પરપ્રાંતીયો પર હુમલા? આવી ગુજરાતી અસ્મિતા તો ક્યારેય નથી જોઈ!

0
297
Photo Courtesy: indianexpress.com

છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી ગુજરાતમાં એક ખાસ પેટર્ન જોવા મળી રહી છે અને એ છે ગુજરાતને બદનામ કરવાની. પહેલા પટેલોને અનામતના નામે અળખામણા બનાવ્યા અને હવે પરપ્રાંતીયો પર હુમલા કરીને ગુજરાતને સમગ્ર દેશમાં બદનામ કરવાની હિલચાલ સ્પષ્ટ જોઈ શકાય છે.

Photo Courtesy: indianexpress.com

જ્યારથી સમજણ આવી છે ત્યારથી અનામતના નામે કે પછી કોમવાદના નામે ગુજરાતને હિંસામાં શેકાતું જોયું છે પરંતુ પરપ્રાંતીયો પર એકસાથે રાજ્યના વિવિધ હિસ્સાઓમાં હુમલાઓ થાય એવું ક્યારેય સાંભળ્યું ન હતું. તો અત્યારે કેમ આવું થઇ રહ્યું છે? અને ખાસકરીને બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો પર જ કેમ હુમલાઓ થાય છે?

તો આમ થવા પાછળ ઉત્તર ગુજરાતમાં એક નાનકડી બાળકી પર થયેલા નિર્મમ બળાત્કાર પાછળ કોઈ ઉત્તર ભારતીય ગુનેગાર હોવાનું જાહેર થયું એ કારણ જાણવા મળ્યું છે. કોઇપણ ગુનો ક્યાંય પણ થાય ત્યારે કાયદાને કાયદાનું કામ કરવા દેવું તે કોઇપણ નાગરિકની ફરજ બની જાય છે, પરંતુ છેલ્લા અમુક સમયથી આપણે ત્યાં ટોળાશાહી જ ન્યાય કરવાનું કામ હાથમાં લઇ લેતી હોય છે.

મોબ લીન્ચિંગ આ એક નવો શબ્દ આપણે ત્યાં છેલ્લા ચારેક વર્ષથી ઈજાદ પામ્યો છે તે આ ટોળાશાહી માટે ફીટ બેસે છે. બેશક માસુમ પર થતા બળાત્કાર જેવી નિર્મમ ઘટનાઓ પરત્વે આપણો રોષ હોય જ અને એના ઉચ્ચતમ સ્તરે હોય પરંતુ શું એનો મતલબ એવો છે કે રસ્તામાં કોઇપણ ઉત્તર ભારતીય દેખાય એટલે બસ એને જ એ ગુનાનો આરોપી બનીને તેના પર હિંસક હુમલાઓ કરવાના?

શું એ બાળકી પણ જો ઉત્તર ભારતીય હોત અને કોઈ ગુજરાતીએ તેના પર બળાત્કાર કર્યો હોત કે પછી કોઈ ઉત્તર ભારતીયે જ એ કુર્કમ કર્યું હોત તો શું આપણું રિએક્શન અલગ હોત? વાત ફક્ત કાયદાને જે-તે આરોપીને પકડીને સોંપી દેવાની છે, કાયદો હાથમાં લઈને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? બલકે આમ કરીને તો આપણે પણ કાયદાની નજરમાં ગુનેગાર બની જઈએ છીએ.

ગુજરાતમાં ક્યારેય કોઇપણ પરપ્રાંતીયો પર આવા હુમલા નથી થયા. ઉલટું સુરત જેવું શહેર તો પરપ્રાંતીયોને લીધે જ ધમધમે છે, પછી તે ગુજરાતના વિવિધ હિસ્સોમાંથી આવીને વસેલા લોકો હશે કે પછી ભારતમાંથી આવેલા લોકો. અમદાવાદમાં પણ આવેલા ઉદ્યોગોમાં આ જ ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં મજુરી કરતા હોય છે. ગુજરાતે કાયમ પરપ્રાંતીયોને આવકાર્યા છે અને એ લોકોએ પણ આજ સુધી સ્વીકાર્યું છે કે ગુજરાત જેવી ‘મજા’ સમગ્ર ભારતમાં બીજે ક્યાંય નથી.

