ચેતેશ્વર પુજારા અને રાહુલ દ્રવિડ – “આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા!”

0
290
Photo Courtesy: cricwizz.com

રાહુલ દ્રવિડે જ્યારે ટેસ્ટ મેચોમાંથી સન્યાસ લીધો હતો ત્યારે એનું સ્થાન કોણ લેશે એની ચિંતા તો કદાચ ગાંગુલી, લક્ષ્મણ કે ઇવન સચિનની નિવૃત્તિ વખતે પણ નહોતી થઇ. આનું કારણ હતું ટેસ્ટમાં નંબર ત્રણની અતિશય મહત્ત્વની પોઝિશન. દ્રવિડ જ્યારે હજી રમી રહ્યો હતો એ સમયે સૌરાષ્ટ્રની ટીમમાંથી ચેતેશ્વર પુજારા ત્રીજા નંબરે જ ઘણો સારો દેખાવ ઓલરેડી કરી રહ્યો હતો.

Photo Courtesy: cricwizz.com

આ વખતે જ ચેતેશ્વરને દ્રવિડના વારસ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો અને ભલું થજો એ સમયના BCCIના સિલેક્ટરોનું કે રાહુલ દ્રવિડે જેવી નિવૃત્તિ જાહેર કરી કે તરતજ પુજારાને રાહ જોવડાવ્યા વગર જ ભારતની ટેસ્ટ ટીમમાં સીધો જ પ્રવેશ આપી દેવામાં આવ્યો. ભારતીય સિલેક્ટર્સના આ ત્વરિત અને દુરંદેશી ધરાવતા નિર્ણયના મીઠાં ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ.

ગઈકાલે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું એ ગઈ બે પેઢીઓના ચાહકો માટે સ્વપ્ન સમાન હતું. કારણકે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયાની સિરીઝ અડધી પતી જાય એટલે સિરીઝ ઓલરેડી હારી ચુક્યા હોય ત્યારે આપણા બેટ્સમેનોને ‘ટપ્પા પડવાના શરુ થતા’ એવું વર્ષોથી જોવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ચેતેશ્વર પુજારાએ અદ્દલ રાહુલ દ્રવિડની માફક એક છેડો પકડીને બેટિંગ કરે રાખી અને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

બીજી ઇનિંગમાં પણ ચેતેશ્વરના જ 71 રન કામે આવ્યા અને ભારત છેવટે 31 રને જીતી શક્યું. પરંતુ આ ટેસ્ટ દરમ્યાન એક અદભુત અને આંખો ખોલી નાખનારા આંકડા પણ બહાર આવ્યા જેણે ચેતેશ્વરને દ્રવિડની સમકક્ષ લાવીને ઉભો કરી દીધો છે. આ આંકડાઓ અનુસાર ચેતેશ્વર પુજારાએ તેના 3000, 4000 અને 5000 ટેસ્ટ રન રાહુલ દ્રવિડની જેમ જ અનુક્રમે 67, 84 અને 108 ઇનિંગ્સમાં પુરા કર્યા છે.

જેમ ચૂંટણીઓમાં એક્ઝીટ પોલ વાળા પોતાનું સેમ્પલ બહુ મોટું હોવાથી એમના સરવે પર વિશ્વાસ કરવો એવું કહેતા હોય છે એવી જ રીતે 5000 રનનું ‘સેમ્પલ’ ચેતેશ્વર પુજારાને રાહુલ દ્રવિડ સાથે ખભેખભો મેળવીને ચાલતો બેટ્સમેન ઘોષિત કરવામાં જરાય નાનું ન જ કહેવાય. હવે ચેતેશ્વર પુજારા માટે “હજી તો નવો ખેલાડી છે, રાહ જુઓ” એમ કહેવું ક્રિકેટ પંડીતો કે ખુદ ચેતેશ્વરને પાલવે તેમ નથી.

લાગતું વળગતું: જ્યારે અશ્વિન અને ગિબ્સની ટ્વિટ ચર્ચામાં રજનું ગજ થઇ ગયું

આ વર્ષે ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં અગાઉના ફોર્મનો આધાર રાખીને ચેતેશ્વરને ડ્રોપ કરવામાં આવ્યો હતો, જે ભારતના એ ટેસ્ટ હારવાના ઘણા કારણોમાંથી એક બન્યું હતું. જો એ સમયે ટીમ મેનેજમેન્ટે ઉપરના રાહુલ દ્રવિડ સાથેની સરખામણીવાળા આંકડાઓ જોઈ લીધા હોત તો કદાચ તે પુજારાને ડ્રોપ કરવાનો વિચાર સુદ્ધાં ન કરત.

પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં પુજારાએ બંને ઇનિંગ્સમાં મોટા સ્કોર્સ કરીને દેખાડી દીધું કે તે દ્રવિડ સ્તરનો ખેલાડી છે અને હવે તેના માટે પણ ‘form is temporary but class is permanant’ નો નિયમ લાગુ પાડીને અમુક તમુક સિરીઝમાં જો તે નબળું ફોર્મ દેખાડે તો એમ તરત એને ડ્રોપ ન કરી શકાય એ સિલેક્ટર્સ ઉપરાંત  ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ નોંધી લેવાની જરૂર છે.

ચેતેશ્વર પુજારા માટે એવું કહેવાય છે કે તેણે પોતાની ગેમ થોડીક ફાસ્ટ કરવાની જરૂર છે. આ મંતવ્ય સાચું પણ છે અને ખોટું પણ છે. સાચું એટલા માટે છે કે દ્રવિડની સરખામણીએ પુજારા વધારે ધીમું રમે છે અને કદાચ તેને લીધે સામેના બેટ્સમેન પર રન બનાવવાનું પ્રેશર આવી જાય છે, પરંતુ આ જ દલીલને જરા જુદી રીતે જોઈએ. આપણા બેટ્સમેનોએ છેલ્લા એક વર્ષમાં વિદેશમાં બેટિંગ કરતી વખતે સાતત્યપૂર્ણ ઝંડા રોપ્યા નથી અને આથી હાલ પુરતી ધીમી તો ધીમી પણ એક છેડો પકડીને પુજારા બેટિંગ કરતો રહે એ જરૂરી છે અને એ સાબિતી એડિલેડ ટેસ્ટમાં બરોબર મળી ગઈ છે.

ગમે તે હોય પરંતુ હવે આવનારા લગભગ સાતથી આઠ વર્ષ માટે ભારતીય ક્રિકેટ ફેન્સને એટલીસ્ટ ટેસ્ટ મેચોમાં નંબર ત્રણ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: રફેલ મુદ્દે શું સુપ્રીમ કોર્ટે ખરેખર કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here