મસ્કત: ‘રણમાં જળ તું’ – અરબસ્તાનની મરુભૂમિનું એક રસપ્રદ પ્રવાસ વર્ણન

0
340
Photo Courtesy: Sunil Anjaria

હું 2017 નવેમ્બરમાં ઓમાન દેશની રાજધાની મસ્કત રહેલો. ઓમાન અરબસ્તાનના રણ પ્રદેશનો દેશ છે. મસ્કત એક અતિ પ્રાચીન વ્યાપારી બંદર ઉપરાંત એક વિકસિત શહેર છે.

અત્રે મસ્કતમાં ઓફિસ ટાઈમ સવારે 8 થી સાંજે 4. છતાં બધાને સાડા છ તો વાગે જ. ઓમાનીઓ કરતા ભારતીયોની વસ્તી વધુ. બધા કામગરા હોઈ સવારે સાડાસાત વાગે ભાગે, મોડી સાંજે કાર ભગાવતા આવે. શુક્ર શનિ રજામાં તાજા થઈ રહેવા નજીકના સ્થળોએ અવશ્ય જાય. અમે પણ એક દિવસમાં જઈને અવાય એવું વાદી સાબ અને બીમા સિંક હોલ નક્કી કર્યું.

સવારે 10 આસપાસ નીકળ્યાં, નજીકના પેટ્રોલપંપ પર જ જરૂરી વસ્તુઓનો સ્ટોલ હોય જેથી એક પંથ ને દો કાજ બને. ત્યાંથી બ્રેડ,ચીઝ, બટર, ફ્રુટ વગેરે અને પાણી, ગ્લુકોઝ ની બોટલો લઈ લીધી.

Photo Courtesy: Sunil Anjaria

પ્રથમ લક્ષ્ય વાદી સાબ. મસ્કત થી 250 કી મી દૂર સુર નામનું શહેર છે  તેની પહેલાં આ સ્થળ આવે. નવો એક્સપ્રેસ હાઈવે મત્રા વિસ્તાર થી થઇ ગામને વીંધીને જાય છે જે ટૂંકો હોઈ લીધો. બીજો રસ્તો અમીરાત વિસ્તાર થઈ જાય છે જે પર્વતો વચ્ચે આખો રસ્તો રહે છે. આ રસ્તો અમુક અંતર સુધી સીધો છે. બાકી પર્વત ખોદી બનાવેલો છે જેથી એક બાજુ ભૂરો સમુદ્ર ને બીજી બાજુ ઊંચા પીળા રેતીના પરંતુ કાળમીંઢ કહી શકાય તેવા પર્વતો વચ્ચે થી પસાર થવાની ચડતા બપોરે મઝા અલગ જ હતી. બહાર દિવસ ચડતાં 40 સેન્ટિગ્રેડ તાપમાન બળબળતું અને કાર ના એસી ને લીધે અંદર 25 સે. હતું.સીધા રસ્તા અને ફેંકાતા પ્રકાશ ને લીધે ડ્રાઈવરની કસોટી થઇ જાય તેવી મુસાફરી સવારે 11 વાગ્યે હતી.

આશરે પોણા બારે વાદી સાબ પહોંચ્યા. વાદી એટલે રણમાં પાણીનો સ્ત્રોત ધરાવતી જગ્યા. ઉપરથી ઊંચો પુલ જે સુર તરફનો એક્સપ્રેસ હાઈવે છે અને નીચે વાદી જવાની જગ્યા. નારીયેળી, ખજૂરીઓથી ભરેલી.   નાની નદી પસાર કરી સામા કાંઠે જવા મોટરબોટ હોય જે વ્યક્તિ દીઠ એક રિયાલ એટલે આપણા 165 રૂ. જેવા લે. હા, અહીં ઠાંસીઠાંસીને ભરે નહીં. એક બોટમાં 5 કે 6 લોકો જ.

