દિવસના ચોઘડિયાં અને રાત્રિના ચોઘડિયાં – હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી…

1
5250
પ્રતિકાત્મક તસ્વીર Photo Courtesy: rajeshdalal.wordpress.com

નૂતન વર્ષાભિનંદન. સાલ મુબારક. નવા વરહના રામ-રામ! આશા છે કે દિવાળીના ઝગમગતા નવા દિવસો માણીને સહુ વાચકમિત્રો પરવારી રહ્યા હશે. ધનતેરસથી ભાઈબીજ (અને લાભપાંચમ) સુધી વિસ્તરેલો આ તહેવારોનો રાજા આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે અને સ્ટીકરવાળી દિવાળીમાં મળેલા દરેક વિશની ટાંઈ ટાંઈ ફિશ ન થતા તમારા ઈશ સુધી પહોંચે એવી પ્રાર્થના. કારતક મહિનો શરૂ થતાં જ નવા વર્ષના કેલેન્ડર, તારીખિયાના ડટ્ટા, કાલનિર્ણય, તિથિતોરણ, પંચાંગ આપણા ઘરે આવી ગયા હશે. તિથિઓનો વપરાશ આપણે ત્યાં મંદ મંદ મુસ્કુરાહટ સાથે ઘટતો જાય છે, છતાં કોઈ પણ મોટા-સારા-નવા કામ કરવા માટે ચોઘડિયાં નો સહારો લેવાની પ્રથા હજીયે ગુજરાતીઓના લોકહ્રદયમાં સચવાયેલી છે.

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: rajeshdalal.wordpress.com

ચોઘડિયું એટલે મુહૂર્ત, ચાર ઘડી જેટલો વખત. શુભ, અમૃત, લાભ, ચલ, રોગ, ઉદ્વેગ અને કાળ – એમ કુલ સાત ચોઘડિયાં! દરેક દોઢ કલાકનું. બાર કલાકના ‘દિવસના ચોઘડિયાં’ અને ‘રાત્રિના ચોઘડિયાં’ એવા બે ભાગ પડે. એક ચોઘડિયું આ ગાળામાં રિપીટ થાય એટલે કુલ આઠ ચોઘડિયાં દિવસના અને આઠ રાતના. લોકમાન્યતા અનુસાર ત્રણ સારા (શુભ, લાભ, અમૃત), એક કામચલાઉ (ચલ) અને ત્રણ નરસા (કાળ, રોગ, ઉદ્વેગ) ચોઘડિયાં છે. આ ચોઘડિયાં ખરેખર તો માનવજીવનની પરિસ્થિતિ અને રોજબરોજના મૂડને દર્શાવે છે. ‘ઊંચીનીચી ફર્યા કરે છે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ’ આ પંક્તિ આપણને ચોઘડિયાં સમજવા માટે મદદરૂપ થાય છે. છ-સાત વર્ષ પહેલાં જય વસાવડાનો લખેલો એક લેખ વાંચ્યો હતો એવું યાદ આવે છે. એમાં આવા જ ચોઘડિયાંની વાત કરેલી. તો આવો ડૂબકી લગાડીયે આ સાત સમંદરમાં…

શરૂઆત કરીએ ‘લાભ’ ચોઘડિયાંથી. લાભનો સીધેસીધો અર્થ છે ફાયદો. ભગવદ્‍ગોમંડળમાં ‘લાભ’ના અર્થ છે – નફો, લબ્ધિ, વૃદ્ધિ, જીત, જ્ઞાન. આ ફાયદો સામાન્ય રીતે સંપત્તિ કે ધનનો હોઈ શકે. સટ્ટાબાજીમાં તેજીથી મળતો નફો, બિઝનેસમેનને મળેલી મોટી ડીલ અને એનાથી વધેલું ટર્નઓવર, નોકરીયાત વર્ગને પ્રમોશન અને સેલેરીવધારો, રોડના કિનારે નાનકડા કેબિનમાં સિલાઈકામ કરતા દરજીને મળેલો 1000 સ્કૂલ યુનિફોર્મનો ઓર્ડર, નવરાત્રીમાં કે દિવાળીમાં લક્કી ડ્રોની ટિકીટ દ્વારા લાગેલો જેકપોટ, દાયકા પહેલાં લીધેલી જગ્યાનો ભાવ (નજીકમાં મેટ્રો સ્ટેશન બનવાથી) અચાનક ત્રણગણો થઈ જાય, કરિયાણાની દુકાનેથી લીધેલા શેમ્પૂના પેકેટમાં પરિવાર માટે પૅરિસ ફરવા જવાનો મોકો – આ બધા લાભના ઉદાહરણો છે. લાભ ચોઘડિયું કદાચ સતત ચાલતું ન રહે પણ એના કારણે લાંબાગાળાની (બીજા ચોઘડિયાં સુધી) અસર રહે એવું શક્ય છે.

