વર્તમાન MCU બની ગયું છે ફેન થિયરીઝનું નવું ઘર

0
291
Photo Courtesy: Nerdist.com

ગયા અંકમાં આપણે છેલ્લી બે ફેન થિયરીઝ જોયેલી અને ત્યારે કહેલું કે આ માત્ર બે થિયરીઝ જ નથી, માર્વેલ આવી ઘણી બધી ફેન થિયરીઝ નું ઘર છે. કુલ 19 ફિલ્મો અને 10 વર્ષનાં ગાળાના લીધે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ, એટલેકે MCU વિષે અત્યાર સુધી ઘણી બધી ફેન થિયરીઝ આવી અને છેલ્લા 9 વર્ષમાં જેટલી ફેન થિયરીઝ આવી છે એની કરતા બે ગણી થિયરીઝ એકલા આ વર્ષે આવી છે. આપણે એમની અમુક થિયરીઝ આવતા અંકે જોઈશું. પણ એ પહેલા જાણીએ  એવું તે શું થયું આ વર્ષે જેના લીધે વર્તમાન MCU ફેન થિયરીઝનું નવું ઘર બની ગયું છે.

આ ફેન થિયરીઝના પ્રવાહની પાછળ આ વર્ષે રજુ થયેલી MCU ની ત્રણ ફિલ્મો જવાબદાર છે. શરૂઆતમાં બ્લેક પેન્થર વિષે ફેન લોગે ઘણી થિયરીઝ ચલાવી હતી જેમકે સોલ સ્ટોન વાકાન્ડામાં હોવો જોઈએ. અને બીજી થિયરીમાં કઈ રીતે બ્લેક પેન્થર માર્વેલની બાકીની ફિલ્મો સાથે જોડાયેલું હશે એના વિષે ઘણી થિયરીઝ આવી. પણ આ બંને થિયરીઝની બાબતે બ્લેક પેન્થરે ફેન્સને થોડા નિરાશ તો કર્યા. પણ એ પછી આવેલી ફિલ્મ જે માર્વેલની અને બેશક આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી એવેંજર્સ ઇન્ફિનિટી વોર. અને એ ફિલ્મમાં જે થયું એણે નવી ફેન થિયરીઝના લિટરલી દરવાજા ખોલી નાખ્યા.

Courtesy: Wikipedia

ઇન્ફિનિટી વોર ચાર મહિના પહેલા એપ્રિલમાં રિલીઝ થઇ હતી.ત્યારે એક સારા નેટીઝનની જેમ અમે ઈ છાપુ પર ઇન્ફિનિટી વોર નો સ્પોઈલર ફ્રી રીવ્યુ આપ્યો હતો. અને આપણા માંના ઘણાએ આ ફિલ્મ જોઈ નાખી હશે એટલે એમને આ સૂચના લાગુ નહિ પડે. પણ જે લોકોએ ઇન્ફિનિટી વોર નથી જોઈ અને જે લોકો હજી જોવાના પ્લાન ધરાવે છે એના માટે સ્પોઈલર એલર્ટ. આ લેખમાળા અહીંથી વાંચવાનું મૂકી દેશો, અને એવેંજર્સ જોઈને જ અહીંથી આગળ વધવું. કેમકે હવે હું ઇન્ફિનિટી વોરમાં શું થયું એ બધું જ કહેવાનો છું.

ઇન્ફિનિટી વોર જ્યાંથી થોર રેગ્નારોક પૂરું થાય છે ત્યાંથી શરુ થાય છે. થાનોસ એ સમયે ઝાંડાર પર હુમલો કરી ત્યાંથી પાવર સ્ટોન પડાવી ચુક્યો હોય છે, અને હવે સ્પેસ સ્ટોનની પાછળ આસગાર્ડના શરણાર્થીઓ થી ભરેલા અવકાશ યાનમાં આવે છે. ત્યાં તે અડધા આસગાર્ડવાસીઓ ને મારી નાખે છે જેમાં હેઈમડાલ પણ મૃત્યુ પામ્યો હોય છે. આ તરફ હલ્ક થાનોસ પર હુમલો કરે છે અને થાનોસ એને આસાની થી ધૂળ ચટાવી દે છે. હેઇમડાલ મરતાં પહેલા હલ્કને પૃથ્વી પર એવેંજર્સને ચેતવવા મોકલે છે. આ તરફ થાનોસ લોકીને મારી નાખી તેની પાસેથી સ્પેસ સ્ટોન લઇ લે છે અને થોરને મરવા છોડી દે છે.

