ઓસ્ટ્રેલિયા ટુર – ભારત માટે સિરીઝ જીત અભી નહીં તો કભી નહીં

0
217
Photo Courtesy: hindustantimes.com

વર્ષો સુધી ભારતમાં એક ટેસ્ટ સિરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયા રીતસર વલખાં મારતું રહ્યું હતું. એવો સમય પણ આવ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટની બાદશાહત ધરાવતું હતું અને એમના માટે અતિશય મહત્ત્વની એવી એશિઝ સિરીઝ પણ તેઓ ઇંગ્લેન્ડમાં જઈને આરામથી જીતી જતા, પરંતુ જ્યારે ભારતની વાત આવતી ત્યારે એમના હાથ પગ ફૂલી જતા.

ઓસ્ટ્રેલિયાના એક સમયના કપ્તાન સ્ટિવ વો એ આ જ કારણસર ભારતને ‘the final frontier’ એટલેકે જીતવાનો બાકી રહેલો છેલ્લો કિલ્લો ગણાવ્યો હતો. છેવટે 2004માં એ કહેવાતો છેલ્લો કિલ્લો પણ પડ્યો અને ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 2-1થી ચાર મેચોની સિરીઝ જીતી લીધી. એ વખતે ભારતની ટીમ કાગળ પર એટલીજ મજબૂત હતી જેટલી અગાઉ કે તે પછી રહેતી પરંતુ તેમ છતાં ભારત હાર્યું હતું.

આ વખતે જ્યારે આજે ભારત પોતાની ઓસ્ટ્રેલિયા ટુરની શરૂઆત કરી રહ્યું છે ત્યારે ત્રણેય ફોરમેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જો સાવ નાખી દેવા જેવી નથી તો તે નબળી તો છે જ. પરંતુ છેલ્લા એક વર્ષનો રેકોર્ડ તપાસીએ તો ઓસ્ટ્રેલિયા માત્ર વનડે ફોરમેટમાં જ ખરાબ રમ્યું છે જ્યારે ટેસ્ટ અને ટ્વેન્ટી20માં તેણે હાર કરતા વધારે જીત દર્જ કરાવી છે.

તેમ છતાં વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી એન્ડ કંપની પાસે ઓસ્ટ્રેલિયામાં પહેલી સિરીઝ જીત દર્જ કરાવવા માટે આનાથી વધુ સોનેરી મોકો કદાચ જ પરત આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકાની ટુર દરમ્યાન બોલ ટેમ્પરિંગની ઘટના બહાર આવતા તે સમયના કપ્તાન સ્ટિવ સ્મિથ અને ઉપકપ્તાન ડેવિડ વોર્નર સહીત ચાર મહત્ત્વના ખેલાડીઓને એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ અને તેના સમગ્ર માળખા પર આ શરમજનક ઘટના વજ્રઘાતથી ઓછી જરાય ન હતી.

બોલ ટેમ્પરિંગની એ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવામાં હવે થોડા જ મહિનાઓ બાકી છે પરંતુ અત્યારસુધીમાં આ ઘટનાએ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ધીમેધીમે અત્યંત નબળી પાડી દીધી છે. છેલ્લા અમુક મહિનાઓમાં, જેમ આગળ ચર્ચા કરી તેમ વનડે ફોરમેટમાં તેની હાલત ખૂબ ખરાબ છે. ટીમનો મોરાલ તો તળીએ છે જ પરંતુ આ ઘટનાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જે તેની પાલક સંસ્થા છે તેમાં પણ ઊંડી ખાઈ ઉભી કરી દીધી છે અને તેમાં પણ એક પછી એક વિવાદો જન્મ લઇ રહ્યા છે.

ટૂંકમાં કહીએ તો ઓસ્ટ્રેલિયન કિકેટરો અત્યારે માનસિક રીતે એટલા મજબૂત નથી જેટલા કે આજથી એક કે દોઢ વર્ષ અગાઉ સુધી હતા. એમની સૌથી ખરાબ બોડી લેન્ગવેજ હાલમાં જ પૂરી થયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી20 સિરીઝમાં જોવા મળી હતી અને તે ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં જ રમાયેલી સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં પણ જોવા મળી હતી.

