આવો જાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને સ્ટ્રેસ વચ્ચેનું કનેક્શન

3
359
Photo Courtesy: healthystressdoctor.com

હમણાંજ વૈદજી ગૌરાંગભાઈએ આત્મહત્યા ઉપર બહુ સરસ લેખ લખ્યો હતો. જો તમે એ ચુકી ગયા હો તો હું પર્સનલી એ લેખ વાંચવાની ભલામણ કરું છું. આત્મહત્યા અને એનું કારણ એવી માનસિક બીમારીઓ એ આખા વિશ્વમાટે બહુ ચિંતા જનક વિષય છે. અત્યારે હાઈ સ્પીડ લાઈફ અને હાઈ અર્નિંગ જોબ ના જમાનામાં માત્ર આપણું ભારત જ નહિ આખું વિશ્વ અસહ્ય સ્ટ્રેસ અનુભવે છે. આપણા બાપ દાદાઓ ની અડધી કરિયર જેટલું કમાવવામાં જતી એટલું કમાવવામાં આપણને બે-પાંચ વર્ષ થઇ જાય છે. પણ આપણા બાપ દાદાઓ કામ પતાવી રાત્રે આઠ વાગ્યા સુધીમાં પોતાના મિત્રો સાથે ગપ્પા મારીને અને એકાદ પાન ખાઈને ઘરે આવી જતા જયારે આપણી નોકરીઓ માં રાત્રે દસ વાગે પણ નક્કી નથી હોતું કે આજે ઘરે જઈ શકાશે કે કેમ. એવામાં કામનો સ્ટ્રેસ (કે લગન) અને કામની બહાર આવી ગયેલી જવાબદારીઓ વચ્ચે સંતુલન એટલે કે વર્ક લાઈફ બેલેન્સ આપણા માટે અગત્યનું છે. જો એ ખોરવાયું તો જીવન માં સ્ટ્રેસ જ સ્ટ્રેસ આવવાનો છે. અને જો આ બેલેન્સ જળવાયું તો સ્ટ્રેસ દૂર કરવામાં બહુ મદદ મળવાની છે.

Photo Courtesy: healthystressdoctor.com

આગળ કોઈ વાત કરવાને બદલે હમણાંજ થઇ ગયેલા એક કિસ્સા વિષે ટ્વીટ અહીં મુકું છું. આગળ વાંચતા પહેલા આ ટ્વીટ એકવાર ધ્યાનથી વાંચી લેજો.

જે દિવસે ગૌરાંગભાઈની આત્મહત્યા વિશેની પોસ્ટ આવી એ દિવસોમાં જ ટ્વીટર પર ઘણા લોકોએ ટેલટેલ ગેમ્સ(Telltale Games) અને એના કર્મચારીઓ વિષે અમુક ચિંતા વ્યક્ત કરતી ટ્વીટ્સ મૂકી હતી. ટેલટેલ ગેમ્સ વિડીયો ગેમ્સ ઇન્ડસ્ટ્રીમાં એક નાનકડો ગેમ સ્ટુડિયો હતો, જેની બહુ પ્રસિદ્ધ ગેમ ધ વોકિંગ ડેડ  2012માં એના યુનિક ગેમપ્લે અને સ્ટોરી ટેલિંગ માટે બહુ બધા એવોર્ડ્સ જીતી હતી અને માત્ર 100 કર્મચારીઓ(જે વિડીયો ગેમ બનાવતી કંપની માટે તો ઓછા જ કહેવાય) સાથે આ કંપનીએ એવું કરી દેખાડ્યું હતું જે EA ગેમ્સ અને એવા બીજા મોટા સ્ટુડિયો ના વિચાર બહારની વાત હતી. અને આ સફળતાએ ટેલટેલ ગેમ્સને બેટમેન અને ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી જેવી સફળ ફ્રેન્ચાઈઝના લાઇસન્સ અપાવ્યા હતા, જે નાના સ્ટુડિયો માટે ચોક્કસ બહુ મોટી સફળતા હતી. આ બધી ગેમ્સ માટે ગેમર્સ અને ઇન્ડસ્ટ્રી બંનેના સમ્માન ને લાયક ટેલટેલ ગેમ્સ અત્યારે છ જ વર્ષમાં એવી હાંફી ગઈ છે કે અત્યારે એ સ્ટુડિયો બંધ થઇ રહ્યો છે અને એના 250 જેટલા કર્મચારીઓ ને છુટ્ટા કરવામાં આવ્યા છે. ઉપરનો ટ્વીટ ટેલટેલ ગેમ્સના છુટ્ટા કરાયેલા જ એક કર્મચારીનો છે.

