ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ, સસ્તું સારું અને ટકાઉ

2
590
Photo Courtesy: gadgets.ndtv.com

અત્યારે ઓનલાઇન અને ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ નો જમાનો છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટ સ્ટાર, ગૂગલ પ્લે મ્યુઝિક, યુટ્યુબ વગેરે નું નામ સાંભળ્યું હોય તો તમે ઓલરેડી તમારા એન્ટરટેનમેન્ટ માટે આવી ઓફિશિયલ ચેનલ્સ નો સહારો લઇ રહ્યા છો. અને કદાચ ન પણ લેતા હો તો અત્યારે આપણી માટે આવી ઓફિશિયલ સાઇટ્સ નો ઉપયોગ કરવા માટે એકદમ યોગ્ય સમય છે. આજે આપણે આવી સાઇટ્સની જરૂર કેમ છે અને એ સાઇટ્સને ઓફિશિયલી કઈ રીતે ઉપયોગ કરી શકાય એના ઉપર ચર્ચા કરીએ.

Photo Courtesy: gadgets.ndtv.com

ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ કેમ? ટોરેન્ટ અને ડાઉનલોડ કેમ નહિ?

સહુ પહેલા તો જોઈએ કે શા માટે આવી “ખર્ચાળ” સાઇટ્સ નો ઉપયોગ કરવો જોઈએ? આજકાલ ઇન્ટરનેટ પર બધું જ મફત મળે છે. ફિલ્મો, ગેમ્સ અને ગીતો તો મફત મળતાંજ હતા, હવે તો ગેમ્સના ક્રેક્ડ વર્ઝન પણ મફતમાં મળે છે. તો શા માટે આટલા દોઢા થઈને વગર મફતનો ખર્ચો કરવો? બસ ખાલી ટોરેન્ટ માંથી ડાઉનલોડ કરો અને પછી તો જલસે જલસા જ છે.

જી ના, સહુથી પહેલા તો ટોરેન્ટ અને ક્રેક્ડ વર્ઝન વિષે વાત. ટોરેન્ટ અને ક્રેક્ડ વર્ઝન આજથી પાંચ દસ વર્ષ પહેલા સામાન્ય અને એક અનિવાર્ય જરૂરત હતા. જયારે કોઈ મનગમતી ફિલ્મ આપણા નાના ગામ કે શહેર માં રિલીઝ ન થતી હોય. ગેમ્સ, ફિલ્મો કે ગીતો ઓનલાઇન હોય કે નહિ એ ખબર ન હોય, ઓનલાઇન હોય તો એને કઈ રીતે ખરીદવું એનો આઈડિયા ન હોય. અથવા એ વસ્તુઓના ભાવ ખુબ વધારે મોંઘા હોય. અને આ કોઈ પ્રોબ્લેમ ન હોય તો પણ આ ફિલ્મો, ગેમ્સ કે ગીતો ડાઉનલોડ થઇ શકે એવું ઇન્ટરનેટ કાં તો હોય જ નહિ અને હોય તો આજની ક્રિકેટ ટીમ્સ જેવું રિલાયેબલ, ક્યારે અને ક્યાં ડૂકી જાય એનું કઈ નક્કી જ નહીં. અને એટલે જ ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ થી દૂર પાઈરેટેડ એન્ટરટેનમેન્ટ બહુ સામાન્ય વાત હતી. ઇવન ત્યાં સુધી કે ચાર પાંચ વર્ષ પહેલા ખુદ અનુરાગ કશ્યપે નાના શહેરોના લોકોને પોતાની ફિલ્મ ટોરેન્ટ પર થી ડાઉનલોડ કરી જોવાની સલાહ આપી હતી.

Courtesy: Nupolitical Review

આજે એટલીસ્ટ ઇન્ટરનેટ સસ્તું અને રિલાયેબલ તો ખરું. પાંચ સાત વર્ષ પહેલા જે ભાવમાં આપણને 1GB 3G ઇન્ટરનેટ મહિના માટે મળતું આજકાલ એ જ ભાવમાં એક GB રોજનું મળે છે અને એ ય 4G. અને જો થોડા વધારે રૂપિયા નાખો તો વાઇફાઇ સાથે સુપરફાસ્ટ અનલિમિટેડ ઇન્ટરનેટ અમદાવાદ/વડોદરા જેવા મોટા શહેરોમાં બહુ આસાની થી મળે છે. અને આના લીધે આવા ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ મેળવવાના દરવાજા આપોઆપ ખુલી ગયા છે. મનોરંજનને લાગતું કઈ પણ ક્યાંથી અને કઈ રીતે લેવું એ એક સર્ચ કે એક સવાલજ દૂર છે. અને એટલે અત્યારે ઓનલાઇન અને ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ હાથવગું થઇ ગયું છે.

