સને 1869ના ઑક્ટોબરની 2જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં મોહનદાસ ગાંધી નો જન્મ થયો. આજે 149 વર્ષ પછી પણ એમના સિદ્ધાંતો અને કાર્યો લોકોને પ્રોત્સાહિત કરતાં રહે છે. ભીખુદાન ગઢવી લગભગ દરેક ડાયરામાં વાત કરે કે ‘સંસ્કારને આવતાં પણ પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાં પણ પેઢીઓ લાગે’ આ વાતનું ઉદાહરણ મહાત્મા ગાંધી અને તેમના પૂર્વજો. મોહનદાસ વિશે, કસ્તુરબા વિશે, તેમની પ્રયોગશાળા દક્ષિણ આફ્રિકા વિશે, સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે કેટકેટલું લખાયેલું છે અને લખાતું રહેવાનું છે પણ તેમના દાદા ઓતાબાપા વિશેનો પરિચય આપણને ઓછો છે.

ગાંધીજીનું સર્વાધિક લોકપ્રિય પુસ્તક સત્યના પ્રયોગોમાં પણ નહિવત્ જેવું વર્ણન છે. ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના પહેલાં પ્રકરણનો પહેલો ફકરો આ પ્રમાણે છેઃ
ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે લરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યોઃ ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઈ ચૂક્યો છે.’
આ સિવાય ઓતાબાપા વિશેની માહિતી ઓછી ઉપલબ્ધ છે. લગભગ ઓતાબાપાનો ફોટો પણ અપ્રાપ્ય છે. પ્રભુદાસ ગાંધીએ લખેલા પુસ્તક ‘જીવનનું પરોઢ’માં ઓતાબાપા વિશે વધુ માહિતી મળે છે. (પ્રભુદાસનો ટૂંકો પરિચયઃ મોહનદાસના પિતા કરમચંદના ભાઈનું નામ જીવનલાલ ગાંધી. એમના દીકરા ખુશાલચંદના દીકરા છગનલાલના દીકરા પ્રભુદાસ ગાંધી. એટલે પ્રભુદાસ, મહાત્મા ગાંધીના પૌત્રની હરોળમાં આવે). આવો જાણીએ ઓતાબાપા વિશે, શબ્દો અને ભાષા એ જ રાખી છે:
ઓતાબાપા એ ઉત્તમચંદ ગાંધીનું ટૂંકું નામ. કહેવાય છે કે ઓતાબાપા આજાનુબાહુ હતા. સીધા ઊભા રહે તો તેમની હથેળી ગોઠણ સુધી પહોંચતી. તેમનું કપાળ પણ ઝગારા મારતું અને કાચોપોચો તેમની સાથે વાતો કરવા જાય તો થોથવાવા લાગે એવી તેજસ્વી તેમની આંખો હતી. ગાંધીઓએ હાટડી ચલાવેલી, રજવાડાની નાનીમોટી નોકરીઓ પણ કરેલી પરંતુ પ્રધાનને પદે પહોંચવા જેટલો પુરુષાર્થ પહેલોવહેલો ઓતાબાપાએ જ પ્રગટ કર્યો જાણાય છે.
કુમારવયે ઓતાબાપા એમના કાકા દમન ગાંધી પાસે ધંધોરોજગાર મેળવવા કુતિયાણેથી પોરબંદર આવ્યા. પોરબંદરનો દરિયાઈ વેપાર એ દિવસે પણ ઓછો ન હતો. રાજ્ય સરકાર તરફથી વેપારી માલ પર અને ઉતારુઓના સામાન પર દાણ ઉઘરાવવું એ સાધારણ જવાબદારીનું કામ ન ગણાય. ઓતાબાપાને હજી મૂછનો દોરો માંડ ફૂટ્યો હતો, છતાં તેમણે એ કામ પૂરી હોશિયારીથી સંભાળી લીધું. વળી પોતાની પ્રગતિ સાધવા, વખત મેળવી દમાકાકાની કચેરીમાં જઈ દફ્તરીનું કામ પણ શીખવા લાગ્યા. એ કામનો પણ એટલો અનુભવ લઈ લીધો કે પછી તો કાકા આરામ કરે અને પોતે જ કાકાનું નાનુંમોટું કામ પતાવી દે.
