ઘરેલુ હિંસા – બંધ દરવાજે લાલ ઘરચોળું ક્યારેય ‘મહોતું’ ન બને એની શું ગેરંટી?

0
875
Photo Courtesy: patrika.com

ગયા શુક્રવારે KBCમાં ઘરેલુ હિંસા ના મુદ્દે સમાજસેવિકા સાયકલવાલી દીદી સુધા વર્ગિસે હાજરી આપી. વર્ષ 2012માં આમિર ખાન નિર્મિત ટોક શો ‘સત્ય મેવ જયતે’ની પહેલી સીઝનના સાતમા એપિસોડમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો મુદ્દો ઉઠાવેલો. આ મુદ્દા પર વધુ ચર્ચા કરીએ એ પહેલાં કવયિત્રી નયના રંગવાલાની આ કવિતા ધ્યાનથી વાંચજોઃ

તું પૂછતી હતી,
આ માથાના ઢીમચા વિશે,
એ તો સવારે ઊઠતાની ઉતાવળમાં,
ક્યારેક માથું ભીંત સાથે અથડાઈ જાય!
અને આ હાથ દાઝ્યાનું નિશાન?
એ તો રોટલી શેકતાં શેકતાં.
ક્યારેક હાથ પણ શેકાઈ જાય!
હવે આ છાતી પરના લાલ ચકામાં?
એ તો રાતના ગાઢ અંધકારમાં,
ક્યારેક પ્રેમ ઊભરાય,તો બીજું શું થાય?
લે, હવે તારે આ કપાયેલી આંગળીઓ,
છોલાયેલા ઘૂંટણો, તરડાયેલી ચામડી
અને રેલાયેલી પાંપણોની કથા સાંભળવી છે?
તો સાંભળ, આ બધું તો ચાલ્યા કરે!
એનો તો વળી રંજ હોય?
શહાદતની ગણતરી તો યુદ્ધમાં હોય,
આ તો ઘર છે યાર!

કવિતા વાંચીને પહેલો વિચાર શું આવ્યો? એ જ કે કવિતાની નાયિકા ઘરેલું હિંસાનો શિકાર બની છે છતાં એ અન્યાયને અવનવાં બહાનાઓથી છૂપાવવાની કોશિશ કરે છે. પતિ હાથ ઉપાડે, હિંસા કરે, હેરાન કરે તો પણ ‘ઘર છે’ કહીને એને જસ્ટિફાય કરે છે. હવે આ કિસ્સો વાંચો. (કર્ટસીઃ કાજલ ઓઝા વૈદ્ય)

થોડાં વર્ષો પહેલા મુંબઈ નજીક થાણાની એક સ્કૂલમાં એક કિસ્સો બન્યો. બાળકે સ્કૂલમાં ‘માય ફેમિલી’ વિષય પર નિબંધ લખ્યો. ત્રીજા ધોરણનું બાળક નિબંધ લખે તો એમાં શું લખી શકે? દુનિયા જોવાની હજી બાકી હોય અને એનું ઘર-સ્કૂલ જ એની 80% જેટલી દુનિયા હોય ત્યારે નિબંધમાં લખેલું લખાણ બાળકે અનુભવ્યું હોય તો જ લખ્યું હોય ને? નિબંધમાં લખ્યું: અમારું પરિવાર ત્રણ જણાનું છે. હું, મારા મમ્મી અને મારા પપ્પા. અમે ક્યારેય બહાર નથી જતા, હંમેશા ઘરમાં જ હોઈએ છીએ. મારા પપ્પા મારા મમ્મીને ખૂબ મારે છે. ઘર-બાથરૂમ ચોખ્ખાં હોય તો પણ મારે અને રસોઈ સારી બની હોય તો પણ મારે. ક્યારેક સવારે મારે, ક્યારેક ભર બપોરે, ક્યારેક અડધી રાત્રે મારે. હું એમને મારતાં જોઈ જાઉં તો મને પણ મારે છે. હું નાનો છું એટલે સામે મારી નથી શકતો પણ મોટો થઈશ ત્યારે પપ્પાને મારીશ.

