મોટી બીમારીઓને દૂર રાખવા માટે અપના હાથ જગન્નાથ …ક્યોં ઓર કૈસે??

2
198
Photo Courtesy: statefarm.com

સ્વાઈન ફ્લ્યુ ફરી વકરી રહ્યો છે,ગરમી આ વખતે દિવાળી કરીને જ જશે એવું લાગે છે. જીવાણુઓને ફૂલવાફાલવા માટે હુંફાળું ભેજ વાળું સરસ વાતાવરણ મળી રહ્યું છે ત્યારે એનાથી બચવાના એક એવા ઉપાય ની ચર્ચા કરીશું… એ છે હાથ કી સફાઈ… સોરી હાથોં કી સફાઈ! અપને હાથો કો કૈસે જગન્નાથ બનાયે?…15મી ઓકટોબર Global Hand Washing Day છે, શું આપણે આપણી નજીકની સ્કુલના બાળકોને હાથ ધોવાની સાદી પદ્ધતિઓ અંગે સમજાવી ન શકીએ???

Photo Courtesy: statefarm.com

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો પર પાણીપૂરીવાળાના ટોઇલેટવાળા હાથથી લઈ રાજપાલ યાદવ લઘુશંકા કરી વગ્ગર હાથ ધોયે સહુને હાથ મિલાવે એ દ્રશ્યો ધ્રુણા અને હાસ્ય ઉપજાવે છે એ ચોક્કસ પણ એના આરોગ્યના પરિપેક્ષ્યમાં શું મુલ્યો છે તેની ગંભીરતા ક્યારેય બતાવતી નથી. કેન્સર કે એઇડ્સના હાઉની સાથે જ હાથને ધોવા જેવી નાનામાં નાની અને પાયાની બાબતોની અવેરનેસ અંગે જાગૃતતા ક્યારેય બ્રોશરો સુધી પહોંચતી નથી અને આખરે આ નાની નાની કુટેવો હેલ્થ સેક્ટરમાં મોટા પાયે આર્થિક અને માનવીય ભોગ લેતી જાય છે. મૂળભૂત ફરજોમાં હાથને ધોવા અને મૂળભૂત હકોમાં હાથને ધોવા માટે સાબુ-પાણી મળી રહે એવું આવરી લઈએ તો આરોગ્યની 50% સમસ્યાઓનું આપોઆપ નિરાકરણ થઇ જાય.

અઢારમી સદીના અડધા ભાગમાં વિએનાની એક હોસ્પિટલમાં એવું બન્યું કે ડોકટરોના હાથે પ્રસુતિ પામતી મહિલાઓના વોર્ડમાં અચાનક તાવ આવીને મૃત્યુ થવા લાગ્યા, એની સામે જે દાયણ નર્સો ડીલીવરી કરાવતી એવી મહિલાઓના મૃત્યુનું પ્રમાણ નહી બરાબર હતું. ડોક્ટર્સ સ્કીલ્ડ હતા એટલે ગફલતને કોઈ ગુંજાઈશ ન હતી પણ કારણો પણ જડતા ન હતા. અંધશ્રદ્ધા એ વખતે જોરમાં હતી ભૂત, ભુવા ને જોગણી જેવા સ્પીરીટ ના ખ્યાલો ત્યાં પણ રાજ કરતા હતા.

એ બધું અપનાવ્યા પછી પણ મૃત્યુનું પ્રમાણ યથાવત હતું. એટલામાં એક તાવના દર્દીનું પોસ્ટમોર્ટમ કરતી વખતે એક ડોક્ટરની આંગળી કપાઈ અને તાવથી તેનું મૃત્યુ થયું અને ત્યારેજ ઇગ્નાઝ સેમીલ્વીસ નામના ડોકટરે આનું કારણ શોધી કાઢ્યું. એ સમયે મૃતદેહોની તપાસ અને ડીલીવરી બન્ને કામ સાથે કરતા ડોક્ટર્સ હતા મૃતદેહોની તપાસ કરતા ડોક્ટર્સ એવા જ હાથે આવીને ડીલીવરી કરતા જેથી મૃતદેહોના જીવાણુંઓ નો ચેપ માતાઓમાં પણ લાગતો જેથી સંક્રમણ વધતા તાવ આવી માતાઓ નું મૃત્યુ થતું, જેથી ડોક્ટર્સ ને ફરજીયાત ક્લોરીન થી હાથને અને ઓજારો સાફ કરીને દર્દી ને અડવાનું કહેણ મોકલાયું અને આશ્ચર્યજનક રીતે મૃત્યુદર લગભગ શૂન્ય થઇ ગયો.

