ડોનાલ્ડ ટ્રમ્પ ભારત કેમ નહીં આવે? : COMCASA, CAATSA, S-400 અને બીજું ઘણું બધું..

0
418
Photo Courtesy: dnaindia.com

તો સમાચાર એવા આવી રહ્યા છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના ૭૦મા ગણતંત્ર દિવસ ઉપર પરેડ પ્રદર્શનમાં આવવા માટેનું આમંત્રણ નકારી કાઢવામાં આવ્યું છે. ઘણા બધા ભારતીય નાગરીકો અને વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો આ ઘટનાને ભારતની ગરિમા પર લાંછનના સ્વરૂપે જુએ છે. જે સ્વાભાવિક પણ છે. પરંતુ સ્ટેટમેન્ટ આપવું અને હકીકતની પૂરી તપાસ કરીને સ્ટેટમેન્ટ આપવું એ બંને વચ્ચે એક મોટું અંતર છે.

Photo Courtesy: dnaindia.com

કોઈપણ દેશના વડાને કોઈપણ દેશના આવા અગત્યના દિવસો પર મુખ્ય મહેમાન તરીકે બોલાવવાના હોય ત્યારે એના ચોક્કસ પ્રોટોકોલ્સ હોય છે. જેમાં સૌપ્રથમ બંને દેશની જાહેર મીડિયાને જાણ કર્યા વગર એક પ્રી-ઇન્વીટેશન આપવાનું હોય છે. આ પ્રી-ઇન્વીટેશન મળ્યા બાદ જે-તે દેશના વડાના મેનેજર્સ એમનું એ દિવસનું શું શીડ્યુલ હશે તે ચેક કરે છે અને બધી ખરાઈ કર્યા બાદ જો અવેલેબલ હોય તો આવવાની ખાતરી આપવામાં આવે છે.

આ થયો પ્રથમ ફેઝ. હવે બીજા ફેઝમાં, સામા પક્ષેથી ખાતરી અપાઈ ગયા બાદ જે-તે દેશ ઓફિશિયલી એ મહાનુભાવને ફરીથી ઇન્વાઇટ કરે છે જેની જાણ બંને દેશની જાહેર મીડિયાને કરવામાં આવે છે. મતલબ એવો થયો કે જો એવું જાહેર થાય કે ભારતે જે-તે દેશના વડા ગણતંત્ર કે સ્વાતંત્ર્ય દિવસ પર ભારત આવવાના છે તો એમની હાજરીનું સ્પષ્ટીકરણ પહેલેથી જ બંને દેશના વિદેશ મંત્રાલયો વચ્ચે થઇ ચુક્યું હોય છે.

તો તમને એમ થશે કે ટ્રમ્પના કેસમાં કેમ આવું થયું? તો એનો જવાબ એવો છે કે ભારતના પ્રી-ઇન્વીટેશનને પોતાના વ્યસ્ત શીડ્યુલના લીધે ટ્રમ્પ દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે. પરંતુ કોઈ રીતે આ ખાનગી સમાચાર અમેરિકાની એક ન્યુઝ એજન્સીને મળી ગયા અને એણે આ વાત જાહેર કરી દીધી. આ વાત અંગે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સનું નિવેદન કંઈક આવું હતું, “ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ એના પર હજી કોઈ નિર્ણય લેવાયો નથી”

ટ્રમ્પના ના પાડવાના ઘણા કારણો છે. જેમાં વહીવટી કારણમાં જોઈએ તો, અમેરિકાના બંધારણ મુજબ અમેરિકાના પ્રમુખને દર વર્ષે ૩૦મી જાન્યુઆરીના દિવસે ‘સ્ટેટ ઓફ ધી યુનિયન’ અડ્રેસ કરવાનું હોય છે. જેમાં પોતાના વહીવટથી દેશ પર થયેલી અસરોની ચર્ચા તેઓ કરે છે. હવે કહેવા માટે તો આ માત્ર એક સામાન્ય ભાષણ જેવું જ હોય છે, પરંતુ અલગ અલગ ક્ષેત્રો અને મંત્રાલયો પાસેથી માહિતી ભેગી કરવા માટે પ્રમુખ પોતે ૨૧ થી ૨૯ જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેતા હોય છે, અને ભારતનો ગણતંત્ર દિવસ પણ આ વ્યસ્ત દિવસોની વચ્ચે જ આવે છે એટલા માટે આ એક વહીવટી કારણ થયું કે જેના લીધે ટ્રમ્પ ભારતનું આમંત્રણ ન સ્વીકારે.

પરંતુ આ કારણ પર્સનલી મને પ્રોપર નથી લાગતું. કારણ કે જો આપણે થોડા ઈતિહાસમાં જઈએ તો જાણીશું કે બરાક ઓબામા ૨૦૧૫માં આપણા ગણતંત્ર દિવસે મહેમાન બનીને આવ્યા હતા. એટલા માટે ઉપરનું કારણ પાયા વગરનું થઇ પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાનું આમંત્રણ ન સ્વીકારે એની પાછળના જવાબદાર કારણો મને તો ઘણા બધા લાગે છે. જેમ કે, CAATSA 2017, COMCASA, ભારતની રશિયા સાથેની S-400 ડીલ  વગેરે વગેરે.

લાગતું વળગતું: નગ્ન ટ્રમ્પ, શેતાન હિટલર, વગેરે વગેરે… કાર્ટૂન કરે કન્ટ્રોવર્સી!

