ફટાકડા પર નિયંત્રણ – માય લોર્ડ મારો ચ્હા પીવાનો સમય નક્કી કરી આપશો?

0
166
Photo Courtesy: newsnation.in

ગઈકાલે જ્યારે ફટાકડા ફોડવા પર સુપ્રિમ કોર્ટે નિયંત્રણ મુકવાનો નિર્ણય લીધો હોવાના સમાચાર આવ્યા ત્યારે તરતજ અંદાઝ અપના અપનાનો પરેશ રાવળનો એક સીન યાદ આવી ગયો અને ચહેરા પર સ્મિત આવી ગયું. એ સીનમાં સમયપાલનના એકદમ પાક્કા એવા રામ ગોપાલ બજાજ “હર એક ચીજ ટાઈમ ટુ ટાઇમ હોની ચાહિયે” એવો આગ્રહ રાખીને ઘરના બટલર રોબર્ટને વારેવારે ધમકાવે છે અને ચ્હા પીવાનો જ્યારે સમય થાય છે તારે રોબર્ટ નિર્દોષતાથી પૂછે છે કે, “સર શક્કર ડાલને કા ટાઈમ હો ગયા?”

આવા સ્ટુપીડ સવાલના જવાબમાં ખુદ રામ ગોપાલ બજાજ કહે છે, “નોનસેન્સ!” સુપ્રિમ કોર્ટના ફટાકડા પરના નિયંત્રણના સમાચાર સાંભળીને પણ બજાજ સાહેબ જેવુંજ રીએક્શન મુખમાંથી નીકળી પડ્યું હતું. આમ તો સુપ્રિમ કોર્ટ દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાના મૂડમાં જ હતી પરંતુ શબરીમાલાના એમના ‘ઐતિહાસિક નિર્ણયનો’ થઇ રહેલો વ્યાપક વિરોધ કદાચ નડી ગયો એટલે માત્ર ફટાકડા ફોડવાનો સમય નક્કી કરીને આ વખતે જવા દીધું હતું.

ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાની માંગણી છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેટલાક પર્યાવરણવાદીઓ જોરશોરથી કરી રહ્યા છે અને એ પણ દિલ્હીના પ્રદુષિત વાતાવરણની દુહાઈ દઈને. દર શિયાળે એટલેકે નવેમ્બર અડધો જાય ન જાય કે દિલ્હી છેક જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી પ્રદુષિત ધુમ્મસના આગોશમાં વારેવારે લપેટાઈ જાય છે. એવામાં આ પર્યાવરણવાદીઓનું કહેવું છે કે દિવાળીના ચાર દિવસમાં તો એવું ધુમ્મસ ફેલાય છે કે દિલ્હીવાસીઓ શ્વાસમાં ઝેર જ લેતા હોય છે.

હશે, આ  હકીકત સાચી હશે જ એને નકારવાનું કોઈજ કારણ નથી, પરંતુ દિલ્હીના પ્રદુષણમાં દિવાળીના ચાર દિવસો દરમ્યાન પ્રદુષણ વધે છે એમાં માત્રને માત્ર ફટાકડા જ દોષિત છે? દિવાળી પછી પણ ઘણા દિવસો બાદ વગર એક ફટાકડો ફૂટે એવા સળંગ કેટલાય દિવસો હોય છે જ્યારે દિલ્હીના વાતાવરણમાં ઝેરનું પ્રમાણ દિવાળીના દિવસો જેટલુંજ હોય છે. આ વર્ષે તો ઓક્ટોબરમાં જ એક દિવસ એવો આવ્યો હતો કે દિલ્હીમાં ધુમ્મસ ફેલાઈ ગયું હતું. તો શું એ અંગે આ પર્યાવરણવાદીઓએ કોઈ ઠોસ કદમ ઉઠાવ્યા ખરા? કે પછી માય લોર્ડે સુઓ મોટુ પીટીશન ફાઈલ કરી?