લાગતું વળગતું: ઉંચે લોગ ઉંચી પસંદ એટલે ડાયાબીટીસ

પણ માનવજાત, અમુક વિઘ્નસંતોષી ડોક્ટર્સ એનો વિરોધ કરતા કે પાણીજન્ય સંક્રમણનું પ્રમાણ કે હાથ ધોવા વપરાતા દ્રવ્યોથી થતા સંક્રમણનું પ્રમાણ પણ હજુ સુધી તપાસ્યું નથી તો આ તુક્કા બંધ કરવામાં આવે. હાય રે માનવજાત Hand Washing ના આ પિતાને પાગલ બનાવી દેવાની કક્ષા સુધી હેરાન કરાયો અને જે સંક્રમણથી લોકો ને બચાવવા તે લડ્યો એવા જ એક સંક્રમણથી ૪૭ વર્ષની નાની ઉમરમાં એ મૃત્યુ પામ્યો.

જેમતેમ આ ગાડું ગબડ્યું છેક 1980 સુધી. ટુકડે ટુકડે પ્રસુતિથી લઇ વાઢકાપની હોસ્પિટલો સુધી અને ઘવાયેલા સૈનિકોની સારવાર સુધી હાથને જીવાણુંમુક્ત કરવાનું ચાલુ રહ્યું. પણ 1980માં અનેક રોગોથી બચવાના ભાગરૂપે એક મોટી ઝુંબેશના સ્વરૂપે અમેરિકાએ હાથને ધોવાના સ્ટેશન ઉભા કર્યા.

મોલ અને મોટી મોટી જગ્યાઓની બહાર હાથને ધોવાના નળ અને લીક્વીડ સોપ લગાવી હાથ ધોવું એક ફરજીયાત ક્રિયારૂપે લઈ આરોગ્ય સેક્ટરને મજબુત બનાવ્યું અને વીસમી સદીની શરૂઆતમાં આલ્કોહોલયુક્ત દ્રવ્યોથી હોસ્પિટલમાં હાથ સાફ કરવા ફરજીયાત કરવામાં આવ્યા. પણ આજેય ઘણી હોસ્પિટલમાં હાથ ન સાફ કરવાથી દર્દીને લાગતા ચેપ નું પ્રમાણ ઊંચું છે. આજેય રોજના હજારો લોકો માત્ર હાથને સાફ ન કરવાથી લાગતા ચેપથી મૃત્યુ પામે છે.

જીવાણુંને શરીરમાં પ્રવેશવાનો સહુથી સહેલો રસ્તો એટલે હાથ. કોઈપણ ક્રિયા કે કોઇપણ સ્પર્શથી સંપર્કમાં આવેલ જીવાણું શરીરના છિદ્રો કે શરીરના લોહી-ગળફા જેવા દ્રવ્યોના સંપર્કમાં આવીને તાત્કાલિક શરીર પર હુમલો કરે છે. પરિણામે હાથ પરથી ધૂળ-કચરો વગેરેને દુર કરી હાથને જીવાણુંમુક્ત કરવા અનિવાર્ય બની જાય છે. સાબુ કે અન્ય દ્રવ્ય ન મળે તો આજે પણ ચોખ્ખી ધૂળ-માટી કે રાખને હાથ સાફ કરવા માટે એકદમ વિશ્વસનીય ગણવામાં આવે છે.

હાથ ક્યારે ક્યારે ધોવા?

 • મળમૂત્ર ત્યાગ પહેલા અને પછી.
 • જમ્યા પહેલા અને પછી બાળકોના મળમૂત્ર-ડાયપર સાફ કરતા પહેલા અને પછી.
 • કપડા-વાસણ-ચીજવસ્તુ સાફ કર્યા પછી.
 • જાહેર જગ્યાના હેન્ડલ, રેલીન્ગ્સ કે વસ્તુઓ જેવીકે લીફ્ટના બટન વગેરેને અડક્યા પછી.
 • બાળકોને ખવડાવતા પહેલા તેમજ જમવાનું બનાવતા પહેલા.
 • શાક-ફળ-માંસ વગેરે ખાવાની વસ્તુઓને અડતા પહેલા શરીરમાંથી નીકળતા લોહી-પરુ જેવા દ્રવ્યોને સાફ કરતા પહેલા અને પછી.
 • કોઈ પણ દર્દીને મળતા પહેલા અને પછી.
 • રમવું, બાગ-બગીચા વગેરેની સફાઈ વગેરે કામ કર્યા પછી.
 • પાળેલા પશુ વગેરેને અડ્યા પછી.

શેના દ્વારા હાથ સાફ કરવા સહુથી શ્રેષ્ઠ?

આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનેટાઇઝર બેસ્ટ છે. સાદા સાબુ કરતા પ્રવાહી સાબુ શ્રેષ્ઠ છે, જેમ ફીણ વળે તેમ જીવાણું ફીણની સાથે નીકળવાના ચાન્સ વધુ હોય છે. વળી આશરે 5-7 મીલી. લીક્વીડ વાપરવાથી બન્ને હાથ સારી રીતે ધોઈ શકાય છે. હાથને સાફ કર્યા પછી કોરા ચોખ્ખા નેપકીનથી સાફ કરવાથી જીવાણુંનું પ્રમાણ નહીં બરાબર રહે છે. પરંતુ ગરમ હવા ફેંકતા સાદા ડ્રાયરથી ઉલટાનું જીવાણુંનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે, આની ઉપર પણ પ્રયોગો થઇ સિદ્ધ થયેલું છે.

કેવી રીતે હાથ ધોવા?

Photo Courtesy: debgroup.com
 • સહુ પ્રથમ 5-7 મીલી લીક્વીડ સાબુ લઈને કાંડા કે કોણી સુધી લગાડવો.
 • પછી એક હાથને ઉંધો કરી તેની આંગળીઓ ફેલાવીને તેની વચ્ચે રહેલી જગ્યા પર બીજો હાથ મૂકી આંગળીઓ ઘસવી.
 • બાદ, મુઠ્ઠીઓ વાળતા હોય એમ આંગળીઓ પરોવીને ક્રોસ દિશામાં ઘસવી.
 • પછી આંગળીઓના ટેરવા પણ હથેળી માં ઘસી લેવા.
 • હવે એક એક આંગળીને બીજા હાથથી ભૂંગળું બનાવી તેમાં નાંખીને ગોળ-ગોળ ઘસી લેવી.
 • છેલ્લે બંને કાંડા કે કોણી સુધીના ભાગને ગોળ ગોળ દિશામાં ઘસી લેવો.

આ હાથ ધોવાની શ્રેષ્ઠ રીત છે, ભલે આમાં બે થી પાંચ મિનીટ જાય પણ આનાથી રોગ મુક્ત ભારત બનાવીને આપણે દેશની મોટી સેવા કરીશું. વળી આપણી આજુબાજુના લોકોને કે શાળાના બાળકોને આ પદ્ધતિઓ શીખવાડીશું તો જાત જાતના તાવ-માથું-શરદી જેવા સીઝનલ રોગોથી બાળકોનો બચાવ થશે. શાળાએ જતા બાળકોને પેટમાં સંક્રમણથી 50% કિસ્સાઓમાં માત્ર હાથ ધોવાથી બચાવી શકાય છે.

પાણીથી થતા ઝાડા અને ફેફસામાં લાગતો ચેપ આ બે કારણોથી બાળકોના મૃત્યુનું પ્રમાણ ખુબ જ ઊંચું છે. હાથને સારી રીતે સાફ કરવાથી બાળકોને આ બે રોગ થતા નથી. આપણું બાળક ઋતુજન્ય રોગચાળાથી પણ બચે છે. નવજાત શિશુને પણ આવા રોગો થી બચાવી શકાય છે. બાળકોને હાથ ધોવાનું સારી રીતે શીખવાડવાથી હોસ્પિટલના ખોટા ખર્ચ બચે છે અને બાળક તંદુરસ્ત બની સરવાળે દેશ નો વિકાસ થાય છે.

છેલ્લે, હાથ ધોઈ બીજા માટે ઉપયોગી વસ્તુ કે વ્યક્તિના સંપર્કમાં આવવું એ આપણી નૈતિક ફરજ છે આવો એ જાણીએ અને હાથને ધોવાના આંદોલનની પાછળ હાથ ધોઈને પડી જઈએ જેથી ક્યારેય આપણને આપણા આરોગ્યથી હાથ ધોવા ન પડે… ને ઝાઝા હાથ રળીયામણા ખાલી મારા તમારાથી આ શક્ય બનવાનું નથી એક હાથે તાલી નહીં જ પડે, હાથથી હાથ જોડીએ…

માત્ર હાથને ધોવા જેવી સહુથી સાદી, સસ્તી અને સુલભ ક્રિયા આપના કુટુંબનું બજેટ ખોરવતા રોકી શકશે એ યાદ રહે.

દરેક હાથ જગન્નાથ બને એ આશા સાથે….-વૈદ્ય ગૌરાંગ દરજીના જય જય આયુર્વેદ

eછાપું

તમને ગમશે: આવો Viral થયેલી કેટલીક Mobile Gamesની વિરલ દુનિયામાં પધારો

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here