એક વાર એવું બન્યું કે રાણાસાહેબ વિક્રમાજિતે દમાકાકાને કામ પ્રસંગે બોલાવ્યા. તેઓ તો કચેરીમાં હાજર ન હતા, પણ ઓતાબાપા તેમની ગાદી પર બેઠા હતા. બીજું કોઈ હોત તો રાણાસાહેબનું તેડું આવતાં દોડીને મૂળ અધિકારીને બોલાવી આવત, પણ ઓતાબાપા સાહસી હતા. દમાકાકાને બોલાવવા જવાને બદલે તેઓ પોતે જ રાણાની સન્મુખ જઈને ઊભા ને સલામ કરી નમ્રતાથી પૂછ્યું, “મારા કાકા તો બહાર ગયા છે, પણ કામ હોય તો મને બતાવો, હુંયે આપનો સેવક જ છું, કામ પાર પાડવા બનતું કરીશ.”
છોકરાની ચતુરાઈ, બોલવાની ઢબ અને હિંમત ઉપર રાણાસાહેબ મોહ્યા. અનુભવી અમલદારને કરવાનું કામ આ નવાસવા યુવકને સોંપ્યું અને તેણે પૂરી કુશળતાથી કરી આપ્યું. સોંપેલું કામ સરસ રીતે પાર પડેલું જોઈ રાણાસાહેબની ઓતાબાપા પર શ્રદ્ધા જાગી. એકવાર માધવપુર જેવા અઘરા વિસ્તારની વિષ્ટિ સફળ રીતે ઓતાબાપા પાર ઊતારી આવ્યા એ જોઈ રાણાસાહેબે તે જ વખતે એમને દીવાનગીરીનો પોશાક આપ્યો.
દીવાનગીરીની એ જવાબદારી જુવાનીમાં પગલાં માંડતા ઉત્તમચંદ ગાંધીએ છેવટ સુધી પોતાની બુદ્ધિમત્તા, પ્રતિભા, સત્યપ્રિયતા અને બહાદુરીથી એકધારી રીતે સંભાળીને દીપાવી તથા પોતાના વંશજોને ઉદાત્તતાનો પાઠ ભણાવ્યો. રાણાસાહેબ ઝાઝું નહોતા જીવ્યા, એમના પછી કુંવર સગીર હતા એટલે બધી સત્તા રાણીના હાથમાં હતી. પણ આખો કારભાર ઓતાબાપા જ ચલાવતા. રાજ્ય અને પ્રજાના હિતમાં બાપાને ઘણી વાર રાણીની હાએ હા ભેળવવી પાલવતી નહીં. ખુશામતમાં ન પડતાં કળેબળે તેઓ પોતાને સાચું અને પ્રજાને કલ્યાણકારી લાગે તે જ કરતા.
લાગતું વળગતું: પૂતળા વિનાશનું યુદ્ધ – ધ્વંસ થનારા પૂતળા છે કે ધ્વંસ કરનારા આપણે? |
આવા જે એક પ્રસંગમાં તેઓએ મોતને નોતર્યું હતું એ પ્રસંગ તો સુપ્રસિદ્ધ છે. ખીમો કોઠારી રાજ્યનો ખજાનચી અને ભંડારી હતો. કહે છે કે રાણીની દાસીઓને તે મોકળે હાથે ન આપતો તેથી દાસીઓ રાણીના કાન તેની સામે ભંભેર્યા કરતી. એક વાર કોઠારી પર કંઈક આકરો આક્ષેપ મુકાયો અને રાણીએ તેને બાંધી લાવવાનો હુકમ કર્યો. કોઠારી દોડીને બાપાને શરણે આવ્યો ને જીવતદાન માગ્યું. બાપાએ આપ્યું.
