ચીનમાં બોલીવુડની ફિલ્મો – જી લલચાયે, રહા ન જાયે…ઔર ધૂમ મચાયે!

0
388
Photo Courtesy: boanalyst.com

2017માં એક સ્કૂલ જતી છોકરીને મહત્ત્વની ભૂમિકામાં દર્શાવતી આમિર ખાનની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ રિલીઝ થયેલી. આ ફિલ્મ ફક્ત 15 કરોડના ખર્ચે બનેલી પણ 6000 ટકા કરતાં પણ વધુ રીટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ (ROI) મેળવીને વિશ્વવ્યાપી 965 કરોડનો વકરો કરી ગઈ. આ જ ફિલ્મે ચીનમાં માર્વેલની બ્લૅક પેન્થર (Black Panther) અને સ્ટાર વૉર્સની ધ લાસ્ટ જેડાઈ (The Last Jedy) જેવા દિગ્ગજ બેનરોવાળી ફિલ્મોને પાછળ પાડી દીધી. ચીનમાં જે અઠવાડીયે સિક્રેટ સુપરસ્ટાર રિલીઝ થઈ, એ સપ્તાહે એકલા પ્રદેશમાં સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ બની.

Photo Courtesy: boanalyst.com

‘ભારતીય સિનેમા’ ફિલ્મો નિર્માણ કરવામાં દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. સન 1913થી શરૂ થયેલી બોલીવુડની સફર, આજે દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડી ચૂકી છે. 2017માં ભારતે કુલ 1986 ફિલ્મો નિર્માણ કરેલી, જેમાંથી 364 ફિલ્મો બોલીવુડમાંથી રજૂ થયેલી. ભારતની કુલ બોક્સ ઓફિસ આવકના 43% બોલીવુડમાંથી આવે છે. ચીનના પ્રેક્ષકો અને માર્કેટ ભારત કરતાં જુદા છે. આમિર ખાને આવા મસમોટા માર્કેટને કઈ રીતે કવર કર્યું હશે, એ જાણવા પહેલાં થોડો ઈતિહાસ જોઈ લઈએ.

ચીનમાં બોલીવુડની ફિલ્મો રિલીઝ કરવી એ કંઈ નવું નથી. વીસમી સદીમાં રાજ કપૂર-નરગીસની ફિલ્મ ‘આવારા’ ચીનમાં અત્યંત ફેમસ હતી. સોવિયેટ યુનિયન અને ચીનમાં આવારા ફિલ્મે પોતાના સમાજવાદી મૂલ્યોને કારણે લોકોના હ્રદયમાં જગ્યા બનાવી લીધી. યુટ્યુબ પર Chinese fan singing awara hoon સર્ચ કરીને આ વાતની ખાત્રી કરી લેજો. પણ 1966 થી 1976 સુધી ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ (Cultural Revolution) આવી. આ ક્રાંતિ ચીનમાં એક સામાજિક રાજકીય ચળવળ હતી. ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝેડોંગ (Mao Zedong) દ્વારા શરૂ કરવામાં આવેલી આ ક્રાંતિનો નિશ્ચિત ધ્યેય દેશમાં ‘સાચા’ સામ્યવાદી વિચારધારાને સાચવવાનું હતું. ચીની સમાજમાંથી મૂડીવાદી અને પરંપરાગત તત્વોના અવશેષોને શુદ્ધ કરીને લોકોને ચીની સંસ્કૃતિ તરફ વાળવા એ આ ક્રાંતિનો ખરો ધ્યેય હતો. એ સમયે બીજા દેશોમાંથી આવનારા અન્ય સંસ્કૃતિ અને મનોરંજન માટે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો.

દસ વર્ષના ગાળા પછી ‘આવારા’ ફિલ્મને ફરી ‘દો બીઘા ઝમીન’ ફિલ્મની સાથે રિલીઝ કરવામાં આવી. ભારતમાં રિલીઝ થયાના લગભગ 2 દાયકા પછી દો બીઘા ઝમીન રિલીઝ કરવામાં આવેલી. એ પછી તો ફિલ્મોની લાઈન લાગી – કારવાં, નૂરી, લગાન, માય નેમ ઈઝ ખાન, પીકે, હેપ્પી ન્યુ યર, ટોયલેટ – એક પ્રેમકથા, બાહુબલી (1 અને 2), હિન્દી મીડિયમ, ધૂમ-3, બજરંગી ભાઈજાન, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર જેવી અનેક ફિલ્મો ચીનમાં રિલીઝ થઈ અને કરોડોનો વકરો કરી ગઈ. અત્યારે પણ ચીનમાં રિલીઝ થયેલી અને સૌથી વધુ રેવેન્યુ મેળવેલી ટોપ 50 ફિલ્મોમાં ‘દંગલ’નું નામ આવે છે.

