ટુ એમિલી, વિથ લવ, ફ્રોમ સુભાષ…..લિખે જો ખત તુજે! – ઇતિહાસનું અજાણ્યું પ્રકરણ

0
292
Photo Courtesy: indiatoday.in

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ હિન્દ સેનાની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઝાદ હિન્દ સેનાના સેનાપતિ હતા. ફક્ત 48 વર્ષની ઉંમરમાં તેઓ ભારત માટે 480 વર્ષમાં થાય એટલું કામ કરી ગયા. આજે એમની પત્ની સાથેનો પ્રેમસંબંધ અને પત્રવ્યવહાર વિશે વાત કરવી છે.

Photo Courtesy: indiatoday.in

તારીખ 18 ઑગસ્ટ 1995નો દિવસ હતો. ભારત આઝાદ થયાને પચાસ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. વિયેનામાં 85 વર્ષની ઉંમરે એમિલી લખે છેઃ

“આજે સુભાષનો જન્મદિન છે. ભારતીય આઝાદીના ઉત્સવની દુનિયાના દરેક (યુરોપિય પણ) અખબારોએ નોંધ લીધી છે, પરંતુ કોઈએ એમને યાદ કર્યા નહીં. એ હોત તો એમને આનંદ થયો હોત. એમનું સ્વપ્ન હતું, ‘આઝાદ ભારત’. એમની સેનાનું નામ પણ ‘આઝાદ હિન્દ ફોજ’ હતું. એ જીવ્યા આઝાદ ભારત માટે, એમનું મૃત્યુ પણ દેશ માટે જ થયું.

હું એમની વિધવા છું, મારું નામ એમિલી બોઝ છે. જોકે, આ વાત કોઈ માનતું નથી. કોઈએ મને સ્વીકારી નથી. મને કે મારી પુત્રીને એમના ફેમિલીની સરનેમ નથી મળી, છતાં હું મારું નામ એમિલી બોઝ લખું છું – એમિલી સુભાષ ચંદ્ર બોઝ. આમ તો મારું નામ એમિલી શેન્ક છે જેનો અંગ્રેજી સ્પેલિંગ થાય Schenkl છે. કોઈ એનો ઉચ્ચાર શેન્કલ કરે છે, ખાસ કરીને ભારતીયોને યુરોપિયન ઉપનામનો ઉચ્ચાર કરવામાં ઘણી તકલીફ પડે છે. અમારું કુટુંબ કેથલિક ધર્મ પાળતું અને યુરોપિયન ઢબે જીવતું પણ જ્યારે કોઈ ભારતીયોના પરિચયમાં આવવાનું થતું ત્યારે ઉચ્ચારો સાંભળીને મને હસવું આવતું. પણ પહેલી વાર સુભાષના મોઢે મેં સાચો ઉચ્ચાર સાંભળ્યો અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ.”

‘1920 ના કાળથી ભારતનો સંઘર્ષ’ (The Indian Struggle) વિષય પર પુસ્તક લખવા માટે વિશ-આર્ટ (Wishart) નામની પ્રકાશન કંપની સાથે સુભાષબાબુનો કરાર હતો અને એટલે જ જૂન 1934 ના બીજા સપ્તાહથી, સુભાષ ચંદ્ર બોઝ વિયેનામાં સ્થાયી થયા હતા. પુસ્તક માટેની હસ્તપ્રત લખવા માટે જરૂરી એવાં કારકૂનીના કામ માટે એમિલીને મળ્યા. એમિલીને સેક્રેટરી તરીકે કામ કરવાનું હતું. એમિલી સુભાષબાબુ પર આવતાં પત્રોના જવાબ પણ આપતી અને એમના લેખો, પુસ્તકનું કામ પણ ચાલતું.

1934 થી માર્ચ 1936 ની વચ્ચે ઑસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયામાં તેઓ એકસાથે સમય વિતાવતા હોવાથી તેમની ભાવના વધતી ગઈ. લગભગ ત્રણેક વર્ષ સાથે કામ કર્યા પછી એક દિવસ એમિલીએ સુભાષને કહી દીધું કે હું તમને ચાહું છું. 1937માં હિન્દુવિધિથી લગ્ન કર્યા પણ કોઈ પૂજારી સાક્ષી કે સિવિલ રેકોર્ડ નહોતો. પછી સુભાષ ભારત પાછા ફર્યા. એમિલી લખે છેઃ “અમારી વચ્ચે પત્રવ્યવહાર થતો રહેતો. મેં સુભાષને લખેલા પત્રો આજે પણ મારી પાસે છે. મારા જીવવાનું કારણ જ સુભાષના એ પત્રો છે એમ કહું તો અતીશયોક્તિ નહીં થાય.”

