વડાપ્રધાન મોદી પોતાની ગજબની કાર્યકુશળતા માટે અને કાર્ય પ્રત્યેના તેમના અનહદ પ્રેમ માટે જાણીતા છે. ઘડિયાળના કાંટાની દરેક હલચલનો સદુપયોગ કરવો એ વડાપ્રધાન મોદી પાસેથી શીખી શકાય છે. ભારતના વડાપ્રધાન બન્યા બાદના વર્ષોથી પોતાની વિદેશયાત્રા તેઓ એવી રીતે ગોઠવે છે કે જેનાથી યાત્રા દરમ્યાન અને તેના અંત પછી તેઓ તરત જ કામે ચડી જઈ શકે. આ વખતે લગભગ પચાસ કલાક વિમાનમાં ગાળવા છતાં વડાપ્રધાને આર્જેન્ટીનામાં મળેલી G20 બેઠકમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

આર્જેન્ટીનામાં મળેલી આ G20ની બેઠકમાં જવા અને પરત આવવા માટે વડાપ્રધાને લગભગ પચાસ કલાક પ્લેનમાં ગાળ્યા અને આર્જેન્ટીનામાં તેમના પચાસ કલાકના રોકાણ દરમ્યાન મોટાભાગનો સમય તેમણે G20 બેઠક તેમજ અન્ય રાષ્ટ્રાધ્યક્ષોને મળવામાં ગાળ્યો. એવું ન હતું કે વડાપ્રધાન મોદીએ આર્જેન્ટીનામાં જે કોઇપણ રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત કરી તેની પાછળનો હેતુ માત્ર તેમને મળવાનો કે પછી તે દેશ સાથે સંબંધ સરળ રહે એ જોવાનો જ હતો. આર્જેન્ટીનામાં વડાપ્રધાન મોદીની દરેક બેઠક પાછળનો હેતુ આપણા વિદેશ મંત્રાલયે સમજી વિચારીને નક્કી કર્યો હતો.
આર્જેન્ટીનાની રાજધાની બ્યુએનોસ એરીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસમાં કુલ 11 વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરવા ઉપરાંત તેઓ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના જૂથ BRICSની અનૌપચારિક બેઠકમાં તેમજ રશિયા, ભારત અને ચીનના જૂથ RIC અને નવા બનાવવામાં આવેલા ઇન્ડો-પેસિફિક જૂથ JAI એટલેકે જાપાન-અમેરિકા-ભારત જૂથની બેઠકમાં પણ હિસ્સો લીધો હતો.
લાગતું વળગતું: નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓથી ભારતને થતા દેખીતા ફાયદાઓ |
વિવિધ રાષ્ટ્રાધ્યક્ષોની ખાસ મુલાકાતમાં નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુટ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ્સને ભારતમાં વોટરવેઝ ટ્રાન્સપોર્ટેશનમાં નિવેશ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હાલમાં જ કોલકાતાથી વારાણસી એમ ગંગા નદીમાં ભારતના પ્રથમ વોટરવે કન્ટેનર જહાજે પ્રથમ મુસાફરી કરી હતી જેને ખુબ પ્રશંસા મળી હતી. આમ ભારત વાહનવ્યવહારના નવા માર્ગ જેને હાલની સ્વતંત્રતાના સાત દાયકા બાદ છેક હવે NDA સરકારે મહત્ત્વ આપવાનું શરુ કર્યું છે તેમાં નેધરલેન્ડ્સ જેવા અનુભવી રાષ્ટ્રનું રોકાણ હાંસલ થવાથી તેને વેગ મળવાની તેમજ તેની લોકપ્રિયતા વધવાની શક્યતાઓ રહેલી છે.
આર્જેન્ટીનામાં વડાપ્રધાન મોદી યુએનના સેક્રેટરી જનરલને પણ મળ્યા હતા તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFAના અધ્યક્ષ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. આમ ભારતને અને તેના નાગરિકોની સુખાકારીને સ્પર્શ કરતા તમામ વિષયોના નિષ્ણાતો તેમજ જે-તે રાષ્ટ્રના આગેવાનોને મોદીએ પોતાની સરકારની કૂટનીતિ દ્વારા માત્ર પચાસ કલાકના રોકાણ દરમ્યાન આવરી લીધા હતા.
પરંતુ જે બે મુલાકાતો અંગે કદાચ રાષ્ટ્રીય મિડીયાનું ધ્યાન ઓછું ગયું છે અથવાતો મોદીએ સિદ્ધ કરેલા કૂટનીતિક વિજય હોવાને લીધે કદાચ જાણીજોઈને એ તરફ લોકોનું ધ્યાન આપણા મિડિયાએ દોર્યું નથી તે એ છે કે આર્જેન્ટીનામાં વડાપ્રધાન મોદીએ બે સાવ વિરુદ્ધાર્થી વલણ ધરાવતા રાષ્ટ્રો સાથે અલગ અલગ જૂથ બેઠકો યોજી હતી. કદાચ મોદીના આર્જેન્ટીનામાં થયેલા રોકાણની આ સહુથી મોટી સિદ્ધિ હતી.