ઝૉ સલ્દાના અને ધ વોકિંગ ડેડ ગેમના ડિરેક્ટર રોબર્ટ કર્કમાન એક ગેમિંગ એવોર્ડ સમારંભ વખતે Courtesy: Zimbio.com

2012માં ધ વોકિંગ ડેડ  એવોર્ડ મળ્યો એ પછી બેટમેન અને ગાર્ડિયન્સ સહીત ટેલટેલ ગેમ્સએ આ સફળતાને રોકડી કરવા માટે એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ શરુ કર્યા, જે એની અને એના કર્મચારીઓની ક્ષમતા બહારની વાત હતી. અને આ એક્સ્ટ્રા વર્કલોડ ને પહોંચી વળવા કંપનીએ એના કર્મચારીઓ પાસે વધારે કામ લેવાનું શરુ કર્યું. ગેમ ની રિલીઝના અઠવાડિયાઓ પહેલા ઘણા કર્મચારી અઠવાડિયાના 100 કલાક કામ કરતા, મતલબ અઠવાડિયાના છ દિવસ માટે રોજનું 15-18 કલાકનું કામ. અને એક રિલીઝ પતે એટલે બીજી રીલીઝ સાવ નજીક જ હોય. એટલે આ અઠવાડિયાના 100 કલાક વાળું કામ મહિનાઓ સુધી ચાલ્યા કરતુ, અને આનો કોઈજ અંત ન દેખાતો. કોર્પોરેટ ની ભાષામાં આને ડેથ માર્ચ કહેવાય.

આ કોર્પોરેટ ડેથ માર્ચ શરૂઆતમાં લોકોને બહુ સારી લાગે. ટાર્ગેટ પૂરું કરવા માટે લોકો ગમે તે બલિદાન દેવા તૈયાર થઇ જાય. પણ જયારે આ મહેનતના ફળ વસુલવાની, એટલેકે પ્રમોશન અને પગારવધારા ની વાત આવે ત્યારે આ ડેથ માર્ચ વખતના વાયદા રાહુલ ગાંધીએ કહેલા મોબાઇલ ની પાછળ પોતાના શહેર નું નામ જોવાના ફાંકા જેવા જ લાગે. સમય, જગ્યા અને વસ્તુ બદલાય પણ વાયદા એ ના એ જ રહે. પ્રમોશન અને પગારવધારો તો ઠીક, આટલી તનતોડ અને મનતોડ મહેનત કર્યા પછી બ્રેક લેવાની વાત કરીએ એટલે મેનેજમેન્ટ ને તો જાણે લેફટીસ્ટ લિબટાર્ડ ને ભારત માતા કી જય બોલવાનું કહ્યું  હોય એવા તો ભટાકા લાગે. અને એમાંય અમુક મેનેજમેન્ટને માટે તો એ એના કર્મચારીઓ ને પગાર આપીને મોટી સમાજસેવા કરતા હોય એવો માહોલ છે. આવો માહોલ વર્ષો સુધી ટેલટેલ ગેમ્સમાં રહ્યો. જેના લીધે એક સફળ અને સન્માનનીય ગેમ સ્ટુડિયો છ જ વર્ષમાં આ હાલતે પહોંચી ગયો.

