આખાબોલા સરદાર અને તેમના વ્યંગબાણ – જબરદસ્ત કોમ્બિનેશન!!

0
388
Photo Courtesy: mahatmagandhi.org

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ને પ્રોત્સાહન આપવા અને દેશ-વિદેશમાં જાહેરાત કરવા ગુજરાત સરકારે તનતોડ મહેનત કરી છે. એક જાહેરાતી વિડીયો પણ રિલીઝ થયો જેમાં ‘સરદાર ન હોત તો જૂનાગઢ જવા માટે વિઝાની જરૂર પડત’ એવા સંવાદ સાથે સરદાર પટેલની વિલીનીકરણમાં કેટલી મહત્ત્વની ભૂમિકા હતી એવો સંદેશ આપવામાં આવ્યો છે. આપણી સ્કૂલોમાં ઈતિહાસના પૃષ્ઠોમાં સરદાર વિશે એવું ભણાવાય છે કે સરદારની બગલમાં બામલાઈ (મોટું ગુમડું) થઈ ત્યારે તેમણે તેના પર લોખંડનો ધગધગતો સળિયો ચાંપીને ગુમડું ફોડી કાઢ્યું હતું (એટલે જ તેઓ લોખંડી પુરુષ પણ કહેવાતા!). અને આ વાત તો મને બરાબર યાદ છે કારણ કે મારી શાળાનું નામ જ હતું – સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય! આઝાદી પછી દેશી રજવાડાંનો અસ્ત કરાવનાર અસરદાર સરદાર વિશે ઘણું બધું લખાયું છે. ઓક્ટોબર મહિનો ‘ગાંધી’થી શરૂ થઈને ‘સરદાર’ પર પૂરો થાય ત્યારે આવો જાણીએ સરદારના તીખાં અને કટાક્ષભર્યા વ્યંગને…

ચં.ચી. મહેતાએ કહ્યું છે કે, ‘કૃષ્ણ-અર્જુનની જેમ ગાંધી-સરદાર જ્યાં હોય ત્યાં વિજય નિશ્ચિત હોય જ એ વાત બરાબર પણ કૃષ્ણ જેની પડખે હતા એ અર્જુનનેય વિષાદયોગ આવેલો. અમારા સરદારની સામે પાંચસો જેટલા રાજાઓ હતા અને અંગ્રેજોનું લશ્કરી બળ પણ હતું. છતાં સરદારનાં ગાત્રો ઢીલાં નહોતાં થયાં’. વિલક્ષણ સ્વભાવના, આખાબોલા અને તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતા સરદાર કોઈનો અહમ્ કે બેદરકારી ચલાવી ન લેતાં. વાઈસરોય હોય કે રાજકીય નેતા, મહારાજા હોય કે બ્રિટિશ મેજિસ્ટ્રેટ, સરદારે સત્યને સ્પષ્ટ રીતે સુણાવી દેવામાં કચાશ નહોતી રાખી તે ઈતિહાસની હકીકત છે. મૂળ સ્વભાવે જ અન્યાય થાય ત્યાં રોકડું પરખાવી દેવાનો પાક્કો પટેલ મિજાજ વલ્લભભાઈમાં હતો.

બાળપણથી જ વલ્લભભાઈ અમર્યાદિત અને અસાધારણ વિનોદવૃત્તિ વાળા હતા. મેટ્રિક પરીક્ષામાં વલ્લભભાઈએ સંસ્કૃત ન ફાવતાં ગુજરાતી રાખ્યું. ગુજરાતીના શિક્ષક છોટાલાલ નરભેરામ ભટ્ટે કટાક્ષ કર્યો, “સંસ્કૃત ન આવડે એમને ગુજરાતી ન આવડે, સમજ્યા?” વલ્લભભાઈએ ફટ દઈને મોં પર સંભળાવ્યું, “બધાં સંસ્કૃત ભણે તો તમે ગુજરાતી કોને ભણાવશો?”. શિક્ષકનું અભિમાન ઘવાયું એટલે છેલ્લી પાટલી પર ઊભા રહીને એકથી દસ સુધીનો પાડો બસ્સો વાર લખવાની સજા ફરમાવી. વલ્લભભાઈએ સજાનું પાલન ન કર્યું. બીજે દિવસે પૂછ્યું તો હસીને કહે, “બસ્સો પાડા તો લઈ આવેલો, પણ એક મારકણો નીકળ્યો એમાં બાકીના ભાગી ગયાં!” માસ્તરે ધમકાવી બીજે દિવસે લખવાનું કહ્યું તો એક કાગળ પર લખીને ગયા – ‘બસ્સો પાડા!’ માત્ર બે જ શબ્દો. હેડમાસ્તર સુધી વાત પહોંચતા વલ્લભભાઈએ એમને ય કહ્યું કે આટલા ઊંચા ક્લાસમાં કંઈ આવી એકડિયા બગડિયાની સજા હોય?

