સરકારની પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત રાજકીય છે! હા છે તો શું?

0
263
Photo Courtesy: indianexpress.com

ગઈકાલે બપોરે નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં અઢી રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી અને દેશ આખામાં ચર્ચા સળગી ઉઠી. છેલ્લા લગભગ એક મહિનાથી પણ વધુ સમયથી દરરોજ ટીપે ટીપે પેટ્રોલના ભાવમાં થતો વધારો મધ્યમવર્ગને આંટા લાવી રહ્યો હતો. એક તરફ વિપક્ષોને આ સમસ્યાનો ઉકેલ સુજાડવા કરતા સરકારની ગ્રાન્ડ સળી કરવાની વધુ મજા આવતી હતી તો બીજી તરફ સરકારે જાણેકે ભાવમાં દરરોજ થતા વધારા કે સામને અપને હથિયાર ડાલ દિયે થે!

Photo Courtesy: indianexpress.com

તો એક દિશા એવી પણ હતી કે મધ્યમવર્ગ ભાવમાં ઘટાડાની તમામ આશાઓ છોડીને પેટ્રોલ અને ડિઝલ સો રૂપિયે લિટર ક્યારે થશે એની રાહ જોઇને જ બેઠો હતો. સોશિયલ મિડિયામાં પણ કોંગ્રેસી ટેકેદારોને ભાજપના ભક્તોને ખીજવવાની મજા પડી ગઈ હતી તો અમુક દોઢડાહ્યા ભક્તો પેલો વિડીયો ફેરવી રહ્યા હતા જેમાં બેંગલુરુના એક ભાઈ કોઈ પત્રકારને કહી રહ્યા હતા કે પેટ્રોલ-ડિઝલ બસો રૂપિયે લિટર થશે તો પણ મત તો મોદીને જ આપીશું. કથની અને કરણીમાં ફેર હોય છે, જો ભારતના નાગરિકોને સુશાસન જ પસંદ હોત તો તેણે 2004માં ડુંગળીના ટેમ્પરરી ભાવવધારાને લીધે અટલજીને ઘેર ન બેસાડ્યા હોત.

એનીવેઝ, આપણે મુદ્દા પર આવીએ. તો મુદ્દો એ છે કે મોદીદ્વેષીઓ અને ભાજપ વિરોધીઓ રોજરોજ જ્યારે ભાવમાં વધારો થતો હતો ત્યારે એવા  પોકારો કરી રહ્યા હતા કે ભાઈ બહુ થયું, સરકાર સંવેદનહીન થઇ ગઈ છે અને તેણે લોકોને, મધ્યમવર્ગને અને ખેડૂતોને પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરીને રાહત આપવી જોઈએ. હવે જ્યારે ગઈકાલે અરુણ જેટલીએ આ બંને જીવનજરૂરી ઇંધણના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો અને પછી ગુજરાત સહીત ભાજપ શાસિત લગભગ તમામ રાજ્ય સરકારોએ પોતાના તરફથી બીજા અઢી રૂપિયા ઘટાડ્યા ત્યારે એ મોદીદ્વેષીઓ અને ભાજપ વિરોધીઓના મોઢે બુચ વાગી ગયા અને એકાદ-બે કલાકે જ્યારે પૂરતી કળ વળ્યા બાદ એ બુચ ખુલ્યા ત્યારે તેમણે પોતાની જાતને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકી દીધી.

આ લોકોની દલીલ એ હતી કે આ તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા જેવા મહત્ત્વના રાજ્યોમાં આવનારા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ છે એટલે સરકારે ભાવ ઘટાડો કર્યો બાકી તો… તો આટલા દિવસથી જ્યારે તમે સરકારને ભાવ ઘટાડવાની હિંમત દેખાડવાના પડકારો કરતા હતા ત્યારે શું આ ચૂંટણીઓ દોઢ-બે વર્ષ દૂર હતી? પંદર દિવસમાં શું ફેર પડી ગયો ભાયા? આ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ હજી ચારેક દિવસ પછી કરવાનું છે અને ત્યાર પછી લગભગ બીજો દોઢ મહિનો મતદાનને લાગશે, શું ત્યાં સુધી આ ભાવઘટાડાની અસર મતદારોના મન પર રહેશે ખરી? બીજું, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી જેવા અન્ય રાજ્યો જ્યાં ભાવ ઘટાડવામાં આવ્યો છે ત્યાં કઈ ચૂંટણીઓ આવવાની છે?