ચીનમાં ફિલ્મ રિલીઝ થાય અને આટલો વકરો કરે એ પાછળ શું કારણ હોઈ શકે? અને આવું ઘોડાપૂર ક્યારથી શરૂ થયું હશે? ચીની લોકોમાં હિન્દી ફિલ્મોનો ક્રેઝ ‘થ્રી ઈડિયટ્સ’થી વધુ પડતો પકડમાં આવ્યો. ચીનમાં ભારતીય સિનેમાની નવી તરંગ 2009 ની શરૂઆતમાં આવી. રાજકુમાર હિરાણીની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ક્યારેય ચીનમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ જ નથી. ફિલ્મ થિયેટરીક રીતે બહાર પાડવામાં ન આવી, પરંતુ હોંગકોંગમાં એની પાયરેટેડ સી.ડી./ડી.વી.ડી. રાતોરાત સુપરહીટ બની ગઈ. આ હકારાત્મક ઉપલબ્ધિએ લોકોના મુખેથી પ્રચાર કરવો શરૂ કર્યો અને જોતજોતામાં ચીન, હોંગકોંગ અને તાઈવાન વિશાળ પાયે બોલીવુડના (ખાસ કરીને આમિર ખાનના) ચાહક બની ગયા.

‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના ન્યુઝ મિડિયામાં લખાયેલા શબ્દો આવા હતાઃ

He is the movie star with many names. ‘India’s conscience’ to Chinese media; ‘Guaranteed Sales’ to film distributors, and nothing less than Nan Shen (Male God) to Mandarin-speaking silver screen lovers. Yet those most familiar with the man shattering record books for Bollywood films in China refer simple – and fondly – to ‘Uncle Aamir’. ચીનનું મિડિયા આમિર ખાનને ભારતનો અંતરાત્મા કહે છે. આમિર ફક્ત સ્ટાર જ નથી પણ મેન્ડેરીન (ચીની ભાષા) બોલનારા લોકો માટે ‘નાન શેન’ (ભગવાન) સમાન છે. લોકહૈયે આમિર ખાન ‘અંકલ આમિર’ના નામે ઓળખાય છે.

લાગતું વળગતું: બોલિવુડની સૌથી વધુ કમાણી કરી ચુકેલી 5 ફિલ્મો કઈ કઈ છે?

હવે ઈતિહાસમાંથી બહાર નીકળીને ગણિત તરફ વળીએ.

2018ના આંકડા જોઈએ તો ભારતમાં અંદાજે 132 કરોડની વસ્તી છે અને ચીનમાં 141 કરોડની. FICCI-FY નો 2018નો રીપોર્ટ ફિલ્મો દર્શાવનારી સ્ક્રીનનો તાળો મેળવતા કહે છે કે ભારતમાં કુલ 9500 સ્ક્રીન છે જ્યારે ચીનમાં 55000 સ્ક્રીન છે. આનો અર્થ એવો થાય કે ભારતમાં દર 138 હજાર લોકો દીઠ 1 સ્ક્રીન છે જ્યારે ચીનમાં દર 25 હજાર લોકો દીઠ 1 સ્ક્રીન છે. મોટામાં મોટા બેનરની ફિલ્મને પણ ભારતમાં 5000 થી 5500 સ્ક્રીન જ મળી શકે જ્યારે યશરાજની ફિલ્મ સુલ્તાનને ચીનમાં રિલીઝ વખતે 11000 સ્ક્રીન મળેલી. આ ગણિતના આધારે જોઈએ તો ટિકીટના ભાવ જો બંને દેશમાં સરખા હોય તો પણ ચીનમાં કોઈ પણ ફિલ્મને વધુ વકરો થાય એમાં બે મત નહીં.

