ઝીકા વાયરસ વિષે એ તમામ માહિતી જે તમારે જરૂરથી જાણવી જોઈએ

0
166
Photo Courtesy: medibulletin.com

જેમજેમ ઔષધ વિજ્ઞાન પ્રગતી કરતું જાય છે તેમ તેમ લાગે છે કે મચ્છરો પણ પોતાની ટેક્નોલોજી અપગ્રેડ કરતા જાય છે. એક સમયમાં મેલેરિયા અને ફ્લ્યુ સિવાય અન્ય કોઈજ તાવનું નામ સાંભળ્યું ન હતું પણ છેલ્લા એકથી દોઢ દાયકામાં ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લ્યુ, ચિકુનગુનિયા અને બે વર્ષ અગાઉ ઝીકા વાયરસ જેવા નવા નવા તાવ સામે આવ્યા છે એ હકીકત નકારી ન શકાય.

Photo Courtesy: medibulletin.com

તકલીફ એ છે કે મેલેરિયા અને ફ્લ્યુ પર કાબુ મેળવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા ન હતા પરંતુ પહેલા ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લ્યુ અને હવે ઝીકા જેવા વાયરસને લીધે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. ઝીકા વાયરસની જ વાત લઈએ તો આ વર્ષે વિશ્વભરમાં ઝીકાથી મરનારા લોકોની સંખ્યા અડધી સદીથી પણ આગળ વધી ગઈ છે.

એક સમયે દૂર બ્રાઝિલમાં ઝીકા રોગચાળો ફેલાયો અને હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યો છે. બે દિવસ અગાઉજ વાયા રાજસ્થાન ગુજરાત અને એમાં પણ મહાનગર અમદાવાદમાં ઝીકા વાયરસનો પહેલો ઓફિશિયલ કેસ દાખલ થતા ગુજરાતીઓમાં પણ આ રોગ અને તેનાથી સલામતી કેમ રખાય અને તેના ઉપચાર અંગે જાણવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તો ચાલો જાણીએ કે ઝીકા ખરેખર શું છે, તેના લક્ષણો કયા છે અને તેનો ઈલાજ કેવી રીતે થઇ શકે.

ઝીકા વાયરસ એટલે શું?

જેમ મેલેરિયા એડિસ મચ્છરના ડંખથી થાય છે એમ ડેન્ગ્યુ અને ઝીકા વાયરસથી થતા તાવ માટે પણ એ જ એડિસ મચ્છર જવાબદાર છે. આ પ્રકારનો વાયરસ સર્વપ્રથમ 1947માં આફ્રિકામાં જોવા મળ્યો હતો પરંતુ તેના વિષેનો ડર માત્ર ત્રણ વર્ષ પહેલા જ્યારે બ્રાઝિલમાં રોગચાળા રૂપે ઝીકા પ્રકોપ્યો ત્યારે ફેલાયો હતો.

ઝીકા એ અન્ય તાવ કરતા અલગ એટલા માટે છે કારણકે તે માત્ર એડિસ મચ્છરના કરડવાથી તો થાય જ છે પરંતુ આ વાયરસના સંસર્ગમાં આવેલા વ્યક્તિ સાથે જાતિય સંબંધ બાંધવાથી પણ તે ફેલાય છે. આમ મચ્છર પર કન્ટ્રોલ કરવા છતાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સેકસ્યુઅલ સંબંધથી આ રોગ વધુ પ્રમાણમાં ફેલાય છે. સેકસ્યુઅલ સંબંધથી રોગ ફેલાતો હોવાથી પ્રેગ્નન્ટ મહિલા અને એના ગર્ભમાં રહેલું બાળક પણ એની અસર પામે છે.

ઝીકા વાયરસના લક્ષણો શું હોઈ શકે?

ડેન્ગ્યુ કે પછી ચિકુનગુનીયાની જેમજ તાવ આવતાની સાથેજ દર્દીને ઝીકા જ છે એ જાણવું લગભગ મુશ્કેલ છે. દર્દી ખુદ તેના લક્ષણો જોઇને પોતાને ફ્લ્યુ થયો હોવાનું માની લેતો હોય છે. પરંતુ જો તમને એક અઠવાડિયાથી તાવ હોય, શરદી હોય અને માથાનો દુઃખાવો હોય કે પછી ચામડી પર ચકામાં બાઝી ગયા હોય તો તમને ઝીકા હોઈ શકે છે. દર્દીમાં ઝીકા વાયરસ ફેલાયાના બીજાથી સાતમાં દિવસ સુધીમાં તેની અસર ધીરેધીરે વધતી જતી હોય છે.

