હું તો ગ્યો’તો પુસ્તક મેળે…. પુસ્તક મેળાની મુલાકાતે ગયેલા કપલની વાર્તા!

0
183
Photo Courtesy: creativeyatra.com

“ઓહો…આટલું બધું ચાલવું પડશે? પુસ્તક મેળા કરતા આનું નામ પગપાળા યાત્રા મેળો હોવું જોઈતું હતું.”

“તે તારા પુસ્તક પ્રેમ માટે તું આટલું પણ ચાલી ન શકે? જો મને ચોપડીઓ વાંચવાનો જરાય શોખ નથી પણ ફક્ત તારી ખાતર હું આવ્યો છું ને? અને તારી સાથે હું પણ ચાલવાનો છું. આપણા પેશન માટે આપણે બધું જ કરી છૂટવું જોઈએ. ચલના ક્યા ચીઝ હૈ મેડમ?”

“આ લોકોએ મેઈન એન્ટ્રન્સની નજીક જ એક્ઝીબીશન હોલ રાખવો જોઈતો હતો.”

“આવતા વર્ષે આપણે કોર્પોરેશનની સલાહકાર સમિતિમાં જોડાઈ જઈશું ઓકે? અત્યારે તો જે છે એ આ જ છે.”

“તું પણ ને? બસ મનમાં આવે એ બકી નાખે છે.”

“જરા, ધ્યાનથી અહીં ખાડો છે.”

“આ લોકોએ જરાક જમીન તો સપાટ કરવી જોઈતી હતી?”

“આવતા વર્ષે આપણે જ સલાહ આપવાના છીએ ને? તો આ વખતે જરા ચલાવી લે.”

“હાશ! અંદર આવતાની સાથે જ ઠંડક થઇ. બહાર તો કેટલી ગરમી છે હેં ને? નવેમ્બર જેવું તો લાગતું જ નથી.”

“મેં તને કહ્યું હતું કે રવિવાર બપોરની ઉંઘ બગાડીને નથી જવું પણ તું ન માની.”

“એસી બહુ ઓછું છે યાર. આ લોકોને ખબર હોવી જોઈએને કે…”

“…કે આપણે અત્યારે આવવાના છીએ પુસ્તક મેળાની મુલાકાતે રાઈટ? કઇ નહીં, આવતા વર્ષે જ્યારે આપણે…”

“બસ, હવે બહુ ચાંપલો ના થા…”

“જો તારી ગમતી જાસૂસી નોવેલ્સ પેલા કોર્નરવાળા સ્ટોલમાં છે, ચલ પહેલા ત્યાં જઈએ.”

“અરે, એમ ના જવાય, પહેલા નંબરના સ્ટોલથી જ જોવાની શરૂઆત કરાય.”

“જો મારું બજેટ એક હજારનું છે અને તું પુસ્તક મેળા ના આ પહેલા સ્ટોલથી જ ખરીદી શરુ કરીશ તો એ જાસૂસીની નોવેલવાળો સ્ટોલ આવતા આવતા બજેટ પૂરું થઇ જાય તો મને કહેતી નહીં.”

“ના હવે એવું નથી, આપણને ખબર તો પડવી જોઈએને? કે દુનિયામાં કેવા પ્રકારના પુસ્તકો લખાય છે? છપાય છે?”

“એની માહિતી તો ગુગલ કરીને પણ લઇ શકી હોત એના માટે અહિયાં સુધી મારી રવિવાર બપોરની ઉંઘ હરામ કરીને ક્યાં લઇ આવી?”

“બહુ ભીડ છે નહીં? આમાં મને મારું મનગમતું પુસ્તક પસંદ કરવાનું કેમ ફાવે?”

“રવિવાર છે બકા, રવિવારે તો ભીડ રહેવાની જ ને? મેં એટલે જ તને કહ્યું હતું કે કાલે હું હાફ ડે લઇ લઈશ અને પછી પુસ્તક મેળા ની મુલાકાત લઈશું, કારણકે ભીડ ઓછી હોય.”

“આ રેસિપીની બુક કેટલી સરસ છે નહીં?”

“જોયા વગર સરસ છે?”

“કવર આટલું મસ્ત છે તો બુક તો સરસ જ હશે ને?”

“પુસ્તકના કવર પરથી પુસ્તક અંગે અભિપ્રાય ન બંધાય એવું કોઈ મહાન વ્યક્તિએ કહ્યું હતું.”

“જવા દે…નથી લેવું.”

“કેમ? અચાનક શું થયું?”

“બધી જ નોનવેજ રેસિપીઓ છે.”

“જો મેં કીધું હતું ને કે પુસ્તકના કવર પરથી…”

“બસ હવે, બહુ ચાંપલો ના થા.”

“શું યાર… જ્યાં જુઓ ત્યાં મોટીવેશનલ બુક્સ જ છે.”

“એ તો લોકોમાં જે ઓછું હોય એ વધુ વેંચાય, ડિમાંડ એન્ડ સપ્લાય સમજી?”

“તું હવે તારું ઇકોનોમિક્સ અહીં ના લાય, એ બધું તારે તારી ઓફિસમાં મૂકીને આવવાનું.”