સામે ઉતરો એટલે  વાતાવરણ જ બદલાઈ જાય. ઓમાનીઓ પીકનીક મનાવવા ખુરશીઓ અને રાંધવા ઇલેક્ટ્રિક સગડી, કાચું માંસ વગેરે લઈ આવ્યા હોય. જંગલી બકરી, નજીક બાંધેલો ગધેડો અને ટ્રેકિંગ શરૂ થતો રસ્તો. રસ્તો સફેદ અકીક જેવા લિસા ચળકતા પથ્થરો અને કાંકરાથી બનેલો. બે સાઇડ પર ખજૂરીઓ અને કાંટાળા પાન હાથથી ખસેડતા જવાનું. એક પર્વતોથી છાયો બનાવતું ઝીણા સફેદ કાંકરાઓ વાળું સપાટ સ્થળ જોઈ સામાન ત્યાં મુકવા અટકી, ખાવા પીવાનું ત્યાંજ સુરક્ષિત મૂકી અમે આગળ જવું શરૂ કર્યું.

હવે એક પોઇન્ટ આવ્યું જ્યાં બન્ને બાજુ ઊંચા પર્વતો અને વચ્ચે ખુલ્લો પહોળો રસ્તો જેથી જે બોલો એના સ્પષ્ટ પડઘા પડે. તાળીઓથી શરૂ કરી તાનમાં આવી ઓમ નમઃ શિવાય કે ફિલ્મી પંક્તિઓ ખુદને તેમજ આસપાસ જતા વિદેશીઓને સંભળાવી. તેઓ કુતુહલ થી જોઈ રહ્યા પણ એમની ચીસો સાથે કહેવાતાં વાક્યો અમે અંગ્રેજી સિવાય ન સમજ્યા.

એક ગ્રૂપ તો ઢોલ વગાડી ગીતો ગાતું હતું.

હવે પર્વતો વચ્ચે નાની કેડી શરૂ થઈ. સાંકડી પગથી પર કાંટાળી ખજૂરીઓ, ઉતાર ચડાવ અને મોટા ગોઠણ જેટલા ઊંચા પથ્થરો ઓળંગવા પડે. સ્પોર્ટ શૂઝ સિવાય ચાલવાનું ગજું નહીં.  લાઈટ ફ્લોટર તમારા જોખમે પહેરી શકો.ગુફા જેવું આવે ત્યાં વિસામો લો , વળી ચાલો. ઊંચેથી નીચે ભરેલા પાણીમાં કેટલાક નીચે ઉતરી તરતા પણ હતા, એક બે યુવાનો ઉપરથી ભૂસકો મારવા જતા હતા પણ એમના સાથીઓ એ રોક્યા. નીચે છીછરું ને પથરાળ હોય તો? એનો તાગ લગાવી ન શકાય. નહાનારા સાથે  નહાનારીઓ પણ હતી એ પણ રુષ્ટપુષ્ટ , ગોરી ચટ્ટ વિદેશીઓ. સારું, થોડો થાક ઉતરી ગયો!!

સહેજ જ આગળ શરૂ થયા ઝરણાં. કુદરતી એકદમ મીઠું પાણી ને ભર બપોરની ગરમી વચ્ચે ઠંડુ મઝાનું.  પહાડની ઉતાર ચડાવ વાળી કેડીઓ અને વચ્ચે વચ્ચે કાંકરાઓ વાળા રસ્તે આશરે 2 કી. મી. જતા પોણા કલાક ઉપર થયું. અંતે એક ગુફા દેખાઈ જ્યાં લોકો સેલ્ફી લેતા હતા, કપડાં પાથરી બેઠા હતા અને ગુફા ખાસ્સી ઊંચાઈએ હોઈ નીચે જોતા હતા. નીચે ઉતરવાનું સાવચેતી ભર્યું હતું.

અહીં ઓમાની લોકો અને વિદેશી યૌવનાઓ, યુવાનો નહાતાં હતાં, તરતાં હતાં.

આ મુશ્કેલ રસ્તામાં વચ્ચે અમારી સાથી બનતી હતી પાણીની પાઇપો અને બે બાજુ ખુલ્લી ગટર જેવી “ફલાજ” સિંચાઈ સિસ્ટીમ. તેમાં પહાડ પરથી પાણીને નીચે પાડી એના જ પડવાના વેગ થી એને પાઇપો વાટે ઉપર લઇ જઈ ત્યાં થી ફરી નીચે વહેંચણી માટે વહાવવાનું. કોઈ પંપિંગ સિવાય પોતાના કુદરતી વેગ નો જ ઉપયોગ કરવાનો.