આથી કોઇપણ પ્રકારના તાવને ગંભીરતાથી લેવો અને તુરંત ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ્સ કરાવી લેવા અને જો ડોક્ટર સલાહ આપે તો હોસ્પિટલમાં સારવાર લેવાથી બિલકુલ આનાકાની ન કરવી એ જ સલાહભર્યું છે.

લાગતું વળગતું: મોટી બીમારીઓને દૂર રાખવા માટે અપના હાથ જગન્નાથ …ક્યોં ઓર કૈસે??

ઝીકા વાયરસથી બચાવ

ઝીકાથી જો કોઈને સહુથી મોટો ભય હોય તો તાજી સગર્ભા મહિલાઓ છે. આથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન – WHO ની સલાહ અનુસાર ઝીકાના મચ્છરો સહુથી વધુ દિવસના ભાગમાં અને ખાસકરીને બપોરના સમયે વધારે એક્ટીવ હોવાથી આ સમયે કામ વગર બહાર ન નીકળવું. જો બહાર જવુંજ પડે તો શરીર પૂરેપૂરું ઢંકાય એવા કપડા જ પહેરવા. આટલુંજ નહીં ઘરમાં અને ઘરની નજીક ક્યાંય પાણીનો બિનજરૂરી  ભરાવો ન થાય એનું પણ ધ્યાન રાખવું.

ઝીકાની અસર ઓછી કરવા સ્ત્રી અથવા પુરુષ બંનેમાંથી કોઈ પણ ઝીકાની સારવાર લઈને તાજેતરમાં જ સ્વસ્થ થયા હોય તો તેમણે થોડો સમય સુરક્ષિત સેક્સ માણવો જોઈએ અને જો શક્ય હોય તો તેનાથી દૂર રહેવાની સલાહ પણ WHO દ્વારા આપવામાં આવી છે.

શું ઝીકા વાયરસથી મૃત્યુ શક્ય છે?

જરૂરી નથી. આ રોગ જેમ આગળ જણાવ્યું તેમ મચ્છરના કરડવાથી અને તેનાથી અસર પામેલા વ્યક્તિ સાથે જાતિય સંબંધ બાંધવાને લીધે આગળ વધે છે અને મોટી સંખ્યામાં આગળ વધે છે તેથી લોકોમાં ભય ફેલાતો હોય છે. ઝીકાનું નિદાન થયા પછી અથવાતો તે અગાઉ પણ તેની ગંભીરતા અવગણીને જો સમયસર અને યોગ્ય સારવાર ન લેવાય તો એની અસર મગજ અને કરોડરજ્જુ પર મહત્તમ થતી હોય છે. ઝીકાનો એક જ ઈલાજ છે અને તે છે સંપૂર્ણ આરામ અને દવાઓ સમયસર લેવી. અત્યારસુધીના આંકડા અનુસાર ઝીકાથી અસરગ્રસ્ત લોકોમાંથી માત્ર 1 ટકા લોકોનું જ મૃત્યુ થયું છે.

ઝીકા વાયરસની કોઈ દવા ખરી?

અત્યારસુધી તો આ વાયરસને નાથવા માટે કોઈજ દવા નથી બની, પરંતુ ફ્રાન્સના વૈજ્ઞાનિકો આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટેની રસી પર સંશોધન કરી રહ્યા છે. એટલે હાલમાં આ રોગથી રક્ષણ માટે કોઈજ ઈલાજ નથી. પરંતુ ઝીકાનું નિદાન થાય ત્યારે ગભરાયા વગર સમયસરનો ઈલાજ તમને થોડાજ દિવસોમાં તાજામાજા જરૂર કરી શકે છે.

eછાપું

તમને ગમશે: ઉપવાસ: નહીં કરોગે તો ઇસમેં હૈ તેરા ઘાટા … મેરા તો કુછ નહીં જાતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here