વડાપ્રધાન મોદીએ પહેલા તો RIC એટલેકે રશિયા, ભારત અને ચીનના જૂથ વચ્ચેની બેઠક જે લગભગ બાર વર્ષે મળી હતી તેમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ તરતજ હાલમાં જ સ્થાપવામાં આવેલા જાપાન, અમેરિકા અને ભારતના જૂથ JAI ની બેઠક મળી હતી. આપણને ખ્યાલ જ છે કે રશિયા-ચીન અને અમેરિકા-જાપાન વચ્ચે કાયમ કોઈને કોઈ કારણોસર સંબંધો તંગ રહેતા હોય છે. એવામાં કોઇપણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થયા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઠંડી મુત્સદીગીરી દર્શાવતા આ ચારેય રાષ્ટ્રોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે થોડા જ સમયના અંતરે આર્જેન્ટીનામાં બેઠક કરી હતી.
વળી, JAI એ ઇન્ડો-પેસિફિક વિસ્તારની કૂટનીતિ અને સુરક્ષા માટે ખાસ બનાવવામાં આવેલું ત્રિપક્ષીય જૂથ છે. આ વિસ્તારમાં જાપાન, અમેરિકા અને ભારતના રક્ષા હિતો સમાયેલા છે. અન્ય સ્થળોની જેમ અહીં પણ ચીનની ઘુસણખોરી તેમજ તેનો વિસ્તારવાદ સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં ભારતે JAIની સ્થાપના માટે આગેવાની લીધી હતી એ જાણવા છતાં કે BRICS અને RIC માં ચીન તેનું મહત્ત્વનું સાથીદાર છે. આમ બે વિરુદ્ધાર્થી હિત ધરાવતા દેશો સાથે ભારતે આરામથી ચર્ચા કરીને છેલ્લા સાડાચાર વર્ષમાં વૈશ્વિક રાજકારણમાં પોતાનું સ્થાન કેટલું મજબૂત બનાવ્યું છે તેનો ખ્યાલ આવે છે.

એક સમયે એશિયા-પેસિફિક ક્ષેત્ર તરીકે જાણીતા અને માની લેવામાં આવેલા આ ક્ષેત્રને નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળ્યા બાદ અમુક જ વર્ષોમાં તેને ચીન, જાપાન અને રશિયા જેવા અતિશય મહત્ત્વના દેશો તેનો ભાગ હોવા છતાં માત્ર ભારતને મહત્ત્વ આપીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું નવું નામ કેમ આપવામાં આવ્યું અને તેને મોદી સરકારની સફળતા કેમ ન ગણવામાં આવે તે અંગે ફરી ક્યારેક અહીં ચર્ચા કરીશું.
ટૂંકમાં કહીએ તો છેલ્લા સાડાચાર વર્ષની અખૂટ મહેનતને લીધે વિશ્વભરમાં ભારતે સન્માનીય સ્થાન મેળવ્યું છે એ હકીકત છે. 2014ની ચૂંટણી અગાઉ નરેન્દ્ર મોદીએ દેશને જે વચન આપ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો કોઈ પણ દેશની સમક્ષ ભારત આંખ ઉંચી કરીને કે આંખ નીચી કરીને વાત નહીં કરે પરંતુ સદાય પોતાનું આત્મસન્માન જાળવશે, તેને નિભાવ્યું છે એમ જરૂરથી કહી શકાય. વાત રહી તેમની આર્જેન્ટીનાની કઠોર અને વ્યસ્ત વિદેશયાત્રાની તો કાર્ય પ્રત્યેની ભારોભાર નિષ્ઠા હોવાને લીધે ભવિષ્યમાં તેનો વિક્રમ પણ વડાપ્રધાન મોદી તોડી નાખશે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: બાળકોને મનભાવન કેટલીક રેસિપીઓ – સ્મૂધી, શ્રીખંડ અને એવું બધું