શિયાળાને પણ ગરમી આપી શકે તેવી હોટ ચોકલેટ રેસિપીઝ શીખીએ

0
186
Photo Courtesy: littleinspiration.com

આ વર્ષે આપણા સહુના સદનસીબે ઠંડી સમયસર અને વ્યવસ્થિત ચાલુ થઇ ગઈ છે. એ જ સંદર્ભમાં આપણે ગયા અઠવાડિયે ફૂડમૂડમાં આપણે શિયાળાના સ્વાગત માટે કેટલીક વાનગીઓ જોઈ હતી. આજે આપણે એ જ ગાથા ચોકલેટ સાથે થોડી આગળ વધારીશું.

કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર હોઈએ છીએ, ઈનફેક્ટ આપણે ઠંડીમાં આવી જ વસ્તુને પ્રાયોરીટી આપીએ છીએ – મહેમાન હોઈએ ત્યારે પણ અને મેજબાન હોઈએ ત્યારે પણ!

મારી પોતાની વાત કરું તો મારા માટે શિયાળો એટલે ઘરનો એક કોઝી ખૂણો, મારું ગમતું પુસ્તક, બ્લેન્કેટ અને ગરમાગરમ હોટ ચોકલેટ!

હોટ ચોકલેટ એ આમ તો ગરમ દૂધમાં ડ્રીન્કીંગ ચોકલેટ ઉમેરીને જ બનાવવામાં આવે છે, પરંતુ તમે ધારો તો આ સામાન્ય ડ્રીંકને એક સ્પેશિઅલ ટ્વિસ્ટ આપી શકો છો! ચોકલેટ્સ પોતે જ એક એવી વસ્તુ છે કે તમે એને અલગ અલગ સ્વાદમાં ઢાળી શકો છો, ત્યારે એ જ ચોકલેટમાંથી બનતા હોટ ચોકલેટને પણ આપણે અલગ ટ્વિસ્ટ આપી જ શકીએ.

આજે આપણે શિયાળાની ઠંડીને વધારે સ્પેશિઅલ બનાવતા વિવિધ હોટ ચોકલેટ્સ જોઈશું.

હોટ ચોકલેટ મિક્સ

Photo Courtesy: marthastewart.com

સામગ્રી:

1/2 કપ ખાંડ

1/4 કપ કોકો

1 ટીસ્પૂન મીઠું

સર્વ કરવા માટે દૂધ

રીત:

 1. એક મોટા બાઉલમાં ખાંડ, કોકો અને મીઠું ભેગા કરો અને મિશ્રણને સારી રીતે ભેગા કરી બરાબર મિક્સ કરો.
 2. એક હવાચુસ્ત પાત્રમાં મિશ્રણ સ્ટોર કરો.

જયારે હોટ ચોકલેટ સર્વ કરવાની હોય ત્યારે

 1. એક કપ દૂધને ઉકાળો, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઉપર બનાવેલ મિશ્રણ ઉમેરો અને એ મિશ્રણ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવો.
 2. દૂધને કપમાં ઉમેરી તેના પર કોકો પાઉડર અથવા ચોકલેટનું છીણ ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
લાગતું વળગતું: ખાંડ પ્રત્યેનો મોહ દૂર કેમ ન થઇ શકે? આ રહી તેની વૈજ્ઞાનિક પદ્ધતિ

હોટ ચોકલેટ ટ્રફલ્સ

Photo Courtesy: yourcupofcake.com

સામગ્રી

1૦૦ ગ્રામ ડાર્ક, મિલ્ક અથવા વ્હાઈટ ચોકલેટ (જે પસંદ હોય તે), સમારેલી

1 કપ હેવી ક્રીમ

ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ, જરૂરમુજબ (ઓપ્શનલ)

રીત:

 1. એક બાઉલમાં ક્રીમને ઉકળવાની શરૂઆત થાય ત્યાંસુધી ગરમ કરી લો.
 2. હવે બીજા એક બાઉલમાં ચોકલેટને લઇ, એના ઉપર ગરમ ક્રીમ રેડી, પાંચ મિનીટ રહેવા દો, જેથી તે ઓગળી જાય. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી લો જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન રહી જાય.
 3. હવે આ મિશ્રણને ફ્રીજમાં લગભગ 1 કલાક માટે ઠંડુ થવા દો, જેથી તેના બોલ્સ બનાવવા સહેલા થઇ જાય.
 4. તૈયાર થયેલા ટ્રફલ મિક્સમાંથી એક ટેબલસ્પૂન જેટલું મિક્સ લઇ તેમાંથી બોલ બનાવો.
 5. જો ચાહો તો આ બોલને સમારેલા ડ્રાયફ્રુટમાં રગદોળી શકો છો.
 6. બોલ્સને એક એરટાઈટ કન્ટેનરમાં મૂકી ફ્રીજમાં રાખી લો.

સર્વ કરવા માટે:

1 કપ દૂધને ગરમ કરો અને તેમાં તૈયાર કરેલ ટ્રફલ બોલ્સમાંથી એક બોલ નાંખી દો. બરાબર હલાવી દો જેથી બોલ ઓગળીને સ્વાદિષ્ટ હોટ ચોકલેટ તૈયાર થઇ જાય.

નોંધ: આ રીતે ટ્રફલ બનાવતી વખતે તેમાં પેપરમિન્ટ કે અન્ય કોઈ ફ્લેવર ઉમેરીને ફ્લેવર્ડ હોટ ચોકલેટ્સ પણ બનાવી શકાય છે.

 

સિનામન હોટ ચોકલેટ ઓન સ્ટીક

Photo Courtesy: littleinspiration.com

સામગ્રી:

½ કપ હેવી ક્રીમ

¾ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

2 કપ વ્હાઈટ ચોકલેટી ચીપ

1 ½ ટીસ્પૂન તજનો પાઉડર

¼ ટીસ્પૂન જાયફળ પાઉડર

1 ટીસ્પૂન વેનીલા એસેન્સ

20 આઈસ્ક્રીમ સ્ટીક્સ

રીત:

 1. એક સોસપેનમાં ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, તજનો પાઉડર, જાયફળ પાઉડર અને વેનીલા એસેન્સ ઉમેરીને ઉકળવાની શરૂઆત થાય ત્યાંસુધી, મધ્યમ તાપે, ગરમ કરો.
 2. હવે એક બાઉલમાં ચોકલેટને લઇ, એના ઉપર ગરમ ક્રીમનું મિશ્રણ રેડી, પાંચ મિનીટ રહેવા દો, જેથી તે ઓગળી જાય. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી લો જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન રહી જાય.
 3. હવે ચોકલેટના મોલ્ડ કે આઈસ ટ્રેમાં મિશ્રણને રેડી લો. મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવવા દો. દરેક મોલ્ડમાં રેડેલ મિશ્રણમાં વચ્ચે આઈસ્ક્રીમ સ્ટિક ખોસો.
 4. મોલ્ડને 2 કલાક માટે ડીપ ફ્રિજમાં રાખો.

સર્વ કરવા માટે:

એક કપ દૂધને ગરમ કરો અને તેમાં તૈયાર કરેલ સ્ટીકસમાંથી એક સ્ટીક બરાબર હલાવી દો જેથી સ્ટીકમાં રહેલ ચોકલેટ ઓગળીને સ્વાદિષ્ટ હોટ ચોકલેટ તૈયાર થઇ જાય.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: આવો જાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને સ્ટ્રેસ વચ્ચેનું કનેક્શન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here