નિબંધ વાંચીને વર્ગશિક્ષકે સ્કૂલના આચાર્યને વાત કરી અને આચાર્યએ બાળકના માતા પિતાને મળવા બોલાવ્યા. મા-બાપ બન્નેએ આ વાતને નકારી અને કહ્યું, ‘અમે તો બહુ હળીમળીને રહીએ છીએ. કદાચ બાળકે પાડોશમાં આવું બનતું જોયું હશે અથવા તો કલ્પના મુજબ નિબંધ લખ્યો હશે.’ આચાર્યએ વર્ગશિક્ષકને મોકલીને આસપાસના લોકો, પાડોશીઓ પાસે તપાસ કરાવી અને ખબર પડી કે બાળકે લખેલો નિબંધ 100 ટકા સાચો હતો. બાળકની માતાને એકલી હિંમત આપીને સ્કૂલમાં બોલાવી અને આચાર્યએ વિગતવાર જાણી લીધું કે સાચું શું છે. છેવટે પોલીસ ફરિયાદથી લઈને છૂટાછેડા અને પછી આ વાતનો નિવેડો આવ્યો.

***

વાચકમિત્રો, ભારતના પોલીસ રેકોર્ડ એવું દર્શાવે છે કે દર 34 મિનિટે એક મહિલા સાથે બળાત્કાર, દર 26 મિનિટે છેડતી, દર 43 મિનિટે અપહરણ અને દર 93 મિનિટે મહિલાની હત્યા કરવામાં આવે છે. ઘરેલું હિંસા એ આપણા સમાજનો એક અતિસંવેદનશીલ અને મહત્ત્વનો મુદ્દો છે. કોઈની દીકરીને વાજતે ગાજતે પરણાવીને પોતાના ઘરે લાવે અને પછી ‘દે ધનાધન’ પોતાના અહમને પોષવા ઢોરમાર મારે એ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. લગભગ 50% લગ્નસંબંધોમાં ઘરેલું હિંસાને પોત્સાહન મળે છે, અપાય છે.

લાગતું વળગતું: Social Media અને સ્ત્રી સુરક્ષા અત્યારસુધી વણચર્ચાયેલો વિષય

આ લેખના શીર્ષકમાં વાપરેલો મહોતું (કે મસોતું) શબ્દ ગુજરાતી પ્રજા માટે નવો નથી. મહોતાનો ઉપયોગ રસોડામાં ગરમ તપેલાં ઊંચકવા કે રોટલી કરતી વખતે લોટ ખંખેરવા કે તવા પર રોટલીને દડાની જેમ ફુલાવવા માટે એને ઉપરથી દબાવવા કે એવા બીજા સાફસફાઈના કામમાં જ વધુ થાય છે. મહોતાનું સ્થાન રસોડામાં જ છે. મહોતું બન્યા પછી એ કપડાંને કોઈ દિવસ ઘરના કબાટ કે તિજોરી જોવાનો મોકો મળતો નથી. વર્ષ 2017નો દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળવનાર વાર્તાકાર રામ મોરીના વાર્તાસંગ્રહનું નામ છે – મહોતું. આમ તો એમાં 14 ટૂંકી વાર્તાઓ છે પણ સૌથી પહેલી વાર્તા છે ગામડાના એક ડોમેસ્ટિક વાયોલેન્સથી પિડાતી એક દીકરી ની, એક મા ની અને એક કાંગસડીની. આખી વાર્તા તો અહીં નહીં લખું પણ પોતાના પતિના હાથે માર ખાઈને મા-બાપના ઘરે દોડી આવેલી ભાવુ નામની દીકરીને જ્યારે આખા ગામની બાયું સમજાવે છે એના સંવાદ કંઈક આવા છેઃ

“સહન કરતાં શીખ્ય ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા નો કરવી.”

“ને ગમ્મે એમ તોય ઈ આપડો માણહ છે, ઈ નો મારે તો કોણ પાડોશી આવે?”

“કઠણાઈની કાબર્ય મારી બેન…કાલ્ય હવારે જણ્યા આવશે મા, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાશે.”

