આવો જાણીએ કઈ એમેઝોન પ્રાઈમ સિરીઝ જોવાલાયક છે…

2
459
Photo Courtesy: amazon.uk

ગયા અંકમાં આપણે જોયું કે ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ મેળવવું કેટલું સરળ છે. ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ અને એમાં ય ખાસ વિડિઓ ઓન ડિમાન્ડ એટલે કે VOD પ્લેટફોર્મ્સ જોરદાર ચર્ચામાં છે. અને આજે અને આગળ આપણે VOD પ્લેટફોર્મ્સ માંથી સહુથી મોટા બે એવા એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ માં શું જોઈ શકાય એના વિષે ચર્ચા કરીશું. જેમાં આજે આપણે વાત કરીશું જોવા લાયક એમેઝોન પ્રાઈમ સિરીઝ વિષે…

ખાસ સૂચના: આ પોસ્ટ અને આગલી પોસ્ટ્સ માં જે તે પ્લેટફોર્મ માં જ ઉપલબ્ધ હોય એવી ફિલ્મો કે સિરીઝ વિષે વાત કરવામાં આવશે. જેમકે આજે એમેઝોન પ્રાઈમ સિરીઝ ની પોસ્ટ છે તો અહીંયા એવી સિરીઝ વિષે જ વાત કરવામાં આવશે જે માત્ર એમેઝોન પ્રાઈમ પર જ હોય. આ ઉપરાંત જે તે પ્લેટફોર્મ પર ની ઓરીજીનલ સિરીઝ પર વધારે ધ્યાન આપવામાં આવશે. અને ખાસ સૂચના, આ બધી સિરીઝ ફેમિલી સાથે, કે બીજી જાહેર જગ્યાએ તમારા જોખમે જોવા વિનંતી.

આજે હું એવી એમેઝોન પ્રાઈમ સિરીઝ ની વાત કરવાનો છું જે મેં જોઈ હોય અથવા જે જોવામાં મને રસ હોય. એટલે સ્વાભાવિક છે કે આપણામાંના ઘણા વાચક મિત્રોની ફેવરિટ સિરીઝ નો અહીંયા ઉલ્લેખ પણ ન થયો હોય. જો એવું હોય કે અહીં તમને ગમતી સિરીઝ વિષે કઈ નથી લખ્યું અને એ સિરીઝ લોકોએ જોવી જોઈએ તો કમેન્ટ માં એ સિરીઝ નું નામ અને એ સિરીઝ શા માટે જોવી જોઈએ એ અચૂક લખશો. જો અહીંયા જાહેર કમેન્ટ કરવામાં તમે ખચકાતા હો તો એડિટર સાહેબને અથવા મારા ઈ મેઈલ (questions at prashamhtrivedi.in) પર મોકલી શકશો.

તો શરુ કરીએ (મારા મતે) જોવાલાયક એમેઝોન પ્રાઈમ સિરીઝ નું લિસ્ટ………

મોઝાર્ટ ઈન ધ જંગલ(2014-2018)

મોઝાર્ટ ઈન ધ જંગલ સીઝન 1 નું પોસ્ટર Courtesy: Amazon UK

સીઝન્સ અને એપિસોડ્સ: આશરે 30 મિનિટ નો એક એપિસોડ. અને આવા દસ એપિસોડ્સ ની એક એવી ચાર સીઝન.

