કેવું હતું અડધી સદી પહેલાનું અમદાવાદ? – આવો કેટલીક યાદો વાગોળીએ

1
129
Photo Courtesy: welcometoahmedabad.com

અમદાવાદ તો કયા ગુજરાતીને પરિચિત ના હોય? હવે તો દરેક ભારતીયને અમદાવાદનો પરિચય હોય જ. 2018 માં જ્યાં જોઉં ત્યાં ગુજરાતી કરતા હિન્દી બોલતા બિનગુજરાતીઓ જ દેખાય છે.હા મારા અમદાવાદ એ એના આગોશ માં બધાને સમાવી લીધા છે.

Photo Courtesy: welcometoahmedabad.com

હું એ વખતની, આશરે 45 વર્ષ પહેલાના અમદાવાદની વાત કરું છું. હું ધો.7 માં અમદાવાદ આવ્યો. ગામડેથી નહીં, ભાવનગર જેવા એ વખતે શાંતિની પરાકાષ્ટા વાળા સુશિક્ષિત શહેરમાંથી. અહીંનો ત્રણ દરવાજાનો શોર બકોર, મજૂર વિસ્તારોની દોડાદોડી ‘ટેણીયા’, ‘લોકડી (પાતળો માણસ), ખપત(કંટાળો આપતો), માલ(સુંદર છોકરી) જેવા નવા શબ્દો અને બે.. અથવા બહેય.. કરી ઉમેરાતી નવી જ ગાળો, લટકતા માણસોથી ફાટફાટ થતી ‘લાલ બસ’ .. એવું જોઈ આભો જ બની ગયો અને અમદાવાદ પાસેથી શીખવા તેમજ ન શીખવાનું ઘણું શીખ્યો.

અધધધ… ત્રણ દરવાજાનો માનવ મહેરામણ અને સામે 6 માળનું બેન્ક ઓફ બરોડા બિલ્ડીંગ.12 માળનું બહુમાળી મકાન નવું જ બનેલું અને શહેરની અજાયબી ગણાતું હતું. આપઘાત માટે અનુકૂળ સ્થળ હતું. નવુંજ બનેલું લાલદરવાજા, ભદ્રનું ટેલીફોન એક્સચેન્જ અને એમાં કાળી સરકીટો જોવા શાળામાંથી લઈ ગયેલા.

લાલ બસ AMTS અમદાવાદ શહેરની શાન હતી. સ્ટોપ પર વૃદ્ધ માજી આસ્તે કહી ઉતરે તો ડ્રાઈવર સંભાળી ને બસ ઉભી રાખતો. રાત્રે 12 થી 1.30 ની મિલ કામદારોથી ખીચોખીચ બસો ઉપડતી.ટીફીનો અથડાતાં, મહેનતનો પરસેવો ગંધાતો. ફરી પહેલી બસ સવારે 4 વાગે ઉપડતી.

નહેરુબ્રિજ 1966 માં બન્યો ત્યારે એક સાથે 6 બસો અડોઅડ ઉભી રાખી સ્થાનિક અખબારમાં ફોટો મુકેલો કે બોલો આવો પહોળો બ્રિજ!!

નટરાજમાં પહેલી ફિલ્મ કલીયોપેટ્રા ચડી, એક બાળક જેણે એ પહેલાં શો ની ટિકિટ લીધેલી, એના હાથે રિબન કપાયેલી. હું બાળક ઈર્ષા થી જોતો ઉભેલો.

આપણે પંચાત કહીએ એવું વાત વાતમાં પુછાતું. બસમાં ક્યાં જાઓ છો? પછી કઈ નાતના છો તુરત બસ એમ જ ટ્રેનમાં થોડા પરિચયએ કોઈ ખાવાનું ધરે પણ થોડી વારમાં ‘તમારો પગાર કેટલો? ‘ જેવું અંગત પણ નિઃસંકોચ પૂછી લે.

ભીંતો પર હજુ ‘ઓછા બાળ જય ગોપાળ’ લખાતું. ‘અમે બે અમારા બે’ તો પછી આવ્યું. ઘણાને પાંચ છ ભાઈ બહેન સામાન્ય હતાં.

યુનિવર્સીટી પાસે રાત્રે 8 પછી કોઈ સ્ટેન્ડ પર એકલું ઉભતું નહીં. ઝાકળઝંઝામાં એવી એકલી પ્રેમભગ્ન સ્ત્રીના ભૂતની વાત છપાયેલી વાંચી છે. રાત્રે 10 વાગે ડોશીમાની ઠાઠડી આકાશમાં દેખાય છે એ જોવા લોકો ટોળે મળી આકાશમાં આંગળી ચીંધતા. અટીરા રોડ પર અને નહેરુ બ્રિજપર રાતે માથા વગરનું ભૂત ફરે છે એમ કહેવાતું. બીવાતું. નારણપુરા ક્રોસિંગ પર ચાલુ ટ્રેન પર બુટપાલિસ વાળા છોકરાનું ભૂત દોડે છે એવી વાત વહેતી થતા અમદાવાદ શહેરમાં લોકો ટોળે મળતા, કોઈક તો આંગળી ચીંધી ‘એ દેખાય’ પણ કહેતા. બીજા માનતા પણ ખરા.

