”મેરા બેટા એન્જીનીયર/ડોક્ટર બનેગા” આ બધું અંતે ક્યાં જઈને વાગશે?

0
322
Photo Courtesy: indianexpress.com

લાગે છે કે આપણા દેશના દરેક માતાપિતાને પોતાના સંતાનને ડોક્ટર અથવાતો એન્જીનીયર જ બનાવવા છે. જે ગતિએ આ પ્રકારની મહેચ્છા લોકોના મનમાં ઘર કરી રહી છે તેનાથી પણ તેજ ગતિએ તેનાથી વિરુદ્ધ દિશામાં મોજાંઓ ઉછળી રહ્યા છે તેની આપણને કદાચ ખબર જ નથી. મને તો એવું લાગે છે કે ભવિષ્યમાં આપણે કલ્પના પણ ન કરી હોય એવું બધું કદાચ આપણી નજર સમક્ષ જ જોવા મળે. ઉદાહરણ તરીકે…

એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!

સસ્તામાં સસ્તા ભાવે અમારી ‘ફલાણા’માન્ય ‘દુકાન’ ધ્વારા ઈજનેરી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન અદ્યતન પ્રશાધાનોની મદદથી તમારા મગજમાં ગળે શીરો ઉતરે તેમ ઉતારવામાં આવશે અને એ પણ માત્ર અને માત્ર રૂપિયા ૧ લાખ પ્રતિ વર્ષના ‘નજીવા’ દરે!! ઇસસે સસ્તા ઓર અચ્છા કહી નહિ.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ!! મોકો ચુકતા નહિ.

આવી જાહેરાત કદાચ નજીકના ભવિષ્યમાં દૈનિકના પહેલા પાનાં પર જોવા મળે તો એટલીસ્ટ મને તો નવાઈ નહિ જ લાગે. કારણ કે મેં જે અનુભવ્યું છે અને હું જે પરિસ્થિતિ જોઉં છું એના અનુસંધાને આવનારા બે ચાર વર્ષોમાં આવું બનવાજોગ છે. ગયા વર્ષે ગુજરાત સરકાર ધ્વારા ખબર નઈ કયા માપદંડોના આધારે વધારારેલી અંદાજે અધધ…. 72,000 સીટમાંથી 15,000 સીટ ખાલી રહી. 15,000 બેઠકો ખાલી રહી તો રહી પણ એમાંથી 4,000 તો ઈજનેરીશાસ્ત્રના ભીષ્મ ગણાતા મીકેનીકલ ખાતામાં ભરાવવાની બાકી રહી. આ તો માત્ર ગુજરાતની જ વાત છે, બાકીના રાજ્યોનું તો શું ગણિત છે એનો વિચાર જ માંડી વાળવો રહ્યો.

આજથી 6 વર્ષ પહેલા હું જયારે એન્જીનીયર બનવા માટે મીકેનીકલમાં દાખલ થયો ત્યારે પરિસ્થિતિ આટલી બધી વણસેલી નહતી. છેલ્લા 1-2 વર્ષથી તો દર વર્ષે નવી 7 કોલેજોને મંજુરી મળે છે અને એ પણ નોંધપાત્ર બેઠકો અને શાખાઓ સાથે!! ખબર નથી પડતી કે કયા આધારે સરકાર આટલી બધી છૂટછાટ આપતી થઇ ગઈ. શિક્ષણનું સ્તર નીચું આવતું જાય છે અને બેઠકો વધતી જાય છે.

બારમા ધોરણમાં 39% મેરીટવાળો વિદ્યાર્થી પણ અત્યારે શોખથી કહે છે કે “ભાઈ આપડે તો એન્જીનીયર જ બનીશું!” અને કેમ ના બોલે યાર! સરકાર મહેરબાન તો ગધા ભી પહેલવાન. શિક્ષણનું આટલી હદે નિર્વસ્ર્ત્રીકરણ થાય એ હકીકત હજી મારા માનવામાં આવતી નથી. હમણાં લગભગ એકાદ વર્ષ પહેલાની જ  જ ખબર એવી હતી કે સરકારના ખરડા મુજબ જે વિદ્યાર્થીઓએ JEE પરિક્ષા માત્ર અપીયર કરી હોય એમને પણ એડમિશન આપો. કેમ? તો ખાલી સીટો ભરવા માટે.