અને આવા માહોલમાં સતત 10-12 કલાક ગાળવાનો સ્ટ્રેસ આપણા સામાન્ય જીવન પર પણ પડે. આપણા ઘર પરિવાર ને સતત એવું લાગ્યા કરે કે આપણે એને ઇગ્નોર કરી રહ્યા છીએ. આપણા, આપણા પરિવારના અને બીજા ઘણા કામ લાંબા સમય સુધી ખેંચાય. અને આપણા દોસ્તો અને આપણી રિલેશનશિપ સતત આપણાથી છૂટતી હોય એવું લાગે. એક તરફ નોકરી જવાનો ડર અને બીજી તરફ એને બચાવવામાં આપણા પરિવાર, અને આપણા દોસ્તો થી દૂર થવાનો ડર. એટલે કામ અને કામ ની બહાર નું જીવન સતત સંતુલનમાં રાખવું એ આજના જમાનાની બહુ મોટી સમસ્યા થઇ રહી છે. જો આ સંતુલન ન બન્યું તો જીવનમાં કાયમી સ્ટ્રેસ આવી જાય જે અંતે આત્મહત્યા સુધી દોરી જાય. પણ જો આ વર્ક અને લાઈફનું બેલેન્સ જળવાઈ રહ્યું તો બીજા મોટા પ્રોબ્લેમ પર પડે કે ન પડે આપણું કામ અને આપણી નોકરી એક બીજી સમસ્યા તો ન જ બને. ઉપર લખ્યા એવા ઘણા લક્ષણ આ બેલેન્સને ખોરવી શકે છે, પણ આ કોઈ અસાધ્ય રોગ પણ નથી, વર્ક લાઈફ બેલેન્સ જાળવવાના ઉપાયો પણ છે.

લાગતું વળગતું: Gym માં સમય બરબાદ કરવાથી પાતળા નહીં થવાય

1. કસરત કરો 

સાડા નવ વર્ષની કરિયરમાં મેં આ લાઈન સાડા નવસો વખત વાંચી છે, પણ છેલ્લા નવ અઠવાડિયાને બાદ કરતા હરામ બરોબર મેં આના પર અમલ કર્યો હોય તો… સો ઓફકોર્સ શેઇમ ઓન મી. પણ છેલ્લા ત્રણ મહિના થી હું રોજ સવારે કસરત કરતો રહ્યો છું. અને એનું પરિણામ મને ક્લિયરલી દેખાય છે. કામ દરમ્યાન આખો દિવસ ફ્રેશ અને ફોકસ્ડ રહેવાય છે. અને કદાચ ઓછી ઊંઘ અને અમુક ખરાબ દિવસોમાં ફ્રેશ અને ફોકસ્ડ ન પણ રહેવાય તો આપણું શરીર કોઈ બીજો પ્રોબ્લેમ ઉભો નથી કરતુ. ફ્રેશ મગજ થી કરેલું કામ સારી રીતે જ થાય છે. અને આવી રીતે અઠવાડિયા કે મહિના સુધી કરેલા કામ નો એક સારો ટ્રેક પણ રહે છે. જેનાથી આપણને આપણી નબળાઈઓ અને સબળાઈઓ ની બહુ સારી રીતે ખબર પડે અને સ્ટ્રેસ થી દૂર રહેવાય છે.

2. બ્રેક લેતા રહો. અને બ્રેક દરમ્યાન તમારી કામ કરવાની જગ્યાએથી દૂર રહો

સતત કામ કરતા રહેવું એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને નાહકનો સ્ટ્રેસ ઉભો કરે છે. એટલે કામ દરમ્યાન બ્રેક લેતા રહો. આજકાલ દરેક કંપની જમવાનો એક અને ચા પીવાના બે બ્રેક તો આપે જ છે. બને ત્યાં સુધી આ બ્રેક દરમ્યાન તમારા વર્ક ડેસ્ક થી દૂર રહો. પોતાના મિત્રો સાથે વાતો કરો, મોબાઈલ મચડો, કે બીજા શોખના કામ કરો. આ ઉપરાંત મહિને એકાદવાર રજાના દિવસે પોતાનું મનગમતું કામ કરો. અને છ મહિને એક વાર વેકેશન લઇ પરિવાર કે મિત્રો સાથે બહાર ફરી આવો. આ બ્રેક દરમ્યાન તમારા વિચારો બેકસીટ પર આવવા જોઈએ, અને મગજ રિલેક્સ રહેવું જોઈએ. અગેઇન હું પોતે ભૂતકાળમાં આ સલાહ નું ઉલ્લંઘન કરી ચુક્યો છું. જમતા જમતા કામના વિચારો કરવા, કદી બ્રેક ન લેવો અને અમદાવાદ-ભાવનગર સિવાય ક્યાંય ત્રીજી જગ્યાએ ન જવા માટે હું ઘણી વાર પસ્તાયો છું. 

