આ દશેરાએ ઘરમાં જ ક્રિસ્પી જલેબી બનાવીએ તો કેવું રહેશે?

0
337
Photo Courtesy: cookingshooking.com

જલેબી – આ નામ સાંભળતાની સાથેજ મોઢામાં પાણીના પૂર આવી જાય હેં ને? ભારતમાં કેટલીક વાનગીઓ કે મિઠાઈઓ જાણેકે All Purpose સ્વભાવ લઈને આવી છે જેમાં જલેબી પણ આસાનીથી સામેલ થઇ શકે છે. લગ્ન, સગાઈ કે અન્ય કોઈ સારા પ્રસંગે એકાદા ભોજનમાં જલેબી હોયજ એ નક્કી હોય છે અને જો કદાચ ન પણ હોય તો પણ યજમાન કોઈ શુભ પ્રસંગે જલેબીઓ રાખવા માટે એક વાર તો વિચારી જ લેતો હોય છે રાઈટ?

Photo Courtesy: cookingshooking.com

બાળકોને પણ જલેબીઓ અત્યંત પ્રિય હોય છે. ઘણીવાર ઘરમાં આયોજીત પ્રસંગોમાં બાળકો પોતાને હેરાન ન કરે એના માટે માતાઓ વારંવાર રસોડામાં બની રહેલી જલેબીમાંથી એકાદી જલેબી એને પકડાવી દેતી હોય છે. આપણે ત્યાં ગુજરાતમાં જલેબી ઠંડી ખાવાનો રીવાજ અથવાતો આપણી આદત છે, પરંતુ જેમ જેમ તમે ગુજરાતની ઉત્તરે જતા જાવ તેમ તેમ ગરમાગરમ જલેબીઓ બિલકુલ ગરમ ગરમ ગુલાબજાંબુની જેમ જ ખાવાનો રિવાજ છે.

લાગતું વળગતું: શુભકાર્ય અગાઉ દહીં-સાકર ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તો દૂધ જલેબી ખાવાની આદત એટલીજ કોમન છે જેટલી આપણે ત્યાં ફાફડા કે ગાંઠિયા સાથે જલેબીઓ ખાવાની! અરે! ફાફડા અને જલેબી પરથી યાદ આવ્યું, થોડા દિવસમાં જ દશેરા આવશેને? તો આ વખતે ચાલો ફાફડા નહીં પરંતુ જલેબી તો આપણા ઘરમાં જ બને તો કેવું? આપણે બજારમાં મળતા ઓછી સારી ક્વોલીટીના ઘી તેલ વિષે વાતો કરીને અત્યારે જલેબી જેવા અદભુત ફૂડનો મૂડ ખરાબ નથી કરવો, પણ ઘરે બનાવેલી કે પછી પોતાના હાથે બનાવેલી જલેબીઓ આગ્રહપૂર્વક ઘરના સભ્યોને પીરસવાની મજા જ કઈ ઔર હોય છે એ ચાન્સ પકડી લઈએ રાઈટ?

તો ચાલો જાણીએ કે ઘેર બેઠાબેઠા ક્રિસ્પી જલેબીઓ કેવી રીતે બનાવી શકાય.

ઘેરબેઠાં ક્રિસ્પી જલેબી બનાવવાની રેસિપી

સામગ્રી:

 • 3 કપ મેંદો
 • અડધો કપ મકાઈનો લોટ
 • 2 કપ દહીં
 • દોઢ ચપટી બેકિંગ સોડા
 • અડધો કપ ઘી
 • 2 કપ ખાદ્ય તેલ
 • 3 કપ ખાંડ
 • 3 કપ પાણી
 • 5 રેશા કેસરના
 • 4 ટીપાં ગુલાબજળ
 • અડધી ટી સ્પૂન એલચી પાવડર
 • અડધી ટી ઓરેન્જ સ્પૂન ફૂડ કલર.

જલેબી બનાવવાની રીત

જલેબીનું મિક્સ બનાવવા માટે:

 • મેંદો, મકાઈનો લોટ અને બેકિંગ સોડાને એક બાઉલમાં મિક્સ કરો અને બરોબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ઘી અને ઓરેન્જ ફૂડ કલર ઉમેરો.
 • હવે ઉપરોક્ત મિક્સને જાડું બનાવવા માટે તેમાં દહીં અને થોડું પાણી ઉમેરો અને ત્યાંસુધી તેને હલાવતા રહો જ્યાં સુધી તે કડાઈમાં રેડી શકાય એટલુંજ જાડું ન થાય.
 • આ મિક્સચરને આઠથી દસ કલાક રાખી મુકો.

ખાંડનું સિરપ બનાવવા માટે:

 • એક પાનમાં થોડું પાણી લઇ તેને મિડીયમ ફ્લેમ પર ગરમ કરો અને તેમાં ખાંડ મિક્સ કરો, ત્યાં સુધી જ્યાં સુધી ખાંડ બરોબર ઓગળી ન જાય.
 • જ્યાં સુધી આ સિરપ થોડી ક્ન્સીસ્ટન્સી ધરાવતું ન થાય ત્યાં સુધી તેને એમનેમ ચાલુ ગેસ પર રહેવા દો અને થોડી થોડી વારે હલાવતા રહો.
 • ત્યારબાદ તેમાં કેસર, એલચીનો પાઉડર અને ગુલાબજળ ઉમેરો અને થોડો વધુ સમય ગેસ પર રહેવા દો.

જલેબીઓ તળવા માટે:

 • એક પેનમાં ડીપ ફ્રાય કરવા જેટલું તેલ લઇ તેને ગેસ પર મિડીયમ ફ્લેમ પર મુકો.
 • જલેબી માટે આપણે જે મિક્સ બનાવ્યું હતું તેને એક રેશમી કપડામાં બાંધી અને બરોબર નીચે જરૂરિયાત મુજબ કાણું પાડો.
 • હવે આ કપડામાં રહેલા મિક્સના ભાગને ધીમે ધીમે દબાવતા જઈ અને ગોળ ગોળ ફેરવતા જઈ મિક્સને તેલમાં તળવા દો. કોશિશ કરો કે પેનમાં જલેબી માટે તમે જે ગોળાકાર બનાવો છો તે વ્યવસ્થિત હોય.
 • જલેબીઓ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન ન થઇ જાય ત્યાં સુધી તેને તળતા રહો.
 • ખાંડનું સિરપ જે આપણે બનાવીને રાખ્યું છે તે વધુ ઠંડુ કે ગરમ ન હોય તેનું ધ્યાન રાખીને તળેલી જલેબીઓને તેમાં બે થી ત્રણ મિનીટ મુકો.
 • સિરપમાંથી કાઢેલી જલેબીઓને એક પ્લેટમાં મુકેલા બટર પેપર અથવાતો ફોઈલ પર મુકો.

બસ તમારી જલેબી તૈયાર છે જેને તમે દશેરાના ચટાકેદાર ફાફડા સાથે ખાવા માટે સર્વ કરી શકો છો.

eછાપું

તમને ગમશે: નેટ ન્યુટ્રાલિટી એટલે શું? અને એનો ગ્રાહક તરીકે આપણો ફાયદો શું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here