નવરાત્રિ – જૂની અને નવી, પરંપરા, ભક્તિ અને કુદરત સાથેની રમત

0
459
Photo Courtesy: Prapti Buch

“નવરાત્રિ”… એક પાવન તહેવાર, શક્તિની આરાધના અને ઉપાસનાનો તહેવાર, સ્ત્રીશક્તિનો તહેવાર, ગરબી કરવાનો અને ઢોલના તાલે તાળીઓનો તહેવાર, શણગારવાનો તહેવાર, અસ્તિત્વનાં આનંદનો તહેવાર. કેટલું સુંદર દ્રશ્ય હોય ને!!! પ્રાચીન અને અર્વાચીન ગરબા ગવાતા હોય, બાળાથી લઈને બુઢ્ઢા, તૈયાર થઈને તાળીઓની રમઝટ બોલાવતાં હોય, આનંદ કરતાં હોય. આ બધું જોવું એ એક સુખદ ઘટના છે.

Photo Courtesy: Prapti Buch

પહેલાં તો શેરી ગરબા મહોત્સવ યોજાતો. નવ દિવસનાં કાર્યક્રમો અગાઉથી નક્કી થતાં. સોસાયટીમાં થતાં ગરબા જોવા ટોળા ઉમટી આવતાં. ઉજવણીની પરિભાષા અલગ હતી આજથી અમુક સમય પહેલાં. નવરાત્રિ એટલે કે નોરતાંનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા કોણ નથી જાણતું! એટલે ત્યાં ન જતાં, મુદ્દા ઉપર ચર્ચા કરવી રહી.

સમય બદલાતો જાય છે. મોર્ડન યુગની શરૂઆત થઈ ગઈ છે. જો તમે કલ્ચર પ્રમાણે એડવાંસ નથી તો તમને પરગ્રહવાસીની જેમ જોવામાં આવે છે. આજની તારીખમાં નવરાત્રિ તહેવાર માટે મનુષ્યોએ હદ બહારની સ્વીકૃતિ દર્શાવી છે. એનાં દાખલા રૂપે “માં અંબાની આરાધનાના ગરબા કરતાં ફિલ્મોના ગીત પર ડાન્સ, નવરાત્રિ દરમિયાન પરિધાનમાં આવતાં ફેરફાર, શેરી ગરબા મહોત્સવને બદલે પાર્ટી પ્લોટનું વળગણ, કુટુંબ કરતાં મિત્રો સાથે જવાની પસંદગી, મોડી રાત્રે પાછા ફરવાની આદત, અને તમે ક્યાં હતાં અને શું કર્યું જેવા પ્રશ્નોના ન અપાતાં જવાબ” વિગેરે મુખ્ય છે.

પાર્ટી પ્લોટમાં ફિલ્મી ઢબે ઉજવાતી નવરાત્રિ કોઈ ડિસ્કો ડાંસ જેવી લાગે. ખુદને અરીસામાં નિહાળતાં પણ શરમ આવે તેવાં કાર્યો આ નવ દિવસ દરમિયાન થતાં હોય છે. નવરાત્રિ સમયમાં આવતાં સમાચારો એ વાતની ચાડી ખાય છે. ખાસ કરીને યંગ જનરેશનને જે” છૂટછાટ” આપવામાં આવે છે, તેનો ઉપયોગ અલગ રીતે જ કરવામાં આવે છે. હા, આ આરોપ બધાં માટે નથી, પણ આ આરોપ ખોટાં પણ નથી.

બીજો મુદ્દો એ છે કે, નવરાત્રિ દરમિયાન, ઘણાં લોકો ઘરમાં માં નવદુર્ગાની સ્થાપના કરે છે, ઉપાસના કરે છે. નવ દિવસનાં ઉપવાસ રાખીને આકરી તપસ્યા કરે છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે મનની શુદ્ધિ પણ થાય છે. પરંતુ, જ્યારે નવમા દિવસે એ જ નવદુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ભક્તોની ભક્તિ એમ નથી શીખવાડતી કે કુદરત સાથે અન્યાય થઈ રહ્યો છે. ગણપતિની પૂજા હોય કે નવદુર્ગાની, વાત અહીંયા કુદરતની છે. દરિયામાં કે નદીમાં વિસર્જન કરવા માટે ઉમડતી ભીડ આપણે સૌએ જોઈ છે. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, વિસર્જન પછીનાં પરિણામોથી પણ આપણે વાકેફ છીએ. તો પછી, મોટી મોટી મૂર્તિઓ બનાવડાવી, ઉમદા ભક્ત સાબિત થઈ ન શકાય. જો મૂર્તિમાં ઈશ્વર જોઈએ છીએ, તો ઈશ્વર સાથે આ વ્યવહાર શું કામ? નવરાત્રિનાં ગરબાને “ગર્ભ” સાથે સાંકળવામાં આવે છે. તો ગર્ભનું વિસર્જન શક્ય છે? નથી જ.

લાગતું વળગતું: ‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘ચાર બંગડીવાળી ઑડી’ – ગરબા છે સદાબહાર!

શ્રધ્ધાને રિવાજો સાથે શું કામ સાંકળવી જોઈએ? આંખ બંધ કરીને, હાથ જોડીને કરાતી પ્રાર્થનામાં પણ એટલી જ તાકાત છે, જેટલી તાકાત એક મંદિરમાં થતી મુર્તિ સ્થાપનામાં છે, એક ચર્ચમાં અડધી રાતે કરાતી કેન્ડલ માર્ચ કરવામાં છે કે પછી મસ્જિદમાં પોકારાતી બાંગમાં છે. ધર્મને નામે કુદરત સાથે થતો અન્યાય આંખે ઊડીને વળગે તો છે પણ રિવાજ અને સંસ્કૃતિને નામે તેની અવગણના પણ કરવામાં આવે છે. તહેવારની ઉજવણી કરવામાં આપણી સંસ્કૃતિનો નાશ ન થાય તેની જવાબદારી કોણ લેશે? આપણે શું કામ કોઈ વ્યક્તિની “મહાન” બનવાની રાહ જોઈએ? આપણે એટલાં સક્ષમ તો છીએ જ કે સાચાં – ખોટાં વચ્ચેનું અંતર માપવા માટે બીજાનાં વિચારોનું માપદંડ કે અનુકરણ કરવા પ્રેરાઈએ નહીં.

તહેવારને અનુલક્ષીને ઉજવણી કરવામાં જે મજા છે, તે તહેવારોની આડમાં કરાતાં વ્યર્થ પરાક્રમોમાં નથી. ખાસ કરીને આપણે ગુજરાતીઓ. આપણાં આ તહેવારનાં પાયાને બચાવી રાખીએ. જનરેશન નેક્સ્ટને તહેવાર પ્રત્યેની ફરજ કરતાં તેનું મહત્વ સમજાવીએ. માં અંબાની આરાધનાનો અવસર આવી રહ્યો છે. તેની સર્વેને શુભકામનાઓ. માં અંબાને એટલી પ્રાર્થના કે… “મને માવતર મળે તો… મારી અંબા જેવાં મળજો”.

ખાસ નોંધ : આ Article કોઈ એક વર્ગને કે ધર્મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો નથી. કુદરત સાથે ચાલવામાં મજા છે, તેની સામે પડવામાં નહીં, એ આશય સાથે લખવામાં આવ્યો છે.

અસ્તુ!

eછાપું

તમને ગમશે: વર્લ્ડકપ ફાઇનલ અને ફ્રાન્સ: ઝીદાન ની એક ઢીંક જયારે ફ્રાન્સને ભારે પડી ગઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here