ચૂંટણી પરિણામો લાઇવ!! – ચૂંટણીના પરિણામોની દિલધડક ચર્ચાઓ પર એક કટાક્ષ

0
272
Photo Courtesy: indiatoday.in

“આજે આપણા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પરિણામો બહુ જલ્દીથી આવવાના શરુ થઇ જવાના છે.  આજની મતગણતરી, ટ્રેન્ડ તેમજ પરિણામો પર ચર્ચા કરવા અમારી સાથે સતત રહેશે સી પાર્ટીના અપરાજીતભાઈ અને બી પાર્ટીના અજીતભાઈ. પહેલા આપણે અપરાજીતભાઈનું મંતવ્ય જાણીશું બાદમાં અજીતભાઈનું.”

“જુઓ, પ્રજા બી પાર્ટીના વીસ વર્ષના શાસનથી ત્રાસી ગઈ છે અને બે દિવસ પહેલા જ બહાર પડેલા એક્ઝીટ પોલમાં પણ આપણે જોયું છે કે અમે સાદી બહુમતી મેળવવાના છીએ. બપોર સુધીમાં ચૂંટણી પરિણામો આવી જતા  ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે અમે વીસ વર્ષના લાંબા ગાળા બાદ આપણા રાજ્યમાં લોકોની સેવા કરવા સત્તામાં પરત આવવાના છીએ.”

“અપરાજીતભાઈને ખ્યાલ હોવો જોઈએ કે ભારતના ઇતિહાસમાં એક્ઝીટ પોલ્સ ક્યારેય સાચા પડ્યા નથી, ગઈ લોકસભાની ચૂંટણી પરિણામો  પણ એક એક્ઝીટ પોલથી સાવ વિરુદ્ધ હતા અને આથી તેઓ જો એક્ઝીટ પોલ કરતા જમીન પર પોતાના કાર્યકર્તાઓએ શું કામ કર્યું છે એના પર ધ્યાન આપે તો ખબર પડશે કે સતત છઠ્ઠી વખત પણ અમારી સી પાર્ટી ને જ ગુજરાતની જનતા પસંદ કરવાની છે.”

“તો આપણી સમક્ષ પ્રથમ ટ્રેન્ડ આવી ચૂક્યો છે, જો કે  હું કહેવા માંગીશ કે હજી આ પોસ્ટલ બેલેટ્સની ગણતરીના જ ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ મુજબ પહેલી લીડ બી પાર્ટીને ગઈ છે. શું કહેશો અપરાજીતભાઈ?”

“હજી તો આ પોસ્ટલ બેલેટનો ટ્રેન્ડ છે એટલે હજીતો ઘણું વહેલું કહેવાય એટલે આમ જુઓ તો કશું કહી જ ન શકાય. હજી ઈવીએમ ખુલવા દો, ચૂંટણી પરિણામો આવી જવા દો પછી આમની પોલ પણ ખુલવા લાગશે.”

“અજીતભાઈ આપનું શું કહેવું છે?”

“શુકન સારા થયા છે અને મને પાકી ખાતરી છે કે છેલ્લે પરિણામો પણ અમારી અપેક્ષા અનુસારના જ આવશે.”

“લ્યો ગણતરીને હવે અડધો કલાક વીતી ગયો છે અને બી ટીમ હવે પંદર વિરુદ્ધ પાંચ બેઠકોથી લીડ કરી રહી છે, અપરાજીતભાઈ શરૂઆત તો તમારી અપેક્ષા વિરુદ્ધની છે.”

“જુઓ હજીતો આ શરૂઆતના ટ્રેન્ડ છે અને ફક્ત આપણા રાજ્યના ઉત્તરના વિસ્તારના જ ટ્રેન્ડ છે હજી વાયવ્ય વિસ્તાર જ્યાં અમે બી ટીમ કરતા ઘણો સારો દેખાવ કરવાના છે તેના ટ્રેન્ડ આવવા દો.”

“અપરાજીતભાઈએ એ ભૂલવું ન જોઈએ કે આ જ ઉત્તરી વિસ્તારમાં તેઓ થોડીવાર પહેલા જે એક્ઝીટ પોલના ગુણગાન ગાઈ રહ્યા હતા તેણે અમને માત્ર બે કે ત્રણ બેઠકો જ અપાવી હતી જ્યારે અમે ઓલરેડી અહીં પંદર બેઠકોમાં લીડ કરી  રહ્યા છીએ.”

“હજી આ ચર્ચા ચાલી જ રહી છે કે સી પક્ષની અપેક્ષા અનુસાર વાયવ્ય વિસ્તારના ઈવીએમ ખુલતા જ એમણે બી પક્ષની લીડ ઉતારી દીધી છે અને હવે બંને પક્ષો ત્રીસ-ત્રીસ બેઠકો પર લીડ કરી રહ્યા છે. શું કહેશો અજીતભાઈ.”

“જુઓ, વાયવ્ય વિસ્તારમાં પણ હજી તેના કેન્દ્રીય જીલ્લાઓ છે તેના જ ટ્રેન્ડ આવી રહ્યા છે, સમુદ્ર કિનારાની બેઠકોના ટ્રેન્ડ જ્યારે આવશે ત્યારે તમે જોશો કે અમે ફરીથી આગળ વધી જઈશું. બીજું સી પક્ષને માત્ર આ જ વિસ્તારમાં સારું કરવાની આશા છે જ્યારે અમે તો આ ચૂંટણી પરિણામો  આવી જાય ત્યારે સમગ્ર રાજ્યમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ ધરાવીએ છીએ, એટલે છેવટે અમે સંપૂર્ણ બહુમતી મેળવીશું જ.”

