જ્યારે એક મલયાલી ને મળ્યો ઓમાની દેવદૂત – એક સંસ્મરણ

1
241
Photo Courtesy: skytraxratings.com

દેખાવે લઘરવઘર હોય એ વ્યક્તિ નકામો જ હોય એ ધારણાને ખોટી પાડતું આ સંસ્મરણ એક મલયાલી અને એક લઘરા ઓમાની યાત્રીની વાત કરે છે.

Photo Courtesy: skytraxratings.com

દિવાળીના દિવસો હતા. હું મસ્કત ઓમાન મારા પુત્રને ત્યાં દિવાળી કરવા ગયો હતો. સાથે જ નવેમ્બરમાં ઓમાન દેશનો નેશનલ ડે આવતો હોઈ જાહેર રજાઓ હતી. અમે એ રજાનો લાભ લઈ મસ્કતથી 1200 કી.મી. દૂર સલાલા ગયાં જે ઓમાન ઉપરાંત આજુબાજુના ટચુકડા અખાતી દેશો વચ્ચે એક માત્ર દરિયાકિનારે ફરવાનું સ્થળ છે. અમે ફ્લાઈટમાં જઈ ફ્લાઈટમાં આવ્યાં, ત્યાં ફરવા 4×4  ગાડી કરી.

સલાલાથી રાત્રે 8 વાગે  ઉપડતી ફ્લાઇટ અને બે કલાક જેવો રન. ફ્લાઇટ લોકલ, જૂનું પ્લેઇન. આંચકા સાથે ટેકઓફ કર્યું.  ફ્લાઈટમાં અમારા ઉપરાંત ઘણા મલયાલીઓ હતા. મોટી મુછો,  ઘટ્ટ વાળ અને શ્યામ શરીર. સાથે સફેદ ઝબ્બા અને માથે ટોપીવાળા ઓમાનીઓ પણ નેશનલ ડે ની રજામાં ફરવા આવેલા એ પરત ફરી રહેલા. બે સીટ આગળ અમારી સામે એમ જ સ્મિત કરી, ઉપરની શેલ્ફનું ઢાંકણ ખોલી બેગ મુકી એક ઓમાની  બેઠો. સાવ ચોળાએલો સફેદ ઝબ્બો જેને દિસાદાસ કહે છે, માથે સોનેરી કોર ભરેલી સફેદ ટોપી, પગમાં સ્લીપર. પ્લેઇનમાં હવે કોઈ સુટેડ બુટેડ નથી બેસતું પણ સાવ સ્લીપર? પીઠપર કાળું બેગપેક, વાળ લગભગ વિખાયેલા ટોપીમાંથી ડોકાતા હતા. એણે એક ક્ષણ ટોપી કાઢી વાળ પ્લેઇનના બારીના કાચમાં જોઈ ઓળ્યા. સાથે કેડમાં નાનું બે’ક વર્ષનું છોકરું તેડી એની પત્ની બેઠી. તેણે કાળો ઝાબ્બો જેને અબાયા કહે છે એ પહેરેલો. એની કોર સહેજ ભીની હતી.  બાળકનું ટીશર્ટ પણ નીચેથી ભીનું, ચડ્ડી ની જગ્યાએ ડાઈપર કે ડાઈપર પર ટૂંકી ચડ્ડી. એ પણ ભીની. દરિયેથી સીધા ફ્લાઇટ પકડવા આવ્યા હશે. પુરુષનો સાવ લઘરા જેવો દેખાવ અને કાળી ફ્રેમનાં ચશ્માં.

પત્નીએ ટેઈકઓફ થતાં ધીમા સુરીલા અવાજે અરેબિકમાં કોઈ નાની પ્રાર્થના ગાઈ. લઘરો પેસેન્જર સ્લીપર  કાઢી પગ સહેજ વાળી  સીટ પર પગ લઈ બેસી ગયો. બાળકને કઈંક  બતાવતો કે મોબાઈલમાં ગેઇમ રમાડવા લાગ્યો.
પાછળની સીટે ‘યન્ન કટ્ટ યાલ્લુ વાલ્લુ..’ જેવું કઈંક સંભળાયું. એક સીટ નાની પડે એવો જાડો ,બે ઇંચ પહોળી મૂછવાળો મલયાલી ,નેચરલી ચેકસવાળા શર્ટમાં હતો, સાથે કપાળે ભસ્મ લગાવેલી જાડા ચોટલા અને શ્યામગુલાબી સાડીવાળી એની પત્ની. બન્ને કઈંક તાડડુ ગાડડુ કરતાં હતાં. અમને કોણ જાણે, આગળનું લઘરૂં કુટુંબ અને પાછળનું કડડ તડડ બોલતું કપલ જોઈ રમૂજ ઉપજી.  મનમાં પેલા ચોળાએલા ઝબ્બાને જોઈ વિચાર આવ્યો કે મિયાં પહેલી વાર પ્લેઇનમાં બેઠા હશે.

પ્લેન મસ્કત તરફ સરકી રહ્યું હતું. ઉપડે પંદરેક મિનિટ થઈ હશે.

