સંસાર – નજીક રહીને દિલ દુભાય તેના કરતા દૂર રહીને પાસે રહેવાનો મંત્ર

0
372
Photo Courtesy: zee5.com

આમ તો સંસાર ફિલ્મ 1987માં રિલીઝ થઇ હતી પરંતુ એ સમયના નિર્માતા નિર્દેશકોમાં જે દુરંદેશી કાયમ જોવા મળતી તેના ભાગ રૂપે આ ફિલ્મની વાર્તા આજે એટલેકે લગભગ એકત્રીસ વર્ષે કદાચ વધારે પ્રસ્તુત છે. જૂની પેઢી સંયુક્ત કુટુંબના વખાણ કરતી થાકતી નથી પરંતુ બહોળા કુટુંબમાં શાંતિથી રહેવા માટે દરેકે કેટકેટલા કોમ્પ્રોમાઈઝ કરવા પડતા હતા એની વાત ક્યારેય તેઓ નથી કરતા. પરંતુ સંસાર આ વાતને બિલકુલ સ્પષ્ટતાથી કરી દે છે.

Photo Courtesy: zee5.com

ત્રણ દીકરા અને એક દીકરીનો વિશાળ સંસાર ધરાવતા અનુપમ ખેરને મોટો પુત્ર રાજ બબ્બર પોતાના પગાર ઘર ચલાવવા માટે દર મહીને આપી દેતો હોય છે. સમય જતાં મોટા પુત્રના લગ્ન થાય છે અને છેવટે તેની પત્ની રેખા માતૃત્વ તરફ પણ આગળ વધે છે. વહુ ડિલીવરી કરાવવા પિયર જાય છે ત્યારે પુત્ર પિતા પાસે કદાચ યોગ્ય મુદ્દો અયોગ્ય રીતે આગળ ધરે છે કે હવે સંતાન આવવાનું હોવાથી અંગત ખર્ચ વધશે તેથી તે ઘરખર્ચમાં પોતાનો હિસ્સો ઘટાડવાનો નિર્ણય તે અગાઉથી જ કરી ચૂક્યો છે.

અત્યારસુધી પુત્રને પોતાનું ગૌરવ માનતો પિતા કદાચ અચાનક આવી પડનારી આર્થિક સંકડામણને પોતાની નજર સમક્ષ જોતા ગુસ્સે થઇ જાય છે અને પોતે પુત્ર પાછળ તેના જન્મથી માંડીને અત્યારસુધી કેટલો ખર્ચો કર્યો છે એનો હિસાબ માંડે છે. તો પુત્ર પણ પોતે  નોકરીએ જોડાયા બાદ ઘર માટે તેણે કેટકેટલો ખર્ચ કર્યો છે એનો હિસાબ પિતા સમક્ષ ધરી દે છે. છેવટે આ ચર્ચા એટલી ઉગ્ર બને છે કે પિતા શપથ લે છે કે તે જ્યાં સુધી મોટા પુત્ર દ્વારા ઘર પાછળ ખર્ચેલા નાણાની એક એક પાઈ ન ચૂકવી દે ત્યાં સુધી તે પગ વાળીને નહીં બેસે.

તો સામે પક્ષે પુત્ર પણ જીદ લે છે કે તે પણ જ્યાં સુધી પોતાના ખર્ચનો તમામ હિસ્સો પરત નહીં મેળવી લે ઘર છોડીને નહીં જાય. બસ આ જ ટસલમાં ઘરની બરોબર વચ્ચે એક લાંબી રેખા ખેંચાઈ જાય છે. આ રેખા એટલી તો મજબૂત હોય છે કે તુલસી ક્યારાને પણ બે ભાગમાં વહેંચી દે છે. સંતાનપ્રાપ્તિ બાદ પત્ની પરત આવે છે અને તેની પીઠ પાછળ ઘરમાં જે થયું એ જાણીને આઘાત પામે છે.

