ્ટઝ વચ્ચે કૈક તો સંબંધ હતોજ.

સ્વીકાર: ઓસ્ટ્રેલિયન ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કવેનટીન ટેરન્ટીનોએ આ વાત કબૂલ કરી છે. જોકે શકલ્ટઝ ના વિષે કઈ સ્પષ્ટીકરણ નથી કર્યું, પણ એટલું જરૂર કહ્યું છે કે બે સરખી અટક ધરાવનારા બે પાત્રો એકબીજા ના સંબંધી જ હશે.

શેર્ડ યુનિવર્સની જ વાત નીકળી છે તો હજુ એક શેર્ડ યુનિવર્સ વિષે એક વધારે સાચી પડેલી ફેન થિયરીઝ છે

4. ફ્રોઝન ની એલ્સા અને ટારઝન બંને ભાઈ બહેન હોવા જોઈએ

બેકગ્રાઉન્ડ: 2013માં આવેલી ફ્રોઝન ડિઝનીની સહુથી સફળ એનિમેટેડ ફિલ્મોમાંની એક છે. આજની તારીખે નાની બાળાઓની સ્કુલબેગ્સ અને કંપાસબોક્સમાં ફ્રોઝનની હિરોઈન એલ્સાના ચિત્રો જોવા મળે છે.

ફ્રોઝન ની પ્રિન્સેસ એલ્સા અને ટારઝનનું કનેક્શન Courtesy: Mashable.com

ફેન થિયરી વિથ પ્રૂફ: ફ્રોઝનમાં ફિલ્મની શરૂઆતમાં જ એવું દેખાડે છે કે પ્રિન્સેસ એલ્સા અને એન્નાના માતા-પિતા દરિયામાં તોફાન દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. પણ 1999ની એનિમેટેડ ફિલ્મ ટારઝનમાં એવું દેખાડે છે કે બે માણસો દરિયામાં તોફાન દરમ્યાન બચી જાય છે અને જંગલમાં ટારઝનને જન્મ આપે છે. ફેન્સ એવું વિચારતા હતા કે કદાચ એલ્સાના માતાપિતા એ તોફાન દરમ્યાન બચી ગયા હોવા જોઈએ. અને ટારઝન એ એલ્સા અને એન્ના નો ખોવાયેલો ભાઈ હોવો જોઈએ.

સ્વીકાર: ચાર વર્ષ પહેલા રેડ્ડિટ માં IAmA ના સેશન દરમ્યાન ફ્રોઝનના ડિરેક્ટર્સ ક્રિસ બક અને જેનીફર લિ એ આ થિયરી કન્ફર્મ કરી (એક આડવાત- રેડ્ડિટ આપણી આ સિરીઝમાં બીજી વાર આવ્યું છે, અને આવતું રહેશે તો જેને રેડ્ડિટ વિષે ખબર ન હોય એ આ પોસ્ટ વાંચી લે). ક્રિસ બક એ પોતે આ વાત કહી કે એલ્સાના માતાપિતા તોફાન દરમ્યાન મૃત્યુ પામ્યા ન હતા પણ એ બચી ગયા, આ દરમ્યાન એલ્સાની માતા ગર્ભવતી હતી અને એમણે એક બાળકને જન્મ આપ્યો. અને એલ્સાના માતા પિતા એક દીપડાના હુમલામાં મૃત્યુ પામ્યા. આ સેમ સીન 1999ની ટારઝનની શરૂઆતમાં આવે છે, અને ક્રિસ બક એ ફિલ્મનાં ડિરેક્ટર હતા.

મતલબ ડિઝની એક શેર્ડ યુનિવર્સ છે? હોઈ શકે, કેમકે ડિઝની માટે શેર્ડ યુનિવર્સ ની નવાઈ નથી. કેમકે અત્યારસુધીનું સહુથી મોટું શેર્ડ યુનિવર્સ, નામે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ડિઝની ની જ પ્રોપર્ટી છે. અને આગલી બે સાચી પડેલી ફેન થિયરીઝ MCU ની જ છે.