સિરીઝ વિષે: ઓબો એ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં વપરાતું વાજિંત્ર છે. દેખાવ અને વપરાશમાં શરણાઈ જેવું અને સાંભળવામાં શરણાઈ અને વાંસળી ની વચ્ચેની રેન્જમાં આવે.અને ઓબો વગાડતા સંગીતજ્ઞોને ઓબોઇસ્ટ કહેવાય. આવી એક ઓબોઇસ્ટ બ્લેર ટીંડાલ ની નવલકથા પરથી બનેલી એમેઝોન પ્રાઈમ સિરીઝ મોઝાર્ટ ઈન ધ જંગલ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક, હાઈ પ્રોફાઈલ ઓર્કેસ્ટ્રા અને આ પ્રોફેશનની ઘણી અંદરૂની વાતો ઉજાગર કરે છે. સિરીઝના બે મુખ્ય પાત્રો હેઈલી રટલીજ(લોલા કર્ક) પોતે એક સંઘર્ષરત ઓબોઇસ્ટ છે અને ન્યુયોર્ક સિમ્ફનિ ઓર્કેસ્ટ્રામાં ઓબો વગાડવું એ એનું મુખ્ય સપનું છે. આ ન્યુયોર્ક સિમ્ફની માં વૃદ્ધ મ્યુઝિક કંડકટર થોમસ પેમ્બ્રિજ(માલ્કમ મેકડોવેલ) રીટાયર થાય છે અને એના બદલે આવે છે યુવા કંડક્ટર રોડરીગો ડીસોઝા(ગાએલ ગાર્સીયા બરનાલ). રોડરીગો બીજા લોકો થી અલગ મ્યુઝિશિયન છે અને એની સંગીત અને જીવનને જોવાની રીત થોમસ પેમ્બ્રિજ અને એના ઓર્કેસ્ટ્રાના અમુક સભ્યો સહીત ઘણા લોકોને સ્ટ્રેન્જ લાગે છે. એવામાં રોડરીગો અને હેઈલી રટલેજ વત્તા બાકીના ઓર્કેસ્ટ્રા અને ન્યુયોર્ક સિમ્ફનીના મેનેજમેન્ટને કઈ રીતે એક બીજા સાથે ભળે છે, એ જોવા જેવું છે.

શું ગમ્યું: 

 • સિરીઝ નું સેટિંગ: વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક અને હાઈ પ્રોફાઈલ ઓર્કેસ્ટ્રા ની અંદર ની વાતો આજ સુધી ક્યાંય જોવા મળી નથી. એટલે એ એક યુનિક પોઇન્ટ છે.
 • સિરીઝ નો ટોન એકદમ હળવો છે. આખી સિરીઝ એક કોમેડી ડ્રામા તરીકે પ્રસ્તુત થઇ છે એટલે રિયલ લાઈફમાં ઘણી ટેન્સ કરી શકે એવી વાતો અહીંયા સરસ હળવાશ થી કહી છે.
 • એક્ટિંગ: મુખ્ય કલાકાર ગાએલ ગાર્સીયા બરનાલે રોડરીગોના પાત્રમાં જીવ રેડી દીધો છે. ઉપરાંત માલ્કમ મેકડોવેલ અને ગ્લોરિયા વિન્ડસર બનતી બર્નાન્ડેટ પીટર્સ જે સીન્સ માં સાથે હોય એ બધા સીન સરસ બન્યા છે. ઓર્કેસ્ટ્રાના ઘણા પાત્રો ની પણ એક્ટિંગ એવી છે કે એ લોકોની સાથે જોડાવાનું મન થાય.

શું ન ગમ્યું:

 • હેઈલી રટલીજ બનતી એક્ટ્રેસ લોલા કર્ક ઘણી જગ્યાએ કૃત્રિમ લાગે છે. અને એટલે ઘણી વાર હેઈલીના પાત્રનો સંઘર્ષ સ્ક્રીપટ અને વાર્તામાં તો દેખાય છે પણ સ્ક્રીનમાં નથી દેખાતો.

ગોલિઆથ(2016-)

ગોલિઆથ સીઝન 2 નું પોસ્ટર Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: આશરે 40-50 મિનિટનો એક એપિસોડ. અને આવા 8 એપિસોડ ની એક એવી બે સીઝન.

