દૂંદાળા દેવ ગણેશ અને તેમના દેશવિદેશમાં પૂજાતા વિવિધ સ્વરૂપો

0
594
Photo Courtesy: tourmyindia.com

‘ગણેશ દૂંદાળા ને મોટી ફાંદાળા’ એવું આપણે ત્યાં ગણેશ-સ્થાપના વખતે લગ્નગીતમાં ગવાય છે. લંબોદર (મોટા પેટવાળા) કે એકદંત (એક દાંતવાળા) કે વક્રતુંડ (વાંકી સૂંઢવાળા) કે મહાકાય (મોટું શરીર ધરાવનારા) જેવા વિવિધ નામોથી ગણપતિ બાપ્પાને ઓળખવામાં, પૂજવામાં આવે છે. પણ ભારતવર્ષમાં એવો પણ એક સમાજ છે જે બાપ્પાને નહીં પણ બાને પૂજે છે એટલે કે ગણપતિના નારી સ્વરૂપને. મત્સ્યપુરાણમાં મહિલા યોદ્ધા દેવીઓની યાદીમાં ગણપતિની શક્તિને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેને ‘વિનાયકી’ અથવા ‘ગણેશવરી’ તરીકે પણ ઓળખાય છે. લગભગ 16મી સદીથી માદા ગણેશના ચિત્રો દેખાવાના શરૂ થયા અને કેટલાક અભિપ્રાયો એવાં છે કે આ ચિત્રો કદાચ માલિનીનું પ્રતિનિધિત્વ કરે છે. માલિની એ પાર્વતીના સહેલી હતા જેને હાથીનું માથું હતું અને તેણી ગણપતિની પરિચાલિકા (નર્સ) હતી. ‘પતિ’ શબ્દ નારીજાતિ સાથે લાગે નહીં એટલે આ સ્વરૂપનું એક નામ ‘ગણેશિની’ પણ રાખવામાં આવ્યું.

Photo Courtesy: tourmyindia.com

જબલપુર નજીક એક મંદિરમાં પાતળી કમરવાળી એક પગ પોતાની જાંઘ નીચે દાબીને અને બીજો પગ લટકતો રાખીને બેઠેલી ગણેશિનીની મૂર્તિ છે. કન્યાકુમારીના 1,300 વર્ષ જૂના થનુમલયાન મંદિરમાં સુખાસનમાં (બંને પગને પલાંઠીની જેમ ક્રોસ કરીને) બેસેલી હાથીના મુખવાળી આ દેવીને ચાર હાથ છે. બાલાજી મુંડકુર નામના સંશોધકે પોતાના ‘વિનાયકીનો કોયડો’ (The Enigma of Vinayaki) નામના સંશોધન પત્રમાં લખ્યું છે, “આપણી દંતકથાઓમાં ગણેશની અતિ લોકપ્રિયતાને કારણે વિનાયકીની ઓળખ ઢંકાઈ ગઈ છે અને તેને વારંવાર અવગણવામાં આવે છે. એનો કોઈ ચોક્કસ સમયગાળો પણ ઈતિહાસમાં નથી અને કોઈ એકધારું નામ પણ નથી – કોઈ ગજાનની કહે તો કોઈ ગણેશિની તો કોઈ વિઘ્નેશી!

મત્સ્યપુરાણમાં વિનાયકીનો સંદર્ભ મળે છે જેમાં તેણીનું નામ શિવજીના 200 દેવી સ્વરૂપોમાંથી એક નામમાં છે.” બીજી એવી પણ ધારણા છે કે ઉડિસાના હિરાપુર ગામમાં ચોસઠ જોગિણીના મંદિરમાં તેણીની મૂર્તિ છે એટલે તેણી આ ચોસઠમાંથી એક જોગિણી હોવી જોઈએ. વામનપુરાણમાં પાર્વતીજીએ શિવ સાથે સંપર્ક કર્યા વગર જ ગણપતિને જન્મ આપ્યો હતો એટલે કેટલાક અભ્યાસીઓ એવો અર્થ પણ કરે છે કે ગણેશ ફક્ત શક્તિનું સ્વરૂપ છે. એના દેહ અને આત્મા બંનેમાં તેમણે નારી શક્તિનું આરોપણ કર્યું અને એમાંથી જ વિનાયકી સ્વરૂપ જન્મ્યું. પુરાતત્વ સંશોધકોએ વિનાયકીની મૂર્તિઓ ગ્વાલિયરમાં ખજૂરાહોમાં, મદુરાઈના સુંદરેશ્વર મંદિરમાં પણ શોધી કાઢી છે.