3. પ્રાયોરિટી સેટ કરો અને એને વળગી રહો

આપણા કામ બગડવાનું એક મહત્વનું કારણ એ છે કે એ કામની શું પ્રાયોરિટી છે એ કા તો આપણને ખબર નથી હોતી અને કા આપણે એને ઇગ્નોર કરીએ છીએ. એટલે પહેલા આપણા કરવાના કામની પ્રાયોરિટી જાણો અને એને વળગી રહો. જરૂરી નથી કે તમે સેટ કરેલી પ્રાયોરિટી જ સાચી હોય, ક્યારેક આપણા બોસ લોકોની પણ પોતાની પ્રાયોરિટી હોય છે, અને એ પ્રમાણે કામ કરવામાં ત્વરિત અને સારો ફાયદો પણ મળે છે. બપોરે બે વાગ્યે જે કામ થઇ શકતું હોય એને સવારે અગિયાર વાગે કરવામાં આપણે બાર વાગે જે કામ પતાવવાનું છે એને પાછળ ઠેલીએ છીએ. અને હા, જો બધા કામની પ્રાયોરિટી સરખી હોય તો સહુથી પહેલા એવું કામ કરો જે સહુથી અઘરું હોય, અને એ પતાવ્યા પછી એક નાનકડો બ્રેક લો . એનાથી ફ્રેશ મગજ એનો મોટા ભાગનો લોડ ઉંચકી શકશે, સ્ટ્રેસ  દૂર રાખશે અને પછી રિલેક્સ થયા પછી નોર્મલ કામ કરી શકશે, અને એવા સમયે આપણું સહુથી અઘરું કામ પૂરું થઇ ગયું હશે.

4. બિંદાસ ચર્ચા કરો અને ના પાડવામાં શરમાઓ નહીં

ઓફિસમાં મોટાભાગના પ્રોબ્લેમ એટલે થતા હોય છે કારણકે લોકોને કોઈ વાત કરવી નથી. અને જયારે છેલ્લે કામ પૂરું થવાનો સમય આવે ત્યારે બધા પ્રોબ્લેમ સામે આવે છે. અને ત્યારે કામ પૂરું કરવાના પ્રેશરમાં માણસ એવું બોલી કે કરી બેસતો હોય છે કે જે એની પર્સનાલિટીમાં નથી હોતું. એના બદલે સમયસર બધા પ્રોબ્લેમ્સ ની ચર્ચા કરતા રહેશો તો દરેક સમસ્યાનો ઉપાય નીકળશે. જે કામ શુક્રવારે પૂરું કરવાનું હોય એની સમસ્યા વિષે તમે સોમવારે જ બિંદાસ બોલી જશો તો શુક્રવારે શું કરવું એનો ઉપાય તો નીકળશે જ. દરેક માણસને પોતાનો ઈગો દેખાડવો નથી હોતો. અને જો એને ઈગો જ દેખાડવો હોય અને પોલિટિક્સ જ રમવું હોય તો એવા માણસો બિંદાસ અને મોઢે ચર્ચા કરવાથી સામે આવી જશે. પણ એવા માણસો સામે નથી આવતા અને એની મનની ધોરાજીઓ ચાલતી રહે છે કારણકે આપણે બિંદાસ બોલતા નથી. હા આવી ચર્ચાઓ સિવિલાઇઝડ રીતે થવી જોઈએ.

અને ના પાડવામાં તો જરાય નહિ શરમાતા. મેં ઘણા એવા ટેલેન્ટેડ કર્મચારીઓ સાથે કામ કર્યું છે જેની એવી છાપ પડી ગઈ છે કે તેઓ બધામાં ના જ પાડ્યા કરે છે. પણ જો આપણે ના નહીં પાડીએ તો નકામા કામ અને નકામી પ્રાયોરિટી આપણા લિસ્ટમાં ઉમેરાતા જશે. ગુરુકાન્ત દેસાઈ ન બનો, ના સાંભળો અને ના પાડતા શીખો.

5. એક યોગ્ય મેન્ટર કમ મિત્ર હોવો જરૂરી છે

આપણે સુપરહીરો નથી. અને કોઈ સિનિયર સુપર કર્મચારી અભિમન્યુ (મહાભારત વાળો) ની જેમ માતાના ગર્ભમાંથી બધું શીખીને નથી આવ્યું. એ લોકો પણ એક સમયે ત્યાં હતા જ્યાં અત્યારે આપણે છીએ. અને આ વાત એક વર્ષ ની કરિયર ધરાવતા જુનિયર કર્મચારીને જેટલી લાગુ પડે છે એ આઠ દર્સ વર્ષ ની કરિયર ધરાવતા સિનિયરને પણ આટલી જ લાગુ પડે છે. અને ધાર્યા લેવલ પર પહોંચવા માટે આપણને ગાઈડ કરવા માટે આપણને એક મેન્ટર અને આપણી વાત સાંભળવા આપણા જ લેવલનો મિત્ર હોવો જરૂરી છે. ચાહે એ તમારી બાજુના ડેસ્ક પર બેસતો હોય કે પછી ઇન્ટરનેટ પર તમે એને ફોલો કરતા હો, સ્ટ્રેસ દૂર કરવામાં એ જરૂર મદદરૂપ થશે.

