આવો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એટલે શું તેને સરળ ભાષામાં સમજીએ

0
362
Photo Courtesy: dnaindia.com

આ મહિનાની પહેલી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક એટલેકે IPPB ની શરૂઆત કરી હતી. ઘણાના મનમાં આ બેન્ક શું છે, પોસ્ટલ વિભાગ વળી બેન્કિંગ ક્ષેત્રમાં શું કરે છે તેમજ આ પેમેન્ટ્સ બેન્ક અન્ય બેન્કોથી અલગ કેવી રીતે કાર્ય કરશે તેવા ઘણા બધા સવાલો છે. તો ચાલો તમારા આ જ સવાલોના જવાબ જાણીએ એકદમ સરળ ભાષામાં!

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એટલે શું?

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક એ ભારતના પોસ્ટલ વિભાગ હેઠળ એક જાહેર ક્ષેત્રની કંપની તરીકે શરુ કરવામાં આવી છે, જેમાં ભારત સરકારની 100% ઈક્વિટી છે અને તેનું નિયંત્રણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) કરશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક શરુ કરતા અગાઉ સરકારે જાહેર કર્યું હતું કે સહુથી પહેલા તે આ બેન્ક કયા પ્રકારની હશે તે અંગેના નિયમો નક્કી કરશે અને આ વર્ષે પોતાના બજેટના ભાષણમાં  નાણામંત્રી અરુણ જેટલીએ સરકાર પોસ્ટલ વિભાગની પહોંચનો લાભ ઉઠાવવા એક પેમેન્ટ્સ બેન્ક શરુ કરશે તેવી જાહેરાત કરી હતી. 2017ની 30 જાન્યુઆરીએ છત્તીસગઢના રાયપુર અને ઝારખંડના રાંચીમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની બે પાયલોટ બ્રાંચ શરુ કરવામાં આવી હતી.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક કયા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે

એક સામાન્ય બેન્કની જેમ જ આ નવી શરુ થયેલી પેમેન્ટ્સ બેન્ક પોતાની વિવિધ સેવાઓ પોતાના ગ્રાહકોને  ઉપલબ્ધ કરાવશે. આ સેવાઓમાં બચત અને કરન્ટ એકાઉન્ટ્સ ઉપરાંત મની ટ્રાન્સફર, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બિલો અને અન્ય જરૂરિયાતોની ચૂકવણીઓ, ઉપરાંત ATM કાર્ડ્સ, મોબાઈલ બેન્કિંગ, ટેક્સ્ટ બેન્કિંગ, ફોન બેન્કિંગ વગેરે સુવિધાઓ પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોને મળશે.

આ ઉપરાંત વિવિધ જગ્યાઓએ આ બેન્ક ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન યોજનાઓ જેવી  યોજનાઓ પણ થર્ડ પાર્ટી સાથે સહકાર કરીને પોતાના ગ્રાહકોને ઓફર કરી શકે છે.

આ બેન્કમાં કુલ કેટલું રોકાણ કરવામાં આવ્યું છે?

વિવિધ જાહેર ક્ષેત્રોની તેમજ ખાનગી ક્ષેત્રોની બેન્કો સાથેની સીધી સ્પર્ધામાં ટકી રહેવા માટે કેન્દ્ર સરકારે આ પેમેન્ટ્સ બેન્ક પરના કુલ ખર્ચમાં 80%નો વધારો હમણાં થોડાજ દિવસો અગાઉ જાહેર કરીને તેમાં રૂ. 1,435 કરોડનું રોકાણ કર્યું છે.

લાગતું વળગતું: શું ભારતીય બેન્કો નું ભાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એટલું ધૂંધળું છે?

ગ્રામીણ વિસ્તારોમાં આ પેમેન્ટ્સ બેન્કથી કોઈ ફાયદો થશે ખરો?

એક રીતે જોવા જઈએ તો આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક નો મુખ્ય હેતુ જ ગ્રામીણોને નાણાંકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે અને તે પણ તેમના ઘરઆંગણે! ભારતના પોસ્ટલ વિભાગ પાસે લગભગ ત્રણ લાખ જેટલા પોસ્ટમેન તેમજ ગ્રામીણ ડાક સેવકો છે. આ તમામ પાસે મોબાઈલ ફોન તેમજ બાયોમેટ્રિક ડિવાઈસ હોય છે જે ગ્રામીણ વિસ્તારોમાં ડોર ટુ ડોર બેન્કિંગ પૂરું પાડશે.

એક અંદાજા પ્રમાણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં 50,000 જેટલી પોસ્ટ ઓફીસો છે અને અહીં ભવિષ્યમાં જયારે 1,30,000 પોઈન્ટ્સ ઓફ સર્વિસ ગ્રામીણ વિસ્તારની હાલની બેન્કિંગ ઈકોસિસ્ટમને સાડાત્રણ ગણી વધારી આપશે!

અન્ય બેન્કો કરતા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક કેવી રીતે અલગ પડશે?

પેમેન્ટ્સ બેન્કનો મતલબ જ એક અલગ પ્રકારની બેન્ક થાય છે. આ પ્રકારની બેન્કસ જેમાં હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો પણ સમાવેશ થાય છે તે એક ગ્રાહક પાસેથી એક લાખથી વધારે રકમની ડિપોઝીટ લઇ શકતી નથી. આ ઉપરાંત તે અન્ય બેન્કોની જેમ ક્રેડિટ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવી શકતી નથી. અહીં રેગ્યુલર, ડિજીટલ અને બેઝિક એમ ત્રણ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ્સ જોવા મળશે જેમાં વાર્ષિક 4% નું વ્યાજ ચુકવવામાં આવશે. આ ઉપરાંત ડોરસ્ટેપ સુવિધા મેળવવા માંગતા ગ્રાહકોને દરેક વ્યવહાર પર 15 થી 35 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે અને 10,000 રૂપિયાથી વધારાના વ્યવહારો કરી શકાશે નહીં.

હજીતો શનિવારે શરુ કરવામાં આવેલી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં તુરંતજ હાલના પોસ્ટ ખાતાના બચત ખાતાઓને તેમાં જોડી દેવામાં આવ્યા હતા. આ રીતે એકજ દિવસમાં ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં 170 મિલિયન નવા બેન્ક ખાતાઓ જોડાઈ ગયા હતા!

eછાપું

તમને ગમશે: IPL સટ્ટો રમતા પકડાઈ જનારા Arbaaz Khan ના ભવિષ્ય અંગે ચોંકાવનારો ખુલાસો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here