અનુપ જલોટાની બે ઘડી ગમ્મત કરીએ તો પણ લોકોને વાંધો છે!

0
296
Photo Courtesy: deccanchronicle.com

પ્રખ્યાત ભજન ગાયક અનુપ જલોટાની એનાથી અડધી કે પા ઉંમરની એક ગર્લફ્રેન્ડ નામે જસલીન મથરુ (કે પછી મથારુ?) પણ છે એની આપણામાંથી ઘણાને હજી બે અઠવાડિયા અગાઉ પણ ખબર ન હતી. પરંતુ આ વખતે બિગ બોસ રિયાલિટી શોમાં વિવિધ કપલ સહભાગીઓની ઓળખાણ કરાવતી વખતે જેવી આ જોડીની ઓળખાણ સલમાન ખાને કરાવી કે વાત વાયરલ થઇ ગઈ. પછી જેમ બને છે તેમ અનુપ અને જસલીન અંગેના ફન્ની જોક્સ અને મિમ્સ (હાશ મેમે ન લખ્યું!) સોશિયલ મિડિયામાં ધુબાકા મારવા લાગ્યા.

છેલ્લા ઘણા વર્ષોથી દેશ કે વિદેશમાં બનતી નાની કે મોટી દરેક ઘટનાઓના રિએક્શન સોશિયલ મિડિયા પર આવતા હોય એ સામાન્ય બની ગયું છે. ઘણીવાર કોઈ વસ્તુ લાંબી ચાલે તો ઘણીવાર કોઈ ઘટના બે ત્રણ દિવસમાં ભુલાઈ પણ જાય. પરંતુ એક વર્ગ કાયમ પોતાની જગ્યાએ સ્થિર રહે છે અને એ છે આ પ્રકારના વાયરલ ટ્રેન્ડની ટીકા કરનારો વર્ગ. આ વર્ગને એવું છે કે બે ઘડી મસ્તી મજાક કરીને આપણે આજની ટેન્સ ઔર ભાગદૌડ ભરી જિંદગીમાં રિલીફ પણ ન મેળવવી જોઈએ.

બેશક! ઘણા વાયરલ મેસેજીઝ below the belt હોય જ છે, પરંતુ એનો મતલબ એ નથી કે બાકીના લોજીકલ, ઈન્ટેલીજન્ટ અને ખડખડાટ હસાવતા વાયરલ મેસેજીઝને પણ એકજ લાકડીએ હાંકવાના હોય. અનુપ જલોટાના કિસ્સામાં પણ એ વર્ગ થોડા દિવસ પછી મેદાનમાં આવી ગયો અને જે લોકો કુદરતી આનંદ મેળવતા હતા એની ટીકા કરવા લાગ્યો. આ વર્ગની મુખ્ય દલીલ એ હતી કે દરેકને પોતાની અંગત જિંદગી હોય છે.

બિલકુલ, દરેકને તો શું મારી વાત કરું તો મારી ખુદની અંગત જિંદગીમાં દખલગીરી મને ન ગમે અને તમને પણ નહીં જ ગમતી હોય. પણ મારો કે તમારો એ અણગમો ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી હું કે તમે પ્રખ્યાત નથી થતા. જો હું અને મારો ધંધો આજકાલ ઘણી વખત વપરાતા શબ્દપ્રયોગ ‘public domain’ માં એક વખત આવી જાય પછી મારી પર્સનલ લાઈફ હું સો માળના બિલ્ડીંગથી કુદકો પણ મારું તો પણ પર્સનલ રહી શકતી નથી એ હકીકત છે.

વધુમાં, ભારતમાં હજીપણ લગ્ન કે અન્ય કોઈ પ્રેમસંબંધમાં જોડાયેલો પુરુષ તેની સ્ત્રી કરતા અમુક જ વર્ષ મોટો હોવો જોઈએ એ (ગેર)માન્યતા દૂર નથી થઇ. તમે ગમે તેટલી મોડર્ન વિચારધારા ધરાવતા હોવ પરંતુ એકવાર તમને ખબર પડે કે જે-તે પ્રેમ અથવાતો લગ્નસંબંધમાં સ્ત્રી પુરુષથી મોટી હોય અથવાતો પુરુષ અને સ્ત્રી વચ્ચેની ઉંમરમાં લાંબો ગેપ હોય તો તમને પણ બે ઘડી મનમાં બોલાઈ જ જશે કે, “અચ્છા? તો આમ વાત છે!”

બીજી વાત, ભારતમાં ઘણા પ્રકારની બંધિયાર ઈમેજ ઘર કરી ગઈ છે. અનુપ જલોટાની જ વાત લઈએ તો એક ભજન ગાયક તરીકે એનું જીવન પણ સંત જેવું હોવું જોઈએ એવું દેશના કરોડો લોકો આજે પણ માનતા હશે જ એટલે આવી મોડર્ન છોકરી સાથે એણે આ ઉંમરે લફરું ન કરવું જોઈએ એવું માનનારા આપણા દેશમાં છે જ. એ પણ છોડો, ભલે અનુપ જલોટા રોક સિંગર પણ હોત તો પણ “હવે આ ઉંમરે ક્યાં આ બધામાં પડ્યો?” એવું બોલનારા પણ હોત જ!