આવ્યા એથી સામી બાજુથી પરત ફરવાનું નક્કી કર્યું કેમ કે એક મેદાન જેટલા પહોળા રસ્તાની બેય બાજુ આવી કાંટાળી પથરાળ કેડીઓ છે. એકાદ પાઈનેપલ નું ઝાડ પણ મળ્યું.

બારબેકયુંમાં ગ્રીલ પર રંધાતા માંસ ની સુવાસ લેતા અમારી જગ્યાએ પહોંચ્યા અને છાયા વાળી જગ્યાએ બેસી વન ભોજન પતાવ્યું.

સુર ત્યાંથી અર્ધો કલાક એ જ રસ્તે આગળ જવાનું છે પણ ત્યાં એક મ્યુઝિયમ શુક્રવારે ખુલ્લું હશે કે કેમ અને ત્યાં દરિયા ફરતે અર્ધ ગોળ અંદર ખાંચા વાળો  corniche કહેવતો રસ્તો જોવા જેવો છે. અમે સુર જવાનું ટાળી બીમા સિંક હોલ તરફ કાર પરત લીધી.

સિંક હોલ એટલે કુદરતી રીતે જમીનમાં પડેલું ઊંડું કાણું. અહીં સમુદ્રથી થોડે દુર એટલે કે સાવ કાંઠે નહીં  પરંતુ આશરે 500 મીટર જેવું દૂર સમુદ્રના પાણીથી બની ચોતરફથી ઘેરાયેલું સરોવર. મૂળભૂત રીતે ખારું પાણી હોઈ તેમાં ડૂબવાની શક્યતા ઓછી છે. વરસાદનું પાણી ઢાળ પર થી પડીને પણ તેમાં ઉમેરાય પણ અહીં વરસાદ ભાગ્યે જ પડે.

બીમા સિંક હોલ અંદર જવા અને ત્યાંથી બહાર આવવા અલગ રસ્તાઓ છે.જે ખૂબ ઢાળ અને વળાકવાળા છે. એક તીવ્ર વળાંક સમુદ્રની ધારને અડીને છે. અહીં કાર પાર્ક કરતા જ નાનો એવો બગીચો છે. તરવા કે નહાતા પહેલાં શાવર લેવાની પુરુષો, સ્ત્રીઓ ની અલગ જગ્યા છે. થોડું ચાલી સીડી આવે છે જ્યાંથી લોકોની આનંદની ચિચિયારીઓ સંભળાવા લાગે. સીડી પર પહોંચતાં જ ઊંચા ખડકો વચ્ચે લીલુંછમ પાણીનું એક મોટા મકાનના પ્લીન્થ એરિયા જેટલું સરોવર દેખાય.

લાગતું વળગતું: UAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે

છેક સુધી નીચે ઉતરવા  પગથિયાં અને લોખંડની રેલિંગ છે. લોકો સીધા અંદર ઉતરી ને કે ધબાય નમઃ કરીને કે હિંમત હોય તો  એક બે મીટર ઊંચી જગાએથી કે , બોલો, ચારેક માળના મકાન જેટલી ઊંચી એક જગ્યાએ થી (જ્યાં પડતાં પાણી ઊંડું હતું) કૂદકો લગાવી તરતા હતા. કોઈ ગ્રૂપ એક યુવાન એ ચાર માળ જેટલે ઊંચેથી પડતા ડરતો હતો એને વન ટુ થ્રિ કહી પોરસાવતા હતા. પેલો કેટલાક અસફળ  પ્રયત્નો બાદ કુદી ગયો અને ગ્રૂપ એ તાળીઓ થી વધાવ્યો. એક થોડી નીચી જગ્યાએ કોઈ ગભરાતા યુવાનને એના સાથીએ પાછળ થી ધક્કો પણ માર્યો. નીચે તો ખૂબ નાના બાળકો થી માંડી થોડા સિનિયર સીટીઝન જેમાં લેખકનો પણ સમાવેશ થઈ જાય, તરવાની મોજ માણતા હતા.

કિશોર વયનાં બાળકો પાણી જોઈને ખૂબ જ મોજ મસ્તીમાં આવી ગયેલાં.