એવું પણ નથી કે ભારત માટે ઓસ્ટ્રેલિયાએ છત્રીસ પકવાનથી ભરેલી થાળી પીરસી રાખી છે. કોઈકવાર વેસ્ટ ઇન્ડિઝ કે પછી ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ પણ પોતાના ઘરમાં મજબૂત બની જતી હોય છે જ્યારે આ તો ઓસ્ટ્રેલિયા છે, એટલેકે ભાંગ્યું છે તો પણ ભરૂચ છે. આમ, ભારતીય ટીમ મેનેજમેન્ટ આ ઓસ્ટ્રેલીયન ટીમને પણ ગંભીરતાથી જ આંકશે એમાં શંકાને સ્થાન નથી.

લાગતું વળગતું: બોલ ટેમ્પરિંગ – ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચોરીની સજા ફાંસી નથી તેનું ધ્યાન રાખે

ભારતીય ટીમ મેનેજમેન્ટે ખાસ ધ્યાન એ રાખવાનું રહેશે કે પહેલી જ મેચથી જે આજે રમાવાની છે, ટીમ સદાય પોઝિટીવ રહે. બંને પ્રકારના એકદિવસીય ફોરમેટમાં જીત મેળવવી જરૂરી તો છે જ પરંતુ સહુથી વધુ મહત્ત્વ છે ટેસ્ટ સિરીઝ જીતવાનું. ત્રણ ટ્વેન્ટી20 મેચ બાદ ભારત ચાર ટેસ્ટ્સ રમશે અને જાણવા મળ્યા અનુસાર ચારેય ટેસ્ટ્સમાં બેટિંગ ફ્રેન્ડલી પીચો જ રહેવાની છે.

આ જ પ્રકારની પીચો સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં પણ હતી, પરંતુ સાઉથ આફ્રિકામાં ખરાબ રણનીતિ અને ઇંગ્લેન્ડમાં ભારતની જ બેટિંગ સમયે વાતાવરણમાં આવેલા બદલાવે ભારતને જીતથી વંચિત રાખી દીધું હતું. પરંતુ આ ક્ષમ્ય ભૂલ તો ન જ ગણાય કારણકે ટેસ્ટ શબ્દનો અર્થ જ ગમેતેવી વિપરીત પરિસ્થિતિમાં પણ જીત મેળવવાનો છે કે પછી ટીમને ડ્રો તરફ સુરક્ષિત લઇ જવાનો છે.

આથી જો સરળ ભાષામાં ભારતે કોઈ રણનીતિ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અપનાવવાની રહેશે તો એ હશે ટેસ્ટ મેચો દરમ્યાન કોઇપણ દિવસનો પહેલો કલાક જો ભારત બેટિંગ કરતું હોય તો કોઇપણ જોખમ લીધા વગર પસાર કરવાનો રહેશે. આ પાછળનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયાની અત્યારની નબળી બેટિંગથી વિરુદ્ધ બોલિંગમાં ટકી રહેલી સારી એવી ધાર છે અને આથીજ ભારતે શરૂઆતનો સમય પીચ પર ગાળવાની અને સ્કોરબોર્ડ તરફ નજર પણ ન નાખવાની ટેવ પાડવી જ પડશે.

ભારતના લગભગ તમામ બેટ્સમેન ફોર્મમાં છે અને આથી કોહલી અને શાસ્ત્રીએ એમને માત્ર બેઝીક સમજાવીને જ મેદાન પર ઉતારવાના છે અને બાકીનું કામ બોલરો પૂરું કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જો આ પ્રકારનો સિમ્પલ પ્લાન અમલી બનશે તો આવતા વર્ષની શરૂઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ સારા સમાચાર જરૂર મળશે.

હા કાયમી ટીકાકારો ત્યારે એમ જરૂર કહેશે કે ભારત નબળી ટીમ સામે જીત્યું એમાં શું? પણ આ જ ટીકાકારો જો ભારત હારશે તો એમ પણ કહેશે કે નબળી ટીમ સામે પણ ન જીતી શક્યા તો પછી આવી ટીમનું શું કરવાનું? ટૂંકમાં ટીકાકારો પરથી ધ્યાન હટાવીને આપણે આપણી ટીમ ઇન્ડિયાને સતત ચિયર કરતા રહીએ કારણકે તેની આપણી ટીમને અને આપણને બંનેને ખાસ જરૂર પડશે.

વિજયી ભવ!

eછાપું

તમને ગમશે: ગમે તે કહો પણ ફરાળી વાનગીઓની મજાજ કઈ અલગ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here