ગાંધીનગર થવા પર હતું પણ શાહીબાગ પર મિનિસ્ટરના બંગલાઓ, એમાં મોટાં ગુલાબ ડોકાતાં. પાણી મોટે ભાગે દુધેશ્વરવૉટર વર્કસ થી મળતું. ત્યાંના જ સ્મશાન જતા મોટે મોટેથી રામ બોલો રામ કે રામ નામ સત્ય..બુમો પાડતા લોકોથી શાહપુર સતત ગાજતું રહેતું. માની શકો? શાહપુર એ વખતે જૈન બહુમતી, કહો કે એકલા જૈનોનો જ વિસ્તાર હતો!

એક હજુ પણ કંપારી છોડતી ઘટના યાદ છે- 1969 ના કોમી હુલ્લડ. રસ્તે એમજ પડેલી લાશો, મોં પર સુકાયેલું લોહી યાદ છે. દિવસોનો કરફ્યુ. કહે છે કાચ પર કઈં લગાવી બરાબર ગળા પર એવી રીતે મારતા કે બે કીમી ગયા બાદ માણસ ઢળી પડે પણ ત્યાં સુધી એને ખબર ના પડે. એક વખત દૂધની બાટલીઓમાં ઝેર ભેળવ્યું છે, પીવું નહીં એવી ચેતવણીઓ રેડિયો પર વહેતી થયેલી. કાંકરિયા આબાદ ડેરીનું દૂધ કાચની બાટલીમાં વેચાતું. હજી 500 ml ની બાટલી દિવાળીમાં રોકેટ ફોડવા સાચવી છે. ઉપર બીલ્લાના કલર પરથી હાઈ ફેટ કે લો ફેટ કે ટોન્ડ ખબર પડતી. હાઈ ફેટ 3 રૂ.લીટર હતું. ઠેકઠેકાણે કેબીનો અને વહેલી સવારે પુરુષો, બપોરે સ્ત્રીઓની લાઈનો દૂધ લેવા ઉભતી.12-14 વર્ષની ઉંમરે એ લાઈનોમાં આંખો લડાવી મીઠા ગપાટા  હમઉમ્ર બાળાઓ સાથે હાંકયા છે.

રાયપુર, મણીનગર, શાહીબાગ, આંબાવાડી, સાબરમતી, રખિયાલ એવા અમદાવાદ શહેરના વિસ્તારો વસેલા હતા, સેલ્ફ કન્ટેઇન્ડ પોળો વસેલી હતી. થલતેજ સેટેલાઇટ જજીસબંગલો એવું તો કોઈએ સાંભળ્યું પણ નહોતું.  સેટેલાઇટના એન્ટેનાને ‘જોધપુરની રકાબી’ તરીકે લોકો જાણતા એ પણ નવનિર્માણ, 1974 આસપાસ. એ વખતે ત્યાં ફક્ત ટેકરો હતો.  નવનિર્માણના રમખાણો વખતે ભાવનીરઝરમાં શાકભાજી આસપાસથી લાવી વેંચતા. ગામના પૂર્વ-પશ્ચિમને જોડતા નહેરુ, ગાંધી, સરદાર અને એલિસ બ્રિજ હતા પરંતુ સુભાષ બ્રિજ ન હતો. સાબરમતી દૂરનું પરું કહેવાતું, આરટીઓ પાસેની જગ્યાનું અસ્તિત્વ ન હતું. દર્પણ અને  ઉસ્માનપુરા 73 આસપાસ બન્યા. દર્પણ સર્કલ પર મુકેલો માટીનો ઘોડો ઇનકમટેક્સ વિસ્તારની શાન હતી. ગાંધીનગર 69 માં બન્યા પછી જ કહો કે આવતી જતી શટલ બસોએ એ વિસ્તારનો વિકાસ કર્યો.

લાગતું વળગતું: યાદ આવે છે મને એ ધબકતી પોળ અને તેની ધબકતી સવાર

પોળમાં પાણીના કોમન નળપર ગૃહિણીઓ તાકાતનો પરચો બતાવતી, કેરોસીનની લાઈનમાં 4 કલાક ને સવારે દૂધની અર્ધો કલાકની લાઈનમાં તો હું ઉભો છું, ત્યાં જ આપણને ઈમ્પ્રેસ કરવા જ આવતી બાલિકાઓ સાથે આંખો લડાવી છે. કોઈ દસ ડગલાં સાથે ચાલે એટલે પાણી્પાણી.
બાકીતો કોઈ છોકરીને છોકરાની વાત કરો એટલે ‘હાય હાય’ કહી જીભડો બહાર કાઢે. પૂરો સંકોચનો દાખડો. વિજાતિય મૈત્રી જાહેરમાં થઈ શકતી નહીં પરંતુ એવું અને ‘ગલી પચી કરાવતું’ સાહિત્ય અખબારી સાપ્તાહિક પૂર્તિઓ પીરસતી, એ જ વધુ વંચાતી.

