શીતયુદ્ધના સમય દરમ્યાન સોવિયેત રશિયા સાથે કામ પાર પાડવા માટે અમેરિકા માટે અફઘાનિસ્તાનનું એટલુંજ મહત્ત્વ હતું જેટલું કે પાકિસ્તાનનું. સોવિયેત રશિયાના તૂટી પડવા બાદ અમેરિકા સમક્ષ એક નવો ભય ઉભો થયો અને એ ભય હતો ઇસ્લામી આતંકવાદનો જે મોટેભાગે ઓસામા બિન લાદેન અલ-કાયદા નામના આતંકી સંગઠન દ્વારા ચલાવતો. આ જ અલ-કાયદાએ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો તોડી પાડ્યા અને અમેરિકા આતંકવાદ સામે સીધા જંગમાં તૂટી પડ્યું.

જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે એવું લાગતું હતું કે અમેરિકા હવે પાકિસ્તાનને બરોબર પાઠ ભણાવશે કારણકે અલ-કાયદા અને અન્ય અફઘાનિસ્તાની આતંકવાદીઓને પાકિસ્તાન દૂધ પાઈને ઉછેરતું હતું એ બધાને ખબર હતી જ. પરંતુ એમ ન થયું અને અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું રહ્યું એમ વિચારીને એક દિવસે તે પાકિસ્તાનની મદદથી ઓસામા બિન લાદેનને પકડી લેશે.
પણ બન્યું ઉલટું, ઓસામા બિન લાદેન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી થોડે જ દુર આવેલા એબોટાબાદમાં આરામથી રહેતો હતો જેની અમેરિકાને બહુ મોડી ખબર પડી. પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તેણે પાકિસ્તાનના નાક નીચે પોતાના નેવી સીલ્સને એબોટાબાદ મોકલ્યા અને લાદેનને ખતમ કરાવી દીધો.
ત્યારે પણ એવું લાગતું હતું કે હવે તો અમેરિકાની આંખ ખુલી ગઈ હશે કારણકે ઓસામા બિન લાદેન એમ પાકિસ્તાનની સરકારની જાણ વગર તેની રાજધાનીથી અમુક જ કિલોમીટર દૂર આમ સંતાઈ ન શકે. પરંતુ અફઘાનિસ્તાનના આતંકવાદ પર નજર નાખવાના નામે અમેરિકા પાકિસ્તાનને નાણાંકીય અને સૈનિક મદદ કરતું જ રહ્યું, જેનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાશ્મીરમાં તેમજ અન્ય સ્થાનોએ આતંક ફેલાવવા માટે કરતું રહ્યું.
પરંતુ બરાક ઓબામા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિપદ જ્યારથી સાંભળ્યું છે ત્યારથી અને તેમાંય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન સામે બબ્બે વખત મૈત્રીપૂર્ણ હાથ લંબાવવા છતાં તેની સાન ઠેકાણે ન આવતા તેમણે પણ પોતાના રાજદ્વારી પ્રયાસો મજબૂત બનાવીને ટ્રમ્પ પ્રશાસનને પાકિસ્તાનની સાચી છબી શું છે તેને સારી રીતે સમજાવી શક્યા છે ત્યારથી પાકિસ્તાનની રીતસર માઠી બેઠી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાની ચાલ સમજી જવાથી અને ભારતના રાજદ્વારી સમજાવટને લીધે અમેરિકાએ પહેલા તો કોંગ્રેસમાં જ પાકિસ્તાનને અપાતી સહાયમાં મોટો કાપ મૂકી દીધો હતો. આની અસર એ થઇ કે પાકિસ્તાન ચીનની સોડમાં વધુ ભરાયું અને તેના નવા વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં જ સાઉદી અરેબિયા સમક્ષ કટોરો લાંબો કરીને અમુક બિલીયન લઈને ઘરે પરત આવ્યા છે.
લાગતું વળગતું: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો |
ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાકિસ્તાનને અપાતી આર્થિક સહાય પર કાપ મૂક્યા પછી પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાહેરમાં પાકિસ્તાનની આતંકવાદને ટેકો આપવા બદલ કઠોર ટીકા કરવાથી રોકાયા નથી. હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટનની ટીકા કરતા કહ્યું હતું કે ક્લીન્ટન પાસે મોકો હતો કે તે ઓસામા બિન લાદેનના નામે પાકિસ્તાનનું નાક દબાવે પણ તેમણે એ ચાન્સ ગુમાવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે એ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન આપણને ઉલ્લુ બનાવતું રહ્યું અને આપણે તેને નાણાંકીય સહાય પૂરી પાડતા રહ્યા.
ખૈર, છેવટે અમેરિકન રાષ્ટ્રપતિને અક્કલ આવી એ ભારત માટે સારી બાબત છે. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઓસામા બિન લાદેન અંગેની ખરીખરી સાંભળીને પાકિસ્તાની વડાપ્રધાનને ઘણો ગુસ્સો આવ્યો છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે લડતા 75,000 લોકોના જીવ અને 123 બિલીયન ડોલર્સ ગુમાવ્યા છે, જેની સામે અમેરિકાએ ‘માત્ર’ 20 બિલીયન ડોલર્સની સહાય કરીને અમારા પર કોઈ ઉપકાર નથી કર્યો.
ઇમરાન ખાન તો શું આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન જે આતંકવાદથી ગ્રસ્ત છે એ ભસ્માસુર જેવો છે, એટલેકે એણેજ ઉભો કર્યો છે. હવે ટ્રમ્પના આવ્યા બાદ પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે ભલે ઇમરાન ખાનના હિસાબે મળતી ચણા-મમરા જેટલી સહાય પણ બંધ અથવાતો ઓછી થઇ ગઈ છે. હવે ઇમરાન ખાને દેશ ચલાવવા સાઉદી અરેબિયા પાસે વારંવાર જવું પડશે કારણકે વર્લ્ડ બેન્ક પાસેથી પણ તેને અમેરિકાને લીધે વધુ સહાય મળી શકતી નથી. ઉપરાંત પાકિસ્તાને ચીન સમક્ષ લગભગ પોતાની જાતને ગીરવે મૂકી દીધી છે એટલે એ પણ અમુક મુદ્દે પાકિસ્તાનનો હાથ એની ઈચ્છા વિરુદ્ધ આમળતું રહે છે.
ટૂંકમાં કહીએ તો ઇમરાન ખાનની સ્થિતિ એક સાંધો તો તેર તૂટે એવી છે પણ પોતાના દેશવાસીઓનો મોરાલ તૂટે નહીં એટલે અમેરિકા સામે ઉંચા સાદે વાત કરી રહ્યા છે, પરતું જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો અવાજ ઉંચો કરશે ત્યારે તેમની હાલત શું થશે તેની આપણને પણ ખબર છે અને ખુદ ઇમરાન ખાનને પણ ખબર છે જ.
eછાપું
તમને ગમશે: NMC અને MCI વચ્ચે ફેર શું છે? : NMC બિલનો આટલો વિરોધ શા માટે?