સિરીઝ વિષે: બાઇબલમાં એક વાર્તા છે. જ્યાં એક પહેલવાન ગોલિઆથનો ઇઝરાયેલમાં કાળો કેર હોય છે. જેને ડેવિડ નામનો એક કિશોર ચેલેન્જ કરે છે અને અંતે પોતાની ગિલોલ થી મારી નાખે છે. સાહિત્યમાં અને રિયલ લાઈફમાં જયારે કોઈ નબળો વ્યક્તિ કોઈ સબળ અને મજબૂત વ્યક્તિને હરાવી જાય ત્યારે આ ડેવિડ અને ગોલિઆથની વાર્તાનો ઉલ્લેખ થાય છે. અહીંયા કથાનો નાયક બીલી મેકબ્રાઈડ(બીલી બોબ થ્રોનટન) ડેવિડ છે, વ્યવસાયે એ ફેંકાઈ ગયેલો એક વકીલ છે. અને સામે ગોલિઆથ છે એણેજ ઉભી કરેલી વકીલાત ની કંપની કૂપરમેન મેકબ્રાઈડ અને એના સહુથી મોટા ક્લાયન્ટ બોર્ન્સ ટેક. બીલી બોર્ન્સ ટેકના એક કર્મચારીનો કેસ હાથમાં લે છે. અને કંપની એ (શરૂઆતમાં નાનો અને સ્ટ્રેટફોર્વર્ડ લાગતો) કેસ જીતવા સામ, દામ, દંડ, ભેદ બધુજ કરી છૂટે છે. અને કઈ રીતે ડેવિડ બીલી મેકબ્રાઈડ ગોલિઆથ બોર્ન્સ ટેકને હરાવે છે.

શું ગમ્યું: 

 • મુખ્ય કલાકાર તરીકે બીલી બોબ થ્રોનટન એક પરફેક્ટ ચોઈસ છે. પહેલી સીઝનનો ઘણો ખરો ભાર એ ઊંચકે છે.
 • બીલી મેકબ્રાઈડના ભૂતપૂર્વ પાર્ટનર ડોનાલ્ડ કૂપરમેન એક વિલન તરીકે ખુબ સરસ છે, અને એક્ટર વિલિયમ હર્સ્ટએ આ રોલ બખૂબી નિભાવ્યો છે.

શું ન ગમ્યું:

 • અમુક સાઈડ સ્ટોરીઝ ક્યાંક ક્યાંક ખાલી જગ્યા પુરવા માટે વધારે ખેંચી હોય એવું લાગે છે.

મી. રોબોટ(USA Network)(2015-2019)

મી. રોબોટ સીઝન 1 નું પોસ્ટર. Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: આશરે 45મિનિટ થી કલાકનો એક એપિસોડ. સીઝન 1 અને સીઝન 3માં આવા 10-10 એપિસોડ છે અને સીઝન 2 માં 12. સીઝન 4, જે એની અંતિમ સીઝન હશે, એ આવતા વર્ષે રિલીઝ થવાની છે.

સિરીઝ વિષે: આધાર ની સિક્યુરિટી વાળી પોસ્ટમાં આપણે ઇલિયટ એલ્ડરસનની વાત કરી હતી. એ ઇલિયટ એલ્ડરસન આ સિરીઝ મી. રોબોટ ના મુખ્ય પાત્રનું નામ છે. આ એમેઝોન પ્રાઈમ સિરીઝ એક હાઈ પ્રોફાઈલ સાયબર ક્રાઇમ વિશેની સિરિયલ છે. જેમાં વાર્તાનો નાયક ઇલિયટ એલ્ડરસન(રામી મલેક) પોતે હેકર છે, અને સોશિયલ એંક્ઝાયટી ડિસઓર્ડર અને મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર થી પીડાય છે. એ એક હેકર્સની ટિમ સાથે જોડાય છે જેને પડદા પાછળ થી લીડ કરે છે એક રહસ્યમય માણસ નામે મિસ્ટર રોબોટ(ક્રિસ્ટીઅન સ્લેટર). આ હેકર્સ ની ટિમ નામે એફસોસાયટી નું મુખ્ય લક્ષ્ય છે ઈ કોર્પ નામે ઓળખાતી કંપનીઓના સંગઠનને હેક કરી અને એનું નુકસાન પહોંચાડવું. આ ઈ કોર્પ સામે પાડવામાં ઇલિયટનો પણ પોતાનો ઉદ્દેશ છે કેમકે ઈ કોર્પના લીધે ઇલિયટ અને એના કુટુંબને ભૂતકાળમાં બહુ સહેવું પડ્યું હોય છે. આ ત્રણ સીઝનમાં ઇલિયટ એલ્ડરસનને પોતાની સાથે, પોતાની અલગ અલગ પર્સનાલિટીઓ ની સાથે, એફસોસાટી ના અન્ય મેમ્બર્સ સાથે અને ઈ કોર્પ સાથે કઈ રીતે ડીલ કરે છે, એ જોવા જેવું હશે.

