વેવિશાળ – સુશીલાના ‘સુખ’ની સફર મેઘાણીની રસઝરતી કલમે

0
1039
Photo Courtesy: sbs.com.au

વેવિશાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય? કન્યા વરે છે ને પરણે છે – સાસરિયાંના આખા ઘરને, કુળને, કુ્ળદેવને. અરે, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને ને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય. પુરુષનો બાપ કાલોઘેલો હોય તોયે કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રખડી પડ્યો હોય તો જમાઈ એને ખંધોલે બેસારીને સંસારનાં વન પાર કરાવે.

Photo Courtesy: sbs.com.au

આ વ્યાખ્યા મારી નથી. આ વ્યાખ્યા છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની! વર્ષો પહેલાં ગામડામાં થયેલી સમજણ અને એ સમજણે બંધાયેલો સંબંધ આગળ જતા બંને પક્ષે કેવી પરિસ્થિતિઓ નિર્માણ કરે છે એનું જીવંત વર્ણન એટલે ‘વેવિશાળ’. સન 1938માં દર મંગળવારે ‘ફૂલછાબ’માં શરૂ થયેલી આ વાર્તા ઝવેરચંદ મેઘાણીની ઉત્કૃષ્ટ કૃતીઓમાંની એક! વેવિશાળની વાર્તાને મેઘાણીભાઈએ વિવાહ સુધી ખેંચી નથી. ‘ઘા ભેગો ઘસરકો અને વેશવાળ ભેગા વિવા’ કરવાની ઉતાવળ દાખવી જ નથી. તો આવો વાત કરીએ વેવિશાળનીઃ

વાર્તાના પ્રકરણોના નામ કેવા? ‘પીલી જોઈએ’, ખાલી પડેલું બિછાનું, બોલ્યુંચાલ્યું માફ કરજો, ઉલ્કાપાત, સાણસામાં સપડાયા, અનુકંપાની પહેલી સરવાણી, કજિયાનો કાયર, ભાભુનું લગ્નશાસ્ત્ર વગેરે….વેવિશાળના પાત્રો તમને પોતાના લાગે એવી સરસ રજૂઆત! વાર્તાની નાયિકા સંતોકડી, જે મુંબઈમાં આવીને સુશીલા બની છે. ભણેલી-ગણેલી સારા કપડાં પહેરતી, નાજુક, નમણી, નામ પ્રમાણે સુશીલ અને સંસ્કારી! વાર્તાનો નાયક સુખલાલ. સૂકાઈ ગયેલો, માયકાંગલો, કદરૂપો, તદ્દ્ન કંગાલ, રેઢિયાળ ઢોર જેવો 22 વર્ષનો ગુજરાતના થોરવાડ ગામમાં રહેતો જુવાન!

વેવિશાળ થયાના વર્ષો પછી સુખલાલનું કુટુંબ થોરવાડમાં જ રહે છે પણ સુશીલાનો જૈન પરિવાર મુંબઈના સેન્ડહર્સ્ટ રોડમાં! સુખલાલના મા-બાપ ગરીબડી ગાય જેવા અને ભોળપણથી ભરેલા નાના ભાંડરડાંમાં એક બેન અને એક ભાઈ. સુશીલાનો પરિવાર સુખી – બે શેઠ, મોટા શેઠ અને નાના શેઠ. મોટા શેઠના પત્ની ઘેલીબેન, પણ સંતાનવિહોણા. નાના શેઠને એક જ દીકરી. અને પોતાની પત્ની કરતાં ભાભી સાથે વધારે જામે.

સુખલાલ અને સુશીલાનું સગપણ બેઉ કુટુંબો સમાન કક્ષા પર હતાં (એટલે કે સુખલાલના બાપ તેમ જ બેઉ શેઠ ભાઈઓ, વતનનાં ગામડાંમાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ અને ગંધારું ઘી વેચતાં) ત્યાર વેળાનું થયેલું હતું. પણ સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા, ત્યારે આ વેવાઈ ભાઈઓ એક મુનિશીનું વચન ફાળ્યે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા હતાં.