અમેરિકા દ્વારા પસાર કરાયેલો CAATSA (કાઉન્ટરીંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્કશન્સ એક્ટ ૨૦૧૭નો કાયદો એમ કહે છે કે અમેરિકાના એડવર્સરી દેશો જેવા કે ઈરાન, સાઉદી અરેબિયા અને રશિયા પાસેથી જે દેશ ડીફેન્સ સીસ્ટમ કે અન્ય ખરીદીઓ કરે તેના પર અમેરિકા આ કાયદામાં અનુલેખેલા 20 સેન્કશન (પ્રતિબંધ)માંથી મીનીમમ પાંચ સેન્કશન લગાવી શકે છે. જેનો નિર્ણય અમેરિકાના પ્રમુખ કરશે. હવે ભારતની રશિયા સાથેની S-400 એન્ટી મિસાઈલ ટેકનોલોજી અંગે થયેલી ડીલના લીધે અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદી શકે છે પરંતુ જો ટ્રમ્પ આવું કરે તો હિન્દ મહાસાગરમાં ભારત જેવો સારો સાથી તે ખોઈ બેસે અને ચીન તેનું પ્રભુત્વ ત્યાં વધારી શકે છે. એટલે ટ્રમ્પ કદાચ ભારતને મૂંગા મોઢે વોર્નિંગ આપવા માંગતા હોય તો આ આમંત્રણ સ્વીકાર ન કરવા જેવો મધ્યમ માર્ગ અપનાવે એવું શક્ય છે.

વળી બીજી તરફ ભારત દ્વારા અમેરિકા સાથે નવી દિલ્હીમાં થયેલા 2+2 ડાયલોગ વખતે COMCASA (કોમ્યુનિકેશન કોમ્પેટીબીલીટી એન્ડ સિક્યુરીટી એગ્રીમેન્ટ) સાઈન કરવામાં આવ્યું. જેના અંતર્ગત હવે ભારતના ડીફેન્સ ક્ષેત્રમાં જે કોઈ પણ કોમ્યુનિકેશન થશે એ આ સીસ્ટમ મુજબ થશે. વધુમાં ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા તમામ સુરક્ષા સાધનો COMCASAના ઉપયોગથી વધુ અસરકારક બનશે. આ ડીલ અંતર્ગત અમેરિકા ભારતને રશિયા પાસેથી કોઈ પણ ડીફેન્સ સાધનો ખરીદવા માટે ના પાડી રહ્યું હોવા છતાં ભારતે કોમોવ હેલીકોપ્ટર્સની ડીલ રશિયા સાથે કરવાનું મન બનાવી લીધું છે. જે વાતથી અમેરિકા નારાજ છે.

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પોતાની ચૂંટણી વખતે રશિયાના હેકર્સની મદદ લેવાનો આરોપ છે. એટલા માટે ટ્રમ્પે જો પોતાનું સ્થાન ટકાવી રાખવું હશે તો રશિયાની વિરુદ્ધમાં અમુક નિર્ણયો લેવા પડશે જેથી કરીને પોતાની પાર્ટીનો વિશ્વાસ મેળવી શકે. એટલા માટે જ ડીફેન્સ ક્ષેત્રમાં રશિયાનું વર્ચસ્વ નેસ્તનાબુદ કરવા માટે ટ્રમ્પ સતત પ્રયત્નશીલ છે. એવામાં ભારતની રશિયા સાથે થયેલી લગભગ 40,000 કરોડની ડીલ ટ્રમ્પને ન જ ગમી હોય એ વાત સ્વાભાવિક છે.

ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી ખસી ગયા બાદ ટ્રમ્પ હંમેશા એવી કોશિશમાં છે કે અન્ય બધા દેશો ઈરાનમાંથી તેલ ન ખરીદે. પરંતુ ભારત પોતાની NAM(નોન અલાઈન્મેન્ટ મુવમેન્ટ)ના લીધે કોઈ દેશ સાથે પક્ષપાત કરતો નથી અને પોતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું ચાલુ જ રાખે છે. એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ રેડાય છે.

હવે મૂળ મુદ્દો એ છે કે ટ્રમ્પ ભારતનું આમંત્રણ ન સ્વીકારે અને ગણતંત્ર દિવસે ભારત ન આવે તો શું ભારતની ગરિમાને લાંછન લાગે? મારું જરાય એવું માનવું નથી. ઉલટાનું એ ભારતની ગરિમા વધારશે. કેવી રીતે? તો  આ ઘટનાથી ભારત અમેરિકાના દબાણમાં ન આવ્યા વગર પોતાના સિદ્ધાંતોને વળગી રહે તેવો દેશ છે અને માત્ર ટ્રમ્પના કહેવાથી કોઈ દેશ સાથે પોતાના સંબંધો બગાડશે નહિ એવું જાહેર થશે. ટ્રમ્પનું ન આવવું પોતે જ એક સંકેત છે કે હવે ભારત અમેરિકાના ઇશારે નાચવાનું બંધ કરી દીધું છે.

આચમન :- “અમેરિકા એવો દેશ છે જે પાછળનું બધું ભૂલી જઈને માત્ર હાલનું જ યાદ રાખે છે. જયારે ભારત એવો દેશ છે જે જુનું યાદ રાખીને સમય આવ્યે એનો બદલો લે છે, આ S-400 ડીલ જ જોઈ લ્યોને!”

eછાપું

તમને ગમશે: એવા ગેરકાયદેસર દબાણ જે નહેરા સાહેબ પણ દુર કરી શકતા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here