eChhapu @ 1000! – થઇ જાય ક્વિક રેસિપીઝ સાથે ક્વિક સેલિબ્રેશન?

0
320
Photo Courtesy: ivona.bigmir.net

હેલો ફ્રેન્ડસ! આજનો ફૂડમૂડનો એપિસોડ ખાસ છે કારણકે આજનો આ આર્ટિકલ એ eChhapu માટે તેનો 1000મો આર્ટિકલ છે! તો, સેલિબ્રેશન તો બનતા હે બોસ!

સેલિબ્રેશન એટલે મજા, મોજ અને મસ્તી, ખરું ને? જીન્દગીમાં મજા એટલે કે મોજનું એક મહત્વનું સ્થાન છે અને દરેકને આ મજા અલગ અલગ વસ્તુમાંથી આવે છે. પરંતુ જો કોઈ સૌથી કોમન વસ્તુ હોય કે જેનાથી મોટાભાગના લોકોને મજા આવતી હોય તો એ છે સ્વીટ્સ, એટલે કે ગળી વાનગીઓ. અને એટલે જ ડેઝર્ટ, એટલે કે સ્વીટ્સ, એ કોઈપણ ક્વીઝીનનો સૌથી શ્રેષ્ઠ ભાગ હોય છે અને સૌથી મનપસંદ પણ!

વેલ, ઘણી વખત આપણી સાથે એવું થતું હોય છે કે સેલિબ્રેશન માટેની ઘડી અચાનકથી આવી જતી હોય છે, કોઈ સરપ્રાઈઝની જેમ. એ વખતે આપણે શું કરીએ છીએ કે અત્યારે તો કશું છે નહીં સેલિબ્રેશન માટે? તો આપણે વિક-એન્ડમાં કે પછી સમય મળ્યે સેલીબ્રેટ કરીશું, એમ વિચારીને મન મનાવી લઈએ છે.

આવી ઘટનાઓ વારંવાર તો આવતી નથી, તો પછી સેલિબ્રેશન શું કામ પાછું ઠેલવું? એના કરતા ઘરમાં જ ઝટપટ બને એવું કોઈ ડેઝર્ટ બનાવીને ઘરે જ તરત જ સેલીબ્રેટ કરવાની અનોખી મજા છે! એટલે જ આજે આપણે જોઈશું આવી જ કેટલીક વાનગીઓ જે ઝટપટ બની જાય છે અને સેલિબ્રેશન માટે એકદમ પરફેક્ટ છે!

ચોકલેટ બોલ્સ

Photo Courtesy: cnz.to

સામગ્રી:

એક પેકેટ મેરી બિસ્કીટ

૨ ટેબલસ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ

ઓરેન્જ જ્યુસ, જરૂર મુજબ

સજાવટ માટે આઈસીંગ સુગર (શોધવા ના જવું હોય તો બુરું ખાંડ ઘર માં જ હશે)

રીત:

  1. મેરી બિસ્કીટનું પેકેટ ગ્રાઈન્ડરમાં નાખી, એનો બારીક ભૂકો કરો.
  2. તેમાં ડ્રીન્કીંગ ચોકલેટ ઉમેરી બરાબર મિક્સ કરો.
  3. હવે તેમાં ધીરે ધીરે ઓરેન્જ જ્યુસ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ, જ્યાં સુધી મિક્સ કરતા મિશ્રણને દબાવતા એના ગોળા ના વળી શકે. (ગોળા બની શકે એટલે જ્યુસ નાખવાનું બંધ કરવાનું)
  4. મિશ્રણમાંથી થોડો થોડો ભાગ લઇ એના બોલ્સ બનાવો.
  5. ઉપરથી આઈસીંગ સુગર નાખી, બોલ્સને એમ જ માણો અથવા ગીફ્ટ પેક માં મૂકીને ગીફ્ટ કરો.