આ સંવાદો આપણી વિચારધારા દર્શાવે છે. ગામડું હોય કે શહેર, ઝાઝો ફરક નથી. ઘરેલુ હિંસાના કુલ બનાવોમાંથી દસેક ટકા કિસ્સાઓ જ બહાર આવે છે. બીજા બંધ દરવાજે, પથારીએ આંસુ સારીને કે ઓશિકા ઉપર માથું રાખીને ભૂલાઈ જાય છે. ઝઘડા અને મારપીટ પછીનો શારીરિક સંબંધ કેટલાક લોકોને સંતોષ આપે છે, એવી વિકૃતિ આપણે ત્યાં વિકસી છે. ઘણી પત્નીઓનું એવું કહેવું હોય છે કે ‘મને પ્રેમ કરે છે એટલે મારે પણ ખરાં.’ આ શું વાત થઈ? એનો અર્થ કે પત્ની પતિને મારતી નથી એટલે એને જરાય પ્રેમ જ નથી કરતી? પ્રેમનો સંબંધ હિંસા સાથે નથી પણ કરૂણા સાથે છે.

બીજી દલિલ એવી કરવામાં આવે છે કે બહારથી કમાઈને આવે, થાકી ગયા હોય, એટલે હાથ ઉપાડીને મન હલકું કરે. એક વાત અહીં જાણવા જેવી છે કે ઈન્ટરનેશનલ લેબર રીસર્ચના મોટાભાગના અહેવાલો કહે છે કે સ્ત્રી અને પુરુષમાં વધુ કોણ થાકે છે? ઘરની સ્ત્રી બીજા સભ્યો કરતાં વહેલી ઊઠે છે અને સૌથી છેલ્લે પથારીભેગી થાય છે. પતિને એ વાતનો પણ ઘમંડ હોય છે કે એ ઘરમાં પૈસા કમાવીને લાવે છે. પણ ઘરના સભ્યો પૈસા નથી ખાતાં કે પૈસા પર નથી સૂતાં. એ પૈસાનું રસોઈ કે પથારીમાં રૂપાંતર પત્ની કરે છે. 19મી સદીમાં સમાજ સુધારક રાજા રામમોહન રાયે એવું કહ્યું હતું કે ‘લગ્ન કરતી વખતે એવું કહેવાય છે કે પતિ પોતાની પત્નીને અર્ધાંગિની તરીકે ઓળખે એટલે કે અડધો અધિકાર, અડધું અંગ અને બેટર હાફ પણ હકિકત અને આચરણમાં પત્ની સાથે તુચ્છ જાનવર કરતાં પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.’

ઘરેલુ હિંસા- આમાં દોષ કોનો છે? પતિનો કે પત્નીનો કે સાસરિયાંપક્ષનો દોષ પછી આવે. પહેલો દોષ છે આપણી પ્રથા અને સંસ્કૃતિનો. ‘સત્ય મેવ જયતે’નો એપિસોડ પર યુટ્યુબ છે જેમાં આ વિશેની ચર્ચા થઈ હતી. આપણા સમાજમાં એક અણસમજ છે જેને અંગ્રેજીમાં Patriarchy અને ગુજરાતીમાં પિતૃપ્રધાનતા કે પિતૃસત્તા કહેવાય છે. નાની ઉંમરના હોય ત્યારથી જ દરેક (પુરુષ હોય કે સ્ત્રી) ના મનમાં ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવ્યું છે કે પુરુષનું પલ્લું ભારે અને સ્ત્રીનું હલકું. આચાર્ય રજનીશે ‘વુમન’ નામના પુસ્તકમાં લખેલું છે કે, ‘સ્ત્રીનો સ્વભાવ શરણે જવાનો છે. સંભોગની પ્રચલિત સ્થિતિમાં પુરુષ ઉપર અને સ્ત્રી નીચે હોય છે. એટલે સ્ત્રી માટે પુરુષ નીચે દબાવું, કચડાવું કે ભીંસાવું એના સ્ત્રીત્વનો અનુભવ છે.