શું ગમ્યું: 

 • એક્યુરસી: અહીં દેખાડવામાં આવેલી ટેક્નોલોજી, ટેક્નિકલ કંપનીઓ અને એનું ક્લચર, તથા સાયબર સિક્યુરિટી ને લગતી એની ડીટેઈલિંગ એટલી સચોટ છે કે ઘણી રિયલ કંપનીઓ અને સાયબર સિક્યુરિટી કંપનીઓએ આના વખાણ કર્યા છે.
 • એક્ટિંગ અને કાસ્ટિંગ: કોઈ પણ સિરીઝમાં એના મુખ્ય કલાકારો(ખાસ તો હીરો અને વિલન) કેટલા સારા લખાયા છે અને કેટલા સારા ભજવાય છે એ મહત્વનું છે. અને અહીંયા રામી મલેક, ક્રિસ્ટીઅન સ્લેટર અને બધા કલાકારો ની એક્ટિંગ લાજવાબ છે.
 • આ સિરીઝ ના ટ્વીસ્ટસ અને ટર્ન્સ અને કઈ રીતે એને દેખાડ્યા છે એ બધું ખરેખર જોરદાર છે.

શું ન ગમ્યું:

 • સેક્સ અને ડ્રગ્સ: ઘણા પાત્રો અને ઘણી સ્ટોરીલાઈન્સમાં આ બે અથવા બે માંથી એક મહત્વનો ભાગ ભજવે છે. કદાચ બીજા લોકોને આ ન પણ ગમે.
 • ઘણી જગ્યાએ મારામારી, લોહી અને ગંદકી પણ વધારે દેખાડી છે, અમુક જગ્યાએ એ વાર્તા કે જે તે સેટિંગ પ્રમાણે યોગ્ય લાગે છે. પણ ઘણી વાર એ મારા પર્સનલ ટેસ્ટ ની સરખામણીમાં વધારે પડતું છે.
 • ઘણી વાર ઓડિયો એટલો નીચે જતો રહે છે કે પાત્રો શું બોલે છે એ જાણવા જે-તે ભાગ ને બે ત્રણ વાર રિવાઇન્ડ કરવો પડે છે. (અત્યાર સુધી તમે નોટિસ કર્યું હશે કે બધા ટાઇટલમાં જે તે સિરીઝ ની પહેલી સીઝન નું ટ્રેલર લિંક કરીને મૂક્યું છે, મી.રોબોટ માં એ શક્ય નથી બન્યું કારણકે ઓફિશિયલ ટ્રેલર માં ઇલિયટ શું બોલે છે એ કળવું મુશ્કેલ છે અને સબટાઈટલ વગર નું ટ્રેલર હજુ સુધી મળ્યું નથી.)

ઓલ ઓર નથીંગ: માન્ચેસ્ટર સીટી(2018)

Courtesy: Playpilot.com

સીઝન અને એપિસોડ્સ: લગભગ 40-50 મિનિટ નો એક એવા આઠ એપિસોડ્સની એક માત્ર સીઝન.

સિરીઝ વિષે: એમેઝોને અલગ અલગ સ્પોર્ટ્સ ટીમ્સ સાથે રહીને એના એક વર્ષ ની બધી ગતિવિધિઓ રેકોર્ડ કરી એમાંથી ડોક્યુમેન્ટરી સિરીઝ બનાવી છે. અને એ બધીના વખાણ થયા છે. ન્યુઝીલેન્ડ ની રગ્બી ટિમ, અમેરિકન ફૂટબોલ ને લગતી ચાર-પાંચ ટિમ સાથે સફળતાનાં સ્વાદ ચાખ્યા પછી એમેઝોનના કેમેરા ક્રુએ અત્યારના ઈંગ્લીશ પ્રીમિયર લીગ ચેમ્પિયન માન્ચેસ્ટર સીટી સાથે 2016-17 સીઝનનું આખું વર્ષ ગાળ્યા પછી આ એમેઝોન પ્રાઈમ ડોક્યુમેન્ટરી બની છે. જેમાં “સીટી” ના ચેમ્પિયન્સ બનવા સુધીની આખી મુસાફરી સર બેન કિંગ્સલી ના નેરેશનમાં કહેવાઈ છે.

