રસ્તા પર બિન્ધાસ્ત ફેંકાતો કચરો, બગડતી સેલ્ફી અને આપણો જ જીવ જવાનો ખતરો..!

0
371
Photo Courtesy: dnaindia.com

એક તરફ આપણે હવાઈ સફર કરવાનો ગર્વ અનુભવીએ છીએ અને બીજી તરફ આપણા જ એરપોર્ટ પર નાનોમોટો કચરો કે એના ઢગ પણ જોવા મળે છે. આ પ્રકારના વિરુદ્ધાર્થ પર વાંચીએ એક કટાક્ષ.

આપણો દેશ હજુ એટલો જ વિકાસશીલ છે કે, ફ્લાઈટમાં બેસવું એ લકઝરી કહેવાય. ભલે, ફ્લાઈટની ટિકિટના ભાવ ઘટવાથી આજકાલ બહુ બધા લોકો પ્લેનની સફરની મજા માણી શકતા હોય પણ છતાં એ હકીકત છે કે, અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ કે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ચેક ઇન કર્યાની એફબી પોસ્ટ બીજા પર ઇમ્પ્રેશન પાડી શકે છે.

Photo Courtesy: dnaindia.com

લોકો વટથી કહે કે અમે તો ફ્લાઈટમાં ગયા હતા. ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં પ્લેન હોય તેવા ફોટોઝ પણ અપલોડ કરવામાં આવે. અરે, તમે પ્લેનમાં બેસવા જતા હોવ કે ઉતરતા હોવ તો રીતસરનું ફોટોશૂટ થતું જોવા મળે.

હવે, વિચારો કે તમે તમારી જિંદગીમાં પ્રથમવાર પ્લેનની સફર માણવા જઇ રહ્યા હોય, બધે કહી દેવામાં આવ્યું હોય કે, તમે તો પ્લેનમાં જવાના છો. એફબી, ઇન્સ્ટા પર પણ અપલોડ થઈ ચુક્યા હોય અને પછી જ્યારે ખરેખર ફોટાઓ અપલોડ કરવામાં આવે ત્યારે જો તમારી પાછળ પ્લેન સાથે કચરાના ઢગલા પણ જોવા મળતા હોય તો? વિચારો પછી એ ફોટાની નીચે કેવી કેવી અને કેટલી જાતની કમેન્ટ્સ આવે?

હકીકતમાં અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર કચરાના ઢગલા જોવા મળ્યા છે. એરપોર્ટની બહાર નીકળતા ‘હેરિટેજ સિટી’ ફરવા આવેલા વિદેશી સહેલાણીઓની નજરે સૌથી પહેલા પડે છે એ કચરાના ઢગલા અને તેમાં સમડી, ગીધથી લઈને કૂતરા કેવા પ્રાણી-પક્ષીઓ…! પછી ભલે આ સહેલાણીઓ આખું અમદાવાદ ફરે, પણ ફરી પાછા જ્યારે જાય ત્યારે પણ નજરે પડે છે એ જ કચરાનો ઉકરડો. શું લાગે છે એ પ્રખ્યાત ‘હેરિટેજ સિટી’ની કઈ વાત તેમને સૌથી વધારે યાદ રહે? આ કચરાના ઉકરડા જ ને?

આ ઉપરાંત આ ઉકરડામાં સમડી, ગીધ જેવા પક્ષીઓના કારણે ટેક ઓફ કરવા જતી ફ્લાઈટની બર્ડ હિટિંગનો ભય પણ ઉભો થયો છે. ટેક ઓફ કે લેન્ડિંગ કરતી ફ્લાઇટ ખૂબ જ નીચે ઊડતી હોય, સમડી અને ગીધમાં ટોળાના ભટકાવાથી કોઈ ભયાનક દુર્ઘટના સર્જાવાનો અને પ્રવાસીઓના જીવનો પણ સતત ખતરો રહે છે. રસ્તા પર ફેંકાયેલા કચરાથી જીવ ગુમાવવાનો ભય રહેલો છે એ સાઈડ ઇફેક્ટ વિચારી છે ખરા, ક્યારેય?