બંને ભાઈઓએ કાળજાના કટકાંને મુંબઈમાં લાવીને ખૂબ ભણાવી. બસ, આ જ કારણે મોટા શેઠને મનમાં થતું કે આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું? આ વાતને આગળ ન વધારવી પડે એટલે મોટા શેઠે સુખલાલના પિતાને ધમકીભર્યો પત્ર લખીને કહ્યું કે તમે સુખલાલને મુંબઈ નહીં મોકલો તો આ સગપણ ફોક ગણાશે. મોટા શેઠને સુશીલાને વિજયચંદ્ર સાથે પરણાવવી હતી. વિજયચંદ્ર એટલે વાર્તાનો વિલન! વિજયચંદ્ર સુઘડ, ટાપટીપ વાળો જુવાન હતો. છોકરીઓને અને એના પરિવારજનોને છેતરીને રૂપિયા કઢાવી પલાયન થવામાં હંમેશા વિજયી થતો. પણ ઘેલીબેનને અને સુશીલાને વિજયચંદ્ર દીઠોયે ગમતો ન હતો.

વેવિશાળ વાર્તાના બીજા બે મહત્વના પાત્રો એટલે ‘નર્સ લીના’ અને ‘ખુશાલચંદ’. લીના એક ગોરી, જીવતા માણસના માંસ-ચાંમડાં ચૂંથનારી, મળમૂત્ર ધોનારી દવાખાનાની પરિચાલિકા (નર્સ). ખુશાલચંદ એ વર્ષો પહેલાં ગામડેથી આવીને મુંબઈમાં વસેલો સુખલાલનો મિત્ર અને પરિવારજન સરખો હતો. એ વાસણોનો સૂંડલો લઈને મુંબઈની ચાલીએ-ચાલીએ મહોલ્લે-મહોલ્લે ફરીને કમાણી કરી લેતો. એના આધારે મુંબઈ આવેલા એના કાઠિયાવાડી ભાઈઓની સંભાળ પણ લેતો. કલકત્તા, મદ્રાસ વગેરે બાજુ જનારા દેશી ભાઈઓનો એ મુંબઈ ખાતેનો વિસામો હતો. એની કેળવણી, એના સંસ્કાર, એની તોછડાઈ અને એની રખાવટ ન્યારાં જ હતાં.

આવા પાત્રોની વચ્ચે આકાર લઈ રહેલી આ વાર્તાના એકએક પ્રસંગ આપણી આંખ સામે એ ચિત્ર ઊભું કરી દે. મુંબઈમાં વસેલા બંને શેઠની પેઢી, સુખલાલના પરિવારને લખાયેલો ધમકીભર્યો કાગળ, સુખલાલનું મુંબઈ આવવું અને શેઠના નોકરો સાથે કામ કરવું, કામ કરતી વખતે સુશીલા સાથેનું પહેલું મિલન, વધુ પડતા કામથી સુખલાલનું બિમાર થવું, બિમારીમાં નર્સ લીનાની સાચવણી, સુશીલાનું ચુપકે ચુપકે ઈસ્પિતાલમાં સુખલાલને મળવા જવું, સુખલાલની માંદગીના સમાચાર સાંભળી એના પિતાનું મુંબઈ આવવું, એમને શેઠનું ફસાવીને કાગળ પર સહી લઈ લેવી (એ કાગળ એટલે સુખલાલનું પુરુષાતનનું સર્ટિફિકેટ), ખુશાલચંદને બધી વાતની જાણ થવી અને સુખલાલને પોતાની પાસે લઈ આવવો, સુખલાલનું બે પાંદડે થવું અને વિજયચંદ્રની છબી છતી થવી – આ બધું થયા પછી એક મહત્ત્વનો વળાંક આવે છે જેમાં ઘેલીબેન અને સુશીલા સુખલાલના ગામડે પહોંચે છે….એ પછી વાર્તાનો આખો પવન જ બદલાઈ જાય છે. શહેરમાં રહેલી સુશીલા કઈ રીતે સુખલાલના પરિવાર સાથે મનથી સંબંધ બાંધી બેસે છે એનું શાનદાર વર્ણન મેઘાણીભાઈએ કરેલું છે.