મોરારિ બાપુ એવું કહે છે કે દરેક લાભ શુભ નથી હોતો પણ દરેક શુભમાં કંઈક ને કંઈક લાભ હોય છે. તો આવો વાત કરીએ ‘શુભ’ ચોઘડિયાંની. કોઈને સારા પ્રસંગે આપણે શુભેચ્છા (શુભ થાય એવી ઈચ્છા) આપીએ છીએ, લાભેચ્છા એવું ક્યારેય સાંભળવામાં નથી આવતું. શુભ એટલે મંગળ. શુભને કલ્યાણ સાથે પણ જોડી શકાય. ભગવદ્‍ગોમંડળ ‘શુભ’ શબ્દના અર્થ કરે છેઃ કલ્યાણકારી, શ્રેય, સુખકારક, મંગળપ્રદ, સુભાગ્યવાળુ, મજેનું. લાભ થાય ત્યારે માનસિક શાંતિ મળે એનો કોઈ ભરોસો નહીં પણ શુભ થાય ત્યારે માનસિક શાંતિ મળે જ. શુભને આપણે ત્યાં શુકન (કે શકન) પણ કહેવાય છે. દસ વર્ષથી સંતાનના લગ્નની રાહ જોવાતી હોય અને સારું ઠેકાણું જડી થાય કે વર્ષોથી વાંઝિયા હોય એને કુદરતી રીતે કે IVFથી સંતાન થાય એ શુભ! કોઈ પણ કાર્યમાં આપણને મનના ઊંડાણમાંથી શાંતિનો અનુભવ થાય એવા મંગળ કાર્યો એટલે શુભ ચોઘડિયું.

ભરતડકામાં ટાઢુ પાણી કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે જે તૃપ્તી થાય, એ અમૃતની વ્યાખ્યા છે. અમૃત ચોઘડિયું એટલે ઝેરનું મારણ અમૃત નહીં પણ જીવનમાં થતાં અમૃતના અનુભવ અને ઓડકાર. કોઈ રમૂજ (કે જોક) સાંભળી પેટ પકડીને હસવું, નાના બાળકના વદન પર મીઠું સ્મિત, પોતાના પાર્ટનરને કરેલું ચુંબન, વેલેન્ટાઈન્સ ડેના દિવસે તમારો ક્રશ સામે આવીને તમને પ્રપોઝ કરે, સખત ભૂખ્યા હોઈએ અને ઘરે મમ્મીએ કે પત્નીએ મનપસંદ ગાજરનો હલવો બનાવ્યો હોય, બગદાણા-પાળિયાદ-વીરપુર-સાળંગપુર કે કોઈ પણ ધાર્મિક સ્થળે પ્રસાદ લેવાનો મોકો, સત્યનારાયણની કથાની પૂર્ણાહુતિ થાય પછી મળતો શીરો, ભજન સંધ્યા કે ડાયરામાં આપણી લોકસંસ્કૃતિના ગીતો સાંભળીને થતો આનંદ, સિક્રેટ સુપરસ્ટાર કે નીલ બટે સન્નાટા જેવી ફિલ્મો જોયા પછી થતી ટાઢક – આ બધા અમૃતના ઉદાહરણો છે. એક સમયે ‘ધ કપિલ શર્મા શો’ સર્વાધિક TRP ધરાવતો શો હતો. ત્યારે કપિલ શર્મા, શોના પ્રોડ્યુસરને ‘લાભ’ થતો પણ એ સમયે એક કલાક ખડખડાટ હસવાનો ‘અમૃત’ મહોત્સવ ભારતની જનતાએ સારો એવો માણ્યો.

હવે વાત કરીએ ‘ચલ’ ચોઘડિયાંની. ચલ એટલે ‘ચાલશે’. નહીં દૂધમાં કે નહીં દહીમાં. નહીં નફો કે નહીં ખોટ. નહીં પોઝિટીવ કે નહીં નેગેટીવ. ઠીક ઠીક. ધ સેફેસ્ટ સિલેક્શન. વધુ વિચારવાનું નહીં. પેલું ભજન છે ને – હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે એમ હાલ્યે રાખે. અટકવાનું નહીં. આ ચોઘડિયું લગભગ વધુ સમય ચાલે છે. આ એવો સમય છે જેમાં આપણે પરિસ્થિતિને ચલાવી લઈએ. સગવડિયો ધર્મ – ફૂલને બદલે ચોખા, કોઈ વાર જમણા હાથમાં પ્રોબ્લેમ હોય તો ડાબા હાથથી પ્રસાદ લેવો, સત્યનારાયણની કથામાં બેસવા દીકરો-વહુ (કે દીકરી-જમાઈ)માંથી એક જ હોય તો બીજાની જગ્યાએ સોપારી મૂકવી – આ બધું ચાલે. ચલે યાર, ધક્કા માર.

લાગતું વળગતું: પનોતી, સાડા-સાતી કે ગ્રહશાંતિ – અંધશ્રદ્ધા અઢળક પાનાં ધરાવતી ચોપડી છે!

હવે ત્રાજવાનું પલ્લું બીજી બાજુ નમાવીએ.