5. સ્પાઇડરમેન ની એન્ટ્રી માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં સિવિલ વોર કરતા બહુ પહેલાથી થઇ છે.

બેકગ્રાઉન્ડ: જોકે સ્પાઇડરમેનને કે માર્વેલ સિનેમેટિક યુનિવર્સને સહેજેય પરિચયની જરૂર નથી. MCU એ છેલ્લા દસ વર્ષ માં હોલીવુડ ની કાયાપલટ કરી નાખી છે. પણ શરૂઆતના વર્ષોમાં મારી જેવા એવા ઘણા ફેન્સ હતા કે જે આમાં સ્પાઇડરમેન ની ગેરહાજરીથી દુઃખી હતા. પણ માર્વેલે ફેન્સ ની આ ફરિયાદ બે વર્ષ પહેલા સિવિલ વોરમાં સ્પાઇડરમેન ને દેખાડી દૂર કરી દીધી.

જોકે ફેન્સની નઝર કોઈપણ નાની ડીટેઇલથી છુપી રહી શકે એમ નથી, આયર્નમેન 2 ના અંતમાં આયર્નમેન એક નાના બાળકને બચાવતો દેખાડે છે એ બાળકે આયર્નમેન નો માસ્ક પહેરેલો હોય છે.

ફેન થિયરી વિથ પ્રૂફ: આ બાળક પીટર પાર્કરજ હોઈ શકે. એ બાળક આયર્નમેન નો ફેન હતો અને આ સીન જે સ્ટાર્ક એક્સ્પોમાં થયો હોય એવું દેખાડ્યું છે માં એ સીન ની ડિટેઇલ જોતા આ બાળક થોડો સાયન્ટિફિક મગજનો પણ હતો. ઉપરાંત MCUમાં પીટર પાર્કરને પહેલેથી ટોની સ્ટાર્કનો ફેન બતાવ્યો છે. અને આયર્નમેન 2 અને સ્પાઇડરમેન હોમકમીંગ વચ્ચેનો ગેપ જોતા એ બાળક પીટર પાર્કર જ હોવો જોઈએ.

સ્વીકાર: 1. સ્પાઇડરમેન બનતા એક્ટર ટોમ હોલાન્ડએ એ વસ્તુ કન્ફર્મ કરી છે કે માર્વેલ સ્ટુડિયોઝનાં બોસ કેવી ફેઇજને આ આઈડિયા ગમ્યો છે.

2. સ્પાઇડરમેન હોમકમીંગ ના ડિરેક્ટર જ્હોન વોટ્સએ પણ આ વાત કન્ફર્મ કરી છે, અને એની સાબિતી માટે સ્પાઇડરમેન હોમકમીંગ અને એવેંજર્સ વચ્ચેના પસાર થયેલા આઠ વર્ષને ગણ્યા છે, જોકે એ અલગ વાત છે કે એવેંજર્સ ઇન્ફિનિટી વોર્સ ના ડિરેક્ટર્સ રુસો ભાઈઓએ આઠ વર્ષ  વાળી ટાઇમલાઈનને નકારી છે પણ બાકી બધી ડિટેઇલ નકારી નથી.

અને હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ને લગતી એક ઔર સાચી પડેલી ફેન થિયરીઝ,

6. સ્ટાન લિ વોચર છે.

બેકગ્રાઉન્ડ: સ્ટાન લિ માર્વેલ કોમિક્સના ઘણા કેરેક્ટર્સનાં સર્જક છે. જેક કિર્બી અને સ્ટીવ ડીકટો સાથે મળીને એમણે સ્પાઇડરમેન, આયર્નમેન, એક્સમેન, ડોક્ટર સ્ટ્રેન્જ, હલ્ક જેવા ઘણા પાત્રોનું  સર્જન કર્યું  હતું. સ્ટાન લિ પોતે 95 વર્ષના છે અને છેલ્લા 77 વર્ષથી સક્રિય છે. આપણે અહીંયા સુભાષ ઘાઈ જે ફિલ્મો બનાવે એ બધામાં ગેસ્ટ અપિયરંસ કર્યો છે એમ માર્વેલના કેરેક્ટર્સ જે ફિલ્મમાં હોય એવી લગભગ દરેક ફિલ્મોમાં સ્ટાન લિ દાદાએ ગેસ્ટ અપિયરંસ કર્યો છે.