લ્યો!! હવે તો આગળ શું બોલાય!?  જો આવું થવાનું હોય એ ખબર છે તો વધારે સીટ્સની મંજુરી શું કામ આપો છો? અને આ જ વણવિચાર્યા નિર્ણયોના લીધે બેરોજગારીનું પ્રમાણ પણ ભ્રષ્ટાચારની સમાંતર જ ‘દિન દુગુની રાત ચોગુની’ તરક્કી કરી રહ્યું છે. વળી અમુક સંસ્થાઓ તો કોઈ મલ્ટી નેશનલ કંપનીની માફક દર વરસે આશરે 5,000 એન્જીનીયર નું પ્રોડક્શન હાઉસ ખોલીને બેઠી છે. રાજ્યમાં કેટલા શિક્ષિત યુવાન છે એના કરતા કેટલા હાયલી ક્વોલીફાઈડ ગ્રેજ્યુએટ બેરોજગાર યુવાનો છે એની ગણતરી થાય તો કદાચ સરકારની આખો ખુલે અને એન્જીનીયરીંગ અને મેડીકલને ધંધાકીય બનાવતી દુકાનો બંધ કરવાનો ખરડો પસાર કરે.

લાગતું વળગતું: વિદ્યાર્થીઓ ની એજ કરમકહાણી: હાય રે અમારો સિલેબસ!!

ભણતર જરૂરીયાત મટીને બીઝનેસ બની ગયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ભણતા છાત્રના આખા એન્જીનીયરીંગના ચારેય વર્ષના ખર્ચનો સરવાળો કરીએ તો ફી થી માંડીને રહેવા જમવા અને સ્ટેશનરી સહીત આખું ગ્રેજ્યુએશન 5 થી 6 લાખમાં પડે (આ તો ખાલી ACPC મારફત પ્રવેશનો ખર્ચ છે બાકી ‘ડોનેશન’ આધારે પ્રવેશનો ખર્ચો તો ભાઈ જે એડમીશન લે એના વાલી અને સંસ્થાના ‘ટ્રસ્ટીઓ’ જ જાણે) અને અંતે જયારે એન્જીનીયર બનીને જોબ મેળવવાનો વખત આવે ત્યારે પાસે ખાલી હાથમાં સર્ટીફીકેટ અને કાને ‘પછી જણાવીશું’ એવા વાહિયાત ઉત્તર સિવાય કશું રહી જતું નથી.

ક્વોલીટી એજ્યુકેશન માત્ર ટોચની પાંચ દસ કોલેજીસમાં જ આપવામાં આવતું હોય તેમ લાગે છે. બાકીની તમામ કોલેજીસમાંથી પ્રોડ્યુસ થતા એન્જીનીયર્સ માર્કેટમાં જોબ શોધી શોધીને થાકી જાય છે પણ કોઈ જોબ મળતી નથી.

આ તો થઇ એન્જીનીયરીંગ શાખાની વાત. આ શાખામાં જ નહિ, બીજી ઘણી બધી શાખાઓમાં આ પરિસ્થિતિ થવા પામી છે. મેડીકલ ક્ષેત્રે પણ ડેન્ટલ અને BHMS કરનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એના સમપ્રમાણમાં હોસ્પિટલ્સ ખુલતી નથી અને આજેય ભારતમાં દર 1,000 વ્યક્તિઓએ એક ડોક્ટરનો રેશિયો મેચ થતો નથી. વસ્તી વધુ છે અને સ્કીલ્ડ ડોક્ટર્સની સંખ્યા એના પ્રમાણમાં ખુબ ઓછી છે.

