દાંપત્યજીવનનો અંત આણતા એ 4 ખાસ કારણો અને તેના સચોટ ઉપાયો

1
260
Photo Courtesy: Google

દંપત્તિઓ વચ્ચે નાના મોટા ઝઘડાઓ તો થતા રહેતા હોય છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તેનાથી તેમના દાંપત્યજીવનનો અંત આવી જાય? હા, જો નાના મોટા ઝઘડાઓમાં કહેવાતી અમુક બાબતોને જો ટાળી શકવામાં ન આવે તો ધીરે ધીરે ચાલતી નકારાત્મક હવા ક્યારે વંટોળનું સ્વરૂપ લઇ લેશે તેની કોઈને પણ ખબર નથી હોતી.

Photo Courtesy: Google

અમેરિકામાં રિલેશનશિપ અને સુખી દાંપત્યજીવનનો સંદેશ આપતા અને તે અંગેની સલાહ આપતા ડોકટર જ્હોન ગોટ્ટમેનનો અનુભવ એટલો બહોળો અને ઉંડો છે કે તેઓ દરેક જોડીના બિહેવિયર પરથી કહી શકે છે કે તેમના દાંપત્યજીવનનો અંત કેટલે દૂર છે. અત્યારસુધીમાં ડૉ ગોટ્ટમેનની ભવિષ્યવાણી સાચી પડવાની ટકાવારી 91% જેટલી ઉંચી રહી છે.

પરંતુ ડૉ ગોટ્ટમેન માત્ર દાંપત્યજીવનનો અંત આવશે એની સચોટ આગાહી જ નથી કરતા પરંતુ એવા કયા કારણો છે જેને તમારે અવોઇડ કરવા જોઈએ કે જેથી ઝઘડા થાય તો પણ તેનું સ્વરૂપ નાનું જ રહે અથવાતો બહુ લાંબા ગાળે કે નહિવત માત્રામાં ઝઘડા થાય. આ માટે ડૉ. જ્હોન ગોટ્ટમેને પોતાનો અનુભવ કામે લગાડીને ચાર કારણો શોધી કાઢ્યા છે જે દાંપત્યજીવનનો અંત લાવવા માટે કાયમ જવાબદાર હોય છે અને તમારી સાથે એવું ન થાય એ માટેના ઉપાયો પણ ડોક્ટર સાહેબે સૂચવ્યા છે.

તો ચાલો જાણીએ ડૉ. જ્હોન ગોટ્ટમેન દ્વારા જણાવવામાં આવેલા એ ચાર કારણો જે એક સાથે અથવાતો જુદીજુદી રીતે કોઈના પણ દાંપત્યજીવનનો અંત આણી શકે છે અને જો એમ ન થવા દેવું હોય તો તેના ઉપાયો પણ જોઈએ.

ટીકા

તમારા લાઈફ પાર્ટનરની જો તમે સતત ટીકા કરતા રહો છો તો હવે બે મિનીટ વિચારજો, કારણકે રિલેશનશિપ પૂરું થવા માટે આ પહેલું અને અત્યંત મજબૂત કારણ છે. જો તમને તમારા પાર્ટનરને કાયમ એમ કહીને ટીકા કરવાની આદત છે કે “તું કાયમ આમ કરતો કે કરતી હોય છે” કે પછી “તું ક્યારેય આવું કરતો કે કરતી નથી” તો જાણી લેજો કે તમારું દાંપત્યજીવનનો અંત ક્યાંક લખાઈ રહ્યો છે.

ઉપાય: પાર્ટનરની કોઇપણ ભૂલ અંગે કોઇપણ પ્રકારનો નિર્ણય મનમાં ન લઇ જતા તેને સમગ્ર પરિસ્થિતિથી અવગત કરાવો. તેને સ્પષ્ટ કહો કે તેની ભૂલથી તમને ક્યાં દુઃખ થયું છે કે ક્યાં વાંધો પડ્યો છે. ત્યારબાદ તમે પોતે તેની આ આદત કે પ્રવૃત્તિમાં ફેરફાર કરવા માટે તેને કેવી રીતે મદદ કરી શકો છો એ જરૂર પૂછો.

