શેર બજારના IPOમાં દરેક હોલ્ડરને કેટલા મત મળે છે અને શા માટે?

0
478
Photo Courtesy: ft.com

IPO પબ્લિક ઓફર દ્વારા કેટલા ટકા શેર ઇનીશીયલી ઓફર કરવામાં આવે છે? તો તેનો જવાબ છે ઓછામાંઓછા 26%! શા માટે?
કંપની હંમેશા લોકશાહી ઢબે ચાલે છે પરંતુ અહી ફરક એ જ છે કે અહીં એક શેર દીઠ એક મત હોય છે અને એથી જેની પાસે સૌથી વધુ શેર હોય એનાં સૌથી વધુ મત.

આમ હોવું સ્વાભાવિક પણ છે અને અનિવાર્ય પણ કારણકે કંપની એ ધંધાકીય સાહસ છે એથી જે વ્યક્તિ સૌથી વધુ નાણા રોકે એટલેકે ધંધાનું જોખમ લે એની કંપની ચલાવવા માટેની  સત્તા વધુ. એક ઉદાહરણ લઈએ
“કખગ કંપની ” જેની મૂડી 100 કરોડ છે એનાં પ્રમોટરો 10 ટકા શેર રૂપિયા 10 નો એક રૂપિયા 420ના પ્રીમિયમે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા 10 +420 = 430 કરોડ ઉઘરાવે છે એટલેકે પ્રમોટરો પોતાનાં 90 કરોડ રોકી સામે પબ્લિક પાસે 10 કરોડ મૂડી અને 420 કરોડ પ્રીમિયમ પેઠે ઉઘરાવે છે.

હવે આ ઉદાહરણમાં જણાશે કે લાખો નાનાંનાનાં રોકાણકારો પ્રમોટરોના 90 કરોડ સામે 430 કરોડ આપે છે છતાં આ કંપની પ્રમોટરો એક “બાપીકી કંપની “ની ઢબે ચલાવી શકશે કારણકે આ નાનાંનાનાં રોકાણકારોનું કંપનીની કુલ મૂડી ૧૦૦ કરોડ સામે હોલ્ડિંગ માત્ર ૧૦ કરોડ એટલેકે માત્ર ૧૦ ટકા જ છે આમ અહીં કંપનીનો લોકશાહી સિદ્ધાંતનો સીધો છેદ ઉડી જાય છે.

જો કંપનીના પ્રમોટરો સિવાયના અન્ય રોકાણકારોનું હોલ્ડિંગ 26 ટકા કે વધુ હોય તો જ પ્રમોટરો મનમાની કરતાં અટકે જે વ્યવસાયિક ઢબે કંપની ચલાવવા જરૂરી છે. બીજા અર્થમાં કોઈપણ કંપનીના શેર બજારમાં લીસ્ટ થવા એનાં પ્રમોટરોનું શેર હોલ્ડિંગ 74 ટકાથી ઓછું હોવું જરૂરી છે તો જ કંપની કાયદાનો અર્થ સરે અન્યથા એ કે બાપ કા માલ કંપની બની રહે છે.

પરંતુ આજની ઘડીએ ભારતીય શેર બજારમાં લીસ્ટેડ 160 થી વધુ કંપનીઓ એવી છે જેમના પ્રમોટરોનું હોલ્ડિંગ 75 ટકાથી વધુ છે એટલેકે આ તમામ કંપનીઓ બાપીકી ધોરણે ચાલે છે. SEBI એ ફતવો તો કાઢ્યો છે કે આ તમામ કંપનીઓના પ્રમોટરોએ એમનું હોલ્ડિંગ ઘટાડી 74 ટકા કરવું પરંતુ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અને સરકારના ઢીલા કારભારને લીધે આ ફતવાને આગળને આગળ ઠેલી રહ્યા છે.

લાગતું વળગતું: પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એક લાંબાગાળાનું ઉત્તમ રોકાણ

મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ :

નાનાં નાનાં રોકાણકારોએ જે IPO દ્વારા કે જે કંપનીમાં પ્રમોટરોનું શેર હોલ્ડિંગ 74 ટકાથી ઓછું ન થતું હોય એવી કંપનીમાં રોકાણ કરવાનું ટાળવું કારણકે એ બાપીકી કંપની જ બની રહે છે એથી અહીં વ્યવસાયિક સંચાલન મુશ્કેલ છે. આવી કંપનીના શેરનો ફ્લોટિંગ સ્ટોક (જથ્થો )મર્યાદિત રહેતો હોવાથી એમાં સટોડિયાઓ મેન્યુપ્લેટરો આસાનીથી શેરના ભાવ પોતાની મરજી પ્રમાણે વધારી કે ઘટાડી શકે છે.