ઉદ્વેગ એટલે ચિંતા, ટેન્શન, ઉચાટ. બોર્ડની પરીક્ષા વખતે વાલીઓની સતત ચિંતા, કોઈ સ્વજનની બાયપાસ સર્જરી વખતે થતો ઉચાટ, વડાપ્રધાનની વિઝિટ પહેલાં થતી તૈયારીઓ વખતે પોલિસખાતાને અને જે-તે રાજ્યના મુખ્યમંત્રીને થતી બેચેની, દીકરીને ઘરે જોવા આવવાના હોય ત્યારે મનમાં થતી ખલબલી, ટ્રેનની ગીર્દીમાં મોબાઈલ ચોરાઈ જાય ત્યારે થતો ઉચાટ, ઘરના કોઈ સારા પ્રસંગ પહેલાં વડીલોના મનમાં થતી બેચેની (કે બધુ શાંતિપૂર્વક પાર પડી જાય) – આ બધા ઉદ્વેગના ઉદાહરણો છે. ક્યારેક એવું બને કે આપણી અંદર કોઈ ડર હોય જેના કારણે આપણે ચિંતામાં હોઈએ. દીકરી મોડી રાત સુધી ઘરે ન આવી હોય ત્યારે મા-બાપને લાગતો ડર કે નેશનલ લેવલ પર થતી સ્પર્ધામાં હારી જવાનો ડર, એ એક પ્રકારનો ઉદ્વેગ જ છે.

છઠ્ઠું ચોઘડિયું છે ‘કાળ’ એટલે આપત્તિ, હતાશા. સમયનો સાચો અર્થ આ ચોઘડિયું છે. ન જાણ્યું જાનકિનાથે, શું થાશે કાલે સવારે – એમ કાળનો કોળિયો ક્યારે થઈ જવાય એ કોઈ નથી જાણતું. ‘રોગ’ અને ‘ઉદ્વેગ’ આ બંનેનું મૂળ કારણ કાળ છે. પૂર, ભૂકંપ, ત્સુનામી જેવા કુદરતના પ્રકોપ, ધર્મના નામે થતાં ધિંગાણા અને હિંસા, સ્ત્રીઓ સાથે થતાં છેડતી અને બળાત્કાર, કોઈ પોલિટિશિયન કે એક્ટરની ભરબજારે હત્યા, પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ, કંપની બેંકરપ્ટ થઈ જાય, સ્કૂલ કે કોલેજકાળનો ક્રશ કોઈ બીજા સાથે પરણી જાય, માતા-પિતાનો તલાક થાય ત્યારે બાળકો પર થતો માનસિક જુલ્મ, કોઈ જીવલેણ રોગના રિપોર્ટ આવે, માતાપિતા સામે જુવાનજોધ દીકરાની અરથી ઊપડે –  આ બધું કાળમાં ગણાય.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટઃ રોગ એટલે પીડા, તકલીફ, વેદના, અસ્વસ્થતા. દર વખતે શારિરીક કે માનસિક જ રોગ ન હોય. રોગ એટલે ‘લત લગ ગઈ’ પણ કહેવાય. ક્યારેક આ રોગ ખોટું બોલવાનો તો ક્યારેક લોકોને ઠગવાનો હોઈ શકે. કોઈક વ્યસનનો તો કોઈક ટશનનો. કોઈને વધુ પડતી નિદ્રાનો તો કોઈને અનિદ્રાનો. સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ – બીજા આપણા માટે શું વિચારશે એવો પણ રોગ આપણા મનમાં ઘર કરી ગયો હોય છે.

રસાયણશાસ્ત્રમાં ભણાવવામાં આવે એમ અણુમાં ત્રણ પ્રકારના કણો હોયઃ પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન. પ્રોટોન હકારાત્મક (પોઝિટીવ) ચાર્જ ધરાવતા હોય, ઈલેક્ટ્રોન નકારાત્મક (નેગેટીવ) અને ન્યુટ્રોન તટસ્થ (ન્યુટ્રલ) હોય. કયા રસાયણને બીજા કેવા પ્રકારના રસાયણ સાથે ભેળવવાથી આપણને ફાયદો થાય એ આ ત્રણ કણો પર નિર્ભર કરે છે. એમ જીવનમાં પણ હકારાત્મક ચોઘડિયાં (શુભ, લાભ, અમૃત), નકારાત્મક ચોઘડિયાં (કાળ, રોગ, ઉદ્વેગ) અને તટસ્થ ચોઘડિયું (ચલ) ક્યાં અને કેમ સાચવવું એ આપણા હાથમાં છે. સમયનું કાળચક્ર ચાલ્યા જ કરશે અને આ સાત ચોઘડિયાં દિવસે અને રાત્રે બદલાતા જ રહેશે. હૌલે હૌલે આ દરેક ચોઘડિયાંમાંથી આપણે પસાર થવું જ પડે છે. Change is the only constant thing!

પડઘોઃ

કેલેન્ડરના પાનાંની જેમ અહીં માણસ પલટાય છે

તારીખ એ જ રહે છે, ‘વાર’ બદલાય છે.

ઈરફાન સાથિયા

eછાપું 

તમને ગમશે: મૃત્યુ બાદ પણ અટલજી દ્વારા ઘણા બધા મહોરાઓ ખુલ્લા પાડવામાં આવ્યા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here