લેખક કેતન ત્રિવેદી લખે છે કે ગણેશ અને તેના પિતા લિંગસ્વરૂપી શંકર બંને પૌરુ શક્તિના સ્વરૂપો છે એમ માનનારો સંપ્રદાય પણ છે જે ભારતના પશ્ચિમ કિનારા પર વસે છે અને ‘ગણત્યા’ કે ‘ગણપત્યા’ નામથી ઓળખાય છે. આ લોકો શંકરની માફક ગણેશની લિંગ સ્વરૂપે પૂજા કરે છે. મહારાષ્ટ્રમાં ગણત્યા સંપ્રદાયનું ખાસ્સું પ્રભુત્વ હતું અને મહદ અંશે પૂણેના ચિતપાવન બ્રાહ્મણો આ સંપ્રદાયના અનુયાયીઓ હતા. હિંદુ સમાજે બુદ્ધને દશાવતારમાં સમાવી લીધા છે. ગણેશ કથાઓના અભ્યાસી શ્રી શિવરામ પ્રસાદ કહે છે કે બુદ્ધનું એક નામ વિનાયક હતું એટલે કે સંપ્રદાય એવો પણ છે જેણે બુદ્ધ અને ગણેશને જોડી દીધા છે. આ બુદ્ધ સાથે જોડાયેલા ગણેશ જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ પ્રસર્યો ત્યાં પણ ગયાં છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં ઈન્ડોનેશિયામાં, કમ્બોડિયામાં, તિબેટમાં ગણેશની આરાધના થતી. ઇન્ડોનેશિયામાં લગભગ 87% લોકો મુસ્લિમ છે અને ત્રણેક ટકા લોકો હિન્દુઓ છે, પરંતુ ઘણી બધી જગ્યાએ હિંદુ પ્રતીકો જોવા મળશે.

ઇન્ડોનેશિયામાં વ્યાપક હિંદુ પ્રભાવના વિવિધ ઉદાહરણોમાં, ઈન્ડોનેશિયાની 20,000 રૂપિયાની નોટ પર ગણપતિનો ફોટો છે. એવું માનવામાં આવે છે કે ઇન્ડોનેશિયન દ્વીપસમૂહ લગભગ પહેલી સદીથી હિંદુ પ્રભાવ હેઠળ હતો અને તેમની સંસ્કૃતિએ હિંદુ દેવતાઓ અને પ્રથાઓના મૂળને સમકાલીન સમય સુધી આગળ વધારી છે. ક્વોરા (Quora) વાપરતા એક યુઝરે એવું લખ્યું છે કે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ એક વખત ઇન્ડોનેશિયન નાણા પ્રધાનને તેમની ચલણ નોંધમાં ગણેશની છબી વિશે પૂછ્યું હતું. પેલા મંત્રીએ જણાવ્યું કે 1997 માં, કેટલાક અમારા દેશના ચલણનું અવમૂલ્યન થયું. તેને અટકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થયા પછી, કોઈએ સૂચવ્યું હતું કે ગણેશની છબી ચલણી નોટ માટે સારું નસીબ લાવશે. સદભાગ્યે, તીર નિશાને પે લગા અને ત્યારથી જ આ અંધશ્રદ્ધા લોકોએ સ્વીકારી લીધી છે.

લાગતું વળગતું: રામચંદ્ર સિરીઝ ,શિવા ટ્રાઈલોજી અને અમીષ ત્રિપાઠીનું પુરાતન ભારત

પ્રાચીન જાવામાં સ્મરદહન નામના પુસ્તકમાં ગણેશની કથા જોઈ શકાય છે. પરંતુ અહીં એવું માનવામાં આવે છે કે ગણેશનો જન્મ હાથીના માથા સાથે જ થયો છે. લગભગ ગણેશ મૂર્તિ બેઠેલી નહીં પણ ઊભી રહેલી સ્થિતિમાં જોવા મળે છે. બાલીમાં મળી આવેલી એક મૂર્તિમાં ગણેશ સિંહાસન પર બેસેલા દેખાય છે અને તેની આસપાસ એક અગ્નિની જ્વાળા છે. બાલીમાં માન્યતા અનુસાર, આવી ગણેશ મૂર્તિને રાજવંશના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. ચીનના કુંગ-હસનમાં 11 મી સદીમાં ગણેશની મૂર્તિ પહેલી વખત મળી હતી. આ મૂર્તિ વજ્રાસનમાં બેઠેલી છે. એક હાથમાં કમળ અને બીજા હાથમાં લાડુ લઈને. તૂન-હુઆંગની ગુફા નંબર 285 માં ગણેશ પોતાના ભાઈ કાર્તિક સાથી ઊભા હોય એવી છબી પણ છે.