થાનોસ નો પ્લાન અડધા યુનિવર્સનો ખાત્મો બોલાવવાનો હોય છે. અને એની માટે ઇન્ફિનિટી સ્ટોન્સની જરૂર હોય છે. થાનોસ પાસે છ પૈકી બે સ્ટોન્સ આવી ગયા હોય છે. અને થાનોસ ના ટ્રેઈન્ડ યોદ્ધાઓ બે ઇન્ફિનિટી સ્ટોન્સ, માઈન્ડ સ્ટોન અને ટાઈમ સ્ટોન લેવા પૃથ્વી પર આવે છે. એ પહેલા ડૉ બેનર(હલ્ક) ન્યુયોર્કમાં ડૉ. સ્ટ્રેન્જ ને થાનોસ વિષે ચેતવી દે છે. અને ડૉ સ્ટ્રેન્જ આયર્નમેન ની મદદ લે છે. એક તરફ ન્યુયોર્કમાં ટાઈમ સ્ટોન લેવા માટે ઇબોની મૉ અને કલ ઓબ્સિડીયન આવે છે અને ત્યાં ડૉ સ્ટ્રેન્જ, આયર્નમેન અને સ્પાઇડરમેન સાથે તેમનો મુકાબલો થાય છે. જે દરમ્યાન ડૉ બૅનરને હલ્કમાં પરિવર્તિત થવામાં મુશ્કેલી પડે છે. ન્યુયોર્કમાં થયેલા મુકાબલાના અંતે ઇબોની મૉ ડૉ સ્ટ્રેન્જને પકડવામાં સફળ થાય છે અને એ ડૉ સ્ટ્રેન્જને ટાઈમ સ્ટોન સહીત પોતાના અવકાશયાનમાં ટાઇટન તરફ લઇ જાય છે. પણ આયર્નમેન અને સ્પાઇડરમેન એનો પીછો કરવામાં સફળ થાય છે.

બીજી તરફ માઈન્ડ સ્ટોન માટે પ્રોક્સિમા મિડનાઇટ અને ક્લોવિયસ ગ્રેવ વિઝન અને વાંડા મેકસીમોવ પર હુમલો કરે છે. એ સમયે વાંડા અને વિઝન એકબીજાના પ્રેમમાં હોય છે. વાંડા અને વિઝન પર ના હુમલા વખતે દેશનિકાલ કરી રહેલા કેપ્ટન અમેરિકા અને એની ટિમ વિઝનની મદદ કરે છે અને એને એવેંજર્સ ફેસિલિટીમાં લઇ આવે છે. ત્યાં વિઝન વાંડાને એની પાસે રહેલા માઈન્ડ સ્ટોન નો નાશ કરવાનું કહે છે. પણ એના લીધે વિઝનનો જીવ પણ જઈ શકે છે. કેપ્ટન અમેરિકા ના સૂચન મુજબ વિઝનને વાકાન્ડા લઇ જવામાં આવે છે.

આ તરફ થોરનો ભેટો ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી સાથે થાય છે જ્યાં ગમોરા, જે એક સમયે થાનોસની યોદ્ધા હતી એ થાનોસ અને ગાર્ડિયન્સને થોરના અસલી ઉદ્દેશ વિષે જાણ કરે છે. ગમોરાના કહેવા મુજબ થાનોસ પાસે જો બધા ઇન્ફિનિટી સ્ટોન્સ આવી ગયા તો થાનોસ ચપટી વગાડતાંની સાથેજ અડધા બ્રહ્માંડનો નાશ કરી શકે છે. થોરની માહિતી મુજબ થાનોસ રિયાલિટી સ્ટોન લેવા કલેક્ટર પાસે નોવ્હેર જાય છે જ્યાં ગાર્ડિયન્સ માંથી ગમોરા, સ્ટાર લોર્ડ, ડ્રેકસ અને મૅન્ટિસ એનો પીછો કરે છે. ગાર્ડિયન્સ ત્યાં પહોંચે એ પહેલા થાનોસ રિયાલિટી સ્ટોન લઇ લે છે અને એના મદદથી ગાર્ડિયન્સને ભ્રમિત કરે છે. અને થાનોસ ગમોરાનું અપહરણ કરે છે.