સ્ત્રીઓ પણ ગંગા ઘાટની જેમ નિઃસંકોચ સ્વિમિંગ કોસ્ચ્યુમ કે ડ્રેસ પહેરી નહાતી હતી.

પાણી ઉપરથી દેખાતું તો લીલું હતું પણ આપણા મંદિરોના કુંડ જેવું લીલ વાળું કે ગંધાતુ ન હતું. જમીનની અંદરથી  નવું પાણી આવ્યા કરતું હશે. નહાતાં છોળ ઉડે તે રંગ વગરની હતી. ખૂબ લોકોથી દૂર તરતા લોકો તો આચમની લઈ પીતા પણ હતા.

સાંજના પાંચ વાગવા આવ્યા ત્યાં આસપાસના પર્વતો પર તડકો ઢળી સૂર્યાસ્તની તૈયારી જેવો લાલ તડકો પથરાયો. અહીં ઓક્ટોબર ની શરૂઆતમાં સૂર્યોદય 5.35 જેટલા વાગે અને સૂર્યાસ્ત 5.40 જેટલા વાગે આશરે થઈ જાય. અમે બહાર આવી કાર શરૂ કરી હવે અમીરાત વાળો થોડો લાંબો પણ પર્વતો ઉપરથી જતો રસ્તો લીધો જેથી નીચે ખીણ માં ટચુકડાં મકાનો અને વસ્તી દેખાય. કાર માટે મસ્કત માં 120 કી.મી. સુધીની સ્પીડ માન્ય છે અને સલામત રસ્તે લોકો 140 સુધીની સ્પીડ લઇ શકે છે.  રસ્તાઓ પર્વત ચઢતા ને ઉતરતા, ઢોળાવ અને પ્રમાણ માં તીવ્ર વળાંકો વાળા હતા.

રસ્તે ફાંજા નામનું એક જિલ્લા વડું મથક પસાર થયું. જિલ્લાને અહીં વિલાયત કહે છે. અહીં પણ સુંદર શાંત બીચ છે. ફેફસાં માં તાજી હવા ભરવા રોકાયા.

મસ્કત આશરે દોઢ કલાકની મુસાફરી બાદ આવ્યું. એની છડી પોકારી જાણે જમીન માંથી બીજું આકાશ ફૂટી નીકળ્યું હોય એવા અનેક ટમટમતા પીળા દિવાઓએ. અમે એટલી ઊંચાઈએ હતા કે નીચેના દીવાઓ જાણે પ્લેન માંથી જોતા હોઈએ એવું લાગતું હતું. મસ્કતની ભાગોળે એક વ્યુ પોઇન્ટ પરથી નીચેનો આદ્દભૂત , અવિસ્મરણીય   વ્યુ જોયો.

અહીં આવી કેડ સમાંણી દિવાલ સાથે સહેજ અંદર ઝરૂખા જેવી જગ્યા હતી જ્યાં એકાદ કાર રસ્તા પર થી નીચે ઉતરી ઉભી શકે. બાકી રસ્તે ક્યાંય ઉભી શકાય નહીં. પવન વેગે આવતી ક્યારેક 150 ની સ્પીડ વાળી કાર રામ રમાડી દે. કાર પણ ખીણમાં પડે.

થોડી વાર માં મસ્કત શહેરના ગીચ પરંતુ વ્યવસ્થિત ટ્રાફિકમાં ભળી ઘર ભેગા.

સુંદર રીતે માણવી હોય તો આવી એક જગ્યાને ત્રણેક કલાક ફાળવવા પડે.

આ બે સ્થળો જોયા બાદ મને નરસિંહ મહેતાની પંક્તિ “વૃક્ષમાં બીજ તું” ની જેમ ગાવાનું મન થયું “રણ માં જળ તું”.

આમ મસ્કત અને આસપાસના વિસ્તારોનું એક યાદગાર આઉટીંગ થઈ ગયું. કદાચ આપે પણ માણ્યું હશે અને જો ન માણ્યું હોય તો હવે એકાદું વેકેશન મસ્કત જરૂર જઈ આવશો.

eછાપું

તમને ગમશે: શું તમે પણ ફૂડ લેફ્ટ ઓવર સમસ્યાથી ગ્રસ્ત છો? પરંતુ હવે નહીં રહો તેની ગેરંટી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here