અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એરોબિક્સ કરો અને સ્ટ્રેસને દૂર રાખો

0
302
Photo Courtesy: YouTube

શહેરી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસથી ભરપૂર છે. કામ કરતી વ્યક્તિને જો ઘરનું ટેન્શન ન હોય તો ઓફિસનું ટેન્શન હોય અને નહીં તો કોઈ અન્ય ટેન્શન એટલેકે સ્ટ્રેસ લઈને ઘણા બધા લોકો ફરતા રહેતા હોય છે. સ્ટ્રેસને દૂર કરવાનો એક રામબાણ ઈલાજ ગ્રીસની એક યુનિવર્સીટીએ શોધી નાખ્યો છે અને તેનું નામ છે એરોબિક્સ! એરોબિક્સ એટલે આપણને ખબર જ છે કે તે કસરત અને નૃત્યનું બેજોડ મિશ્રણ છે.

Photo Courtesy: YouTube

કસરત કરવાની સાથેસાથે નૃત્ય અને સંગીત પણ માણવા મળતું હોવાથી ઘણા લોકોને, ખાસકરીને મહિલાઓને એરોબિક્સ અન્ય કોઈ કસરત કરતા વધુ ગમતું હોય છે. આમ, એરોબિક્સ જે તમારા શરીરને તો સ્વસ્થ રાખે જ છે પરંતુ તે તમારા મનની તંદુરસ્તીની પણ સંભાળ લે છે તેવું આ નવા સંશોધનમાં સાબિત થયું છે.

ગ્રીસની આ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ પોતાની નજર હેઠળ નાના નહીં પરંતુ જીવનમાં મોટા સ્ટ્રેસનો સામનો કરી રહેલા કેટલાક દર્દીઓના જૂથ પર એરોબિક્સની દવા અજમાવી હતી. આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કોઈની દેખરેખ હેઠળ જો સ્ટ્રેસનો દર્દી એરોબિક્સની ટ્રીટમેન્ટનો લાભ લે તો તેના સ્ટ્રેસ લેવલમાં ઘણો ઘટાડો થઇ શકે તેમ છે.

આ પરીક્ષણની રિસર્ચ ટીમે 11 જુદાજુદા સ્ટ્રેસનો સામનો કરી રહેલા 455 પુખ્તવયની વ્યક્તિઓને સામેલ કરી હતી જેમની ઉંમર 18થી માંડીને 65 વર્ષની હતી. આ તમામ દર્દીઓ મોટા સ્ટ્રેસ અથવાતો ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યા હતા.

લાગતું વળગતું: આવો જાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને સ્ટ્રેસ વચ્ચેનું કનેક્શન

આ તમામ વ્યક્તિઓ પાસે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ 45 મિનીટ સુધી એરોબિક્સ કરાવવામાં આવ્યા હતા અને તે પણ મધ્યમકક્ષાની કસરતો સાથે. આ સમગ્ર પરિક્ષણ સવાનવ અઠવાડિયા સુધી ચાલ્યા હતા. આ પરિક્ષણનો હેતુ હતો કે ભારે સ્ટ્રેસ અથવાતો ડિપ્રેશનમાંથી પસાર થઇ રહેલા દર્દીઓ પર એરોબિક્સ શું તેના સિવાયના અન્ય ઈલાજ કરતા વધુ સારો ઈલાજ કરી શકે છે કે કેમ. અહીં ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે આ ટેસ્ટ માત્ર અને માત્ર સ્ટ્રેસ અને ડિપ્રેશન અનુભવી રહેલા દર્દીઓ પર જ કરવામાં આવ્યા હતા.

આ અભ્યાસ બાદ પરિણામ એ આવ્યું કે એરોબિક્સ કરનારા મોટાભાગના સ્ટ્રેસ અને ડિપ્રેશનના દર્દીઓ પછી એમના દર્દનું કારણ ગમે તે હોય, તેના પર જરૂર અસર કરે છે. જેટલા પણ દર્દીઓએ આ અભ્યાસનો હિસ્સો બનવાનું પસંદ કર્યું હતું તેમને ઓછામાં ઓછા ચાર અઠવાડિયા એરોબિક્સ ટ્રીટમેન્ટ લીધા બાદ પોતાના સ્ટ્રેસ લેવલમાં હકારાત્મક સુધારો થયો હોવાનું અનુભવ્યું હતું.

આજકાલ ભારતમાં પણ એરોબિક્સના વર્ગો મોટા અને નાના શહેરોમાં જોવા મળે છે, તો તમારી સ્ટ્રેસફૂલ લાઈફને કૂલ બનાવવા તમે પણ આ પ્રકારના વર્ગોની સેવાનો લાભ લઇ શકો. જો તેની ફી તમને વધારે પડતી લગતી હોય તો ઘરમાં જ નૃત્ય કરી શકાય એવું સંગીત વગાડીને અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ અડધાથી પોણા કલાક સુધી એકાંતમાં નૃત્ય કરીને એટલેકે એરોબિક્સ કરીને સ્ટ્રેસને કેમ દૂર ન ભગાડી શકાય?

eછાપું

તમને ગમશે: ગુરુપૂર્ણિમા વિશેષ – પરણેલા પુરૂષ માટે (પોતાની) પત્ની જ સાચો ગુરુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here