ઘરમાં માત્ર આર્થિક મુદ્દે જ તકલીફ ઉભી નહોતી થઇ. પુત્રી, જે માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી ચૂકી હતી તે પણ પોતાના પતિ સાથે થયેલા નાનામોટા વિવાદ બાદ ઘરે પરત આવી ગઈ હતી તો પહેલેથી જ ઓછું કમાતા વચેટ પુત્રનું લગ્નજીવન પણ અસુખથી ભરેલું હતું અને નાનો છોકરો ભણવામાં સાવ નબળો હતો એટલે વારંવાર નાપાસ થતો હતો. આવા સંજોગોમાં પિતાએ દરેક મોરચે એકલેહાથે લડવાનું આવ્યું અને એમાંય આર્થિક મોરચે તેમની બરોબરની કસોટી થવાની હતી કારણકે પુત્રે હાથ પાછો ખેંચી લીધા બાદ ઘરની આવક એટલી બધી રહી ન હતી.

પરંતુ ઘરની વહુ હોંશિયાર હતી, તેણે પડદા પાછળથી પોઝિટીવ રમત રમવી શરુ કરી અને ધીમેધીમે સસરાની તમામ તકલીફો દૂર કરી અને પોતાના પતિને પણ તેની મર્યાદા દેખાડી દીધી. જ્યારે બધુંજ સરસ થઇ ગયું ત્યારે વહુએ સામે ચાલીને પોતે પોતાના પતિ અને બાળક સાથે ક્યાંક અલગ રહેવાનો પ્રસ્તાવ મૂકી દઈને બધાંને ચોંકાવી દીધા.

જેમ આગળ વાત કરી તેમ સંસાર ભલે એકત્રીસ વર્ષ જૂનું હોય પરંતુ તેણે વાત આજના દિવસની કરી છે. આજે હાલત એવી છે કે માતાપિતાની પેઢી હજી પણ ગઈ સદીની છે અને તેમના સંતાનો નવી સદી અને જૂની સદી વચ્ચે ઝોલાં ખાય છે પરંતુ તેની વિચારધારા કદાચ નવી પેઢી સાથે વધુ જોડાયેલી છે. ફિલ્મમાં ભલે આર્થિક મુદ્દા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે પરંતુ જો તેને આજના પરિપેક્ષ્યમાં જોઈએ તો જનરેશન ગેપ અત્યારે બે પેઢીઓ વચ્ચેના સંઘર્ષનું મૂળ કારણ બનીને બહાર આવતો હોય છે.

લાગતું વળગતું: બાવર્ચી – મોટા સુખની પાછળ ભાગવા કરતા નાની ખુશીઓ ભેગી કરો

અહીં આવનારી વહુની ટીકા નથી પરંતુ હવે મોટાભાગના કિસ્સાઓ એવા બને છે કે ગમે તેટલી કોશિશો કરવા છતાં નવી વહુ નવા ઘરમાં, નવા વાતાવરણમાં અને નવા પરિવાર સાથે ‘સેટ’ નથી જ થઇ શકતી. જો કે એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં માતાપિતા એટલેકે સાસુ અને સસરા પોતાની જીદ છોડતા નથી અને વહુના હળીમળીને રહેવાના પ્રામાણિક પ્રયાસો છતાં ઘરમાં ઝઘડાઓ થવાનું પ્રમાણ ધીરેધીરે વધતું ચાલે છે.

એમાંય જેમ સંસાર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એ મુજબ ઘરમાં બે ભાઈ અને એક બહેન હોય અને બન્ને ભાઈઓ પરણેલા હોય અને પરણેલી બહેન વારેવારે પિયરના મામલામાં પોતાનું નાક ખોંસતી હોય તો તો પતી ગયું. ટૂંકમાં કહીએ તો માત્ર વહુ જ નહીં પરંતુ પિતા, પુત્ર, માતા અને ભાઈનું જીવવું અઘરું થઇ પડે છે. ઘરના તમામ લોકો જ્યારે સ્ટ્રેસ અનુભવી રહ્યા હોય ત્યારે સમગ્ર કુટુંબ કેવી રીતે આનંદમાં રહી શકે?