Courtesy: MCU Wikia

થાનોસ બધા એની સાથે ટ્રેઈન થયેલા બધા યોદ્ધાઓને પોતાના બાળક સમાન ગણતો હોય છે. અને એમાં ગમોરા અને એની બહેન નેબ્યુલા થાનોસની ફેવરિટ હોય છે. અને ગમોરા થાનોસની દત્તક પુત્રી હોય છે. ગમોરા સોલ સ્ટોનનાં સ્થાન વિષે જાણતી હોય છે એટલે થાનોસે એનું અપહરણ કર્યું હોય છે, અને થાનોસ એને બ્લેકમેલ કરીને વોર્મીંર નામની જગ્યાએ લઇ જાય છે જ્યાં સોલ સ્ટોન હોય છે. સોલ સ્ટોન મેળવવા માટે કોઈએ પોતાના પ્રિયજનનું બલિદાન દેવું પડે. એટલે થાનોસ એને સહુથી પ્રિય એવી ગમોરાનું બલિદાન દઈ સોલ સ્ટોન મેળવે છે. 

આ તરફ ઇબોની મૉ નો પીછો કરતા કરતા આયર્નમેન અને સ્પાઇડરમેન ઇબોની મૉનાં અવકાશયાનમાં પહોંચે છે જ્યાં તેઓ ડૉ સ્ટ્રેન્જ ને બચાવવામાં સફળ રહે છે. એ યાન ટાઇટન પર જાય છે. અને ત્યાં એને રોકેટ અને ગ્રૂટ સિવાયના ગાર્ડિયન્સનો ભેટો થાય છે. ગાર્ડિયન્સ, સ્પાઇડરમેન આયર્નમેન અને ડૉ સ્ટ્રેન્જ થાનોસનાં આવવાની રાહ જોતા હોય છે. એવામાં ટાઈમ સ્ટોનનો ઉપયોગ કરી ડૉ સ્ટ્રેન્જ શક્ય એટલા ભવિષ્યકાળના કોમ્બિનેશન જુએ છે એને દેખાય છે કે 14,00,605 કોમ્બિનેશનમાંથી માત્ર એકજ એવું કોમ્બિનેશન છે જેમાં થાનોસ હારે છે. ટાઇટન પર થાનોસ આવે છે, જ્યાં તે પોતાના આ મિશનની પાછળનું કારણ બતાવે છે. જેના પ્રમાણે એક સમયે સમૃદ્ધ એવું ટાઇટન વસ્તીવધારાને લીધે બરબાદ થઇ જાય છે અને આખા બ્રહ્માંડને આ પરિસ્થિતિ ન ભોગવવી પડે એટલે થાનોસ ઇન્ફિનિટી સ્ટોન એકઠા કરે છે જેથી એની એક ચપટી માત્રથી રેન્ડમલી બ્રહ્માંડની અડધી વસ્તી નો નાશ થઇ શકે.

Courtesy: MCU Wikia

ટાઇટન પર એવેંજર્સ + ગાર્ડિયન્સનું યુદ્ધ થાય છે જેમાં થોડા સમય સુધી થાનોસ મુશ્કેલીમાં મુકાય છે અને એક સમય માટે થાનોસની હાર થવી લગભગ નિશ્ચિત હોય છે. પણ એ સમયે નેબ્યુલા એવું તારવી લે છે કે થાનોસે ગમોરાને મારી નાખી છે. એ વાત થી ગુસ્સે ભરાયેલો સ્ટાર લોર્ડ(પીટર કવિલ) પ્લાન તોડી થાનોસ પર હુમલો કરે છે જેના લીધે થાનોસ નું પલડું ભારે થઇ જાય છે. થાનોસ પોતાની પાસે રહેલા 4 સ્ટોન્સની મદદથી જોરદાર મુકાબલો આપે છે અને અંતે તે આયર્નમેન ને છરી ભોંકી દે છે. ડૉ સ્ટ્રેન્જ, જેણે પહેલા એવી ચેતવણી આપી હોય છે કે ટાઈમ સ્ટોનને બચાવવા એ આયર્નમેન કે સ્પાઇડરમેન ની બલી આપતા ખચકાશે નહિ એ આયર્નમેનને બચાવવા થાનોસને ટાઈમ સ્ટોન આપી દે છે. અને હવે બાકી બચેલો એક સ્ટોન લેવા થાનોસ પૃથ્વી તરફ રવાના થાય છે.