ઉપરોક્ત દલીલ કરવા પાછળની દલીલ એવી છે કે હજી ભારત પ્રેમની કુદરતી લાગણીઓ અને તેના સ્વિકાર માટે અને ખાસ કરીને બીજાના જીવનમાં માથું ન મારવાની પ્રેક્ટિકલ દલીલ સાથે સહમત થતું નથી દેખાતું એટલે આવી ઘટના આપણે ભારતીયો માટે શોકિંગ છે અને આવનારા અમુક દાયકાઓ સુધી તે શોકિંગ રહેશે જ. આ જ કારણ છે કે અનુપ જલોટાની બે ઘડી મસ્તી કરીને જે-તે વ્યક્તિનો પર્સનલ ઈગો સંતોષાઈ જતો હોય છે.

લાગતું વળગતું: અનુપ જલોટા જેવા સાત્વિક મનુષ્ય પાસેથી દેશનો યુવાવર્ગ ઘણું શીખી શકે છે

એક એવી વાત પણ સામે આવી કે અનુપ જલોટાની મસ્તી લોકો એટલે કરી રહ્યા છે કારણકે જસલીનની ઉંમર ને સુંદરતા જોઇને તેમને લાગી રહ્યું છે કે, “તમે લઇ ગયા અને અમે રહી ગયા!” બેશક! આ લાગણી દરેક પુરુષને થાય જ. મારી એક મિત્ર મને ઘણીવાર કહેતી હોય છે કે, “ભલે પોતાની પત્ની ઐશ્વર્યા રાયથી પણ સુંદર હોય તો પણ તેનો પુરુષ બીજી સ્ત્રીમાં વધુ સુંદરતા જોવે એ કુદરતી લાગણી જ છે!”

બીજું અનુપ જલોટાની ગાયનની ટેલેન્ટથી જસલીન જેવી સુંદર કન્યા પોતાનાથી હાંસલ થઇ શકવાની નથી કારણકે આપણામાં ગાયન, લેખન, અદાકારી કે એવી અન્ય કોઈજ ટેલેન્ટ હાજર નથી એટલે જેલસી થવી પણ સ્વાભાવિક ઘટના છે જ, અને જો આપણામાં આવી એકાદી ટેલેન્ટ પણ છે પણ જસલીન જેવી સુંદર કન્યાઓ આપણી આસપાસ ફરતી હોવા છતાં એને આપણી એના પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાની હિંમત નથી, જે કદાચ અનુપ જલોટાએ દેખાડી હશે જ, તો પણ જલોટા સાહેબ પ્રત્યે બળતરા થવાની, થવાની અને થવાની જ, જે છેવટે સોશિયલ મિડિયા પર આપણા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એમના જોક્સ કે મિમ્સ દ્વારા વ્યક્ત થઇ જાય છે.

હવે આવીએ મુખ્ય વાત પર. છેવટે તો અનુપ જલોટા અને જસલીન બંને પ્રોફેશનલ્સ છે અને સેલિબ્રિટીઝ છે. આ બંને બિગ બોસ શોના સહભાગી છે, જે શો માત્ર અને માત્ર કોન્ટ્રોવર્સી કે પછી લોકોને મજા પડે એવી અલગ બાબતો પર જ ચાલતો હોય છે એની આપણને બધાને ખબર છે. એટલે સેલિબ્રિટીઝની અને શોની બંનેની પબ્લિસિટી આ જોક્સ અને વાયરલ મેસેજીઝથી આપોઆપ થઇ જતી હોય છે એટલે શ્રી અનુપ જલોટાને પણ તેમની મશ્કરીની કોઈજ પરવા નહીં જ હોય એની ખાતરી રાખજો. તો પછી પેલા ચિરકુટ વર્ગને શી તકલીફ છે એ સમજાતું નથી.

જો આવું જ હોય તો પેલા વર્ગને વાંધો શું છે? વાંધો એ જ છે કે એમને એ કાયમ દેખાડવું છે કે અમને તો ભાઈ બધામાં વાંધો પડે એટલે પડે જ. આ એ જ વર્ગ છે જેમને કપિલ દેવ સિક્સર મારતો ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બોલ લેવા જતા એવી નિર્દોષ મજાકથી પણ તકલીફ પડતી હતી. મજાની વાત તો એ છે કે ઇમરાન ખાન કે પછી હવે અનુપ જલોટાની બે ઘડી ગમ્મત સહન ન કરી શકતા આ વર્ગના લોકો જ છેલ્લા સાડાચાર વર્ષથી ભારતમાં અભિવ્યક્તિની આઝાદી હણાઈ રહી છે એવા રોદણાં રોતા હોય છે.

eછાપું

તમને ગમશે: નિરવ મોદી અને વિજય માલ્યાને પાછા લાવવા શું કરવું જોઈએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here