મહાદેવભાઈની ડાયરીમાં નોંધ છેઃ સરદાર બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. વલ્લભભાઈ જમી લીધા પછી બાપુના દાતણ કૂટવાનું કામ કરતાં. એક દિવસ દાતણ કૂટીને તૈયાર કર્યા પછી સરદાર બોલ્યા – ગણ્યાંગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.’

વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં ‘સોડા’ નાખવાનું કહે એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે સરદાર કહેઃ ‘સોડા નાખોની!’

એક દિવસ પૂછે છે, ‘કેટલાં ખજૂર ધોઉં?’ બાપુ કહે, ‘પંદર.’ એટલે વલ્લભભાઈ કહે, ‘પંદરમાં અને વીસમાં ફેર શું?’ બાપુ કહે, ‘ત્યારે દશ. કારણ દશમાં અને પંદરમાં ફેર શું?’

લાગતું વળગતું: આ વર્ષથી સરદાર પટેલનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાશે

સરદારના વિનોદ વિશે ગાંધીજી ‘હરિજન’માં લખે છે, ‘મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગમ્મતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છૂપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા સાધુપણાને પણ છોડતા નથી.’ (ગાંધીજીનો અક્ષરદેહ)

ગાંધીબાપુ પર આવેલા પત્રોના જવાબો તે જાતે જ લખતા, ને કેટલીકવાર આવેલા પત્રોના વાચન વખતે વલ્લભભાઈ સાથે બેઠા હોય, તે બેઠા હોય એટલે ન હોય ત્યાંથી રમૂજ વચ્ચે ટપકી પડે. એક વાચકે ગાંધીબાપુને ખુલ્લો પત્ર લખ્યો કે એ મારું દુર્ભાગ્ય છે કે હું તમારા (બાપુના) સમયમાં જીવું છું. આ પત્ર સરદારને બતાવતાં બાપુએ કહ્યું: ‘આવા કાગળનો મારે શો જવાબ લખવો એ તમે મને જણાવો’. સરદાર બોલ્યા, ‘ઝેર પી લો…એવું એને લખી દો.’ તો વળી બાપુએ કહ્યું કે ‘એને બદલે હું તેને એવું લખું કે તમે બાપુને ઝેર પીવડાવી દો તો એ વધારે યોગ્ય નહીં લાગે?’. ત્યારે સરદાર પોતાની લાક્ષણિક અદામાં બોલ્યા – ‘ના, મને ડર છે કે એથી એનું કામ નહીં સરે. કેમ કે તમને ઝેર આપવાથી તમે ગુજરી જશો ને એ બદલ તેને મૃત્યુદંડની સજા થશે, અને તેને તમારી સાથે સાથે જ પુનર્જન્મ લેવો પડશે, ફરી પાછું તમારા યુગમાં જીવવું પડશે, એ કરતાં તો તે જાતે જ ઝેર પી લે એ બહેતર છે.’

