આજની યમદ્રષ્ટિ – યમ ની દાઢ… એય પાછી કેવીટી વગરની એટલે ઇન્ફ્લુએન્ઝા

9
512
Photo Courtesy: Vaidhya Gaurang Darji

લાસ્ટ લેખમાં ચ્યવનપ્રાશ ખાવાનું ઘેલું લગાડી હવે વાત કરવી છે યમ ની દાઢની…યમરાજ ટીકીટો ફાડવાના દેવ છે, અમુક ચેકપોસ્ટ કે અમુક ટ્રાફિક પોઈન્ટ પર મહિનાનો ક્વોટા અમુક દિવસોમાં સાગમટે યુદ્ધના ધોરણે પૂરો કરાય છે, એમ એવું મનાય છે કે યમ્મી-યમરાજ લાસ્ટ વરસનું સરવૈયું આ દિવસોમાં પૂરું કરે છે.

Photo Courtesy: Vaidhya Gaurang Darji

દિવાળીનો નાસ્તો ભેળ બનીને પૂરો થઇ ગયો છે, દીવાનું ન્યૂ યર દારૂના ન્યૂ યરની તરફ આગળ વધી રહ્યું છે. ફૂલ ગુલાબી ઠંડી વાતાવરણ, શાયરી અને યાદોમાં વરતાવા લાગી છે. લગનીયા થનગની રહ્યા છે, ગુજરાતીઓ ફરવાના સ્થળેથી પાછા આવી શેર બજારે વળગ્યા છે, હજુ જોઈએ એવી ઠંડી જામી નથી એવું અમુક તમુક નેગેટીવિયાવ નાક લૂછતાં લૂછતાં બોલતા જાય છે, થાળીએ ઓળો-રોટલો ને લસણે દેખાવાનું ચાલુ કરી દીધું છે. નવા જીમોમાં લવ સ્ટોરીઓ ટ્રેડમિલ પર હાંફવા લાગી છે, દિવસે એસી અને રાત્રે એકબીજાનું ઓઢવાનું ખેંચવાનું કોમન બન્યું છે, પંખો ક્યાંક બંધ થયો છે તો ક્યાંક 1-2ની સ્પીડે એકલતાથી મદહોશી ઘુમાવતો જાય છે, સ્પા વાળાવે આ સિઝનમાં માલીશ શેક પણ કરવાના ચાલુ કર્યા છે…

કેમ એવું તે શું હોય છે આ દિવસોમાં? આ ખાસ તારીખો કઈ હોય છે?

આમ જોવા જઈએ તો અંગ્રેજી સિઝન મુજબ 22 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધીના દિવસો ને યમ ની દાઢના દિવસો ગણી શકાય. કારતકના ઉતરતા છેલ્લા 7 અને માગશર શરુ થવાના પહેલા 7 દિવસ… શરદ ઋતુ પૂરી થઇ ઠંડીની ઋતુની શરૂઆત આ દિવસોમાં થાય છે. આ દિવસો ને તાવ ફ્લ્યુની મૌસમ તરીકે ગણવામાં આવે છે. ભાગ્યેજ કોઈ ઘર બાકી હશે કે જેમાં આ સિઝનમાં કોઈ માંદગીમાં પટકાયું ન હોય. એક તો ઋતુનો પ્રભાવ, રહેણીકરણી અને જૂની ખાનપાનની કુટેવો આ યમ મૌસમ માં ખાસ નડી જાય છે.

શરદમાં પિત્ત ખુબ જ વધી જાય છે ત્યાર બાદ શરદ ઋતુ મુજબ ખાનપાન ન કર્યા હોય કે ટેવો ન બદલી હોય તો આ સિઝનમાં વધેલું પિત્ત અનેક રોગો લાવી મુકે છે. એકતો આખો દિવસ બફારો અને રાતથી ઠંડુ પડતું તાપમાન શરીરને વિવિધ બદલાવોથી આક્રાંત કરે છે જેના માટે અગાઉની ઋતુના એકધારા હવામાન થી ટેવાયેલું શરીર તૈયાર હોતું નથી. એકધારી પરિસ્થિતિ શરીરની ઇમ્યુનિટીને એક ચોક્કસ સ્ટેજ પર લાવી જડ બનાવી દે છે. જેમ આખું વરસ મશીનગન પકડી બેઠેલો રક્ષક હુમલા સમયે ઊંઘતો ઝડપાઈ જાય છે એમ એવી જ હાલત યમ સિઝનમાં શરીરની ઇમ્યુનિટી સિસ્ટમની થાય છે. પરિણામે કોઈ પણ વાયરસ-બેક્ટેરિયાનો ચેપ ઝડપ થી શરીર માં ફેલાઈ ને રોગ કરવાને સમર્થ બને છે.