6. પૂરતી ઊંઘ લો

સ્ટ્રેસ દૂર કરવા કેટકેટલી વાર નિષ્ણાતોએ આ વાત પર ભાર મુક્યો છે. પોતાના શરીર અને મગજને કંટ્રોલમાં રાખવા અને એના પાસેથી મેક્સિમમ કામ લેવા માટે લગભગ 7 થી 8 કલાકની સળંગ ઊંઘ લેવી અતિ અગત્યની છે. અને જો એ ઊંઘ ન મળી તો આગળ દિવસે તમે ફ્રેશ નહિ રહી શકો અને આગલા દિવસે 5-10 મિનિટ થી વધારે તમે ફોકસ પણ નહિ રાખી શકો.

અને અંતે છેલ્લો ઉપાય.

7. પોતાની બાઉન્ડરી સેટ કરો 

એક વાર નક્કી થઇ ગયું કે આઠ વાગ્યા પછી કોઈ મેઈલ નો જવાબ નહીં આપવાનો એટલે નહીં જ આપવાનો. અને કોઈ ફોન કે મેઈલ કરે તો કારણ જાણી લેવાનું અને એ કામ જેન્યુઈન ઇમર્જન્સી વાળું હોય તો જ હાથમાં લેવું, બાકી સવિનય કે સાથ એ કામને એના યોગ્ય સમયે હાથમાં લેવું. અને પોતાના કે બીજા ડિપાર્ટમેન્ટ ના એ વ્યક્તિને સવિનય કામના કલાકો કે કામની હાયરાર્કી ની બહાર સંપર્ક ન કરવા કહેવું, જેથી તમારું અને તમારા ડિપાર્ટમેન્ટ નું કામ કે એની પર્સનલ લાઈફ ન ખોરવાય.

આ વર્ક લાઈફ બેલેન્સ જાળવવાના તેમજ સ્ટ્રેસ દૂર રાખવાના મારા પોતાના ઉપાયો છે, આ સિવાય તમારી પાસે પણ કોઈ ઉપાયો હોય તો તમે પણ કમેન્ટમાં કહો. અને….

ફોર્સ ઇસ ઓલવેઝ વિથ યુ…….

eછાપું 

તમને ગમશે: ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ : ટેકનોલોજીની યશકલગીમાં એક નવું છોગું!

3 COMMENTS

  1. વાહ પ્રશમભાઇ, ખુબ સરસ રજુઆત. આજે હરીફાઇ – આ હરીફાઇ નોકરી મેળવવાથી માંડીને ટકાવવાની, પીઅર પ્રેશર, ડબલ ડીજીટ ગ્રોથનું પ્રેશર અને અનરીયાલીસ્ટીક ટારગેટ્સ અને હાઈ ડીમાન્ડીંગ મેનેજમેન્ટ…

    આ તમામ પરીબળો ડેથટ્રેપ સમા છે. મેં મારી ઇન્સ્યોરન્સની કરીઅરમાં એવા અનેક ન્યુઝ સાંભળ્યા છે કે કર્મચારી ડેસ્ક પર કોલેપ્સ થયો હોય, કાર્ડીયાક એરેસ્ટ થી. એક તો વડોદરામાં જ બનાવ બન્યો હતો.

    ખરેખર તો કંપનીઓ માટે નહીં પણ તમારા ગ્રાહકો માટે કામ કરવું જોઈએ એ પરિસ્થિતિ હવે જરૂરી થઈ રહેશે. સારી જીંદગી અને સર્વાઇવલ માટે.

    આભાર

    • તમને ગમ્યું એ જાણીને આનંદ થયો. ગ્રાહકો માટે કામ કરવું જોઈએ એ સોલહ આને સાચી વાત….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here