વરાહપુરાણ, પદમપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, મત્સ્યપુરાણ, શિવપુરાણ – દરેકમાં ગણપતિની ઉત્પત્તિ અંગે જુદી જુદી કથાઓ છે. મુદગલપુરાણમાં ગણેશના 32 સ્વરૂપોનો ઉલ્લેખ છે જ્યારે શારદાતિલક તંત્રમાં 51 સ્વરૂપોનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રમાં ‘અષ્ઠવિનાયક’ અને દેશનાં બીજા ઘણાં સ્થળોએ ‘સ્વયંભૂ’ સ્વરૂપની અર્ચના થાય છે. જયંતી ગણપતિ તરીકે ઓળખાતા સ્વરૂપમાં ગણેશ મૂર્તિના બે માથા છે – એક માનવનું અને બીજું હાથીનું. હેરંબ તરીકે ઓળખાતા સ્વરૂપમાં પાંચ માથાં છે – ચાર માથાં ચાર દિશામાં અને એક બધાંની ઉપર ગોઠવાયેલું છે. શક્તિ સંપ્રદાય ગણપતિના પાંચ સ્વરૂપોની આરાધના કરે છેઃ મહા ગણપતિ, ઉર્ધ્વ ગણપતિ, પિંગલ ગણપતિ, લક્ષ્મી ગણપતિ અને ઉચ્છિષ્ટ ગણપતિ. શંકરની જેમ ગણપતિના પણ ત્રણ નેત્રો દર્શાવતી મૂર્તિઓ છે.

ગણપતિને બ્રહ્મચારી ગણનારો સંપ્રદાય પણ છે અને ગણપતિની બે પત્નીઓ ‘રિદ્ધિ’ અને ‘સિદ્ધિ’ને માનનારો સંપ્રદાય પણ છે. પ્રાચીન ભારત વિશે લખનારા ઈતિહાસકારોએ તો મધ્ય એશિયામાં એટલે કે ઈરાન, ઈરાક, ઈજિપ્ત, ચીન, કોરિયા, જાપાન, શ્રીલંકા અને મેસોપોટેમિયામાં પણ ગણેશપૂજક સંપ્રદાય હતો એમ નોંધ્યું છે. ગ્રીસમાં હરમિયસ નામનો એક શહેનશાહ થઈ ગયો જેણે ગણેશના મસ્તક જેવા હાથીની મુદ્રા ધરાવતા સોનાના સિક્કાઓ બહાર પડાવ્યા હતા. આ ઉપરથી કેતન ત્રિવેદી એવું તારણ નીકાળે છે કે આ બધાં દેશોમાં એક યા બીજે સમયે ગણપતિ સંપ્રદાય પ્રસર્યો હશે.

ગણેશપુરાણ ખાસ્સું પાછળથી લખાયેલું છે. તેને ઉપપુરાણ પણ કહે છે. ગણેશજી વિશેના બે પુરાણોમાં તેનો સમાવેશ થાય છે અને ગણેશ ભક્તો તેના પર ઘણો આધાર રાખે છે. લગભગ 10 મી અને 15મી સદીના મધ્યગાળામાં તે લખાયેલું. તેમાં બે ભાગ છે. પ્રથમ ભાગ ઉપાસના-ખંડ છે. ગણેશજીની ઉપાસના કઇ રીતે કરવી તેની વિધિઓનો સમાવેશ મુખ્યત્વે આ ભાગમાં થાય છે. તેમાં ગણેશજીના સહસ્ત્રનામોનો પણ સમાવેશ થાય છે. ગણેશ મંદિરોમાં આ સહસ્ત્રનામનું પઠન થતું હોય છે. ગણેશ પુરાણનો બીજો ભાગ છે ક્રીડા-ખંડ. તેમાં ગણેશજીનું જીવન ચરિત્ર આલેખાયેલું છે. ચારેય યુગમાં ગણેશના ચાર અવતાર થયા તેનું વર્ણન તેમાં છે. તેમાં ગણેશ ગીતાનો પણ સમાવેશ થાય છે. બીજું પુરાણ જે ગણપતિને સમર્પિત છે તે છે મુદગલપુરાણ. મુદગલપુરાણ પણ 10 થી 15 સદી વચ્ચે જ રચાયું છે. આ બેમાંથી કયું પુરાણ વધારે પ્રાચીન તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. મુદગલ પણ એક ઉપ-પુરાણ જ છે. તેનો હેતુ ગણેશજીને સર્વોચ્ચ દેવ તરીકે સ્થાપિત કરવાનો છે. મુદગલપુરાણમાં ગણેશજીના ચારના બદલે આઠ અવતારોનું વર્ણન છે. આ અવતારોના સ્વરૂપ પણ ખાસ્સા અલગ છે.

હજી આવા વિવિધ સ્વરૂપો વિશે કોઈ જાણકારી હોય તો લેખની નીચે કોમેન્ટ કરીને બીજા વાચકોને પણ એનો લ્હાવો આપો.

પડઘોઃ

सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची | नुरवी पूर्वी प्रेम कृपा जयाची |
सर्वांगी सुंदर उटी शेंदुराची | कंठी झळके माळ मुक्ताफळाची |

(મહારાષ્ટ્રમાં ગવાતી ગણેશ આરતીની પ્રથમ કડી – અર્થઃ હે દેવ, તું તો સુખ દેનારો, દુઃખ અને વિધ્નો દૂર કરનારો છે. દશે દિશામાં તારી પ્રેમ કૃપા વરસે છે. તું એવો દેવ છે જેના આખા શરીરે સિંદૂરી લેપ લગાડેલો છે અને મોતીઓની માળા જેના કંઠે શોભે છે.)

eછાપું

તમને ગમશે: પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here