પૃથ્વી પર માઈન્ડ સ્ટોન લેવા પ્રોક્સિમા મિડનાઇટ અને ક્લોવીયસ ગ્રેવ વાકાન્ડા પર પોતાના રાક્ષસોથી હુમલો કરે છે, જેમાં વાકાન્ડા ની સાથે કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, અને અન્ય એવેન્જર્સ પણ હોય છે.

આ તરફ રોકેટ અને ગ્રૂટ સાથે થોર નિદાવેલીર નામની જગ્યાએ જાય છે, જ્યાંથી થાનોસે બળજબરી થી ઇન્ફિનિટી ગોંટલેટ (એક એવું હાથમોજું જેના વગર ઇન્ફિનિટી સ્ટોન્સને વાપરવા અશક્ય બને) બનાવરાવ્યું હોય છે અને પછી ત્યાંના લોકોને મારી નાખ્યા હોય છે. પણ એના નાયક ઈરીટ્રી ને જીવતો રાખ્યો હોય છે. થોર ઈરીટ્રીની મદદ થી સ્ટોર્મબ્રેકર નામનું હથિયાર બનાવે છે જે થાનોસને રોકવા સક્ષમ હોય છે. અને એ સ્ટોર્મબ્રેકર લઈને થોર, રોકેટ અને ગ્રૂટ વાકાન્ડા આવી પહોંચે છે, જેનાથી એવેન્જર્સ નું પલડું ભારે થઇ જાય છે. પણ એવેંજર્સ ની જીત લાંબી ટકે એ પહેલા થાનોસ આવી પહોંચે છે અને વાંડા મેક્સીમોફની માઈન્ડ સ્ટોન નો નાશ કરવાની કોશિશ સફળ થાય એ પહેલા થાનોસ વિઝનને મારીને માઈન્ડ સ્ટોન લઇ લે છે અને અંતે થાનોસ છ એ છ ઇન્ફિનિટી સ્ટોન મેળવવામાં સફળ થાય છે. 

થોર સ્ટોર્મબ્રેકર થી થાનોસ પર જીવલેણ ઘા તો કરે છે પણ થાનોસ બચી જાય છે અને ચપટી વગાડી દે છે. જેના લીધે ધીરે ધીરે અડધા બ્રહ્માંડનો નાશ થવાનું શરુ થાય છે જેમાં એવેંજર્સ પણ આવી જાય છે. પૃથ્વી પર થોર, હલ્ક, કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, રોકેટ, વોર મશીન વાકાન્ડા ના યોદ્ધાઓ એમ્બાકૂ અને ઓકોએ બચી જાય છે, જયારે ટાઇટન પર આયર્નમેન અને નેબ્યુલા બચી જાય છે. 

બાકીના જેમાં સ્પાઇડરમેન, સ્ટાર લોર્ડ, ડ્રેકસ, મૅન્ટિસ, ગ્રૂટ, બકી બાર્ન્સ, બ્લેક પેન્થર, ફાલ્કન, ડૉ સ્ટ્રેન્જ ધૂળ બની ઉડી જાય છે,અને મૃત્યુ પામે છે. એક અન્ય જગ્યાએ શીલ્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર નિક ફ્યુરી અને મારિયા હિલ પણ ઉડી જાય છે પણ એ પહેલા કેપ્ટન માર્વેલને એક સિગ્નલ મોકલવામાં સફળ થાય છે.

નિક ફ્યુરી: ઇન્ફિનિટી વોર ના પોસ્ટ ક્રેડિટ સીનમાં Courtesy: Nerdist.com

આ ચપટી (Snap) ની અસર એન્ટ મેન ને પણ થાય છે જેમાં એની સાથીદાર વાસ્પ, વાસ્પના પિતા અને ભૂતપૂર્વ એન્ટ મેન ડૉ હૅન્ક પિમ, એની પત્ની જેનેટ વેન ડાઈન પણ ઉડી જાય છે. જયારે એન્ટ મેન અતિસુક્ષ્મ એવા ક્વોન્ટમ રિયામ માં ફસાઈ જાય છે. અને ક્વોન્ટમ રિયામ માંથી સ્પેસ રિયામ માં જઈ શકાય છે જ્યાં ઇન્ફિનિટી સ્ટોન ની મૃત્યુ પામેલા લોકોની આત્મા સચવાયેલી હોય છે. 

