“હવે ખેતીની આવક પર ટેક્સ લાદવાનો સમય આવી ગયો છે”- બિબેક દેબરોય

1
373
Photo Courtesy: dnaindia.com

બિબેક દેબરોય! નામ તો સુના હી હોગા. ઘણી બાબતોમાં આપણી કમનસીબી એ હોય છે કે જે માણસો વિષે આપણને ખ્યાલ હોવો જોઈએ, એમના વિષે જ કોઈ માહિતી હોતી નથી. વગર કામના ઘણા માણસો હશે જેના નામ, સરનામાં બધું મોઢે હશે. પરંતુ જ્યારે વાત બિબેક દેબરોય જેવી કોઈ પર્સનાલીટીની આવે ત્યારે મોઢું સિવાઈ જાય છે. ખેર, આ ફિલોસોફીનો ક્લાસ તો નથી જ કે જેમાં આવી વાતો હું કરી શકું! એટલે મુદ્દા પર આવીએ.

Photo Courtesy: dnaindia.com

બિબેક દેબરોય આપણા દેશના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અર્થશાસ્ત્રી છે. જેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સલાહકાર સમિતિમાં સભ્ય છે. ઉપરાંત નીતિ આયોગની મીટીંગમાં કાયમી આમંત્રિત સભ્ય પણ છે. એટલા માટે જ તેમના દ્વારા અપાયેલા જાહેર નિવેદનોનું શું મહત્વ હશે એ તમને સમજાઈ જ ગયું હશે.

થોડા વખત પહેલા એમના દ્વારા મીડિયામાં આવું જ એક અગત્યનું નિવેદન કરવામાં આવ્યું હતું કે, “ખેતીની આવક પર હવે ભારત સરકારે ટેક્સ લેવાનું શરુ કરી દેવું જોઈએ. આ એક્શન લેવાનો સમય હવે પાકી ગયો છે” હવે ભારત જેવા દેશમાં જેની 50 ટકાથી વધારે વસતી ખેતી અને સંલગ્ન કામગીરીમાં જોતરાયેલી છે ત્યાં આવું નિવેદન આપવું એ આમ જોવા જઈએ તો ઉશ્કેરણીજનક જ કહેવાય! પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે  આ વિધાનનો ખાસ ચમકારો થયો નહિ અને મુદ્દો બન્યો નહીં.

અહી એક સવાલ ચોક્કસ થાય છે કે ખેડૂતો એક તરફ ઓછી આવક હોવાના લીધે આત્મહત્યાઓ કરી રહ્યા છે અને બીજી તરફ મોટા ગજાના અર્થશાસ્ત્રી આવું નિવેદન કેમ આપે છે? આ સવાલ થવો સ્વાભાવિક છે. પરંતુ બિબેક દેબરોય દ્વારા આ નિવેદન આપતા પહેલા કંઈક મનોમંથન અને રીસર્ચ તો જરૂરથી કર્યું જ હશે એમાં કોઈ બેમત નથી.

એમના પરિમાણો સમજતા પહેલા અહી આપણે સૌપ્રથમ એ નોંધી લઈએ કે ભારતનો આશરે 50 ટકા વર્ગ જે પ્રાથમિક ક્ષેત્ર સાથે રોજગારી માટે સંકળાયેલો છે તેનો દેશની રાષ્ટ્રીય આવકમાં ફાળો માત્ર 18 ટકા જેટલો જોવા મળે છે. જે દર્શાવે છે કે આવકની અસમાન વહેંચણી ભારત માટે એક મોટો પડકાર છે.

બિબેક દેબરોયના આ નિવેદન પાછળના તાર્કિક કારણો જોઈએ તો, પહેલું કારણ છે ખેડૂતોની લોન માફ કરવી! સરકાર દ્વારા ચૂંટણીટાણે કરવામાં આવતા વાયદાઓમાં સૌથી હોટ ફેવરીટ મુદ્દો હોય તો એ આ જ છે. આ લોન માફી એ શોર્ટ ટર્મ માટે સરકારને વોટ તો અપાવી શકે છે પરંતુ તેની લાંબા ગાળાની નકારાત્મક અસર અર્થતંત્ર પર બોજાના સ્વરુપે પડતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોન માફી આપવાથી સરકારની રાજકોષીય ખાધમાં ન પૂરી શકાય એવી ખોટ પડે છે.

બીજું કારણ છે ક્રોપ લોનનો ઉઠાવાઈ રહેલો ગેરલાભ! ભારતમાં કૃષિના નામે લોન લઈને તેનો પોતાના વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવાના બનાવો નવા નથી. એક રીપોર્ટ અનુસાર ક્રોપ લોનના લગભગ 30 થી 35 ટકા જેટલા કિસ્સામાં લેણદાર પોતાના પર્સનલ કામ માટે નાણા વાપરે છે. આથી ખેતીમાં જે પાક ન લેવાયો એનાથી GDPમાં ઘટાડો થાય એ અલગ અને લોન માફી મળવાના લીધે સરકાર પર બોજો વધે એ નફામાં!