શિક્ષણનો અર્થ માત્ર અને માત્ર મગજમાં આંકડાઓ અને શબ્દો ઠુંસવાનો નથી, પરંતુ પોતાના સર્વાંગી વિકાસથી સમાજ અને રાષ્ટ્રને મદદરૂપ થાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. પણ આજનો વાલી અને શિક્ષણ સંસ્થાઓ એ બંને ક્યાંક ને ક્યાંક ઘોડાની રેસમાં પૈસા ઇન્વેસ્ટ કરતા નજરે ચઢી રહ્યા છે. જો સમયસર  ધ્યાન દોરવામાં ન આવ્યું તો દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

વળી વાલીઓ પણ હવે તો ખબર અને ગતાગમ વગર જ સંતાનોને એમના રસ અને કેલીબર જોયા વગર જ એન્જીનીયર કે ડોક્ટર બનાવવા તલપાપડ થતા હોય છે. સતત પોતાના બાળકને કોઈ “શર્માજી”ના છોકરા સાથે કમ્પેર કર્યા કરે છે. મારી એમને એટલી જ વિનંતી છે કે એન્જીનીયર કે ડોક્ટર જ એકલો વિકલ્પ નથી, ઘણા બધા બીજા ઓપ્શન્સ છે જેમાં તમારુ બાળક પોતાની સ્વાધીનતા અને સાર્થકતા સિદ્ધ કરી શકે એવું હોય છે પણ એ નક્કી કરવાવાળા માત્ર તમે છો. ગાડરિયા પ્રવાહમાં વહેવા કરતા થોડી આઉટ ઓફ ધ બોક્ષ વિચારસરણી અપનાવીને જોવાનો વખત હવે પાકી ગયો હોય એમ લાગે છે.

અહી, સરકારનો પણ અભિગમ બદલાવો અનિવાર્ય છે. માત્ર કાગળ ઉપર જ શિક્ષણને સમૃદ્ધ જાહેર કરશો અને ગ્રાઉન્ડ લેવલ પર નક્કર પગલા નહિ ભરો તો એ તમારા માટે જ હાનિકારક નીવડવાનું છે. જો કે ગુજરાત અને ભારત બંને સરકારો શિક્ષણ અંગે સારું એવું ધ્યાન સેવી રહી છે એનો ખ્યાલ મિશન વિદ્યા અને અન્ય કેન્દ્રની યોજનાઓથી આવે છે. પરંતુ હજી દિલ્હી ઘણી દુર છે. એનરોલમેન્ટ રેશિયો વધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા મથતી સરકાર જો ખરેખર સ્કીલ ઈમ્પ્રુવમેન્ટ રેશિયો શોધે તો હકીકત સામે આવે એમ લાગે છે.

ઉંચી ઉંચી ફીસ લઇ લેતી શિક્ષણ સંસ્થાઓ ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવાને પોતાની ફરજ સમજતી નથી. “ટ્રસ્ટીઓના ખિસ્સામાં રૂપિયા આવવા જોઈએ બસ! પછી વિદ્યાર્થી કે વાલીનું જે થવું હોય તે થાય” આવો અભિગમ જ્યાં સુધી નહિ બદલાય ત્યાં સુધી તકલીફ તો રહેવાની. નાલંદા, વલભી અને વિક્રમશીલા જેવી વર્લ્ડ ક્લાસ યુનિવર્સીટી જ્યાં ફૂલીફાલી હતી એ ભારત દેશના વિદ્યાર્થીઓ આજે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજમાં શિક્ષણ લેવાને પોતાની મહાનતા સમજે છે. આ અભિગમ બદલાવા પાછળના કારણો શું છે એ આપણી નજર સામે જ છે.

આચમન‘ટ્રસ્ટી’ શબ્દમાં ‘ટ્રસ્ટ’ ભલે આવતો હોય પણ એમના પરના ‘ટ્રસ્ટ’થી કદાચ તો જ ત્રસ્ત થવાય છે.    

eછાપું 

તમને ગમશે: ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here