આ એવેંજર્સ ઇન્ફિનિટી વોર્સની વાર્તા હતી જે વર્તમાન MCU ની સહુથી મોટી ઘટનાઓ માંની એક છે. જેમાં ઘણા સુપરહીરો મૃત્યુ પામ્યા છે અને ઘણા બચી ગયા છે. અહીં થાનોસ જીતી ગયો છે. અને એને કઈ રીતે ફરી વાર હરાવવામાં આવશે એની વાર્તા એવેન્જર્સની આવતી કડીમાં કરવામાં આવશે. અને એ કડીમાં એવેન્જર્સને મદદ કરવા આવશે કેપ્ટન માર્વેલ જે પોતે એવેન્જર્સ કરતા વધારે શક્તિશાળી સુપરહીરો છે. કેપ્ટાન માર્વેલની ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં આવશે. અને એ પછી એવા ઘણી ફિલ્મો આવશે જેના મુખ્ય પાત્રો ને થાનોસની ચપટીએ મારી નાખ્યા છે. જેમાં સ્પાઇડરમેન હોમકમીંગ ની સિક્વલ સ્પાઇડરમેન ફાર ફ્રોમ હોમ પણ છે અને બ્લેક પેન્થર અને ડૉ સ્ટ્રેન્જ ની સિક્વલ પર પણ કામ શરુ છે. 

સ્પાઈડરમેન, ડૉ સ્ટ્રેન્જ જેવા પાત્રો પર તો કામ હવે શરુ થયું છે. પણ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી જેના ત્રીજા ભાગનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરુ થવાનું હતું એના પર અનિશ્ચિત કાળ સુધી રોક લગાવી દેવામાં આવી છે. ગાર્ડિયન્સ ની ફિલ્મોના ડિરેક્ટર જેમ્સ ગન્ન જે ટ્રમ્પ વિરોધી છે, અને ટ્રમ્પના વિરોધમાં કરેલા અમુક ટ્વીટના જવાબમાં એક વાંકદેખાએ જેમ્સ ગન્ન ના આઠ દસ વર્ષ પહેલા ના અમુક ટ્વીટ પર ધ્યાન દોર્યું જેમાં એને અમુક સંવેદનશીલ મુદ્દાઓ પર જોક્સ બનાવી હતી. અને આ ઘટનાઓના જવાબમાં ડિઝનીએ ગન્ન ને ફાયર કર્યા પછી ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી 3 પર અનિશ્ચિત કાળ સુધી રોક લગાવી દેવાઈ છે.

ડિઝનીની જ વાત આવી છે તો એક ઔર કામની વાત. ડિઝની અને 20th Century Fox ના મર્જરની ડીલ આ સમયગાળામાં જ પૂર્ણ થઇ છે. અને અમુક કાગળિયા અને સામાન્ય કાર્યવાહી પુરી થતાંજ એક્સ મેન, ડેડપૂલ, ફેન્ટાસ્ટિક ફોર અને એને સંલગ્ન દરેક પાત્રો MCU નો ભાગ બની જશે. મતલબ આ બધા પાત્રોને અત્યારના વર્તમાન MCU ની વાર્તાના મુખ્યપ્રવાહમાં ભેળવવામાં આવશે.

વેલ આ બધી ફેન થિયરી ની કથા વચ્ચે MCU, ઇન્ફિનિટી વોર અને આ બધી કથા માંડવાનો એકજ મતલબ છે. જ્યારથી ઇન્ફિનિટી વોર રિલીઝ થઇ છે ત્યારથી લઈને આજ સુધી માર્વેલના ફેન્સ અવનવી થિયરીઓ લઈને ઇન્ટરનેટ ઠાલવી રહ્યા છે. એમની અમુક થિયરી સાવ બકવાસ છે તો અમુક થિયરી એવી છે કે જે ખોટી હોઈ શકે એવી શંકા પણ જવી મુશ્કેલ છે. આ હીરોઝ થાનોસ ને કઈ રીતે હરાવશે, જેના કોન્ટ્રેક્ટ પુરા થાય છે એ કલાકારોને કઈ રીતે વિદાય આપશે અને નવા કલાકારો ને કઈ રીતે આગળ લઇ જવાશે. એક્સ મેન અને ફેન્ટાસ્ટિક ફોર ને કઈ રીતે MCU માં રજુ કરાશે એને લગતી લાહટ થિયરીઓ આવી રહી છે. જેના વિષે આપણે આવતા અંકમાં વાત કરી આ ફેન થિયરીઝ ની વાત પુરી કરશું.

ત્યાં સુધી

મે ધ ફોર્સ બી વિથ યુ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here