ઓચિંતી મલયાલી સ્ત્રી મોટેથી કંઇ બોલવા લાગી, પુરુષ હાંફતો હતો. સ્ત્રીએ બેલ વગાડી. સહેજ વાર લાગી તો ઉભી થઇ હોસ્ટેસને જલ્દી આવવા ઈશારો કર્યો. હોસ્ટેસે ધીમા અવાજે કઈંક વાત કરી અને આગળ દોડી. મલયાલી વધુ હાંફવા લાગ્યો. શું થઈ રહ્યું છે એનો અમને ખ્યાલ ન આવ્યો. આગલી સીટમાંથી ઝૂકી પેલો લઘરો પેસેન્જર એ તરફ જોવા લાગ્યો.  ‘મિયાં, તમાશો નથી.’ મેં મનમાં કહ્યું. મેં નાની પાણીની બોટલ પાછળ ધરી પણ કોઈને સામે જોવાની ફુરસદ ન હતી. હોસ્ટેસ ઓક્સિજન માસ્ક લઈ આવી અને મલયાલીના મોં પર મુક્યો.

લાગતું વળગતું: મસ્કત: ‘રણમાં જળ તું’ – અરબસ્તાનની મરુભૂમિનું એક રસપ્રદ પ્રવાસ વર્ણન

પાઇલોટે સલાલા કંટ્રોલની પરત ફરી લેન્ડિંગ માટે રજા માંગી પણ ત્યાંથી મળી નહીં. કદાચ બીજું ટેકઓફ કે લેન્ડિંગ નજીક હશે. આમેય સલાલાથી 20 કે 25 મિનિટ થઈ ચુકેલી, મસ્કત હજુ પોણાબે કલાક દૂર હતું અને અમે હવામાં કોઈ પણ એરપોર્ટ નજીક ન હોય એવા  રૂટ પર ઉડી રહેલાં. આસપાસ સહુ જોવા લાગ્યાં. એરહોસ્ટેસને ચિંતા થઈ રહી હતી જે સ્પષ્ટ એના ચહેરાપર દેખાતું હતું. ઓક્સિજન સાથે પેલો વધુ ને વધુ હાંફતો હતો. ટેકઓફ વખતે તકલીફ થઇ એટેક આવતો હોય એમ લાગ્યું.

અધ્ધર આભમાં તો ભગવાન જ સહારો.

ઓચિંતો પેલો લઘરો પેસેન્જર ઉભો થઇ પાછલી સીટે કૂદતો હોય એમ પહોંચ્યો. પેલો માસ્ક હટાવ્યો.એમાંથી કદાચ ઓક્સિજન આવતો જ ન હતો. તેણે મલયાલીનું પેટ દબાવ્યું, તુરત કહે ‘બ્રિધ ઇન..’ તુરત હાથ લઈ કહે ‘બ્રિધ આઉટ..’ થોડી વાર એ છાતી પર મસાજ કરતો અને પેટ દબાવતો, છોડતો ‘બ્રિધ ઇન.. બ્રિધ આઉટ..’ બોલતો રહ્યો. મલયાલી તેને અનુસરતો  રહ્યો. તે પોતાની સીટ પર ગયો અને બેગપેકમાંથી કોઈ ટેબ્લેટ કાઢી. બાળક માટે રાખેલ સાવ  અર્ધી ભરેલી 200 ml ની બોટલ ખોલી ટેબ્લેટ સાથે રહ્યુંસહયું બાળક માટેનું પાણી આપી સાથે પેલાને ટેબ્લેટ ગળાવી દીધી. થોડી વાર એમ જ ઉભો. મલયાલીએ ઊંડો શ્વાસ લીધો અને અર્ધી ખુલ્લી આંખે તેની સામે જોયું. સ્ત્રી આંખમાં આંસુ સાથે તેની સામે જોઈ રહી.

‘લઘરા પેસેન્જર’ એ તેની નાડી જોઈ અને તેને ખભે થપથપાવી પોતાની જગ્યાએ બેસી ગયો. બેમાંથી એકેયને બીજાની ભાષા આવડતી ન હતી, બોલાઈ માત્ર હૃદયની ભાષા.

ફરી કાંઈ બન્યું નથી એમ બાળક સુઈ ગયેલું તેને ખોળામાં લઈ  વિડીયોગેમ રમવા લાગ્યો. મલાયાલી હિંદુને મુસ્લિમ ઓમાની અલ્લા મદદે આવેલા.

હવે સહુ નીચેથી પલળેલા ઝબ્બાવાળા ‘લઘરા પેસેંજર’ પ્રત્યે માનથી જોવા લાગ્યાં.

એરહોસ્ટેસે ઉતરતી વખતે એને કઈંક પૂછ્યું જે અમે એ હોસ્ટેસ ને પૂછ્યું. એ ઝબ્બાવાળો એક ડોક્ટર હતો પણ હાર્ટનો નહીં. બીજી લાઈનનો. ક્રિટિકલ સંજોગોમાં આ બચાવ ક્રિયા એણે કરેલી જે એને ભાગ્યેજ કરવાની આવતી હશે.

કોઈના દેખાવ પરથી તો ઘણું સૂઝે, રમૂજ પણ.  એનું વર્તન ક્યારેક માન ઉપજાવી જાય છે.  માણસની પરખ એનો બાહ્ય દેખાવ નહીં, એનું વર્તન, એનું કાર્ય બોલે છે. હજી બે વર્ષ પછી આંખ સામે એ મલયાલી માટે ગોડ ઓફ બીગ થીંગ બનેલો ડોક્ટર, દેખાવે ‘એ લઘરો પેસેન્જર’ આંખ સામે તરે છે અને કાયમ તરશે.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: મિકી માઉસ અને ડોનાલ્ડ ડકને કરન જોહર ક્યાં લઇ ગયા હતા?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here