નેતાજીઝ કલેક્ટેડ વર્કસ (ભાગ – 7) માં લેટર્સ ટુ એમિલી શેન્ક (1934 – 1942) નામનું એક પુસ્તક છે જેમાં સુભાષ અને એમિલી વચ્ચેના પત્રવ્યવહાર વિશેની માહિતી ઉપલ્બ્ધ છે. જેલમાં હોય કે હોસ્પિટલમાં હોય, ઘરે હોય કે રાજકીય ટૂરમાં હોય, સુભાષબાબુનો એમિલી સાથેનો પત્રવ્યવહાર સતત ચાલુ રહેતો. 1934 થી 1942 સુધીમાં એમણે 162 પત્રો એમિલીને લખ્યાં. જો કે એમિલી પણ પત્રોના જવાબ નિયમિત આપતી. એમિલીએ મોકલેલા પત્રોમાંથી ફક્ત 18 પત્રો જ મળ્યાં છે. એ પણ 1980ના એક જૂના સિગારના પેકેટમાં પોતાના ભાઈ શરતચંદ્ર સાથે થયેલા પત્રોની વચ્ચે રાખેલા. સુભાષબાબુ પત્ર લખવાના આળસુ નહોતા પણ તેમની સાચવણી બરાબર નહોતી.

સૌથી પહેલો પત્ર સુભાષબાબુએ ત્યારે લખ્યો જ્યારે એ યુરોપથી ભારત પોતાના પિતાની માંદગીના સમાચાર સાંભળીને મળવા આવતા હતા. એ પછીના 13 પત્રો ભારતમાં આવતાં પહેલાં ઈટાલી, ગ્રીસ, ઈજિપ્ત અને ઈરાકથી લખાયા છે. એમિલીને લખેલા પત્રોમાં સુભાષબાબુ કામ, સરકાર, હિન્દુસ્તાન, પોતાનો હેક્ટિક પ્રવાસ વગરે વાતો તો લખતાં જ પણ પોતાના એમિલી પ્રત્યેના પ્રેમનો પણ એકરાર કરતાં.

લાગતું વળગતું: ટ્રેજેડી ક્વીન મીનાકુમારી – અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ….

પોતાનો પ્રેમ પ્રગટ કરતા પત્રો અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખતાં. એક પત્રમાં તેઓ લખે છેઃ ભૂતકાળમાં હું તમને લખવા માટે ઉત્સુક રહ્યો છું – પરંતુ મારી લાગણીઓ વિશે તમને લખવાનું કેટલું મુશ્કેલ હતું તે તમે સરળતાથી સમજી શકો છો. હું હમણાં જ તમને જણાવવા માંગું છું કે જ્યારે તમે મને જાણતા હતા ત્યારે હું જે હતો તેવો આજે પણ છું. એક દિવસ પસાર થતો નથી કે હું તમારા વિશે વિચારતો નથી. તમે હંમેશાં મારી સાથે છો. હું આ દુનિયામાં બીજા કોઈને પણ સંભવતઃ વિચારી શકતો નથી. હું તમને કહી શકતો નથી કે આટલા મહિનાઓમાં મને કેટલું દુઃખ થાય છે અને હું કેટલો દુઃખદાયક છું. માત્ર એક વસ્તુ મને ખુશ કરી શકે છે – પરંતુ તે શક્ય છે કે નહીં એ મને ખબર નથી. જો કે, હું દિવસ અને રાત વિશે વિચારી રહ્યો છું અને મને સાચો માર્ગ બતાવવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