સ્ટાન લિ દાદા, વોચર તરીકે. Courtesy Flickering Myth

ફેન થિયરી વિથ પ્રૂફ: સ્ટાન લિ દાદા માર્વેલની દરેક ફિલ્મોમાં છે અને એ બધીજ ફિલ્મોમાં એ એક જ રૂપ રંગમાં દેખાય છે. ચાહે એ  વિશ્વયુદ્ધ દરમ્યાન થયેલી કેપ્ટાન અમેરિકા ધ ફર્સ્ટ એવેન્જર હોય કે 2018માં થયેલી બ્લેક પેન્થર કે એવેંજર્સ ઇન્ફિનિટી વોર્સ હોય, સ્ટાન લિ ના પાત્રોમાં ફેરફાર થયો હોય પણ એના દેખાવમાં નહિ. ઉપરાંત સ્ટાન લિ દરેક ફિલ્મોમાં હોય તો ખરા પણ તેઓ ફિલ્મની કોઈ પણ ઘટનાને બદલી શકે એવી દખલ નથી દેતા.

અને માર્વેલ કોમિક્સમાં એવી પ્રજાતિ છે, વોચર્સ જે યુનિવર્સમાં થતી બધીજ ઘટના જુએ છે અને સમજે છે પણ કોઈ ઘટનામાં દખલ નથી દઈ શકતા. અને ફેન્સ વર્ષોથી એ કહેતા આવ્યા છે કે સ્ટાન લિ ના કેરેક્ટરના બધાજ લક્ષણો વોચર્સને મળતા આવે છે તો તેઓનું કેરેક્ટર વોચરનું જ હોવું જોઈએ.

સ્વીકાર: વેલ વેલ વેલ, માર્વેલે આ સાચી પડેલી ફેન થિયરીઝ નો માત્ર સ્વીકાર જ નથી કર્યો, પણ જોરદાર સ્ટાઇલ થી કર્યો. અત્યાર સુધી ની સાચી પડેલી ફેન થિયરીઝ માં જે તે સર્જકે કોઈ ઇન્ટરવ્યૂ માં કોઈ વાત કબૂલ કરી હોય. જયારે અહીંયા માર્વેલ ખુદ એક સીન બનાવીને આ થિયરીનો સ્વીકાર કર્યો. 2017માં આવેલી ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીના બીજા ભાગના પાંચ પોસ્ટ ક્રેડિટ સીન માંથી એકમાં એવું દેખાડ્યું છે કે સ્ટાન લિ વોચર્સને પોતાની સિવિલ વોર વાળી વાર્તા સંભળાવતા હોય પણ વોચર્સને એ વાતોમાં કંટાળો આવતો હોય. આવું કહી માર્વેલે એ સ્વીકાર કર્યો છે કે સ્ટાન લિ એક વોચર જ છે.

વેલ માર્વેલની પાસે એવી ઘણી ફેન થિયરીઝ છે. અને એવેંજર્સ ઇન્ફિનિટી વોર્સ ની રિલીઝ પછી આ સાચી પડેલી ફેન થિયરીઝ ની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. એ કઈ ફેન થિયરીઝ છે અને એમાં કેમ ઉછાળો આવ્યો છે એનું એક જોરદાર કારણ છે, જેના વિષે આપણે આગલા અંકમાં જાણીશું, ત્યાં સુધી.

મે ધ ફોર્સ બી વિથ યુ….

eછાપું 

તમને ગમશે: આવો જાણીએ હોલીવુડની અજબ સ્પેશીયલ ઈફેક્ટસ ની ગજબ કહાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here