નવો વિષય મમળાવીએ: સમાજ ‘અ’વ્યવસ્થા અને ‘અ’જાતિ

0
367
Photo Courtesy: downvids.net

સમાજ વ્યવસ્થા – આજે તો આવો કોઈ વિષય માત્ર ભણવામાં આવે છે, એમાં પણ આવો શબ્દ માત્ર ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓને સાંભળવા મળે છે. જેને અંગ્રેજીમાં સોશિયલ સ્ટડીઝ કે સોશિયલ ઇકોનોમિક્સ કહીએ છીએ.

આજે સમાજવ્યવસ્થા એટલે સૌથી પહેલાં તો અનામત જ યાદ આવે, પછી કંઇક સમાજના દુષણો, જે પણ સમાચાર માધ્યમોના પ્રતાપે દરેક માણસ જાણે છે (જાણે છે પણ સમજે છે કે કેમ એ તો રામ જાણે) એમ જાતિ, ધર્મ, ઊંચ-નીચ, ગરીબ-અમીરના ભેદભાવ, સાક્ષરતા, શહેર-ગામડાં બસ આ બધું યાદ આવે. આમાં વ્યવસ્થા તો કોને કહેવાય એ તો શું ખબર, આ તો કદાચ ઉત્તમ સમાજ અવ્યવસ્થા કહી શકાય.

આ દુષણો કેમ છે, ક્યાંથી આવ્યા તે પહેલાં તો શું સમાજ એ પણ ક્યારેક સમજવું જોઈએ. વર્ષો, યુગો પહેલાની જો વાત કરીએ તો વિજ્ઞાન કહે છે તેમ માણસ આદિમાનવ હતો, જંગલી હતો, પોતે પોતાનું કરી ખાતો. પણ તેનામાં વિચારવાની શક્તિ હતી. દુનિયાની દરેક શક્તિના ફાયદા ગેરફાયદા હોય જ અને આ શક્તિ તો અણુશક્તિ કરતા ય શક્તિશાળી, આપણે ગણતા નથી તે અલગ વાત છે. ખેર, આજે તો વિચારવાની શક્તિના ગેટફાયદા વધારે જોવા મળે છે, પણ તે સમયે ફાયદા જોવા મળતા હતા.

તો વાંદરામાંથી તે જંગલી બન્યો, ને પછી આદિમાનવ બન્યો, ને વિજ્ઞાનમાં ન ઉતરીએ તો સરળ શબ્દોમાં ધીરે ધીરે ગ્રુપીઝમ વઘ્યું એટલે કે ટૂંકમાં બાકીના જંગલી જાનવરોને પોતાનાથી ઉતરતા ગણી એકબીજાની સાથે રહેવા લાગ્યો. આધુનિક બન્યો અને સમાજ અસ્તિત્વમાં આવ્યો.

જો કે આવું જ ગ્રુપીઝમ જાનવરોમાં પણ વધ્યું. જુઓને વાંદરા, વાંદરાની સાથે જ રહે ને સિંહ વળી સિંહ સાથે ને હાથીના ય ટોળા, કેમ એક સિંહ, એક હાથી, એક સસલું, એક વાંદરૂ સાથે નથી રહેતા. એમનામાં પણ ઘણું ડેવલપમેન્ટ આવ્યું વળી બીજું શું?

લાગતું વળગતું: આહાર અને જાતિવાદ – આઝાદીના સાત દાયકા પછી પણ ‘હમ સાથ સાથ હૈ’?

ખેર, ડિસ્કવરી પડતી મૂકી ફરી રૂટ પર આવીએ તો ત્યારપછી એકબીજાની જરૂરિયાત સમજી એકબીજાને મદદરૂપ થવા લાગ્યો. તો ખબર પડી કે મોચીકામ કરતા માણસને મોચીકામ કરતા માણસની જ જરૂર પડે ને. યુ નો ક્યારેક દોરો કે સોય કે કંઈક ચામડાનો કટકો જોતો હોય ને બાજુમાં દરજીકામ કરતા ભાઈ રહેતા હોય તો એમની સીવવાની સોય જૂતાં સીવવામાં ન ચાલે. એટલે એકસરખું કામ કરતા લોકો નજીક આવ્યા. નજીક રહેવા લાગ્યા, જાણવા લાગ્યા, એકબીજાની ને એકબીજાના ધંધાની મુશ્કેલીઓ પણ સમજવા લાગ્યા. હવે જેમનું કામ હોય એ જ સમજે ને. તો વ્યવહાર કે વહેવાર વધવા લાગ્યો અને ધીરે ધીરે મોચી, દરજી, બ્રાહ્મણ, પટેલ ને ક્ષત્રિય એવા શબ્દો ચલણમાં આવ્યા. જેને આજે આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ.