આવી કંપનીમાં ઘોટાળા કરવું આસાન છે કારણકે કોઈ પૂછનાર નથી કોઈપણ ખરડા વગર વાંધા વચકા વિના પસાર થઇ શકે છે
આવી કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટરો એક પપેટ જેવી જ ભૂમિકા ભજવશે કારણકે એમની નિમણુક આ પ્રમોટરોની મરજી થી જ શક્ય બંને છે.

એ જ પ્રમાણે આવી કંપનીના ઓડીટરો પણ પ્રમોટરો જોડે કુલડીમાં ગોળ ભાંગવાની શક્યતા વધી જાય છે કારણકે એમની નિમણુક પ્રમોટરોની મરજી પર જ અવલંબે છે.આવી કંપનીમાં નાણાકીય ઘોટાળા કરવું આમ આસાન બંને છે. આવી કંપની “ફ્લાઈ બાય નાઇટ ” કે લેભાગુ કંપનીઓ માટે મોકળું મેદાન છે.

આવી કંપનીના મુખ્ય પ્રતિષ્ઠિત પ્રમોટરનું મૃત્યુ થાય તો વારસદારોમાં ઝગડા થઇ કંપની પડી ભાંગવાના સંજોગો વધુ છે આવા ટાણે નાનાં રોકાણકારોએ વધુ ધ્યાન રાખી નફો ગાંઠે બાંધવો સારું.

મારો અંગત મત તો એ છે કે  સરકારે કોઈપણ કંપની શેર બજારમાં લીસ્ટ થવા માંગતી હોય તો એનાં આઈપીઓ દ્વારા એનાં પ્રમોટરોએ ઓછામાંઓછા 26ટકા નહી પરંતુ 30 ટકા શેર પબ્લીકને ઓફર કરવા જોઈએ કારણકે  74 ટકા પ્રમોટરોના હોલ્ડિંગમાં આ પ્રમોટરો એમના મિત્રો કે મળતિયાઓ એ બેનામી શેરહોલ્ડરો દ્વારા બીજા 2 ટકા શેર પોતાનાં અંકુશ હેઠળ રાખી શકે છે
મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણી રાષ્ટ્રીયકૃત બેન્કો આવા સંપૂર્ણ અંકુશ ધરાવતી (75 ટકાથી વધુ )કંપનીઓને આડેધડ લોનો કેવી રીતે આપી દે છે ?

ઉપર જે કખગ કંપનીનું ઉદાહરણ આપ્યું છે ત્યાં 100 કરોડની મૂડી સામે 420 કરોડના પ્રીમિયમને ગણીને કંપની બેંક પાસે 500 કરોડ લોન આસાનીથી ઊભી કરી લેશે જે વાસ્તવમાં આ પ્રીમિયમ ચવાઈ જવાની પૂરી શક્યતા છે અથવા બિનજરૂરી ખર્ચ કરી નાખવાની શક્યતા છે અને છતાં આ પ્રીમિયમની રકમ ચોપડે પેપર પર રહે જેમકે સત્યમ ઘોટાળામા ફિક્સ ડીપોઝીટોની માત્ર બનાવટી સર્ટીફીકેટો જ હતાં.

બીજું એક મહત્વનું કારણ એ જ કે આવી કંપનીઓ ટેકઓવર ટાર્ગેટ બની શકતી નથી એ એમનું સૌથી ઉધાર પાસુ કારણકે એક તો પ્રમોટરો પાસે સંપૂર્ણપણે બહુમતી શેરો એથી બજારમાંથી શેરો ખરીદી બહુમતી મેળવી લેવી અશક્ય બીજું જો ટેઈકઓવર ટાઈકુન આવી કંપનીના શેર પ્રમોટરો પાસે ખરીદવા માંગે તો પ્રમોટરો મનમાની રકમ માંગી શકે અને સરવાળે ખરીદવું અતિ મોંઘુ પડે અને એથી જ આવી કંપનીનો મૃત્યુ ઘંટ અન્ય કંપનીઓ કરતાં વહેલો આવી શકે એ શક્યતા વધુ છે.

આથી જ નાનાં નાનાં રોકાણકારોએ જે કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 70 ટકાથી વધુ હોય એમાં રોકાણ કરવાનું ટાળવું અને જો રોકાણ કર્યું જ હોય તો એનાં ભાવ ખૂબ ઉચા હોય ત્યારે નફો ગાંઠે બાંધી લેવાનો અવસર ચૂકવો નહી.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: ટીચર અને સ્ટુડન્ટ આ પવિત્ર સંબંધ અંગે પ્રેક્ટીકલ થવાનો સમય પાકી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here