બીજો મહત્ત્વનો સંદર્ભ સામાજિક મૂલ્યોનો પણ છે. મા-બાપ, ભાઈ-બહેન, અમીરી-ગરીબી, પરિવાર, વ્યક્તિગત સપનાં, સ્ત્રી-પુરુષ વિષમતા, ગ્રામીણ કે શહેરી વિષમતા – આ દરેક ભાવનાઓના ચીનમાં પણ પડઘા પડે છે. આખરે તો આપણે બધા એશિયા ખંડના જ રહેવાસી છીએ. આપણી ભારતીયોની સામાજિક ભાવનાઓ ચીનીઓને પણ વિચારવા મજબૂર કરી દે. બંને દેશો ખૂબ ઊંડા સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે, જેમના લોકો આર્થિક વિકાસમાં ઝડપી પરિવર્તન, પૈસા માટે સંઘર્ષ, પરંપરાઓ, અસ્વસ્થતા અને અસમાનતાઓમાં પરિવર્તન લાવ્યા છે. ચીનના ઉંમરલાયક લોકો માટે બોલીવુડ નોસ્ટેલ્જિયા છે જ્યારે જુવાનિયાઓ માટે એક ફ્રેશ અને શુભારંભ (કારણ કે તેઓ નાનપણથી હોલીવુડ કે જાપાનીઝ કે કોરિયન ફિલ્મો જોઈને જ મોટા થયા છે).

બોલીવુડની ફિલ્મોને ફક્ત ચીની ભાષામાં ડબ કરીને જ નહીં પણ નવા પડકાર સ્વરૂપે કુંગ-ફુ યોગા (Kung-Fu Yoga) અને બડીઝ ઈન ઈન્ડિયા (Buddies in India) જેવી ફિલ્મો પણ નિર્માણ થઈ જ છે અને કપિલના શોમાં ફિલ્મની પબ્લિસિટી પણ થઈ હતી. ખરેખર તો 2014માં જ્યારે જીનપિંગ અમદાવાદ આવેલા ત્યારે ભારત અને ચીન વચ્ચે કરાર થયેલા કે બંને દેશોના કલાકારોને લઈને ભારત અને ચીન ચાર-ચાર ફિલ્મો બનાવશે. સલમાનની ટ્યુબલાઈટ અને જેકી ચેનની કુંગ-ફુ યોગા આ કરારરૂપે બની હતી (જો કે બંને ફિલ્મોને એક સમયના ભારત-ચીનના સંબંધોની જેમ દર્શકો તરફથી ઠંડો રિસ્પોન્સ જ મળ્યો હતો). 89મા ઓસ્કર એવોર્ડ માટે ચીનની સત્તાવાર એન્ટ્રી તરીકે શુઆંન ઝૅંગ (Xuan Zang) નામની ફિલ્મ બેસ્ટ ફોરેન લેંગ્વેજ શ્રેણી માટે મોકલવામાં આવેલી. એ ફિલ્મ 17મી સદીના એક ચીની બૌદ્ધ સાધુની કથા છે. તાંગ વંશમાં આલેખાયેલી એ કથામાં સોનુ સૂદે એક ભારતીય રાજાનો રોલ કરેલો. ઈરોઝ (Eros) કંપનીએ પણ બે ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છેઃ કબીર ખાનની ફિલ્મ ‘પાન્ડા’ અને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘લવ ઈન બીજિંગ’. ચીની સરકારનું વલણ ઘણી હદે બદલાયું છે એટલે જ એકાદ ફિલ્મનું શૂટિંગ પૅરિસમાં થવાનું હતું પણ ચીની સરકારના બદલાયેલા અભિગમને કારણે શૂટિંગ શાંઘાઈમાં કરવામાં આવ્યું.

એશિયાના આ બે દિગ્ગજ હરીફો – ભારત અને ચીન – ફિલ્મોના બહાને નવા પ્રેમમાં પડ્યા છે? યે તો વક્ત હી બતાયેગા….

પડઘોઃ

જગતની કોઈ પ્રજાએ સર્જી હોય એના કરતાં વધારે કવિતા ચીને સર્જી છે એમ કહેવાય છે. કવિ-વિદ્વાનને ચીનમાં હંમેશાં પ્રતિષ્ઠાના શીર્ષસ્થ સ્થાને બેસાડવામાં આવે છે. માણસ અને પ્રકૃતિ ચીની કવિતાના બે આધારો રહ્યા છે અને પ્રેમની પાછળ હંમેશાં વેદનાની એક કસક રહી હોય છે. માત્ર તાંગ વંશ (સન 618 થી 906) ની કવિતા 1717માં પ્રકટ થઈ ત્યારે એમાં 49000 કવિતાઓ હતી, જે 900 પુસ્તકોમાં સંગ્રહિત હતી.

ચંદ્રકાંત બક્ષીના પુસ્તક ‘સંસ્કાર અને સાહિત્ય’માંથી સાભાર

eછાપું

તમને ગમશે: ”મેરા બેટા એન્જીનીયર/ડોક્ટર બનેગા” આ બધું અંતે ક્યાં જઈને વાગશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here