અપમાન

અહીં આપેલા ચારેય કારણોમાંથી ડૉ ગોટ્ટમેનના અનુભવ પ્રમાણે લાઈફ પાર્ટનરનું અપમાન કરવું એ છૂટાછેડા માટેનું સહુથી પ્રબળ કારણ બને છે. જો તમે તમારા પાર્ટનરની ખરાબ મશ્કરી કરીને, કટાક્ષ કરીને, અપશબ્દો કહીને કે ચહેરાના વિચિત્ર હાવભાવ વડે અપમાન કરવાની આદત છે તો જરા સાંભલ કે! આમ કરવાથી તમારા પાર્ટનરને એવું લાગવા માંડે છે કે તમારા જીવનમાં તેનું કોઈજ મહત્ત્વ નથી અને ધીરે ધીરે તે તમારા સાથેનો સંબંધનો અંત આણવા તરફ આગળ વધે છે.

ઉપાય: જ્યારે પણ ચર્ચા ઉગ્ર બને ત્યારે અપમાનજનક ઈશારા કે શબ્દોને બિલકુલ ટાળો. અપમાન ત્યારેજ કરવામાં આવે છે જ્યારે તમે તમારા પાર્ટનરની નકારાત્મક બાબતો પર વધુ ધ્યાન આપો છો. શક્ય હોય તો તેનાથી સાવ ઉલટું કરો અને તમારા પાર્ટનરની હકારાત્મક બાબતોનો વિચાર કરો, તમને આપોઆપ તેનું અપમાન કરવાનું મન નહીં થાય.

લાગતું વળગતું: સમાજ દર્પણ – ગામડાઓમાં થતી સાટુ પ્રથા કે લગ્ન સંસ્થા માટે ખતરો

લઘુતાગ્રંથિ

ઘણીવાર ઉગ્ર ચર્ચા કે ઝઘડા દરમ્યાન તમારી ટીકા થાય ત્યારે તમે સાવ નિર્દોષ છો એ સાબિત કરવા સઘળો આરોપ પોતાના પાર્ટનર પર મૂકી દો છો. આમ કરવાથી તમારા પાર્ટનરને એવું લાગી શકે છે કે તમે તેની ચિંતાને ગંભીરતાથી લેતા નથી અને તમે તમારી જવાબદારી લેવાથી દૂર ભાગો છો.

ઉપાય: તમારા પાર્ટનરની વાત ધ્યાનથી સાંભળો. જ્યારે કોઈ ભૂલની જવાબદારી તમારી હતી એવો ખ્યાલ આવે ત્યારે તરતજ તેનો સ્વીકાર કરો અને ત્યારબાદ દિલથી તેને સોરી કહો.

સંપર્કનો અભાવ

જ્યારે કોઈ ઝઘડો કે પછી ચર્ચા ચાલુ હોય ત્યારે અથવાતો ત્યારબાદ મેદાન છોડવાથી પાર્ટનર પોતાને એકલા કરી દેવામાં આવ્યા છે અને નકારી દેવામાં આવ્યા છે એવું વિચારી શકે છે. જ્યારે પણ ઝઘડો સમાપ્ત થાય ત્યારે કેટલોક સમય પાર્ટનર સાથે વાત કરવાનું મન ન થાય એ સ્વાભાવિક છે પરંતુ એ સમય કેટલો લાંબો હોવો જોઈએ એ પણ તમારે જ નક્કી કરવાનું છે. એકબીજા સાથે સંપર્કનો અભાવ છૂટાછેડા તરફ દોરી જાય છે.

ઉપાય: કોઈ ઝઘડા પછી જો તમને સમય જોઈતો હોય તો જરૂરથી લ્યો પણ બાદમાં ઉંડા શ્વાસ લો અને ઝઘડાના કારણો પર વિચાર કરો. જો ઝઘડો ખૂબ ગંભીર વિષય પર હોય તો એટલીસ્ટ જરૂરી વાતો કરવાની ટાળો નહીં. આમ કરવાથી તમારા પાર્ટનરને એમ થશે કે ચાલો તેને મારી ફિકર તો છે? આમ થવાથી તમને છોડી દેવાનો વિચાર તેને નહીં આવે.

તો આ હતા એ ચાર કારણો જેને લીધે દાંપત્યજીવનનો અંત આવી જતો હોય છે. પરંતુ આપણે તો સાથે સાથે તેના ઉપાયો પણ જોઈ લીધા. તો આશા કરીએ કે આ ઉપાયો વાંચીને ઘણા લોકોનું દાંપત્યજીવન તૂટી પડતા અગાઉજ બચી જશે.

eછાપું

તમને ગમશે: Apple ના બે નવા સ્માર્ટફોન્સ iPhone XS અને iPhone XR કેવા છે?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here