લાગતું વળગતું: મોબ લીન્ચિંગ પરની ચર્ચા: કહીં પે નિગાહેં હૈ ઔર કહીં પે નિશાના હૈ

બેશક આમાંથી ઘણા પરપ્રાંતીયો અહીં આવીને અહીંની સંસ્કૃતિમાં ભળી જવાને બદલે પોતાની ધોરાજી ચલાવવાની કોશિશ કરે છે, પરંતુ તેની સંખ્યા કેટલી? ગુજરાતે ક્યારેય મહારાષ્ટ્રની જેમ પરપ્રાંતીયો વિરુદ્ધ કોઈજ ચળવળ ચલાવી નથી. પારસીઓની જેમજ ગુજરાતીઓએ પણ અન્ય પ્રાંતોમાંથી આવતા લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું કામ અત્યારસુધી કર્યું જ છે.

તો પછી આ લોકો છે કોણ? ગુજરાત તરફ કોણે આડી નજર કરી છે? એક બાળકી પર થયેલા નિર્મમ અત્યારચારની ભઠ્ઠી પર કોણ છે જે પોતાનો રાજકીય રોટલો શેકવા માંગે છે. જવાબ સ્પષ્ટ છે અને આપણી સામે જ છે. નાનકડા રાજકીય ફાયદા માટે આ લોકો પોતાના જાતિ કે સમુદાયના કે ધર્મના લોકોને  ભડકાવે છે અને છેવટે બદનામ થાય છે ગુજરાત અને ગુજરાતીઓ.

છેલ્લા લગભગ પાંચથી સાત દિવસથી ગુજરાતમાંથી પરપ્રાંતીયો પલાયન કરી રહ્યા છે, ગુજરાતના ઉદ્યોગોને ખુબ મોટું નુકશાન ઓલરેડી થવા લાગ્યું છે જેમાં મોટા સહીત નાના ઉદ્યોગકારો પણ સામેલ છે. નાના ઉદ્યોગકારો એટલા નસીબદાર નથી કે કોઇપણ પ્રકારના આર્થિક નુકશાનને વર્ષના અંતે તેમની બેન્ક તેમની લોન માફ કરીને ભરપાઈ કરી આપે, એટલે એમની સ્થિતિ ઘણી નાજુક છે. અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરો હવે ક્યારે પરત આવશે અને ઉત્પાદન ફરીથી પહેલાની જેમ ક્યારથી ધમધમશે એની કોઈને ખબર નથી.

એક વિચાર તો કરો કે ગભરાઈને પોતાના વતન પરત થયેલા પરપ્રાંતીયો પોતપોતાના ગામડે જઇને ગુજરાત વિષે કેવું વર્ણન કરશે? જેમ આપણને આપણા બાળકોનો જીવ વ્હાલો છે એમ એમને પણ હોય જ અને જે રીતે એક ચોક્કસ પ્રકારના વર્ગ દ્વારા ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભયનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે એમનું પલાયન જરાય અસ્થાને તો નથી જ.

સમય છે ગુજરાતીઓએ સામે આવવાનો. ગુનો કોઈએ પણ કર્યો હોય તેને આકરામાં આકરી સજા મળવી જ જોઈએ પરંતુ તેના લીધે આપણે જ લોકો કાયદાને હાથમાં લઈએ એ યોગ્ય નથી તે દરેક ગુજરાતીએ સમજવાનું છે. ગુજરાત પોલીસ હરકતમાં આવી છે અને સાડા ત્રણસોથી પણ વધુ લોકોને તોફાન કરવા બદલ અટકમાં લીધા છે. હવે આ તમામ ઉપર કડક કાર્યવાહી થાય અને પેલી બાળકીના ગુનેગારને નવા કાયદા અનુસાર ફાંસીની સજા થાય એ જોવાની જવાબદારી પણ ગુજરાત પોલીસની જ છે.

વધુ નહીં તો એટલું વિચારો કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પણ પરપ્રાંતીયો જ છે એટલે આ ઘટનાનું રિએક્શન જો ઉત્તર ભારતમાં વસતા ગુજરાતીઓ પર આવશે તો શું આપણે ગુજરાતી તરીકે તેને ચલાવી લઈશું? કદાચ નહીં, તો બસ એ ગુજરાતીઓની જગ્યાએ અહીં જેમના પર હુમલાઓ થયા છે એ પરપ્રાંતીયો ને મૂકી જુઓ અને પછી આખી ઘટનાનો વિચાર કરો.

eછાપું

તમને ગમશે: ફૂટબૉલ અને ફેસબુક વચ્ચે એક જબરી સામ્યતા છે! તમને ખબર છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here