લાગતું વળગતું: પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે

તો એક બીજી હાસ્યાસ્પદ અને અત્યંત શરમજનક શબ્દોમાં કરવામાં આવેલી દલીલ ગઈકાલે એ જોવા મળી કે શું સરકારે ઉપકાર કર્યો છે ભાવમાં ઘટાડો કરીને? પચાસ વધારીને પાંચ ઘટાડ્યા એમાં શું? લો કલ્લો બાત! સરકાર વારંવાર કહી ચૂકી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધી રહ્યા હોવાથી તેણે રોજ ભાવ વધારો કરવો જ પડે છે. આથી એ પ્રમાણ મુજબ રોજેરોજ ભાવમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે તો તમે સરકારને તેમાં ઘટાડાનું ડેરિંગ કરી રહ્યા હતા અને હવે જ્યારે ઘટાડો થયો જ છે ત્યારે ઉપકાર કરવા જેવી મોં માથા વગરની થર્ડ રેટ દલીલો કરવાની? મતલબ ચીત ભી મેરી પટ ભી મેરા ઔર અંટા મેરે બાપ કા!

અચ્છા, એક તો એવી દલીલ સામે આવી કે અત્યારસુધી રોજ સરકાર એમ કહેતી હતી કે પેટ્રોલ-ડિઝલના ભાવ પર અમારો કન્ટ્રોલ નથી તો આ ઘટાડો કેવી રીતે શક્ય બન્યો? અક્કલ અને સામાન્ય જ્ઞાન ધરાવતો અને એક ખાસ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ આંધળો દ્વેષ ન ધરાવતા વ્યક્તિ સ્પષ્ટપણે જોઈ શકે છે કે ભાવ વધારા પર સરકારનો કોઈજ કન્ટ્રોલ નથી એટલેજ તેણે, તેલ કંપનીઓએ અને રાજ્ય સરકારે પોતાના ખિસ્સા પર બોજો પાડીને રાહત આપી છે. એટલે ભાવ તો વળી આજ મધ્યરાત્રીથી પાછા વધવા માંડશે જ અને જો આંતરરાષ્ટ્રીય બજારમાં હજી પણ ક્રૂડ ઉપર જશે તો આવનારા પંદર વીસ દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ગઈકાલના સ્તરે ફરીથી આવી જશે.

ચાલો આપણે માની લઈએ કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવાનો મોદી સરકારનો નિર્ણય રાજકીય છે. તો? શું ભાજપ અને નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો અહીં સમાજસેવા કરવા આવ્યા છે? રાજકારણ દ્વારા સમાજની સેવા થાય એવા ઉચ્ચ વિચારો ગાંધીજીની હત્યા સાથેજ હે રામ! કરી ગયા હતા. આ વિચારો કલ્પનાની દુનિયામાં સારા લાગે પણ હવેનો જમાનો Tit for Tat નો છે. તમે જ્યારે જાણતા હતા કે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ પર આપણો કંટ્રોલ નથી અને તમે પણ દર પંદર દિવસે ભાવ વધારો તો કરતા જ હતાને? તો ય પ્રજાને સાચું ચિત્ર સમજાવવાને બદલે રાજકારણ રમવા સરકારનો વિરોધ કરતા હતા તો સરકાર તિજોરીને નુકશાન કરીને ભાવમાં ઘટાડો જાહેર કરીને એ શું કરવા રાજકારણ ન રમે?

જો અત્યારસુધી ભાજપ વિરોધીઓ કેન્દ્રને અને ભાજપની રાજ્ય સરકારોને ભાવ ઘટાડવાની હિંમત દેખાડવાનું કહેતા હતા તો હવે એમના પક્ષની અને એમના સ્વપ્નના મહાગઠબંધનના પક્ષોની જ્યાં જ્યાં સત્તા છે એ લગભગ તમામે બીજા અઢી રૂપિયા ઘટાડવાનું કાં તો કહ્યું નથી અથવાતો એમ ન કરવાનું સ્પષ્ટ કહી દીધું છે જેમાં દિલ્હીની આમ આદમી માટે કામ કરતી સરકાર પણ સામેલ છે. તો હવે એમને સલાહ આપવાની હિંમત એ લોકો કરી શકશે કે કેમ?

બધી વાત સાચી કે આમ પક્ષાપક્ષીનું રાજકારણ થવાથી મતદારોનો કોઈજ લાભ નથી પરંતુ જ્યારે દેશના રાજકારણનું તટસ્થ વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે બંને પક્ષો તરફથી રમાયેલા રાજકારણ પર ધ્યાન તો પડે જ પડે. નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો છેવટે તો રાજકારણીઓ જ છે, એમને પણ સત્તા વહાલી છે, એમને પણ 2019માં ફરીથી ચૂંટાઈ આવવું છે, તો એ દેશને કૌભાંડની ગર્તામાં ધકેલ્યા વગર આ રીતે રાજકારણ કેમ ન રમી શકે? શું હવે સત્તાની જેમ દેશમાં રાજકારણ રમવું એ પણ કોંગ્રેસ પ્રાઈવેટ લિમિટેડનો જ કોપીરાઈટ છે?

eછાપું

તમને ગમશે: ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એટલે શું અને કેમ તેમાં રોકાણ કરવું સલાહભર્યું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here