આપણે ત્યાં એવી દંતકથા છે કે દુનિયામાં બીજો તાજ મહાલ ન બને એટલે શાહજહાંએ તેને બાંધનારા મજૂરોના હાથ કાપી નાખ્યા હતા. આ દંતકથામાં દમ હોય કે ન હોય પણ આપણને એટલી ખબર છે કે મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહાલની યાદમાં આ ભવ્ય મકબરો બનાવ્યો હતો.
વળી, પેલા મજૂરોવાળી વાત પર પરત થઈએ તો, શાહજહાંનો ઈરાદો ગમે તે હોય પણ આપણે ભારતીયો કોપી પેસ્ટીંગમાં એટલા બધા હોંશિયાર નીકળીશું એની એને જરાય ખબર નહીં હોય એ પાક્કું છે. કારણકે ભારતમાં મહત્ત્વના એક નહીં, બે નહીં પરંતુ પાંચ પાંચ તાજ મહાલની કોપીઓ અને એ પણ ભવ્ય કોપીઓ ઉભી છે.
તો ચાલો મુલાકાત લઈએ કોપી કરેલા તાજ મહાલોની જે આપણા દેશમાં જ બનાવવામાં આવ્યા છે.
કોટાનો તાજ મહાલ

આમ તો કોટાના એક પાર્કમાં દુનિયાની સાતેય અજાયબીની કોપી મુકવામાં આવી છે જેમાં તાજ મહાલ પણ સામેલ છે પરંતુ તાજ મહાલની આ કોપી ઓરીજીનલને પણ ચક્કર ખવડાવી દે એવી બનાવવામાં આવી છે. સાઈઝમાં તે ઓરીજીનલ તાજ કરતા નાની છે પણ લાગે છે બિલકુલ તાજ જેવી જ હોં કે?
બુલંદ શહરનો તાજ મહાલ

ઘણા સમય પહેલા વોટ્સ એપ પર એક જોક બહુ વાયરલ થયો હતો, જે એમ હતો કે જ્યારે એક પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે જો પોતે પતિ પહેલા જ ગુજરી જાય તો શું તે એની યાદમાં શાહજહાંની જેમ તાજ બંધાવશે? તો પતિએ જવાબ આપ્યો હતો કે, “પહેલાં તું મર તો ખરી?!” પણ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના ફૈઝુલ હસન કાદરી ખરેખર તેમની પત્નીને અત્યંત પ્રેમ કરતા હતા અને આ નિવૃત્ત પોસ્ટ માસ્તરે પોતાની પત્નીના અવસાન પામ્યા બાદ બુલંદ શહેરમાં ખરેખર એક તાજ મહાલ બાંધ્યો છે જે લગભગ તાજ જેવો જ લાગે છે.
લખનૌનો તાજ મહાલ (શાહઝાદી કા મકબરા)

ઓરીજીનલ તાજની જેમ આ તાજ પણ ખાસ્સો લોકપ્રિય છે. આ પાછળનું કારણ એ છે કે તે લખનૌના પ્રખ્યાત છોટા ઈમામવાડાની અંદર જ સ્થિત છે. અહીં અવધના બાદશાહ મોહમ્મદ અલી શાહ બહાદુરની કુંવરી શાહઝાદી ઝીનત આસીયા દફ્ન છે.
લાગતું વળગતું: ગોવામાં એક યાદગાર ક્રિસમસ ઉજવવાની પાંચ મહત્ત્વની ટીપ્સ |
ઔરંગાબાદનો તાજ મહાલ (બીબી કા મકબરા)

ઓરીજીનલ તાજ મહાલ બંધાવનાર શાહજહાંના પુત્ર ઔરંગઝેબની પત્નીની યાદમાં ભલે બીબી કા મકબરા જે તાજની જ કોપી છે તેને બાંધવામાં આવ્યો હોય, પરંતુ ઔરંગઝેબે તેને નથી બંધાવ્યો એ ચોખવટ આપણે પહેલા કરી દેવી જોઈએ. ઔરંગઝેબની પ્રથમ પત્ની દિલરસ બાનો બેગમ જે તેની મુખ્ય પત્ની હતી તેના પુત્ર આઝમ ખાને તાજ મહાલ બાંધનાર આર્કિટેક્ટ ઉસ્તાદ અહમ લાહૌરીના પુત્ર અતા ઉલ્લાહ પાસે આ મકબરો બંધાવ્યો હતો. આ મકબરાને ‘દખ્ખણના તાજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બેંગલુરુનો તાજ મહાલ

ના હોય! બેંગલુરુમાં પણ તાજ? હા બેંગલુરુના પ્રખ્યાત બેનરઘેટ્ટા માર્ગ પર આ તાજ મહાલ આવેલો છે જેને એક મલેશિયન આર્ટીસ્ટ સેકરે 2015માં બાંધ્યો છે. મૂળ તાજ કરતા ઘણો નાનો એવો આ તાજ જો તમે ધ્યાનથી જોશો તો તમને એવો જ ભવ્ય લાગશે.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: હેલિકોપ્ટર પેરેન્ટિંગ – કાળજી અને કંટ્રોલ બંનેમાં ફરક હોય કે નહીં?