લાગતું વળગતું: વાત કોચમેન અલીડોસાની – કાળજા કે’રો કટકો જ્યારે બાપ થી દૂર જાય…

મેઘાણીભાઈએ વેવિશાળ માં દેશી શબ્દોની તો રમઝટ બોલાવી છેઃ ગોલો-પીટ્યો-રોયો, ઢીંચણીયું, ભાભુ, માણસગંધીલી બાઈ, બાલોશિયું, સવતંતર છોકરો, મેલ ને તડકે, કાકલૂદી, ફલાણી-લોંકડી-ઢીકણી, કટાસણું,  મીંઢી, ઓતરાશ, લોહીઉકાળો આવા કંઈ કેટલા શબ્દો વાંચીને અંદરનો કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર ઝળકી ઊઠે. વાર્તામાં કાઠિયાવાડી સંવાદો પણ કેવા? “હવે ઝાઝું મોણ ઘાલ મા ને, ડાહીલી!”, “હાલો હાલો, ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?”, “તમે તો ફુઆ, આદમી કે ચીભડું?” અને “ઝોંસટવું હોય તેટલું ઝોંસટીને પછી ત્રણ જણાં દીવાનખાનામાં આવો.”

વાર્તામાં લખાયેલાં બે કાગળ (પત્રો)ની નોંધ લેવી પડેઃ એક ધમકીભર્યો કાગળ જે મોટા શેઠે સુખલાલના પિતાને લખેલો અને બીજો ભોળપણભર્યો કાગળ જે સુખલાલની બેન સૂરજે સુશીલાને લખેલો.

બાળપણમાં થયેલા સંબંધને ફોક કરવા હંમેશા તૈયાર રહેતા મોટા શેઠ સુખલાલના ઘરે ધમકીભર્યો પત્ર મોકલે છે – હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય તો આખરી ચેતવણી સમજજો. અમે કાંઈ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણીબૂજીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. આંહીં આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હોય તો દુકાનો ક્યાં ઓછી છે? બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડી લાગેલ મધ છે, તો તમે ખાંડ ખાવ છો, શેઠ! તમારા થોરવાડ ગામના ધૂડિયા ખોરડામાં છાણાંના અને તલસરાંના ધુમાડા ફૂંકવા સારુ દીકરીને કોઈ ભણાવતું નથી, શેઠ! જેવો વિચાર હોય એવો લખી જણાવજો, એટલે અમે નાતને જાહેર કરી દઈએ!

બીજો કાગળ એકદમ દેશી ઢબે લખાયેલોઃ ઈશવર સદા સુખી રાખે મારાં માયાળું ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈ થાય, પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ ન મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારાં ભાભુનીને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. ન મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા ન મળે તો બાની પાછળ છ મૈનાની સમાક્યુંનું પુન દેજો. વધુ શું લખાવું. તમારા દેરનું અને નણંદનું કાંડું તમને ભળાવું છું. તમારા સસરાએ જેવી મારી ચકરી કરે છે, તેવી જ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બાએ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક-બે ચોપડિયું મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં જ નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રે’તું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પેરો છો કે સાડી પેરો છો, તે ચોક્કસ લખજો હોં. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લીખતંગ તમારી નાની નણંદ સૂરજ.

યે તો સિર્ફ ટ્રેલર હૈ, વેવિશાળ એ ગુજરાતી ભાષાની ક્લાસિક કૃતિઓમાંની એક છે. આવી નવલકથાઓ હવે બહુ લખાતી નથી.

પડઘોઃ

આ વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ જ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. પણ તેમાનાં જેમને જેમને આ વારતા ‘સમોરતં શુભ લગ્નં આરોગ્યં ક્ષેમં કલ્યાણં’ કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું જ યાદ આપું છું કે વેવિશાળની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ ન કરી શકાય.

– ‘વેવિશાળ’ ની પ્રસ્તાવનામાંથી

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: કઈ રીતે ફેન થિયરીઝ અને એવેંજર્સ 4 એક બીજાની સાથે જોડાયેલા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here