રાણીએ બાપાને રૂબરૂમાં બોલાવી ખીમાને સોંપી દેવા ફરમાવ્યું. બાપાએ એમ ને એમ તેને સોંપવાની ના પાડી અને રાણીને રીતસર કેસ ચલાવવાની વિનંતી કરી. રાણીએ તે ન માન્યું અને બળાત્કારે કોઠારીને લઈ જવાની ધમકી આપી. બાપા મક્કમ રહ્યા. ચારછ દિવસની વાટાઘાટને અંતે રાણીએ લશ્કરી ટુકડી બાપાના મકાન પર મોકલી અને પછી ઘર તોડવા તોપ મોકલી.
પોરબંદરી પાકા પથરાનું મજબૂત બાંધણીનું ઘર અને કિલ્લા જેવો દરવાજો. દરવાજે બાપાના અંગરક્ષક આરબોની નાનકડી ટુકડી. આરબોએ બાપાને કહી દીધું કે અમારા બધાનાં માથાં વધેરાયા પછી જ આપને કોઈ હાથ અડાડી શકશે. બાપાએ બહારની રક્ષા તેમને સોંપી ઘરમાં બધી તૈયારી કરી. સત્યને ખાતર સંતોષપૂર્વક હોમાઈ જવાને ઉપસ્થાન માંડ્યું. ઘરની વચ્ચોવચ પોતે બેઠા. પડખે એ સમયે હાજર પાંચે દીકરા, મા અને આઠમા કોઠારીને બેસાડ્યાં. બધાંને સત્ય ખાતર હસતે મોઢે બલિ થવાનો ઉપદેશ આપ્યો.
બહારથી તોપના ગોળાએ ધડાધડ જાડી દીવાલમાં બાકોરાં પાડ્યાં. અંદર ઈશ્વરનું સ્મરણ અને સત્ય પર દ્રઢ રહેવાની અભ્યર્થના ચાલી. ઈશ્વરને એ આખા વંશનું બલિદાન લેવું ઉચિત ન લાગ્યું. ઓતાબાપાને તો સ્વપ્નેય કલ્પના નહીં હોય કે, બળ વિનાના છતાં અણનમ રહેવાની અને સત્ય ખાતર મરવું પડે તો મરવાની જે તૈયારી મેં કરી છે તેનો વિકાસ મારો પૌત્ર સાર્વજનિક સત્યાગ્રહના રૂપમાં કરશે અને તેમાંથી જગત્પરિવર્તન અને ધર્માભ્યુદય થશે. પણ ઈશ્વરને તો તેની ખબર હશે જ. એટલે કંઈ પણ બૂરું પરિણામ આવે તે પહેલાં પોરબંદરની ધમાલના ખબર રાજકોટ જઈ પહોંચ્યા. અને, એજન્સીઓ વચ્ચે પડીને રાણીને બળાત્કાર કરતી અટકાવી.
આ ખટપટ પછી બાપાએ પોરબંદર છોડ્યું ને કુતિયાણા આવી પોતાનું ઉત્તર જીવન શાંતિ અને ભક્તિમાં પસાર કર્યું. કુતિયાણા જૂનાગઢ તાબેનું એટલે પોરબંદર છોડી આવેલા બાહોશ મંત્રીને નવાબે નોતર્યા. બાપા જૂનાગઢ ગયા; પણ તેમણે નવાબને ડાબા હાથે સલામ કરી અને જમણો હાથ પોરબંદરને સમર્પણ કર્યાનું કહી પોતાની એકનિષ્ઠા પ્રગટ કરી. નવાબના આવા અપમાન માટે તે દિવસોમાં ભારે સજા થાય, પણ નવાબને એકનિષ્ઠા પ્રત્યે આદર ઊપજ્યો.