સુભાષબાબુ અને એમિલી પોતાના પત્રોમાં ઔપચારિક સંબોધનનો ઉપયોગ કરતા. જ્યારે એકબીજાને લખતા ત્યારે ‘ફ્રૌલેઇન શેન્ક’ અને ‘શ્રી. બોઝ’ એવું સંબોધન કરતાં. ફ્રૌલેઇન એ અવિવાહિત જર્મન મહિલા (ખાસ કરીને યુવા મહિલા) માટે લખાતુ સંબોધન છે. તેમ છતાં એકદમ વિગતવાર સમાચારનું વિનિમય કરવામાં સફળ રહ્યા હતા. એમિલીના લાંબા પત્રો સુભાષબાબુને થોડા સમય માટે ફરી પાછા વિયેનામાં લઈ જતાં. બોઝના તમામ પત્રોને પોલીસ સેન્સરોમાંથી પસાર થવું પડતું અને દાર્જિલિંગમાં તો પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીની સ્ટેમ્પ પણ લાગતી. દરેક પત્રો પર CENSORED AND PASSED એવો સ્ટેમ્પ મારેલો જોવા મળે છે.એપ્રિલ અને ડિસેમ્બર 1936 વચ્ચે તેઓ વચ્ચે જે પત્રો વહેંચવામાં આવ્યાં તે વિવિધ વિષયો પર હતાં – આધ્યાત્મિકતા, ઑસ્ટ્રિયન રાજકારણ, સંગીત, બુડાપેસ્ટ અને પ્રાગના આભૂષણો, વિએનીઝ કાફે, પુસ્તકો, અને એકબીજાના નાજુક સ્વાસ્થ્ય માટે ચિંતા. એક પ્રેમપત્રમાં બોઝે એમિલીને અંગ્રેજી ભાષાનું જર્મન મૂળ શોધવાનું કહ્યું, અને તેણે કાલિદાસના નાટક શાકુંતલ દ્વારા પ્રેરિત ગોએથેની કવિતા મોકલી હતી: (ધ ટેલિગ્રાફ, 2011)

Wouldst thou the young year’s blossoms and the fruits of its decline,

And all whereby the soul is enraptured, feasted fed:

Wouldst thou the heaven and earth in one sole name combine,

I name thee, oh Shakuntala! And all at once is said.

ઘણાં પત્રોમાં બોઝે પત્ર વંચાઈ જાય પછી એને ફાડીને એનો નાશ કરવાની વિનંતી કરી છે પરંતુ એમિલીએ દરેક પત્રો સાચવી રાખ્યા હતા. પ્રેમ સિવાય સુભાષ બાબુ એમિલીને સારા જીવન જીવવા માટેની સલાહ પણ આપતાં. 30 માર્ચના એક પત્રમાં સુભાષબાબુએ લખ્યું છેઃ “હું આ લાંબો પત્ર પૂરો કરું તે પહેલાં માત્ર એક જ વાત કરવી છે. તમારા જીવન માટે, કોઈપણ સ્વાર્થી હેતુ માટે ક્યારેય પ્રાર્થના નહીં કરો. હંમેશ માટે પ્રાર્થના કરો કે જે માનવતા માટે સારું હોય – જે હંમેશ માટે સારું હોય – ઈશ્વરની નજરમાં જે સારું છે તે માટે પ્રાર્થના કરો. નિષ્કામ માર્ગે પ્રાર્થના કરો.”

આમ તો દરેક પત્ર વાંચવા જેવો છે જેમાં સુભાષ ચંદ્ર બોઝની એક અલગ જ પ્રતિમાના દર્શન થાય પણ એમિલીના શબ્દોથી આ લેખને વિરમું:

નવેમ્બર 29, 1942માં અમારી દીકરીનો જન્મ થયો. અમે એનું નામ અનાઈતા પાડ્યું. સુભાષ એમને ખૂબ ચાહતા હતા પણ આઝાદ હિન્દ સેનાના યુદ્ધ માટે એ અમને છોડીને નીકળ્યા. જાપાનીઝ સબમરીન અને જાપાને કબજે કરેલું સાઉથ ઈસ્ટ એશિયા વટાવતા એ આઝાદ હિન્દ ફોજ સાથે આસામનાં જંગલોમાં પહોંચ્યાં, પણ વરસાદ અને મેલેરિયાને કારણે એમના સૈનિકો મરવા લાગ્યા. જાપાનની મદદ છતાં આઝાદ હિન્દ ફોજ ભારત સુધી પહોંચી જ નહીં. નિરાશ અને થાકેલા સુભાષ 18 ઑગસ્ટ, 1945ના દિવસે છટકવાનો પ્રયત્ન કરતા હતા અને તાઈવાનમાં એમનું વિમાન ક્રેશ થયું.

પડઘોઃ

1943ની સબમરીનની છેલ્લી યાત્રા વખતે સુભાષ બાબુએ એક પત્ર બંગાળીમાં પોતાના ભાઈને લખેલોઃ હું ફરીથી ભયના માર્ગ પર જઈ રહ્યો છું, પરંતુ આ વખતે મોટા ઘર તરફ. મને ખબર નથી કે હું આ માર્ગનો અંત જોઉં. મેં અહીં લગ્ન કર્યા છે અને પુત્રી છે. મારી ગેરહાજરીમાં, કૃપા કરીને તેમને મારા જીવનને તમે જે પ્રેમ આપ્યો છે તે બતાવો.

eછાપું

તમને ગમશે: ચલો બુલાવા આયા હૈ… મેરે પુત્ર કી પ્રિન્સીપાલ મેડમને બુલાયા હૈ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here