Midnights With મેનકા – સફળતાનું અભિમાન ડૂબતી હોડી જેવું હોય છે

0
333
Photo Courtesy: in.bmscdn.com

આજે આપણે બોલિસોફીમાં કોઈ બોલિવુડ નહીં પણ એક ગુજરાતી અને એ પણ તાજી ગુજરાતી ફિલ્મમાં કહેવાયેલી ફિલોસોફીની વાત કરવાની છે. થોડું અજીબ લાગશે કારણકે ગુજરાતી ફિલ્મો માત્ર મનોરંજન માટે જ બનતી હોય છે ખાસકરીને તેના પુનરોધ્ધાર બાદ એવી ફરિયાદ અસંખ્ય લોકોની છે ત્યારે Midnights With મેનકા જેવું અલગ અને થોડુંક ગલગલિયાં કરાવતું નામ ધરાવતી ગુજરાતી ફિલ્મમાં પણ કોઈ ફિલોસોફી રહી છે એ જાણીને નહીં?

પણ ખરેખર Midnights With મેનકા એ તમામ લોકો માટે એક સુંદર સંદેશ છોડે છે જે સફળતાની રાહ પર ચાલી નીકળ્યા છે અથવાતો સફળતા મેળવી ચૂક્યા છે. સફળતાના રસ્તે જે લોકો ચાલી પડ્યા છે એમના માટે એક જ સલાહ આ ફિલ્મ આપે છે અને એ છે કે સફળતા મળ્યા પછી પણ વિનમ્ર રહેવું અત્યંત જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો સફળતા તમારા મગજ પર ન ચડી જાય અને સફળતાના સમયમાં પણ તમે વિનમ્ર રહી શકો તો જ તમે સફળતા પચાવીને તેના નવા નવા સોપાનો સર કરતા રહેશો.

પરંતુ ફિલ્મનો હીરો મલ્હાર ઠાકર જેનું ફિલ્મમાં પણ નામ મલ્હાર ઠાકર જ છે, તેને અસત્યના પાયા પર તેણે રચેલી સફળતાની ઈમારતની ટોચ પર પહોંચીને તેનો એવો તે નશો ચડે છે કે તે પોતાની જાતને અપરાજિત સમજવા લાગે છે. ફિલ્મમાં મલ્હાર સફળતા અને ચિક્કાર સફળતા મળ્યા બાદ પોતાની આસપાસના લોકો સાથે કે એ લોકો સાથે જે એને કામ આપે છે તેમની સાથે અને ખાસકરીને પોતાના ફેન્સ સાથે જે રીતે દુર્વ્યવહાર કરે છે એવા ઘણા લોકો આપણે આપણી આસપાસના જીવનમાં પણ અનુભવતા હોઈએ છીએ.

આપણે સફળ હોઈએ એટલે બીજાનો મત આપણા વિષે કે પછી આપણે રજૂ કરેલા કોઈ મત વિષે હોય તેને અમુક સફળતમ વ્યક્તિઓ પોતાના અભિમાનને લીધે સ્વીકારી શકતા નથી. પરિણામે વગર કોઈ વાંકે એમનાથી વિરુદ્ધ મત દર્શાવનાર વ્યક્તિને એમના અભિમાનમાંથી ટપકેલા કોપનો ભાગ બનવું પડતું હોય છે. સફળતાનું આ વ્યક્તિઓમાં એટલું તો અભિમાન આવી જતું હોય છે કે ભૂતકાળમાં પોતાને સાથ આપનારા અને જેમના ખભે ચડીને પોતે સફળતા મેળવી છે એમને અભદ્ર અથવાતો અશાલીન ભાષામાં જાહેરમાં ઉતારી પાડતા એ સફળ વ્યક્તિઓને શરમ નથી આવતી.

જ્યારે માણસ સફળતાના મદમાં પોતાની જાતને અપરાજિત સમજવા લાગે છે ત્યારે તેમાંથી દંભ પણ ઉત્પન્ન થાય છે અને જ્યારે માનવીમાં દંભની એન્ટ્રી થાય છે ત્યારે તેના  બેવડા ધોરણો પણ સામે આવે છે. કોઈ એક મુદ્દે પોતાનું અથવાતો પોતાના માનીતા વ્યક્તિઓનું મંતવ્ય તેને મધમીઠું લાગતું હોય છે પરંતુ એ જ મુદ્દે એ જ પ્રકારનું પરંતુ થોડું જુદી રીતે કહેવામાં આવેલું કોઈ અજાણ્યા કે અણગમતા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું મંતવ્ય તેઓ પચાવી શકતા નથી. પરિણામે બેવડા ધોરણોનો તેઓ ભોગ મળે છે અને લોકો સમક્ષ એક જ મુદ્દે બે સ્ટેન્ડ લેવા અંગે ખુલ્લા પડી જતા હોય છે.