આથી જ સરકારને તે સાફ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. આમ, તો આ કચરાના ઢગલા માટે ત્યાં આસપાસ આવેલી રેસ્ટોરાં જવાબદાર છે, પણ ખરું વિચારો તો સૌથી વધારે જવાબદાર કોણ? આપણે નહીં? આટલી સરકારી એડ બાદ પણ આપણે ખરેખર કચરો રસ્તા પર ફેંકતા પહેલા એક સેકન્ડ પણ વિચારીએ છીએ. પાછા તો જે યુવાનો કચરો આ રીતે ન ફેંકવાની ફેવર કરતા હોય તેમને આપણે વેવલાવેડા કરતા લોકોમાં ખપાવતા ફરીએ છીએ અને વિદેશોના ગુણગાન ગાવામાં બિઝી બની જઈએ છીએ.

લાગતું વળગતું: માત્ર એક નાનકડો નિર્ણય લઈને પુણે એરપોર્ટે વીજ વપરાશમાં અધધધ ઘટાડો કર્યો

આપણી જવાબદારી જ્યારે કોઈ આપણને સમજાવવા નીકળે ત્યારે પણ આપણને એ બાબતે કંટાળો અને ગુસ્સો આવવા લાગે છે. વિદેશોમાં ફરવા જવું છે, સેટલ થવું છે, ત્યાં જઈને તેમના કાયદાઓનું પાલન કડકાઇથી કરશું, પણ આપણા દેશમાં તકલીફ પડશે. જ્યાં સુધી કડક કાયદાઓ બનાવવામાં ન આવે ત્યાં સુધી જાતે સમજવું એ તો જાણે પાપ થઈ ગયું છે.

દિલ્હી મેટ્રો પોલીસ જરા પણ ગંદકી ચલાવી લેવા તૈયાર નથી. મસમોટો દંડ પણ વસુલ કરવામાં આવે છે અને એટલે જ દિલ્હી મેટ્રો એ દિલ્હીની શાન બની ગઈ છે. હવે, ત્યાંના લોકોને કચરો ન ફેંકવો આદત બની ગઈ છે. વિદેશીઓ તો ઠીક, પણ ખુદ આપણને તેમાં રોજે મુસાફરી કરતા થાક નથી લાગતો. એ ચોખ્ખાઈ જોઈ મન પ્રસન્ન રહે છે. આ અનુભવ જેણે જાતે કર્યો હશે એ જ સમજી શકશે.

તો કચરો રસ્તા પર ન ફેંકી, ડસ્ટબીનમાં ફેંકવો એ કોઈ મસમોટી જવાબદારી નથી. એને માત્ર એક આદત બનાવવાની જરૂર છે. આસપાસ ચોખ્ખાઈ બીજા માટે નહીં પોતાના માટે, પોતાની પ્રસન્નતા માટે રાખતા શીખો. ખોટો દેખાડો કરી ખુદને કુલ સાબિત કરવા રસ્તા પર આડેધડ કચરો ફેંકતા યુવાનો માત્ર ગંદકી રસ્તા પર નહિ, પોતાના મનમાં પણ જાણે અજાણ્યે ફેલાવે છે તે સમજતા નથી.

આ ઉપરાંત આપણા જ ફેલાવેલા કચરાથી જીવનો ખતરો પણ રહે છે આવી ઇફેક્ટસ તો ધ્યાન બહાર જ રહી જાય છે. તો જાગો અને સારી આદતો બનાવો..!

eછાપું

તમને ગમશે: વિશ્વ સંસ્કૃત દિવસ – આજના જમાનામાં આખું ગામ સંસ્કૃતમાં જ વાતો કરે ખરું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here