આમ તો આ સિરીઝ વિષે ઘણું લખવાનું છે, જે નજીકના ભવિષ્યમાં જયારે ફૂટબોલ સ્ટોરીઝનું પુનરાગમન થશે ત્યારે એમાં લખાશે.

આ એ સિરીઝ હતી જે મેં જોયેલી હતી. આ સિવાય પણ અમુક સિરીઝ જે મારા વોચલિસ્ટમાં છે અને જોવાની બાકી છે એ આ રહી….

લાગતું વળગતું: Amazon Prime – ખોબો ભરીને દરિયા જેટલું મનોરંજન

ધ મેન ઈન ધ હાઈ કેસલ(2015-)

Courtesy: the hollywood reporter

સીઝન્સ અને એપિસોડ્સ: લગભગ કલાકનો એક એવા દસ એપિસોડની એક સીઝન એવી ત્રણ સીઝન. ચોથી સીઝન પર કામ શરુ છે.

સિરીઝ વિષે: માઉન્ટ મેઘદૂતમાં મેં ઓલ્ટરનેટ હિસ્ટ્રી વિષે લખેલું. આ સિરીઝ અને એ જે નવલકથા પર થી બનેલી એ ફિલિપ કે ડિક ની મેન ઈન ધ હાઈ કેસલ ઓલ્ટરનેટ હિસ્ટ્રી નું બહુ સરસ ઉદાહરણ છે. <આડ વાત> ફિલિપ કે ડિક એક જોરદાર સાયન્સ ફિક્શન લેખક હતા. બ્લેડ રનર, ટોટલ રિકોલ, માઇનોરિટી રિપોર્ટ, પે ચેક, અ સ્કેનર ડાર્કલી, ધ એડજસ્ટમેન્ટ બ્યુરો જેવી ફિલ્મો ફિલિપ કે ડિક ની નવલકથાઓ કે વાર્તાઓનું એડેપ્ટેશન હતા. આ ઉપરાંત આ લેખકના માનમાં દર વર્ષે શ્રેષ્ઠ ઓરીજીનલ સાયન્સ ફિક્શન નવલકથાને ફિલિપ કે ડિક એવોર્ડ થી નવાજે છે. </આડ વાત>( એટલે આડ વાત પુરી 😉 )

ધ માર્વેલસ મિસિસ મેઈસલ(2017-)

Couresy: IMPA awards.com

સીઝન્સ અને એપિસોડ્સ: 45મિનિટ થી કલાકના એક એવા આઠ એપિસોડની એક સીઝન, બીજી સીઝન પર કામ શરુ થઇ ગયું છે અને ત્રીજી સીઝન ને પણ મંજૂરી મળી ગઈ છે.

સિરીઝ વિષે: 1958માં જયારે એક યહૂદી અમેરિકન ગૃહિણી મિરિયમ મેઈસલનો સંસાર ભાંગી પડે છે અને એનો પતિ એને છોડીને જતો રહે છે ત્યારે પોતાનું અને પોતાના બાળકનું જીવન સાંભળવા એક એવું પગલું લે છે જે એ સમયની સ્ત્રીઓ માટે અનુરૂપ ન હતું. એ પગલું એટલે સ્ટેન્ડઅપ કોમેડી. 50ના દસકાના અંતમાં કઈ રીતે મિસિસ મેઈસલ પોતાને અને પોતાના બાળકને સંભાળે છે અને કઈ રીતે સમાજ, કાનૂન અને પોતાના કુટુંબીજનો ને આ બધામાં સંભાળે છે એ જોવા જેવું હશે. મિસિસ મેઈસલનો ટાઇટલ રોલ કરનાર રશેલ બ્રોસ્નાહન ને નેટફ્લિક્સ ની એક બહુચર્ચિત પોલિટિકલ ડ્રામા સિરીઝમાં એક મહત્વના રોલ થી ઓળખાણ મળી હતી. અને મિસિસ મેઈસલના રોલ માટે રશેલ બ્રોસ્નાહનને ગોલ્ડન ગ્લોબ અને પ્રાઈમ ટાઈમ એમી એવોર્ડ પણ મળી ચુક્યા છે.