આવી જ એક યમની દાઢ રૂપ ઇન્ફ્લુએન્ઝા ને 2018માં 100 વરસ પુરા થયા. 1918માં એકાએક અમેરિકી કેમ્પોમાં સૈનિકો તાવ-માથું-શરદી થી મરવા લાગ્યા, શરૂઆતમાં વિજ્ઞાન બેક્ટેરિયા પુરતું મર્યાદિત હતું. એ વખતે બેક્ટેરિયા પાણીમાંથી ગળાઈ જાય એવી ચિનાઈ માટી કે પોર્સેલીનની ફિલ્ટર આવતી એમાંથી પણ આ જીવાણું ગળાઈને નીકળી જતા હોવાથી એ બેક્ટેરિયાથી અલગ હોવાનું જાણ્યું અને છેવટે વાયરસના પિતામહ એવા ઇન્ફ્લ્યુએન્ઝાની શોધ થઇ. સ્પેન શરૂઆતમાં વિશ્વયુદ્ધમાં જોડાયું નહતું અને માત્ર આ ફ્લ્યુના સમાચાર જ છાપવાનું કામ કરતો હોવાથી આ તાવને સ્પેનિશ ફીવર કહી ઠેકડી પણ ઉડાડાતી.

વાયરસનું બહારનું પડ એક ચોક્કસ પ્રોટીનનું બનેલું પ્રવાહી સ્વરૂપનું હોય છે, આ પ્રવાહી પાણી-તેલ-મીણ જેવા પદાર્થોમાં પણ ભળતું નથી. પરંતુ માનવશરીરના કોષના કોષરસમાં ભળીને પોતાનો વિકાસ કરે છે. ઉનાળામાં ભીષણ ગરમીના કારણે વાયરસનું આ પડ સુકાઈ જવાથી વાયરસ નાશ પામે છે અથવા નબળા પડે છે. હવે ઠંડી પડતા આ પડ જામવાની શરૂઆત થાય છે અને એમાંથી એ જેલ (gel) જેવું ઘાટું બને છે શિયાળો દિવાળી પછી પકડાય એમ આ પડ રૂ જેવું જાળીદાર બની ને વાયરસ એક દડા જેવું સ્વરૂપ ધારણ કરે છે. આ હલકો વાયરસ હવામાં એક માણસમાંથી બીજામાં મોટેભાગે શ્વસનતંત્ર ના માર્ગે ફેલાય છે. શરીરમાં જઈ શરીરની ગરમીથી પાછું આ પડ પ્રવાહી સ્વરૂપ પકડે છે, જેથી પ્રવાહી પડવાળા સ્વરૂપે વાયરસ પાછો અસરગ્રસ્તના શરીરમાં પોતાનો વંશવિસ્તાર વધારવાના કામે લાગી જાય છે. ટૂંકમાં ઠંડું અને સુકું વાતાવરણ વાયરસને ફેલાવા માટે ખુબ જ સાનુકુળ હોઈ આ યમ સિઝનમાં વાયરસથી થતા તાવ વગેરે રોગોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે.

ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઉપર રહેલા પ્રોટીનના પ્રકારમાં H- 1 થી 18 અને N 1 થી 11ના આધારે તેના નામકરણ થાય છે. વાયરસ સતત આશ્રય લીધેલા શરીરના આધારે પોતાના સ્વરૂપો બદલતા જાય છે. એક સમયે કોઈ એક સ્વસ્થ વ્યક્તિના હાથ પર પણ લાખો વાયરસ હોઈ શકે છે. તેમાંના કોઈ પણને શરીર પર હાવીન થવા દેવો અને શરીરને રોગોથી બચાવવું એ ઇમ્યુનિટી સિસ્ટમનું રાઉન્ડ ધી કલોક કામ છે. પણ આ અદ્રશ્ય દુશ્મનો, તેમની જાતો, તેમની હુમલો કરવાની પદ્ધતિઓ અને એ ક્યાંથી ક્યારે હુમલો કરશે અને કોના શરીરમાં કે ક્યાં બેઠા હશે કેવા શક્તિશાળી થઇ બેઠા હશે તમામ બાબતો આપણાથી અજાણ છે.

લાગતું વળગતું: ઝીકા વાયરસ વિષે એ તમામ માહિતી જે તમારે જરૂરથી જાણવી જોઈએ

હજુ માનવજાત આ દુશ્મનો સામે રોજ હારે છે, કાળના ખપ્પરમાં લાખો ભોગ એકલો આ વાયરસ કોઇપણ રૂપે આવીને યમરાજનો ક્વોટા પૂરો કરી જાય છે. આવા સમયે વહારે આવે છે આયુર્વેદિક વિજ્ઞાન…ચાલો જાણીએ એ સરળ ઉપાયો કે જે આવી યમ ની દાઢ માંથી તમને બચાવી શકે છે:

ખોરાક :