ઉપરાંત ઇન્ટરનેટ એ જાહેર મનોરંજનનું માધ્યમ નથી, એટલે જાહેર મનોરંજન ના માધ્યમો જેવાકે ટીવી, ફિલ્મો કે નાટકોને નડતા સેન્સરશીપ થી લઈને સ્પોન્સરશિપ જેવા બધા પ્રોબ્લેમ ઇન્ટરનેટ પર નડતા નથી. અને એટલે આવા પ્લેટફોર્મ પર ક્રિએટિવિટી ના ધોધ વછૂટી પડે છે. ઉપરાંત ઓનલાઇન પ્લેટફોર્મ પર આપણે ગમે ત્યારે અને ગમે તે જોઈ શકીએ છીએ. લાઈવ સ્પોર્ટ્સ અને લાઈવ ઈવેન્ટ્સ સિવાય આજે કોઈ પણ ફિલ્મ કે સિરીઝ (કે કોઈ એપિસોડ) આપણી અનુકૂળતાએ જોઈ શકાય છે. અને આપણને ગમતા ગીત રેડીઓ કે મ્યુઝિક ચેનલ ની દયા અને આપણી અરજી પ્રમાણે નહિ, પણ ટોટલી આપણી મરજી પ્રમાણે સાંભળી શકાય છે. આના માટે કઈ ડાઉનલોડ કરવું નથી પડતું કે કોઈ એક્સ્ટ્રા બેકઅપ રાખવું નથી પડતું, બધુજ ઓનલાઇન હોય છે. અને કદાચ આપણે બહાર જવાના હોઈએ તો આપણને એ ગીત, પુસ્તક, ફિલ્મ કે એપિસોડ ઓફલાઈન પણ જોવા મળી શકે છે. આ પ્લેટફોર્મના ઘણા ફાયદા વિષે મેં આ પહેલા પણ લખેલું છે. જે તમે વિસ્તાર થી માઉન્ટ મેઘદૂત પર મારી આ પોસ્ટમાં વાંચી શકશો.

પણ ગેમ્સ? એની વિષે તો કઈ કહ્યું નહિ?

વેલ ગેમ્સ તો મોટેભાગે આપણે મોબાઈલમાં જ રમીએ છીએ. અને ઘણી બધી ગેમ્સમાં સહેલાઈથી જીતવા માટે કે કોઈ ગેમના લેવલ આગળ વધારવા માટે આજકાલ ઘણી ગેમિંગ કંપનીઓ પૈસા લઈને પાવર અપ આપે છે. અને આપણે મહેનત, પેશન્સ કે પૈસાના અભાવે ક્રેક્ડ વર્ઝન ડાઉનલોડ કરતા અને ઉપયોગ કરતા થઇ ગયા છીએ. આના વિષે મારી પાસે એક જ વાત કહેવાની છે કે તમારા ફોનમાં કોઈપણ અનોફીશીયલ ક્રેક્ડ વર્ઝન વાપરવું એ ચોર લુંટારાઓને તમારા બેન્ક એકાઉન્ટના આઈડી પાસવર્ડ આપવા જેવું છે. ક્રેક્ડ વર્ઝન થી ઘણી ડેટા ચોરાયાના ઉદાહરણો જોવા મળ્યા છે, અને જેનો ડેટા ચોરાયો હોય એવા લોકોને આ ચોરી વિષે ઘણી મોડી ખબર પડે છે અથવા પડતી જ નથી. 

વ્હોટ એબાઉટ મની? ઓનલાઇન સર્વિસીસ મોંઘી ન પડે?

અને રહી વાત પૈસાની તો અત્યારે સસ્તું ઇન્ટરનેટ અને સસ્તા અને સારા મોબાઈલ ફોન માર્કેટમાં મળવા મંડ્યા છે. એટલે ઘણા એવા લોકો જેની પાસે આ દસકાની શરૂઆતમાં એક સાદો ફોન પણ ન હતો એ લોકો પાસે એક સારો એન્ડ્રોઇડ ફોન અને રોજના 1.5GB 4G વાળો એક ડેટા પ્લાન છે. અને એન્ટરટેનમેન્ટ કંપનીઓ માટે આવા લોકોની એક વિશાળ અને ખુલ્લી માર્કેટ છે. અને આવા નવા યુઝર્સને પોતાના પ્લેટફોર્મ તરફ આકર્ષવા અને પોતાના પ્લેટફોર્મ પર જાળવવા માટે તેમજ ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ પૂરું પાડવા એન્ટરટેનમેન્ટ કંપનીઓ એ પોતાના ચાર્જીસ પણ આપણને અને કંપનીઓને પોસાય એવા જ રાખ્યા છે.