જે વ્યક્તિઓ સામાન્ય પ્રજાના ટેકાથી લોકપ્રિય અથવાતો અતિશય લોકપ્રિય બન્યા હોય છે એમને પ્રજા જ ક્યારે નકારી નાખશે તેની તેમને ખબર જ નહીં પડે તેની ખબર હોવી અત્યંત જરૂરી છે. હા આવા અભિમાની લોકોનો સારો સમય અમુક દિવસો, મહિનાઓ કે દાયકાઓ સુધી ટકી શકે છે પરંતુ જો તેઓ પોતાને જ સફળ બનાવનારા વ્યક્તિઓ પ્રત્યે સન્માન નથી જાળવતા તો ક્યારેક ને ક્યારેક એમની પડતી નિશ્ચિત છે અને આ જ હકીકતને Midnights With મેનકા માં ખુબ સુંદર રીતે પરંતુ છુપા સંદેશ તરીકે દેખાડવામાં આવી છે.

જ્યારે માનવી પોતાની સફળતાના મદમાં પોતાને અપરાજિત માને છે ત્યારે જ તે એક પછી એક ખોટા નિર્ણયની હારમાળા સર્જે છે. છેવટે એક સમય એવો આવે છે કે જે સફળતાને લીધે તેણે પોતાનો લોકપ્રિયતાનો કિલ્લો બાંધ્યો હોય છે એ જ કડડભૂસ થઇ જાય છે એટલુંજ નહીં અમુક કિસ્સાઓમાં તો એક પછી એક લેવાયેલા ખોટા નિર્ણયોને લીધે તેને અતિશય બદનામ પણ થવું પડે છે.

લાગતું વળગતું: ગોલમાલ: નોકરી બચાવવાની સાચી લડાઈ માટે જુઠું શસ્ત્ર વાપરવા મજબૂર મધ્યમવર્ગીય

તો પછી સફળતા મગજમાં ચડી ન જાય તે માટેનો ઉપાય શું?

વેલ, ઉપાય Midnights With મેનકા માં જ જણાવવામાં આવ્યો છે. સફળતાનો મદ મગજમાં ન ચડી જાય તે માટે વ્યક્તિએ સતત પોતાના મૂળિયાં સાથે જોડાયેલું રહેવું જોઈએ. પોતે કયા સ્ટેશનેથી આ સફળતાની ટ્રેનની સફર ચાલુ કરી છે એ સ્ટેશનની તેણે સતત મુલાકાત લેતા રહેવી જોઈએ. જો કોઈ વ્યક્તિ Midnights With મેનકાના મલ્હારની જેમ સફળતામાં છકી જઈને પોતાનું સર્વસ્વ ગુમાવી ચુક્યો છે અને ફરીથી કર્મની ગાડી પાટા પર લાવવી છે તો તેણે ફરીથી પોતાના મૂળની મુલાકાત લેવી જોઈએ જેમ મલ્હાર આ ફિલ્મમાં પોતાની અદાકારીનું મૂળ એટલેકે નાટક તરફ પરત વળીને કરે છે.

પરંતુ જો તમે તમારું ઓરીજીન એટલેકે મૂળ સ્થાન જ ન ભૂલો તો કદાચ તમને ગમે તેટલી સફળતા કેમ ન મળે તમારા પગ જમીન પર જ રહે છે. આ માટેનું સહુથી સુંદર ઉદાહરણ મહાનાયક અમિતાભ બચ્ચનનું આપી શકાય છે. આજે કદાચ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને પણ બે ઘડી છક્કડ ખવડાવી શકે એવી કોઈની લોકપ્રિયતા હશે તો એ અમિતાભ બચ્ચનની જ હશે એમાં કોઈને પણ શંકા નહીં હોય.

જો સફળતાની આવી અપ્રતિમ ટોચ પર બેસેલા અમિતાભ બચ્ચન જાહેરજીવનમાં આટલી હદ સુધી નમ્ર રહી શકતા હોય તો આપણી તો શું વિસાત છે? જો કે આપણે તો એવા વ્યક્તિઓને પણ જોઈએ છીએ અને દરરોજ જોઈએ છીએ જેને પોતાના શહેર કે જીલ્લા અથવાતો રાજ્યની બહાર કોઈ શ્યામવર્ણી શ્વાન પણ ન ઓળખતો હોય તો પણ પોતાની જાતને અમિતાભ બચ્ચનથી પણ પોતાને ઉંચા ગણતા હોય છે અને એ બોદી લોકપ્રિયતાના આભામંડળમાં રહીને પોતાની આસપાસના લોકોનું જાહેરમાં અપમાન કરતા રહેતા હોય છે.

આપણે બધા આપણા કાર્યક્ષેત્રોમાં અત્યંત સફળ થઈએ એ વિચારવું ગમતું હોય છે , કોને ન ગમે? પરંતુ સફળતાની સફર દરમ્યાન ઈશ્વરને આપણી સદાય એવી પ્રાર્થના હોવી જોઈએ કે, “મને સફળતાના એવરેસ્ટ પર બેસાડજે, પણ મારા પગ જમીન પર જ ખોડાયેલા રાખજે!” જો આ પ્રાર્થના આપણે બધા જ કરતા રહીશું તો આપણે સફળતાની સાથે સાથે નમ્રતા પણ કેળવી શકીશું.

સતત મનોરંજન સાથે આવો સુંદર છૂપો મેસેજ પણ આપવા બદલ Midnights With મેનકા ના સર્જકો અને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: જીવનસાથી મેળવવાનો Online મેળાવડો એટલે ભાતભાતની Dating Apps

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here