ક્વિક ઓરેઓ કેક

Photo Courtesy: ivona.bigmir.net

સામગ્રી

19 Oreo બિસ્કિટ(ચોકલેટ) – ક્રીમ સાથે
3/4 ટીસ્પૂન ઈનો
2 ટેબલસ્પૂન ખાંડ
1 કપ દૂધ

રીત

  1. એક બ્લેન્ડરમાં અધકચરા બિસ્કીટ અને અન્ય સામગ્રી લઇ તેની એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.
  2. એક માઈક્રોવેવ પ્રૂફ ડીશને બટર, ઘી કે તેલ વડે સરસ રીતે ગ્રીઝ કરી, પાર્ચમેન્ટ પેપરથી લાઈન કરો.
  3. તૈયાર કરેલા કેકના બેટરને ડીશમાં નાખો અને નોર્મલ માઈક્રોવેવ મોડમાં 5 મિનીટ માટે ચલાવો.
  4. 15 મિનીટ માટે કેકને માઈક્રોવેવમાં જ પકાવવા દો.
  5. 15 મિનીટ પછી કેકને બહાર કાઢી, તેના પર ક્રીમ કે આઈસીંગ સુગરથી સજાવીને ઠંડી અથવા ગરમ પીરસો.

નોંધ: Oreo બિસ્કીટની જગ્યા એ ઘરમાં પડેલા કોઈ પણ ચોકલેટ બિસ્કીટ વાપરી શકાય.

લાગતું વળગતું: શું તમે પણ ફૂડ લેફ્ટ ઓવર સમસ્યાથી ગ્રસ્ત છો? પરંતુ હવે નહીં રહો તેની ગેરંટી

કોકોનટ બોલ્સ

Photo Courtesy: YouTube

સામગ્રી

1+½ કપ ખમણેલું સિલોની કોપરું

½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

થોડી બદામ (ઓપ્શનલ)

રીત:

  1. 1 કપ સિલોની કોપરું અને કન્ડેન્સ્ડ મિલ્કને બરાબર ભેળવી દો.
  2. હવે તેમાંથી થોડું મિશ્રણ લઇ તેનો બોલ બનાવો. બોલની વચ્ચે બદામ કે અન્ય ડ્રાયફ્રુટ મૂકીને બરાબર બોલ બનાવી દો.
  3. આ બોલ ને બાકી રહેલા ½ કપ કોપરામાં રગદોળી લો.
  4. આ જ રીતે બાકીના મિશ્રણના બોલ્સ બનાવી દો.
  5. આ બોલ્સને 15-20 મિનીટ માટે ફ્રીજમાં રાખી ને ઠંડા ઠંડા એન્જોય કરો.

સ્ટ્રોબેરી કોબ્લર

Photo Courtesy: doradaily.com

સામગ્રી

4 ટેબલસ્પૂન મેંદો

1 ટેબલસ્પૂન ખાંડ

½ ટીસ્પૂન બેકિંગ પાઉડર

1/8 ટીસ્પૂન મીઠું

1 ટેબલસ્પૂન બટર

2 ટેબલસ્પૂન દૂધ

¾ કપ સ્ટ્રોબેરી, સમારેલી

2 ટેબલસ્પૂન બૂરુ ખાંડ

રીત

  1. એક બાઉલમાં મેંદો, ખાંડ, બેકિંગ પાઉડર અને મીઠું લઇ બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં બટર અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને બાજુ પર રહેવા દો.
  3. એક માઈક્રોવેવ પ્રૂફ બાઉલમાં સ્ટ્રોબેરી અને બૂરુ ખાંડ લઇ બરાબર મિક્સ કરી લો.
  4. તેના ઉપર મેંદાનું મિશ્રણ ઉમેરી, એક લેયરની જેમ પાથરી દો.
  5. બાઉલને નોર્મલ માઈક્રોવેવ મોડમાં 90 સેકન્ડ માટે ચલાવો.
  6. તૈયાર થઇ જાય એટલે ઉપર વ્હીપ્ડ ક્રીમ કે કેરેમલથી સજાવીને ગરમાગરમ પીરસો.

તો ટીમ echhapu ને તેના 1000માં આર્ટિકલ બદલ એક હજારથી પણ વધુ શુભેચ્છાઓ.

eછાપું

તમને ગમશે: અમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here