એક ક્ષત્રિયને જ ખબર હોય કે રક્ષણ કરવું હોય તો શું ધ્યાનમાં રાખવું, તે ગમે ત્યાં જન્મ્યો હોય પણ પછી પેઢી દર પેઢી આ કામ કરતા લોકો નજીક આવે તો એકબીજાને એકબીજાની સલાહો કામ લાગે કે ફલાણા રસ્તે વધારે ડાકુ છે ભાઈ, તલવાર ચમકાવીને જ જવી. આમાં ડાકુ જાતિ પણ આવી જાય હોં કે ફલાણા નીકળે તો ધાડ ન પાડવી એવી શિખામણો આપતા હોય એકબીજાને…આજે આ જાતિ જેલમાં જોવા મળતી હશે. વિકસતા વિકસતા તેઓ કદાચ જેલરો પણ બને કંઈ કહેવાય નહીં.

જો આજના સંદર્ભે જોવા જાઓ તો લખવાનું કામ કરતા અને પોતાને લેખક ગણાવતા લોકોના વોટ્સઅપ ગ્રૂપ બનવા લાગ્યા છે. એમ જ કવિતા લખતા કવિઓ ગૃપો બનાવી બનાવી ઉકાળો કાઢે છે. મતલબ કે નજીક આવે છે. હવે આજથી 500 વર્ષ પછી કદાચ એ કવિ જાતિ કહેવાતી હશે, એમને અનામત પણ મળતી હશે. બિચારા જ્યાં પાંચ-પચ્ચીસ લોકોને જુએ ત્યાં કવિતા સંભળાવી મનોરંજન કરે ને કવિતા પુરી થાય ત્યાં સુધીમાં પાંચ જ બેઠા હોય કદાચ પચ્ચીસ જતા રહ્યા હોય. એટલે બગલથેલો ભરાવી અને લાંબો કુર્તો પહેરી ફરતા આ લોકોના વિકાસ માટે તેમને અનામત આપવામાં આવશે જેનો લેખક જાતિ વિરોધ કરશે કે ભાઈ અમારામાં પણ ઘણા ગરીબ લેખકો છે ને ઘણા કવિઓ તો ધોમ રૂપિયો કમાય છે આમ તે કંઈ ચાલતા હશે? અમને ય અનામત આપો નહિતર અમે ઉપવાસ આંદોલન કરશું. આજે આ વાત પણ કેટલી ખરી લાગે કે સાચી જ વાત છે ને કવિ હોવાથી ગરીબ ને લેખક હોવાથી અમીર એવું થોડું હોય. પણ અત્યારની સમાજ વ્યવસ્થા તો ભાઈ આ છે.

આવું જ રેડીમેડ કપડાં વેચનારી જાતિ રેડીમેડ જાતિ ને કાપડ વેચનારા કાપડી જાતિ કહેવાતા હશે કદાચ. જો કે આ સાંભળી કવિ, લેખકોએ, સંગીતકારો કે રેડીમેડ જાતિ આઈ મીન  કપડાના વેપારીઓએ ગભરાવું નહીં કારણ કે આ તો 500 વર્ષ પછીની વાત છે. તો ટૂંકમાં આ છે ‘જાતિ.’

તો હવે પછી આ સમાજ ‘અ’વ્યવસ્થાના બીજા કોઈ અંગનું ઓપરેશન હાથ ધરશું.

eછાપું

તમને ગમશે: કેવી આસાનીથી આપણે અન્યો માટે આપણો મત બાંધી લઈએ છીએ નહીં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here