‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘ચાર બંગડીવાળી ઑડી’ – ગરબા છે સદાબહાર!

0
856
Photo Courtesy: laughspark.info

નવરાત્રિના દિવસો શરૂ થઈ રહ્યા છે, ગરબાનું અજવાળું ઝગારા મારવાની તૈયારીમાં છે. નવલી નવરાત્રી અને ગરબાનો સંબંધ સદાકાળથી રહ્યો છે. ગુજરાત પાસે સુગમ-સંગીતનો અદ્ભૂત વારસો તો છે જ, એમાંય ગરબાની વાત માંડીએ તો માતાજીની ભક્તિના ગરબા, ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતથી ભરપૂર લોકગીતો, શરદપૂનમે ગવાતા કૃષ્ણના રાસથી લઈને આધુનિક ગરબાઓનો સમાવેશ કરી શકાય.

Photo Courtesy: laughspark.info

ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ગરબો શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે (સ્ત્રોતઃ વિકીપિડીયા). તમિળ ભાષામાં ‘કુરવઈ કટ્ટ’ એ નૃત્યસમૂહનો પ્રકાર છે, જેનો અર્થ ‘ગુરબી’ થાય છે અને ગુરબીમાંથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું પણ કહેવાય છે.

ભગવદ્‌ગોમંડળમાં ‘ગરબો’ શબ્દના અર્થ છે: (1) અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે (2) તાળીઓ પાડતાં દીવો કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે (3) મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.

‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો. મધ્યકાલીન ભક્ત કવિગણમાં મુખ્યત્વે કવિશ્રી ભાલણ, થોભણ, પ્રેમસખી, માણભટ્ટ, ગિરધર અને દયારામે ગરબી પ્રકારના કાવ્યોની રચના કરી. તે સમયના કવિઓ લખતા અને ગાતા પણ ખરા. મૂળભૂત માહિતીના આધારે ‘ગરબા’નું મધ્યકાલીન સ્વરૂપ (સાહિત્ય) વલ્લભ મેવાડા નામના શક્તિના ઉપાસકે પ્રગટાવ્યું અને ‘ગરબા’ નું અર્જન કવિ દયારામે કર્યું હોવાનું મનાય છે. નર્મદા નદીના તટ પર આવેલા ચાણોદ ગામનાં બ્રાહ્મણ દયારામ પ્રભુરામ ભટ્ટે અર્થાત્ કવિ શ્રી દયારામે ગરબી પ્રકારનાં ગીતોનું સર્જન કરવામાં વાસ્તવિક સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

બાર ગાઉએ બોલી બદલાય એમ ગરબાનું સ્વરૂપ પણ બદલાય છે. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્ય ન હોય તો પણ ચાલે. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે.

લાગતું વળગતું: ગુજરાતમાં પડનારા નવરાત્રી વેકેશનની સાઈડ ઈફેક્ટસ વિષે વિચાર્યું છે ખરું?

આજે આપણે ત્યાં નવરાત્રી સાથે ભળેલી આધુનિકતા અને ‘ભૂલાયેલી’ ભક્તિ કેટલાંક ‘ભગત’ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. પણ એક વાત સમજવા જેવી છે કે ‘ગરબા-રાસ’ એ કંઈ શાસ્ત્રીય નૃત્ય કે ગાયન નથી. એનું કોઈ માન્ય બંધારણ નથી. ગરબો એ આપણી લોક પરંપરા છે. એ કોઈ પુરાણોક્ત વિધિ નથી. ઇન ફેક્ટ, દેવી ભાગવતથી લઈને શક્રાદય સ્તુતિ કે ચંડીપાઠમાં પણ ગરબાનો ક્યાંય ઉલ્લેખ નથી. દંતકથા મુજબ બાણાસુરની પુત્રી ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની હતી. તે શ્રીકૃષ્ણ સાથે દ્વારકા આવ્યા. ઉષા પોતે માતા પાર્વતી સાથે લાશ્યનૃત્ય શીખેલાં અને તેઓએ ગરબા નૃત્યનો પ્રકાર ગુજરાતને ભેટ આપ્યો છે. અસલી ગરબાની વ્યાખ્યા એમ થાય કે એ જ ખરો ગરબો જેમાં નારીના ભાવ અને ભાવનાનું સંવેદન હોય, શબ્દ-સૂર અને લયનું સુભગ સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘુમવાનો પૂરતો અવકાશ હોય.

ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે, પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં. ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’, ‘કેસરિયો રંગ તને લાગ્યો’, ‘માતાજીના ઊંચા મંદિર નીચા મોલ’, ‘માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે’, ‘સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે’, ‘મા નો ગરબો રે, રમે રાજને દરબાર’, ‘ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર’, ‘કુમકુમના પગલાં પડ્યા’, ‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે’, જેવા માતાજીની ભક્તિના ગરબાઓથી લઈને ‘સવા બશેરનું મારું દાતરડું લોલ’, ‘છેલાજી રે, મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો’, ‘પેથલપુરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, ‘અચકો મચકો કાં રે લી’, ‘મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે’, ‘ઝૂલણ મોરલી વાગી રે’, ‘દેર મારી અંગૂઠડીનો ચોર’, ‘હાલાજી તારા હાથ વખાણું’, ‘લાલ દરવાજે તંબૂ તાણીયા રે લોલ’, ‘લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ’, ‘હાલો રે કીડી બાઈની જાનમાં’, જેવા લોકગીતો ભાતીગળ પદ્ધતિથી નવરાત્રીના અનન્ય ભાગ રૂપે ગવાય છે.