  • સુપાચ્ય, તાજો, હળવો અને ગરમ ખોરાક જ ખાવો. ઉકાળેલું પાણી એ કફજન્ય રોગોમાં ફાયદો કરે છે તેથી હમણાં તેનો જ ઉપયોગ કરવો. જેટલો ભારે ખોરાક લેશો તેટલું અજીર્ણ થશે. એટલાજ વાયરસ શરીરને વધુ આક્રાંત કરશે.
  • મગ, મગની દાળ, ખીચડી, દાળ-ભાત, દૂધી, રીંગણ, કારેલા, પરવળનું શાક, બાજરીના રોટલાં વગેરે પણ ગરમ અને ગરમ તથા સમયસર ભોજન લેવું.
  • મીઠાઇ, ચીઝ, પનીર, ડેરીની બનાવટો, બ્રેડ, બિસ્કીટ, પાઉં, બહારના નાસ્તા, ચિકાશ વાળા, કલર અને પ્રિઝરવેટીવવાળા ખોરાક, નોન-વેજ વગેરે ન લેવાય તેટલું સારું.
  • વાસી ખોરાક અને જંકફૂડનો સદંતર ત્યાગ કરવો, સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું.

વિહાર :

  • છીંક કે ઉધરસ ખાતી વખતે મોં પર રૂમાલ રાખવા, બને તો ડિસ્પોઝેબલ પેપર નેપકિનનો ઉપયોગ કરવો.
  • નાક, મોં અને આંખોને ન અડકવાથી, રોગજન્ય વિષાણુનું આગળ પ્રસરણ અટકે છે.
  • હાથને વારંવાર સાબુથી ધોવા, ખાસ કરીને ખાંસી કે છિંક આવ્યા બાદ હાથ સાફ કરવા માટે આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝર કે લીમડાનો સાબુ પણ વાપરી શકાય. જ્યાં વધુમાંવધુ લોકો અડતાં હોય તેવી જગ્યાએ અડવું નહી.
  • બીનજરુરી મુસાફરી અને ભીડભાડથી દુર રહેવુ અને આવી જગ્યાએ માસ્ક પહેરીને જ જવું.
  • માસ્ક : નાકે રૂમાલ બાંધવો કે માસ્ક ધારણ કરવો. કુદરતી સહુથી મોટો માસ્ક એટલે ગાયના ઘીના નાકમાં ટીપાં નાંખવા. ઘરથી બહાર નીકળતા પહેલા દેશી ગાયના ઘીના ટીપાં નાકમાં નાખવાથી નાકમાં શ્લેષ્મકલામાં ચોક્કસ સુરક્ષાત્મક પડ જમા થાય છે જે વાયરસને આગળ વધતા અટકાવે છે. સહુથી હાથવગી અને સહુથી સહેલી આ ક્રિયા નાના મોટા સહુએ કરવા જેવી છે.
  • સારી ઉંઘ અને આરોગ્યપ્રદ જીવનશૈલીથી આ રોગથી બચી શકાય છે.
  • આપની રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખો અને શારીરિક રીતે સક્રિય રહો.
  • વ્યસનો દુર રહેવુ અને દારુ પીવાનું ટાળવું.
  • રોજીંદી કે ઘર વપરાશની વસ્તુઓ કે સપાટીને અડક્યા પછી સાબુ અને પાણીથી વ્યવસ્થીત રીતે હાથ ધોવા.
  • એ.સી, કુલર, વધુ તેજ પંખાનો ઉપયોગ ટાળવો.
  • કસરત: પરસેવો નીકળે એટલી હદ સુધીની કસરત દરરોજ આ સિઝનમાં જરૂર કરવી, જેટલી વધુ કસરત કરશો તેટલો વધુ પરસેવો નીકળી શરીરને વિષાક્તતત્વોથી દુર રાખશે.

ધૂપ:

કોઇપણ સંક્રામક રોગોમાં અને ખાસ કરીને વાઇરસજન્ય રોગોમાં હોમ-હવન-ધૂપ એ વાતવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે અને આવા સમયે નિત્ય બે વાર ઘરમાં ધૂપ કરવો જરૂરી છે. જેમાં લીમડો, ગુગળ, તુલસીનું ચૂર્ણ, કપૂર, ગાયના છાણાં, ગાયના ઘીનો ધૂપ વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે.

સુંઘવાની સાકરમાં મળતી ઘનસારયોગ જેવી દવા કે અજમાની પોટલી રોજ રૂમાલમાં નાખી વારેવારે સુંઘતા રહેવું, બાળકોને કપડામાં લગાડવી.

આશા છે કે યમ સિઝનમાં ઉપરોક્ત ઉપાયો અજમાવીને તમામ સ્વસ્થ રહેશે. તો બધાને હેપ્પી શિયાળો અને જય આર્યુર્વેદ!

eછાપું

તમને ગમશે: જુગાર- દુગ્ગી પે દુગ્ગી હો, યા સત્તે પે સત્તા… આયા ‘શ્રાવણ’ ઝૂમ કે!

9 COMMENTS

  1. સુંદર પણ લેખમાં વૈદ્યની ઝલક નથી. આયુર્વેદના વૈદ્યરાજ પાસે વધુ આયુર્વેદની અપેક્ષા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here