“ઓકે, મેડમ, જેવી આપની મરજી. ચાલો તમારો જાસૂસી નવલકથાનો સ્ટોલ આવી ગયો.”

“નથી લેવી.”

“અરે કેમ? તને તો બહુ ગમે છે આ બધી નોવેલ્સ? અને એકાદી જોઈ તો લે?”

લાગતું વળગતું: પ્રખ્યાત હાસ્યકાર બકુલ ત્રિપાઠી સાથેના કેટલાક સંસ્મરણો યાદ કરીએ…

“ના, હવે મારે નવી નવી ડીશીઝ શીખવી છે. એટલે કોઈ સારી રેસિપીઓની બુક્સો હોય તો એ લઈએ.”

“તો પછી ધ્યાનથી બધા સ્ટોલ્સ જો જે, કારણકે એમ તરત ખબર નહીં પડે. એક કામ કર હું જમણી  બાજુ જોવું છું, તું ડાબી બાજુ જો.”

“અરે, પણ આ ભીડ તો જો? બધા દરેક સ્ટોલ પર એવા ટોળે વળ્યા છે કે અંદર ડિસ્પ્લેમાં શું છે એની બહારથી ખબર જ નથી પડતી.”

“તો, એક્સક્યુઝ મી કહીને અંદર ઘુસી જા? પાણીપુરીની લારીમાં તો કેવી સરસ ઘુસી જતી હોય છે?”

“એ અને આ ડિફરન્ટ છે ઓકે? અને તારી ચાંપલાશ બંધ કર તો?”

“જો આ રહી રેસિપીની બુક્સ..”

“પણ પબ્લિશર્સ તો જો?”

“હેન્ડસમ તો છે.”

“અરે, એ કાઉન્ટર પર બેસેલા ભાઈ નહીં, હું એમ કહું છું કે આ પુસ્તક પબ્લિશ કરનારી કંપની સાવ નવી છે.”

“તો?”

“તો એમ વિશ્વાસ ન કરાય.”

“અરે, તારે ક્યાં એમની કંપનીના શેર લેવા છે? તારે તો રેસિપીઓ જોઈએ છીએને?”

“કહ્યું ને ના એટલે ના..”

“ઠીક છે.. જેવી મેડમની મરજી.”

“આ લોકોએ આમ બધા સ્ટોલ્સ એક લાઈનમાં રાખવા જોઈએ ને? હવે એકદમ સેન્ટરમાં પણ સ્ટોલ્સ રાખ્યા છે. ગૂંચવાઈ જવાય છે. ક્યાં જવું, કયા સ્ટોલની વિઝીટ કરવી એની ખબર જ નથી પડતી.”

“આવતે વર્ષે આપણે જ્યારે સલાહકાર સમિતિમાં હોઈશુંને?…”

“બસ….”

“તારે પુસ્તક લેવું છે કે નહીં એમ કહે? આમ તો હવે બધા સ્ટોલ્સ પૂરા થવા આવ્યા અને એક હજાર રૂપિયા મારા ખિસ્સામાં અકબંધ પડ્યા છે.”

“જવા દે ને આટલો મોટો પુસ્તક મેળો છે, પણ કોઈ કલેક્શન જ નથી.”

“બસ્સોથી પણ વધુ સ્ટોલ્સ છે અને તને કલેક્શન જ ન દેખાયું? વાહ રાણીસાહેબ! પુસ્તકપ્રેમના નામે એક તો મારી રવિવાર બપોરની સ્પેશિયલ ઉંઘ બગાડી અને હવે તારે એક પણ પુસ્તક ખરીદવું નથી. તારે કરવું છે શું?”

“ગઈકાલે મારી ફ્રેન્ડ છે ને નિશા એ કહેતી હતી કે પુસ્તક મેળાના ફૂડ કોર્ટમાં સમોસા સરસ મળે છે, અને પાણીપુરી પણ. ચલને એ ખાઈએ.”

“એટલે તું સમોસા અને પાણીપુરી ખાવા છેક અહીં આવી અને એ પણ મારી રવિવાર બપોરની ઉંઘ બગાડીને? ધન્ય છે હોં તું? પણ ફૂડ કોર્ટ છેક પેલ્લા છેડે છે તારી ચાલીને જવું પડશે.”

“સમોસા ખાવા તો જવું જ પડશેને?”

“ચાલો… આટલું ચાલ્યા તો થોડું વધારે. પણ એક વાત તો છે કે, પુસ્તક મેળામાં ફરી ફરીને માણસ થાકી ગયો હોય તો આ લોકોએ ફૂડ કોર્ટ નજીક રાખવો જોઈએને? કેટલું ચાલવું પડે યાર!”

“ડોન્ટ વરી, આવતે વર્ષે આપણે જ્યારે કોર્પોરેશનની સલાહકાર સમિતિમાં હોઈશુંને ત્યારે એમને કહી દઈશું. અત્યારે ચલ, મને બહુ ભૂખ લાગી છે.”

“……….”

eછાપું

તમને ગમશે: શું થયું? ના નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક બહુ જલ્દીથી કરશે એક ધડાકો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here