હાર્મની વિથ એ આર રહેમાન(2018)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 40-45 મિનિટ્સ નો એક એવા પાંચ એપિસોડ

સિરીઝ વિષે: એ.આર.રહેમાન કેમેરા સામે શરમાળ કહી શકાય એવું વ્યક્તિત્વ છે. એ માણસ એની ધૂન(સંગીત ના અર્થમાં અને બીજા અર્થમાં પણ) ને જ બોલવા દે છે. અને ભલભલા સિનિયર પત્રકારો અને રીવ્યુઅર્સ ને રહેમાન નો ઇન્ટરવ્યૂ લેવામાં તકલીફ પડી છે એવું એ લોકોએ સામેથી કહ્યું છે. જાકમજોળ પાર્ટીઓ દેનાર બૉલીવુડમાં અને આખાબોલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષ કામ કરીને આ ઇન્ડસ્ટ્રી થી દૂર રહ્યા પછી જયારે એ.આર.રહેમાન આટલો સમય કેમેરા સામે આવે ત્યારે એ જે કઈ હોય એ જોવા જેવું હોય. અને અહીંયા કન્સેપટ પણ સરસ છે, પહેલા ક્યાંય ન સંભળાયું હોય એવા લોક સંગીતનું ફ્યુઝન બનાવવું. અને બાય ગોડ જે એન્ડ પ્રોડક્ટ બની છે, એ આ વર્ષના મારા મતે શ્રેષ્ઠ ગીતો માંથી એક છે. મન મૌજ મેં…. જેની એક નાનકડી ઝલક અહીં છે.

આ સિવાય પણ અમુક માનનીય ઉલ્લેખ વાળી સિરીઝ….

ઇનસાઇડ એજ: વાર્તા ક્રિકેટ ઉપર છે એટલે થોડી વધારે પડતી ફેમિલિયર લાગે છે. પણ એને બીજી સીઝન માટે મંજૂરી મળી ગઈ છે એટલે એમાં કૈક તો સારું હોવું જોઈએ…..

બ્રીધ: એક તો આર.માધવન મને બહુ ગમે છે, ઉપરાંત સસ્પેન્સ છે. એટલે આ સિરીઝ પણ વોચલિસ્ટમાં છે.

જેક રાયન: હોલીવુડમાં બેન ફલેક, એલેક બોલ્ડવીન, ક્રિસ પાઈન અને હેરિસન ફોર્ડ પછી પાંચમી વાર જોન ક્રાસીન્સ્કી જેક રાયનનો રોલ ભજવે છે. આ સિરીઝ અને ક્રાસીન્સ્કી ની એક્ટિંગના વખાણ અને જેક રાયનના પાત્રની હિસ્ટ્રી માટે આ સીઝન પણ મારા વોચલિસ્ટમાં છે.

ફરી એક વાર…. આ મેં જોયેલી અથવા મને રસ હોય એવી એમેઝોન પ્રાઈમ સિરીઝ વિશેજ લખેલું છે, એટલે ચાન્સ છે કે તમારી ગમતી એમેઝોન પ્રાઈમ સિરીઝ નો અહીંયા ઉલ્લેખ પણ ન હોય. જો એવું હોય, અને તમે ઇચ્છતા હો કે લોકો ને તમારી ફેવરિટ સિરીઝ પર ધ્યાન આપવું જોઈએ તો એ એમેઝોન પ્રાઈમ સિરીઝ નું નામ અને તમને એ શા માટે ગમે છે એ અહીં કમેન્ટ કરીને જણાવો. અમને તમારા પ્રતિભાવોની રાહ રહેશે. આવતા અંકે આપણે જોઈશું નેટફ્લિક્સની આવી સિરીઝ વિષે….

ત્યાં સુધી……

મે ધ ફોર્સ બી વિથ યુ……

eછાપું

તમને ગમશે: “મારે પણ એક ઘર હોય” – પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલાં શું ધ્યાનમાં રાખશો?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here