લાગતું વળગતું: ગુજરાતનો ખેડૂત જો આધુનિક ખેતી તરફ વળશે તો એની ધરતી જરૂર સોનું ઉપજાવશે

ત્રીજું અને સૌથી વ્યાજબી કારણ એ છે કે મોટા ખેડૂતો, જેમની પાસે જમીનો વધારે છે તેઓ ખેતીમાંથી બહોળી આવક મેળવે છે અને તેમનું જીવનધોરણ પણ ઔદ્યોગિક અને સેવાક્ષેત્રના જે લોકો પોતે રેગ્યુલર ટેક્સ ભરે છે તેમના કરતા ઊંચું જોવા મળે છે. આ બાબત નિયમિત ટેક્સ ભરતા માધ્યમ આવક ધરાવનારા ટેક્સપેયરના મનમાં અસંતોષ જન્માવે છે. જેના લીધે તેઓ ભરવાપાત્ર ટેક્સ ન ભરીને તેમાં ગમે તે રીતે છીંડા શોધીને તેના પર કાપ મુકે છે અથવા નહીવત ટેક્સ ભરે છે. જેથી સરકારની ટેક્સની આવકમાં પણ ઘટાડો થતો જોવા મળે છે.

ઉપર્યુક્ત કારણો પરથી બિબેક દેબરોયના આ વિધાનને સપોર્ટ મળે છે. સાથે સાથે દરેક સિક્કાની બે બાજુઓ હોય તેમ આ ચર્ચાનો પણ એક બીજો ચહેરો છે. નાના અને સીમાંત ખેડૂતોને પોતાના પાકોના પોષણક્ષમ ભાવો ન મળતા તેમની હાલત કફોડી બને છે. તમામ ખર્ચ કર્યા બાદ ધાર્યું વળતર ન મળતા ખેડૂતોની આત્મહત્યાના બનાવો પણ જોવા મળે છે.

વધુમાં ભારત સરકારે 2022 સુધીમાં ખેડૂતોની ઇન્કમ બે ગણી કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેને ધ્યાનમ રાખતાં ન્યુનતમ ટેકાના ભાવોમાં સતત થઇ રહેલો વધારોમાત્ર એ ધ્યેય હાંસલ કરવામાં મદદરૂપ નહીં થાય. ખેડૂતોના પ્રશ્નો અને એમની વિવિધ સમસ્યાઓને નાથવા માટે સરકારના પગલાં યોગ્ય તો છે પરંતુ એ પગલાં અંગે ખેડૂતોની જાગરૂકતા વધી નથી. માટે તેઓ લાભથી વંચિત છે. આવામાં ખેતીની આવક પર ટેક્ષ લાદવો એ સીમાંત ખેડૂતો પર મરણતોલ ફટકો હોઈ શકે છે.

તો આવા વખતે શું કરી શકાય? એક તરફ ટેક્ષ લગાડવાના પણ વેલીડ કારણ છે અને ન લગાડવાના પણ એટલા જ વેલીડ કારણો છે. આ માટે સરકારે સૌપ્રથમ તો એક ઓનલાઈન રજીસ્ટ્રી તૈયાર કરવી જોઈએ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામપંચાયત, મ્યુનીસીપાલીટીની મદદથી એક ડેટા સ્ટોરેજ બનાવવો જોઈએ જેમાં જેતે વિસ્તારના ખેડૂતોની આવક અને જમીનની નોંધણી હોય. જેનું વિશ્લેષણ કરીને GSTની માફક ટેક્સ સ્લોટ બનાવવા જોઈએ. પાછલા વર્ષોની માહિતીને ધ્યાને લઇ આવક પ્રમાણે જ ઉદાર ટેક્સ ઉઘરાવવાની નીતિ ઘડવી જોઈએ.

એવું નથી કે ખેતીની આવક પર ટેક્સ લાદવાની વાત કરનારા બિબેક દેબરોય પહેલા વ્યક્તિ છે. આ પહેલા, બંધારણ બનતા સમયે બાબા સાહેબ આંબેડકરના શબ્દો કંઈક આવા હતા, “અમીરો વધુ ટેક્સ આપે, ગરીબો ઓછો ટેક્સ આપે. સાથે સાથે ખેતીના ટેક્સની આવક પણ થવી જ જોઈએ”. વધુમાં 1953-54માં બેસાડવામાં આવેલા ટેક્સેશન ઇન્ક્વાયરી કમીશન દ્વારા પણ આવા જ મતલબનો રીપોર્ટ આપ્યો હતો. પરંતુ એ પછી આવતી રહી સરકારોની વોટબેંકની રાજનીતિના લીધે હજીયે આ સમિતિની અમુક વાતોનો અમલ થઈ શક્યો નથી.

આચમન :- Whatever the source of income may be, but if there is an income, there should be tax on that to run the engine called ‘economy of the nation’ “

eછાપું 

તમને ગમશે: વર્તમાન MCU બની ગયું છે ફેન થિયરીઝનું નવું ઘર

1 COMMENT

  1. ભાઈ ખેડૂત માં જીવ નથી બચ્યો.. જે માયકાંગલો હાડકાનો માળો બચ્યો છે.. તે.. પણ.. કહેવાતા અર્થવગરના શાસ્ત્રી અને અર્થ વગરના મંત્રી ભેગા થઈ ને હડપી જાય તો પણ મોદી સાહેબ ને કાંઈ ફેર થોડો પડશે..
    બીજું કે આવા બેફામ નિવેદન કરનારા લોકો માટે બંધારણ માં કોઈ જોગવાઈ નથી.. ને….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here