એવું નથી કે તમામ ઘરોમાં આવું ચાલતું હોય છે, પરંતુ હવે ઝમાનો જે પ્રમાણે આગળ વધી રહ્યો છે ઘરમાં બધા જ હળીમળીને રહેતા હોય એવા કુટુંબો ઓછા થતા જાય છે. તો શું સમાજ અને દુનિયાને દેખાડવા કે અમારા ઘરમાં બધુંજ બરોબર છે, આપણે રોજેરોજનો સ્ટ્રેસ સહન કરવો છે કે પછી થોડા પ્રેક્ટીકલ થઈને સંસાર ફિલ્મમાં રેખા જે નિર્ણય લે છે એ પ્રકારનો નિર્ણય લઇ લેવો જોઈએ? કારણકે તમે બધા  ભેગા રહેશો તો પણ સમાજ અને દુનિયા તમારા વખાણ કરવા નથી આવવાના અને જો અલગ થઇ જશો તો પણ તે  કોઈજ મદદ નહીં કરે.

અહીં દરેક કુટુંબે અલગ થઈને રહેવું જોઈએ એવી કોઈજ સલાહ નથી આપવામાં આવી પરંતુ જે પરિવારોમાં ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો હોય ત્યાં નોકરી-ધંધાના ટેન્શન ઉપરાંત ઘરે જઈને પણ જો શાંતિ ન મળતી હોય તો પછી અલગ થઈને રહેવામાં શો વાંધો એવી એક અજાણી દિશા પર પ્રકાશ પાડવાનો હેતુ માત્ર છે. જરા વિચારી જુઓ કે જો ઘરના સભ્યો જ એકબીજાનું મોઢું જોવા તૈયાર ન હોય કે નાનીનાની વાત પર મોટામોટા ઝઘડા થઇ જતા હોય તો પછી છેવટના ઉપાય તરીકે એક શહેરમાં પણ ક્યાંક દૂર જઈને રહેવામાં કોઈ પ્રોબ્લેમ ખરો?

આવી પરિસ્થિતિમાં જીવવું અને જીવનના ત્રણ-ચાર વર્ષ ઓછા કરવા કરતા બહેતર એ રહે કે અલગ રહીને દર અઠવાડિયે એક વાર એકબીજાને ઘરે જઈને આનંદ માણવો. વાત ખટકે તેવી છે પરંતુ જો પરિવારના બધાને સુખી રાખવા હોય તો આજના જમાનામાં આનાથી વધુ પ્રેક્ટીકલ ઉપાય કદાચ બીજો કોઈજ નથી.

આપણને બધાને આપણા મા-બાપ વહાલા છે, એમને પણ આપણે વહાલા હોઈએ જ પણ જેમ આગળ જણાવ્યું કે સંસાર ખુદ જો અસાર બની જાય એટલેકે નોકરી પતે એટલે કોઈને ઘરે આવવાનું જ મન ન થતું હોય કે ઘરમાં રહેલાઓને બહાના બનાવીને ઝઘડા અવોઇડ કરવા દિવસનો મોટો ભાગ નજીકના મંદિરોમાં કે પછી બાગબગીચાઓમાં સમય પસાર કરવા જવું પડે તેના કરતા શારીરિક રીતે અલગ રહીને હ્રદયથી એકબીજાની નજીક રહેવાનો પ્રયાસ આદરવાનો મંત્ર જે ફિલ્મ સંસાર આપે છે તેને સ્વીકારી લેવામાં જ મજા છે.

eછાપું

તમને ગમશે: વોટ્સએપ કહે એટલે ‘પત્થર કી લકીર?’ : ફોરવર્ડ થતા મેસેજ અને ગેરમાર્ગે દોરાતો સમાજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here