અલગ અલગ વિડિઓ એન્ટરટેનમેન્ટ કંપની ના લોગો. Courtesy: Justwatch.com/in

અને કદાચ આ ચાર્જીસ થોડા મોંઘા લાગે પણ એની સામે એના ફાયદા પણ વધારે છે. જેમકે ગૂગલ પ્લે મ્યુઝિક ઓલ એક્સેસ પ્લાન ગાના અને એમેઝોન પ્રાઈમ મ્યુઝિક કરતા મોંઘો છે. પણ સામે ગૂગલ પ્લે ની નવા ગીત સજેસ્ટ કરી શકવાની સિસ્ટમ કાબિલે તારીફ છે. દા.ત. તમે જીમમાં હો કે મોર્નિંગ વોક કે રન લેવા જતા હો ત્યારે તમને ઉત્સાહજનક ગીતો સજેસ્ટ કરે, ડ્રાઈવ કરતા હો ત્યારે એવા ગીતો સજેસ્ટ કરે જે મગજ ને ફોકસ્ડ રાખે, ઘરે રિલેક્સ થતા હો ત્યારે તમને શાંત ગીતો સજેસ્ટ કરે. ઉપરાંત જેમ જેમ તમે કોઈ ગીતને કે કોઈ આર્ટિસ્ટને લાઈક કે ડીસ્લાઇક કરતા જાઓ એમ એમ તમને તમારી પસંદના કે તમને ગમી શકે એવા ગીતો વધારે સજેસ્ટ કરે. હું પોતે ગૂગલ પ્લે મ્યુઝિક ઓલ એક્સેસ ભારતમાં આવ્યું ત્યારથી ઉપયોગ કરું છું. અને એના રેકમેન્ડેશન ઘણીવાર સરસ હોય છે. આ રેકમેન્ડેશન વાળું ફીચર બીજી કોઈ મ્યુઝિક સર્વિસમાં નથી. અને એટલે ગૂગલ પ્લે મ્યુઝિકના મહિને વધારાના 10-12 રૂપિયા આપવા પોસાય એવા છે.

લાગતું વળગતું: NARCOS – કોલમ્બિયાના ડ્રગ માફિયાની દુનિયાની સફર કરાવતી Netflixની સિરીઝ

એ જ રીતે નેટફ્લિક્સ, જે એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર કરતા મોંઘુ છે. જેટલો ચાર્જ આ બંને સર્વિસ વર્ષે લે છે એટલોજ ચાર્જ નેટફ્લિક્સ મહિને લે છે. પણ સામે નેટફ્લિક્સના ઓરીજીનલ પ્રોગ્રામ્સ બીજી કોઈપણ સર્વિસ કરતા ચાર ચાસણી ચડે એવા છે. એ સિવાય નેટફ્લિક્સ ટેક્નિકલી પણ બીજા બધા સર્વિસ પ્રોવાઇડર કરતા દસ ડગલાં આગળ છે. અધૂરામાં પૂરું બીજા પ્રોવાઇડર્સની ખબર નહિ પણ નેટફ્લિક્સ ને બે કે વધારે  લોકો એકાઉન્ટ શેર કરે એમાં કોઈ વાંધો નથી. મતલબ આપણે નેટફ્લિક્સનો મોંઘામાં મોંઘો પ્લાન લઈને બીજા લોકો સાથે શેર કરી એ પ્લાનનું ભારણ ઓછું કરી શકીએ અને ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ શાંત મનથી માણી શકીએ.

અને હું પણ એ જ કરું છું. અત્યારે મેં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ગૂગલ પ્લે મ્યુઝિક અને સોની Liv નું સબ્સ્ક્રિપશન લીધેલું છે, અને આ ચારેયનો કુલ માસિક ખર્ચ અત્યારે ₹610 થી પણ ઓછો આવે છે. સામે તમે જનરલ ચેનલ્સ જેમકે સોની લિવ અને હોટસ્ટાર નું સબ્સ્ક્રિપ્શન લો(બાકી ઝી અને કલર્સ ની ઓનલાઇન સર્વિસ લગભગ ફ્રીમાં છે) તો એ વાર્ષિક 1500₹ નું પડે, જેમાં તમને જે-તે ચેનલ પર મળતી બધી સિરિયલ, ફિલ્મો અને સ્પોર્ટ્સ HDમાં જોવા મળે. આ જ HD સર્વિસીસ તમારે DTH માં લેવી હોય તો એ વાર્ષિક 2000₹ થી શરુ થાય.  હવે તમેજ વિચારો ક્યાં મહિને 500-600₹ + જોરદાર કન્ટેન્ટ અને ક્યાં મહિને 300-400₹ અને એ જ સાસ બહુ, એ જ સૂર્યવંશમ(કે બાહુબલી)અને એ જ અરિજિત અને હનિ સિંઘ… 

હું એમ નથી કહેતો કે તમે ગમે એમ આ ખર્ચ કરો જ. પહેલા તમે આ બધા પ્લાન્સ વિષે જાણો, મહિને કેટલો ખર્ચ થાય છે એનો અંદાજો માંડો અને હા, આ રકમ તમારી માસિક બચત ના ભોગે તો નહિ જ કરતા.