તેજસ્વી અને પ્રભાવશાળી સ્ત્રીઓ માટે પણ પુરુષની આક્રમકતા કેટલીક વાર આકર્ષક નીવડે છે.’ એવું કહેવાય છે કે નીચલા અને મિડલક્લાસમાં ઘરેલુ હિંસા નું પ્રમાણ વધુ હોય છે. તદ્દન ખોટી વાત. સંપત્તિ અને રૂપિયાના મોટા બંગલાઓમાં છાના-છપનાં કેટલાયે કિસ્સાઓ જાહેરમાં આવતા ખચકાય છે. વર્ષો પહેલાં નીતુ સિંગે ફોન કરીને પોતાના ઘરમાં પોલીસ બોલાવેલી. બાસુ ભટ્ટાચાર્યની પત્ની રિંકુ ભટ્ટાચાર્યએ પોતાના પુસ્તક ‘બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર્સ’માં પોતાની પર થયેલી ઘરેલુ હિંસા વિશે જાહેર કરેલું. ક્રિકેટર મોહમ્મદ સામીનો કિસ્સો પણ થોડાં દિવસો પહેલાં ચગેલો.

‘પતિ’ શબ્દની વ્યાખ્યા શું થાય? ભગવદ્‍ગોમંડળમાં પતિ શબ્દનો અર્થ છે – અધ્યક્ષ, આગેવાન, ધણી, માલિક, શેઠ, પ્રભુ, ઈશ્વર વગેરે. અને ‘પત્ની’ શબ્દના અર્થ છેઃ ભાર્યા, પરણેતર સ્ત્રી, વહુ, વિવાહિતા વગેરે. એટલે કે પતિ હંમેશા માલિકીભાવથી વર્તન કરે. એક તો પતિ અને પાછો એને દેવનો દરજ્જો આપવામાં આવે છે (પતિદેવ), પણ પત્નીદેવી એવો શબ્દ સાંભળવામાં આવતો નથી. જ્યાં સુધી આ પતિ‘દેવ’ ઘરમાં હશે ત્યાં સુધી આવાં કિસ્સાઓ બનતાં રહેશે. પતિદેવને ઘરની બહાર કાઢીને જીવનસાથીને અંદર લાવવામાં આવે તો જ આનો ઉકેલ આવી શકે.

સન 2005માં Protection of Women from Domestic Violence Act જેવો જરૂરી કાયદો રજૂ થયો અને 2006માં લાગુ કરવામાં આવ્યો. આ કાયદો ફક્ત પત્ની જ નહીં – માતા, બહેન, દીકરી, લીવ-ઈન-રિલેશનશીપમાં રહેતી પાર્ટનર કે કોઈ પણ સ્ત્રી હોય, દરેકને માટે એકસમાન હક્ક ધરાવે છે. આ કાયદો એવું કહે છે કેઃ

કોઈપણ કાર્યવાહી કે આચરણ કે વર્તન ‘ઘરેલુ હિંસા’ તરીકે વર્ગીકૃત થશે – જો તે:

1) ઘરેલુ હિંસા થી પીડિત વ્યક્તિને માનસિક અથવા શારીરિક આરોગ્ય કે જીવન, અંગ, અંગત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે અથવા જોખમમાં નાખે અથવા શારીરિક દુર્વ્યવહાર, જાતીય દુર્વ્યવહાર, મૌખિક અને માનસિક દુર્વ્યવહાર અને આર્થિક દુરુપયોગને શામેલ કરે અથવા

2) કોઈપણ દહેજ અથવા અન્ય મિલકત અથવા મૂલ્યવાન સુરક્ષા માટે ગેરકાયદે માર્ગે પીડિતને અથવા તેનાથી સંબંધિત કોઈપણ અન્ય વ્યક્તિને દબાણ કરવા માટે નુકસાન પહોંચાડે અથવા જોખમમાં મૂકે.

જો આવો કોઈ કિસ્સો બને તો ઘરેલુ હિંસા થી પીડિત કોઈ વકીલની મદદ લીધા વગર સીધી Chief Justice Magistrate (CJM)ને ફરિયાદ કરી શકે છે. CJM ફરિયાદ સાંભળીને કોઈ પણ ફી લીધા વગર મદદ કરી શકે છે.

પડઘોઃ

પત્ની પતિની દાસી નથી, પણ તેની સહચારિણી છે, સહધર્મચારિણી છે, બંને એકબીજાના સુખદુઃખોના સરખાં ભાગીદાર છે અને જેટલી સ્વતંત્રતા સારું નઠારું કરવાની પતિને છે તેટલી જ પત્નીને છે.

મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માંથી

eછાપું

તમને ગમશે: Race 3 નો સટીક રિવ્યુ: ભાઈ તો ભાઈ છે મજાક થોડી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here