સરદારની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળતો. જાન્યુઆરી 1932થી મે, 1933 સુધીના ગાંધીસોબતના જેલ-જીવનમાં સરદારે આવા ઘણાં રમૂજી ઉદાહરણો પૂરાં પાડ્યાં. બીજા એક પત્રલેખકે ગાંધીબાપુની સલાહ માગતા પૂછ્યું કે, તેની પત્ની દેખાવમાં કદરૂપી હોવાને કારણે તેને તે દીઠી ગમતી નથી, તો તેણે શું કરવું? વલ્લભભાઈએ બાપુને તરત જ કહી દીધું કે તેને લખી દો તું તારી આંખો ફોડી દે અને સુરદાસ થઈ જાય, ત્યાર પછી તું તારી સ્ત્રી સાથે સુખ અને આનંદથી રહી શકીશ.

સ્વરાજ્ય પછીની પહેલી કેબિનેટમાં રફી અહમદ કીડવાઈને લેવાની નેહરુની તીવ્ર ઈચ્છા હતી. સરદારે આનો વિરોધ કર્યો એટલે નેહરુએ બમણા જોરથી કીડવાઈને લેવાનો દુરાગ્રહ સેવ્યો, એટલે સરદારે કહ્યું કે ભલે, તો મારું રાજીનામું લઈ લો. આ પછી નેહરુએ નાછૂટકે પોતાનો આગ્રહ જતો કર્યો, પણ જે પ્રધાનમંડળ રચાયું એ અંગે નેહરુએ કચવાટથી જણાવ્યું કે ‘This cabinet is a poor committee’ (આ કમિટી ખૂબ જ દરિદ્ર લાગે છે). આના જવાબમાં સરદારે દાઢમાં કહ્યું કે હાસ્તો, કાળા ગોગલ્સ અને ખાસ પ્રકારનો સુરવાલ ને એવું બધું ન હોય તો તમને બધું ‘પુઅર’  જ લાગે ને?

કિશોરલાલ મશરૂવાળાને લખેલા એક પત્રમાં (21/09/1932) ગાંધીજી લખે છે કે વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે. તેમની સચોટ તળભાષા જીભવગી છે. નારાયણ દેસાઈ ‘મને કેમ વીસરે રે?’માં લખે છેઃ સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામા માણસને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હ્રદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીમાંથી પાર ન ઊતર્યા હોત.

માર્ચ 1932માં યેરવડા જેલમાં ગાંધીજી અને સરદાર સાથે હતા, ત્યારે ગાંધીજીએ સરદારને પૂછ્યું ‘સ્વરાજ્યમાં તમે કયું ખાતું સંભાળશો?’ સરદારે કહ્યું, ‘સ્વરાજ્યમાં હું ચીપિયો અને તૂમડી લઈશ.’ ચીપિયો અને તૂમડી એ સંન્યાસીની ત્યાગની ઓળખના સંકેત છે. પોલીસખાતું જેમ અમુક તત્વોને તડીપાર કરે છે એ રીતે સરદારે પોતાનાં સ્વજનો માટે દિલ્હીમાં પ્રવેશબંધી ફરમાવેલી.

આવતી કાલે આવા નીડર, રમૂજી અને ભોળા સરદારની 143મી જન્મજયંતી છે. આવા સરદાર હવે ક્યારેય મળશે ખરાં?

પડઘોઃ

यही प्रसिद्ध लौह का पुरुष प्रबल
यही प्रसिद्ध शक्ति की शिला अटल,
हिला इसे सका कभी न शत्रु दल,
पटेल पर, स्वदेश को गुमान है।

सुबुद्धि उच्च श्रृंग पर किये जगह,
हृदय गंभीर है समुद्र की तरह,
क़दम छुए हुए ज़मीन की सतह,
पटेल देश का निगाह-बान है।

हरेक पक्ष को पटेल तोलता,
हरेक भेद को पटेल खोलता,
दुराव या छिपाव से उसे ग़रज़?
सदा कठोर नग्न सत्य बोलता,
पटेल हिंद की निडर ज़बान है।

हरिवंशराय बच्चन

eછાપું

તમને ગમશે: જાણીએ રાજસ્થાની ફૂડ લાંબો સમય કેમ ટકી શકે છે? દહીં પાપડની સબ્જી કેવી રીતે બનાવાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here