એ બધું બરોબર પણ આ સર્વિસના પૈસા દર મહિને દેવા પડે, અને એના માટે મારી પાસે ક્રેડિટ કાર્ડ નથી.

વેલ, અત્યાર સુધી મારી પાસે પણ ક્રેડિટ કાર્ડ ન હતું. મેં દોઢ બે વર્ષ આ બધી સર્વિસીસ માટે ડેબિટ કાર્ડ થી પૈસા ભર્યા છે. જો નેટબેન્કિંગ હોય તો તમે તમારા ડેબિટ કાર્ડને ઇન્ટરનેશનલ પરચેઝ માટે એનેબલ કરી દો, અને દર મહિને તમારા આ ડેબિટ કાર્ડ વાળા ખાતામાં મિનિમમ બેલેન્સ + આ સર્વિસના ખર્ચ જેટલા રૂપિયા જાળવી રાખો. અને આ સર્વિસીસના ખર્ચ જેટલા રૂપિયા એની જાતે જ કપાઈ જશે.

અને નેટબેન્કિંગ ન હોય તો યુપીઆઈ થી પણ સાઈન અપ કરી અને આ બધી સર્વિસીસ માટે પૈસા ભરી શકાય છે. ફોન પે કે ગૂગલ પે(તેઝ) એપ્પ્સ માંથી યુપીઆઈ દ્વારા ગૂગલ પ્લે માં રિચાર્જ કરી શકાય છે. અને આ ગૂગલ પ્લે રિચાર્જ ની મદદ થી તમે ગૂગલ પ્લે મ્યુઝિક કે નેટફ્લિક્સ માટે દર મહિને પૈસા ભરી શકો છો. અને એમેઝોન પ્રાઈમ માટે એમેઝોન પે માં તમે યુપીઆઈ થી રિચાર્જ કરી શકો છો. આ ઉપરાંત જો તમે પેટીએમ વાપરતા હો તો તેમાં યુપીઆઈ થી પેમેન્ટ કરવાનો રસ્તો તો છે જ, સાથે સાથે હોટસ્ટાર અને સોની Liv માં પણ તમે પેટીએમ થી પેમેન્ટ કરી શકશો.

આ બધી ઓનલાઇન સર્વિસીસ નો એક અલગ ફાયદો છે, તમને ઓફિશિયલ અને હાઈ ડેફીનિશન એન્ટરટેનમેન્ટ તમારા સમયે અને તમારા ઘેર બેઠા આપે છે. આ બધી સર્વિસ તમને તમારા DTH જેટલા કે એના કરતા પણ ઓછા ખર્ચે પડે છે. અને એ બધી સર્વિસ માટે પેમેન્ટ કરવું પણ આસાન છે. અને આ સર્વિસીસ માટે પેમેન્ટ કરી તમે તમારા મનગમતા કલાકાર ની કલા ને માણી તો શકો છો જ સાથે સાથે એ કલાકારને તમે પ્રત્યક્ષ રીતે આર્થિક સપોર્ટ પણ કરી શકો છો. 

આ સર્વિસીસ લીધા પછી શું? ગીતો કે પુસ્તકોમાં તમે તમારી પસંદ પ્રમાણે આગળ વધી શકો છો. VOD સર્વિસીસ માં પણ તમારી મનગમતી ફિલ્મો અને જાણીતી સિરીઝ જોઈ શકો છો. અને જો ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ માં પણ શું જોવું અને શું ન જોવું એ કન્ફ્યુઝન હોય તો માત્ર થોડી રાહ જુઓ. આગળ આ જ જગ્યાએ હું મારી મનપસંદ નેટફ્લિક્સ અને એમેઝોન ઓરીજીનલ ફિલ્મો અને ટીવી સિરીઝ વિષે ચર્ચા કરીશ.

ત્યાં સુધી,

મે ધ ફોર્સ બી વિથ યુ… 

eછાપું 

તમને ગમશે: આવો આપણી બાળપણની યાદ તાજી કરીએ આ Vintage Classic Games દ્વારા

2 COMMENTS

  1. Netflix ना मारा छोकराना एकाउंटथी अमे त्रण जणा शेर करिए छिए.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here