મારી જ એચ બી કે  શાળામાં માત્ર છોકરા જ ભણતા જે સામે જ આવેલી માત્ર છોકરીઓની મોહીનીબા ગર્લસ્કૂલની બાળાઓનો બસટેન્ડ પર ઇન્તેજાર કરતા! બીજી દીવાન બલ્લુભાઈ શાળામાં બોયઝ અને ગર્લ્સના ક્લાસ અલગ અને અલગ મજલાઓ પર. તો પણ ઉપર ઝરૂખેથી રીસેસમા બાળાઓ જોતી. બહારથી બોયઝ, ગર્લ્સને  ઉપર તાકી  તાકીને જોતા. આજ જેવી  વિજાતીય મૈત્રી કોલેજમાં પણ થઈ શકતી નહીં.  જાહેરમાં વિજાતીય મૈત્રીનો વિચાર પણ થઈ શકતો નહીં.

અમદાવાદ શહેરના લોકો માટે સિનેમા જ મનોરંજનનું માધ્યમ હતું. એ.બુ. (એડવાન્સ બુકિંગ) માટે સવારે 9 થી 12 ભીડ જામતી. કોઈની બેન લાઈનમાં ઉભી હોય કેમ કે લેડીઝ ની અલગ હોય, તો મિત્રો એ બોય ની આગળ પાછળ થતા જલ્દી ટિકિટ લેવા. એડવાન્સ સિનેમા માં માત્ર અંગ્રેજી, રૂપાલી, રૂપમમાં નવા અને કુમકુમ, નોવેલ્ટી, લક્ષ્મી ઘીકાંટા માત્ર ગુજરાતી ફિલ્મો બતાવતાં.
રેસ્ટોરન્ટ કે બહાર જમવાનું કોઈએ સાંભળ્યુ નહતું.

સાદી જિંદગી. પુરુષો લેંઘા ઉપર શર્ટ પહેરતા થયેલા, એમના એ વખતે 45 ઉપરના વડીલો મિલોના સફેદ ધોતિયાં જ પહેરતા. હજી કેટલાક ખાદીટોપી વિના બહાર નીકળતા નહીં. સ્ત્રીઓ 22 વર્ષ ઉપરની થાય એટલે સાડી જ પહેરતી અને 50 ઉપર જાય એટલે ‘માજી સાડલા’ એટકે કે સફેદ કે ભૂરી ડીઝાઇન વાળી કોટન સાડી પહેરતી, મોટો ચાંદલો કરતી. સોસાયટીઓમાં રહેતા વર્ગ સિવાય માં ને બા, બાપ ને બાપા કે બાપુજી કહેવાનો રિવાજ હતો. પપ્પા મમ્મી તો ‘સુધરેલા નોકરિયાતો’ ના સંતાનો નું સંબોધન!

કાંકરીયા નગીનાવાડીમાં છાશવારે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ થતું. ચાંદો મોટા બલ્બ નો,ઉપર કથાઈ ટપકા!! સાઇકલ અને લાલબસ જ અવરજવરના સાધનો હતાં. મોટા માંધાતાઓ સાડા દસે ઓફિસ માટે બસની લાઈન માં ઉભતા.11 થી 6 ઓફિસ ટાઈમ. સાઇકલ પર ઓફિસ જવું મોટા સાહેબો માટે પણ સામાન્ય હતું. જ્યાં ને ત્યાં કબરના પથ્થરો દેખાતા. માઉન્ટ કારમેલ સામેનું મંદિર પણ કદાચ એક કબર હતું, 47નં. બસ હોર્ન વગાડીજ જતી.

લોકો પોતાને સૌરાષ્ટ્ર ,મહેસાણા બાજુથી આવી વસેલા થી જુદા બતાવવા ઓહ.. મહારુ..એહેમ.કહેમ.. ખેંચી બોલતા જે હું મઝાક માં ઉલટી કરતા કે કોગળા કરતા બોલે એમ કહેતો.

પાચશેરી માં શાક લેવા જવું ઘણાની રવિવાર સવારની પ્રવૃત્તિ હતી.

આ હતું લેઈટ 60 નું અમદાવાદ મારું અમદાવાદ.

eછાપું

તમને ગમશે: મકાઈ અને ચોમાસા વચ્ચેનું એક અનોખું બંધન – શીખીએ ત્રણ રેસિપીઓ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here