દિલ્હીની જ વાત લઈએ તો ત્યાંની આમ આદમી પાર્ટી સરકારે એક સ્તુત્ય પગલાં સ્વરૂપે Odd-Even યોજના દિલ્હીના પ્રદુષણ સામે લડવા માટે અમલમાં મૂકી હતી. પરંતુ કાયમની જેમ સારા નિર્ણયના અણઘડ અમલને લીધે આ યોજના નિષ્ફળ ગઈ. શિયાળાના ત્રણ મહિનામાં દિલ્હીવાસીઓને માનસિક અને શારીરિક રીતે તૈયાર થવાનો સમય આપ્યા વગર માત્ર અમુક જ  દિવસો આ યોજનાનો અમલ કરાવીને આપ સરકારે અક્કલનું પ્રદર્શન જ કર્યું હતું. પરંતુ તેમ છતાં આ વિચાર સાવ નાખી દેવા જેવો પણ ન હતો.

જો કોઈ શહેરમાં હાલની સંખ્યા કરતા અડધા જ વાહનો દરરોજ ફરતા થઇ જાય તો સામાન્ય લોજીક એવું કહે છે કે પ્રદુષણ ઘટવું જોઈએ. તો આ જ લોજીકનો અમલ કરીને એક પણ માઈ કા લાલ પર્યાવરણવાદી સુપ્રિમ કોર્ટમાં ગયો કે માય લોર્ડ જરા આ યોજના પર વિચાર કરો એને વ્યવસ્થિત માર્ગદર્શિકામાં બાંધો અને દિલ્હીને મોડલ શહેર કરી ને તુરંત નહીં પરંતુ દિલ્હીના લોકોને તૈયાર થવા માટે એક વર્ષનો સમય આપીને આ Odd-Even યોજના લાગુ કરાવો અને એ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ત્રણસોને પાસઠ દિવસ!

જો એમ કરવામાં આવ્યું હોત તો ફટાકડા ફોડવા કે ન ફોડવા કે પછી ક્યારે અને કેટલો સમય ફોડવા એની ચર્ચા જ ન થઇ હોત કારણકે પ્રદુષણ કદાચ આપોઆપ કન્ટ્રોલમાં આવી ગયું હોત. જો સુપ્રિમ કોર્ટ માઈબાપ આખા દેશમાં ફટાકડા ક્યારે ફોડવા એનો નિર્દેશ આપી શકે તો પછી શરૂઆતમાં માત્ર દિલ્હીમાં કયા નંબરથી શરુ થતા વાહન કયા દિવસે ચાલશે અને કયા દિવસે નહીં ચાલે એનો નિર્દેશ ન આપી શકે? અને જો દિલ્હીમાં એક આખું વર્ષ આ યોજના ચલાવીને સફળતા મળી હોત તો ધીરેધીરે ભારતના અન્ય શહેરોમાં પણ તેને ફેલાવી શકાઈ હોત.

લાગતું વળગતું: કાવેરી જળવિવાદ એટલે રાજકારણ,સંવેદનાઓ અને ચુકાદાઓની ભરમાર

ફટાકડા પર નિયંત્રણ લાવવાની વાત જો દિલ્હીના પ્રદુષણ સાથે જ જોડાયેલી છે તો એ પ્રદુષણ ફેલાવવા માટે કદાચ ફટાકડા જેટલા જ જવાબદાર દિલ્હીની આસપાસના રાજ્યો, ખાસકરીને હરિયાણાના ખેડૂતો જે આ સમયમાં નકામું અને સુકું ખડ સળગાવે છે તેના પર પ્રતિબંધ મુકવાની PIL ફાઈલ કરવાનું કોઈને કેમ સુજ્યું નહીં? જો ચાર દિવસનો આનંદ તમે રેગ્યુલેટ કરી શકતા હોવ તો દિલ્હીની હવાને ઝેર બનાવવામાં પોતાનો મોટો ફાળો આપતા હરિયાણાના ખેડૂતો પર કડક પગલાં કેમ ન લઇ શકાય? શું એ લોકો મંગળ ગ્રહ પરથી આવ્યા છે?