ભગવાન કૃષ્ણની ‘કૃષ્ણલીલા’ના પ્રસંગોમાં શ્રી કૃષ્ણની બંસીના નાદે વ્રજની ગોપીઓ રાસ રમતી હશે એવી કલ્પના થઈ શકે. પરંતુ સંગીતની દ્રષ્ટિએ રાસ એટલે સુગેય કાવ્યપ્રબંધ. ઊર્મિકાવ્યનો એક પ્રકાર ગણી શકાય. ‘મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું’, ‘અમે મહિયારા રે ગોકુળ ગામના’, ‘ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી’, ‘ઓ રંગરસિયા ક્યાં રમી આવ્યા રાસ જો’, જેવા રાસ પણ ગરબાનો એક ભાગ બની ગયા છે. એ જ સાથે પ્રાદેશિક ગરબાઓની રમઝટ પણ આપણે ત્યાં એટલી જ મશહૂર છે. જેમ કે ‘અમો કાકા-બાપાના પોયરા રે’, ‘મુંબઈથી ગાડી આવી રે’, ‘ચરરર ચરરર મારું ચકડોળ ચાલે’ અને ‘લાલ લાલ સનેડો’! લેટેસ્ટમાં ‘ચાર બંગડીવાળી ઑડી’, ‘છોટે રાજા’ અને હિન્દી રિમિક્સ ગીતો પણ ગરબાનો ભાગ બન્યા છે.

એક સમય હતો જ્યારે ભગિનીસમાજના ગરબાનું મહાત્મ્ય ગજબનું હતું. ભગિની સમાજના ગરબા પ્રયોગશીલ અને સુંદર હતા. માતાજીના પરંપરાગત ગરબાની સાથે એ કંઈક નોખા ગરબા પણ યોજાતા. નવરાત્રિના દિવસોમાં અવિનાશ વ્યાસ યાદ ન આવે એવું ન જ બને. ભગિની સમાજની બહેનોના ગરબા મંડળ માટે લખાયેલો ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના કંઠે પ્રચલિત થયેલો. કહેવાય છે કે, આ ગરબાનો અંતરો ભગિની સમાજના ચાલુ રિહર્સલે અવિનાશભાઈએ લખ્યો છે. આ સિવાય તેમણે ‘સમથીંગ ડીફ્રન્ટ’ એવાં પણ કેટલાંક ગરબા લખ્યા છે. અવિનાશ વ્યાસે પંચતત્વનો એક ગરબો લખ્યો છે – આકાશ, વાયુ, વરુણ, તેજ ને પૃથ્વી એ પાંચ તત્વોને પોતાના પ્રાણમાં પરોવી સર્જાતા ગરબાની એ ગાથા છે.

અર્વાચીન ગરબાઓમાં દીવડાનો ગરબો, મંજીરાનો ગરબો, ગાગરનો ગરબો, ઘંટારવનો ગરબો, શાસ્ત્રીય રાગદારી ગરબો, એક કે બે સર્કલનો ગરબો જેવા વૈવિધ્યપૂર્ણ ગરબાઓ સમયાંતરે રજૂ થતા રહ્યા છે. પ્રસિદ્ધ સંગીતકાર નિનુ મજુમદારે કાવ્યો, ગીતો, ગઝલોની સાથે કેટલાક સુંદર ગરબા પણ લખ્યા છે. આ ગરબાઓમાં ઋતુઓનો ગરબો, ચોપાટનો ગરબો તથા પતંગનો ગરબો ખૂબ વખણાયા હતા. એવું કહેવાય છે કે આઠમની રાત્રે માતાજી ચોપાટ રમે છે, એ થીમને આધારે એમણે માતાજીની સાથે ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી કલ્પના કરીને બહુ સરસ ગરબો રચ્યો હતો જેના શબ્દો છેઃ ‘સર્વારંભે પરથમ નમીએ રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ, સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વર ને સતી પારવતી’.

એવો જ એ બીજો ગરબો નિનુભાઈએ લખ્યો હતો – પતંગનો ગરબો! આ ગરબામાં પતંગના સ્વભાવનું વર્ણન છે. ‘સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ, ચઢ્યા મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો’. આવા ગરબા ભલે આપણી નવરાત્રીઓમાં ઉલાળા ખાતું યૌવનધન અનુભવી ન શકે પણ ગુજરાતી ભાષા માટે આ વારસો અતુલ્ય અને અપ્રતિમ છે. (અર્વાચીન ગરબાઓ વિશેની માહિતી વરિષ્ઠ પત્રકાર નંદિની ત્રિવેદીના પુસ્તક ‘ગીત ગુર્જરી’માંથી લેવામાં આવી છે. આભાર નંદિનીબેન!)

પડઘો

ગરબાની રીતે તું ગરબાને ગા!

આ કોઈ રૅપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.

આવડતું ના હોય તો શીખી લે જા. ગરબાની રીતે તું ગરબાને ગા!

ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,

રમવા ક્યાંથી આવે જગદંબે મા! ગરબાની રીતે તું ગરબાને ગા!

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,

દસ દિવસ માટે તો ગુજરાતી થા! ગરબાની રીતે તું ગરબાને ગા!

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,

હાલ થયા ગરબાના સરવાળે આ! ગરબાની રીતે તું ગરબાને ગા!

(શ્યામલ મુનશીની કલમે આધુનિક નવરાત્રી માટે લખાયેલું કટાક્ષકાવ્ય)

eછાપું 

તમને ગમશે: શું છે આ Jio Giga Fiber જે ભારતમાં બ્રોડબેન્ડ ક્રાંતિ લાવી દેશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here