ભરદરબારમાં નવાબે બાપાનાં વખાણ કર્યા અને બક્ષિસરૂપે બાપાને અને તેના વારસોને પેઢી દર પેઢી કુતિયાણામાં વગર જકાતે દુકાન ચલાવવાનો રુક્કો લખી આપ્યો. કુતિયાણા જઈને બાપાએ કંઈ ખાસ પ્રવૃત્તિ રાખી ન હતી. ઘોડેસવારીનો શોખ પહેલેથી જ ન હતો. એક સરસ ઘોડી રાખેલી તે પર રોજ આસપાસ દૂર સુધી ફરી આવતા અને બાકીનો સમય કથાકીર્તનમાં ગાળતા. રાણી સાથે ખટપટ થયા પછી ઓતાબાપા ફરી પાછા પોરબંદરની નોકરી કરવા ગયા જ નહીં. જોકે રાજ્યના કેટલાક હિતચિંતકોએ તેમને લઈ જવા માટે તજવીજો તો ઘણીયે કરી, પણ નિવૃત્તિમાંથી ફરી પ્રવૃત્તિ આદરવી તેમને ગમી નહીં.
હિતચિંતકોની મહેનતને પરિણામે તથા બાપાએ રાણા વિક્રમાજિત પાસે રાજ્યના દફતરમાં લખાવી રાખેલી નોંધને પરિણામે બાપાના બધાયે દીકરાઓને પોરબંદરમાં નોકરીઓ મળી. કહે છે કે જ્યારે રાણા વિક્રમાજિતના છેલ્લા દિવસો હતા ત્યારે સમયસૂચકતા વાપરી ઓતાબાપાએ તેમની પાસે પોતાની નોકરીનું લેખિત પ્રમાણપત્ર માંગ્યું; કારણ, રાણી કાચા કાનની હોવાથી રાણા પછી પોતાનું ભવિષ્ય જોખમાવાની તેમને પૂરી દહેશત હરી. રાણાએ ઉદારતાથી લખી આપ્યું કેઃ “ઓતા ગાંધીએ રાજ્યની કીમતી સેવા કરી છે ને મારું તથા રાજ્યનું હંમેશાં પૂરી વફાદારીથી કર્યું છે. માટે ઓતા ગાંધીને આંચ ન આવે એ બાબતની સંભાળ માતા ઉત્તરાધિકારીએ રાખવી, એટલું જ નહીં પણ મારા વારસદારોએ ગાંધીના વારસદારોને હંમેશાં રાજ્યમાં ઉદારતાથી નોકરી આપવી.” જોકે રાણીના જમાનામાં આ નોંધ નકામી નીવડી પણ સગીર વયના બાળરાજા મોટા થઈ ગાદીએ બેઠા ત્યારે તેમણે આ નોંધને મહત્ત્વ આપ્યું. જેને પરિણામે બાપાના દીકરાઓ રાજ્યની નોકરીમાં પ્રવેશ પામ્યા.
પડઘોઃ
ગાંધી કુટુંબ મૂળે પુષ્ટિમાર્ગી વલ્લભસંપ્રદાયનું હોવાથી તેમને ત્યાં કૃષ્ણભક્તિ વિશેષ હોવી જોઈએ, પરંતુ ઓતાબાપાને પોરબંદરના એક ખાખી સાધુ પર શ્રદ્ધા હતી. એ બાવાને સારુ બાપાએ એક ખાખીચોક પણ કરાવ્યો હતો. ખાખી રામનો અનન્ય ઉપાસક હતો. તેના સત્સંગથી બાપા પણ ભારે રામઉપાસક બનેલા. ઉત્તર વયમાં તેઓ દિવસનો મોટો ભાગ તુલસીની રામકથાનાં શ્રવણ અને તેના અનુશીલનમાં વિતાડતા.
મહાત્મા ગાંધીના છેલ્લા શબ્દો ‘હે રામ’ હતા. Coincidence?
eછાપું
તમને ગમશે: આપણા દીકરા શું દીકરીઓથી કમ છે? – ચાલો નવી દ્રષ્ટિ કેળવીએ