મજાની વાત એ છે કે સુપ્રિમ કોર્ટે દિલ્હીનું ઉદાહરણ લઈને સમગ્ર દેશમાં ફટાકડા ક્યારે ફોડવા તેના પર નિયંત્રણ મુક્યું છે, પણ દેશના અલગ અલગ ભાગમાં દિવાળીના ફટાકડા ફૂટવાનું પ્રમાણ અલગ અલગ છે. જો દિલ્હી અને અન્ય જગ્યાએ દિવાળીના દિવસે સહુથી વધુ પ્રમાણમાં ફટાકડા ફૂટતા હશે તો આપણા ગુજરાતમાં તો આપણે અગિયારસથી ફટાકડા ફોડવા મંડી પડીએ છીએ અને દરરોજ તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા દિવાળી, નવું વર્ષ (જે માત્ર ગુજરાતીઓ જ ઉજવે છે) અને ભાઈબીજ એમ ત્રણ દિવસોમાં એકદમ ટોચ પર પહોંચે છે અને ચોથના દિવસે લગભગ શૂન્ય થઇ જાય છે.

તો આવું બ્લેન્કેટ નિયંત્રણ શું સુપ્રિમ કોર્ટનો પ્રદુષણ ઘટાડવાનો હેતુ સર કરી શકશે ખરો? બીજું, ગઈકાલે જે આદેશ બહાર પાડ્યો એના અમલ માટે કોઈ એજન્સી નક્કી કરવામાં આવી છે કે હવે નક્કી થશે એવા  કોઈજ સમાચાર નથી, તો શું જે-તે રાજ્યની પોલીસે જ આ જવાબદારી નિભાવવાની થશે? શું કોઈ વ્યક્તિ રાત્રે દસ વાગીને એક મિનિટે ફટાકડો ફોડતા પકડાઈ જશે તો શું પોલીસ એને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ગુના હેઠળ પકડશે કે પછી એને દિવાળીનો સમય છે એમ કરીને આંખ આડા કાન કરીને કે પછી કોઈ તોડ કરીને જવા દેશે?

જ્યારે દેશની વસ્તીનો એશી ટકા જેટલો મોટા હિસ્સા સાથે ઉજવણી કરવાની એક પ્રકિયા યુગોથી જોડાયેલી હોય એ બહુમતીની બહુમતી સંખ્યા આવા નિયંત્રણને માનશે ખરી? અને જો નહીં માને અને જેમને ફટાકડા ફોડવાનો શોખ નથી એ પણ આ પ્રકારે મારા જ ધર્મની ઉજવણી પર કાયમ નિયંત્રણ કેમ? એવું વિચારીને જો એવા વ્યક્તિઓ પણ રાત્રે દસ વાગ્યા પછી ધરાળ ફટાકડા ફોડવા બહાર નીકળશે તો? શું પોલીસ બધાને પકડી જશે?

ભારતમાં પ્રદુષણ બેશક ચિંતાજનક પરિસ્થિતિમાં છે અને ભારતે પેરીસ એગ્રીમેન્ટ હેઠળ તેને ઘટાડવાનું વચન પણ આપ્યું છે, પરંતુ આ રીતે જેનું ગળું ગાળીયામાં ફીટ થતું હોય એને ફાંસી પર લટકાવી દેવાનું ગંડુરાજા ટાઈપનું વલણ સમજી શકાય એવું નથી. ખરેખર તો સુપ્રિમ કોર્ટે પ્રદુષણના તમામ સંતાનોના વર્તન અને તેની વધતી ઓછી અસરો શું થાય છે તેના પર નજર રાખવા એક ખાસ સમિતિ રચી અને પછી આ દરેકના ગુનાઓનો તોડ કાઢવાનું શરુ કરવું જોઈએ અને જો એવું થશે તો જ ન્યાય થશે, કારણકે એવું કહેવાય છે ને કે ન્યાય થવો એટલુંજ જરૂરી નથી પરંતુ ન્યાય થયો છે એવી લાગણી પણ થવી જોઈએ.

બાકી આ રીતે જો હિન્દુઓના જ તહેવારો, આસ્થા અને ઉજવણી પર પ્રતિબંધો કે નિયંત્રણો મુકવામાં આવશે તો કોઈક દિવસ એવો આવશે જ્યારે ભારત દેશમાં કદાચ બીજું અસહકાર આંદોલન શરુ થઇ જશે.

eછાપું

તમને ગમશે: ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? આખરે મમતા દીદીએ ગૃહયુદ્ધની ધમકી આપી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here