“પચીસ વર્ષોમાં પહેલીવાર એક ઐતિહાસિક પળના આપણે સાક્ષી બની રહ્યા છીએ, અમારી પાસે હવે દોઢસો બેઠકોના ટ્રેન્ડ છે જેમાંથી સિત્તેર બેઠકો પર બી પક્ષ અને એંશી બેઠકો પર સી પક્ષ લીડ કરી રહ્યો છે! અપરાજીતભાઈ…”

“હું કહેતો જ હતો કે લોકો આમનાથી ત્રાસી ગયા છે અને આથી જ અમને બહુમત આપી રહ્યા છે. અમે ઓલરેડી એંશી બેઠકો પર લીડ કરી રહ્યા છીએ એટલે હવે અમે સત્તામાં આવીને રાજ્યની પ્રજાની અપેક્ષા અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અમારાથી બનતું બધુંજ કરી છૂટીશું. જુઓ હવે અમે બહુમતીથી ફક્ત બાર જ બેઠકો દૂર છીએ જ્યારે હજી ત્રીસેક બેઠકોના ટ્રેન્ડ તો આવવાના હજી બાકી છે જે અમને આરામથી બહુમતી અપાવી દેશે.”

“અજીતભાઈ આપ શું કહેશો…”

“જુઓ, આ હજી પણ અર્લી ટ્રેન્ડ્સ કહેવાય અને મને મળતી માહિતી અનુસાર આમાંથી પંદરથી વીસ એવી બેઠકો છે જેમાં બન્ને પક્ષો વચ્ચે માત્ર બસ્સો થી ત્રણસો મતનો જ ફરક છે, તેમ છતાં પ્રજાનો જે કોઇપણ નિર્ણય હશે એને અમે અત્યંત નમ્રતાથી સ્વીકારીશું.”

“એ સિવાય તમારી પાસે બીજો ઉપાય પણ શું છે? વીસ વીસ વર્ષથી ગુમાનમાં આવી જઈને પ્રજાનું લોહી ચૂસ્યું છે તમે હવે તમને જ્યારે ચૂંટણી પરિણામો  આવતા પ્રજા રિજેક્ટ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે ત્યારે નમ્રતા દેખાડી રહ્યા છો. વાહ!”

લાગતું વળગતું: શું તમે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે ઉપવાસના નિયમો જાણો છો?

“હું તમને રોકીશ અપરાજીતભાઈ કારણકે ટ્રેન્ડ હવે સાવ બદલાઈ ગયો છે. બી પક્ષ હવે સો બેઠકો પર લીડ કરી રહ્યો છે અને તમારો સી પક્ષ માત્ર સિત્તેર બેઠકો પર જ્યારે  હજી બાર બેઠકોના ટ્રેન્ડ આવવાના બાકી છે.”

“જુઓ ઘણી બેઠકો પર અમે બહુ ઓછા માર્જીનથી દૂર છીએ મિત્ર, મને ખાતરી છે કે  જેવા તમામ બેઠકોના ટ્રેન્ડ્સ આવી જશે કે તરતજ અમે લીડ પરત મેળવીશું અને તેને મજબૂત બનાવીશું.”

“તો હવે અમારી પાસે તમામ બેઠકોના ટ્રેન્ડ્સ આવી ગયા છે અને તેમાંથી મોટાભાગના પરિણામો છે અને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બી પક્ષ તેમનો વીસ વર્ષનો દેખાવ રીપીટ કરી રહ્યો છે અને તે એકસોવીસ બેઠકો પર આગળ છે જેમાંથી તેણે પચાસ બેઠકો પર ઓલરેડી વિજય મેળવી લીધો છે. અજીતભાઈ ખુશ છો?”

“કેમ નહીં? પ્રજા સી પક્ષના દુષ્પ્રચારને સમજી ગઈ છે તે આ ચૂંટણી પરિણામો અને ટ્રેન્ડ્સ પરથી સાબિત થઇ રહ્યું છે, જે એક્ઝીટ પોલ પર મારા મિત્ર અપરાજીતભાઈ ખુશ થઇ રહ્યા  હતા એ ફરીથી પોલમપોલ સાબિત થઇ રહ્યો છે.”

“અમારી તાજી માહિતી અનુસાર પંદર રાઉન્ડની ગણતરી થઇ ગઈ છે અને બી પક્ષે પોતાની લીડ તમામ એકસોબાવીસ બેઠકો પર મજબૂત કરી લીધી છે. જો કે એમાંથી એંશી બેઠકો તે ઓલરેડી જીતી ચૂક્યો છે એટલે હવે સરકાર બનાવવા તેને માત્ર બાર બેઠકો જ જોઈએ છીએ. અપરાજીતભાઈ શું તમને નથી લાગતું કે તમે ફરીથી આપણા રાજ્યની પ્રજાને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છો?”

“બિલકુલ નહીં આ બહુ મોટું કૌભાંડ છે જે દિલ્હીની બી પક્ષની સરકાર દ્વારા જ આચરવામાં આવ્યું છે.”

“એટલે?”

“એટલે એમ કે બી પક્ષે ચૂંટણીઓમાં ઘાલમેલ કરી છે!”

“હું સમજ્યો નહીં અપરાજીતભાઈ?”

“અપરાજીતભાઈ એમનો સતત છઠ્ઠો પરાજય પચાવી નથી શકતા એ દેખાઈ રહ્યું છે.”

“એક મિનીટ અજીતભાઈ, મેં સવાલ અપરાજીતભાઈને પૂછ્યો છે. બી પક્ષે ચૂંટણીઓમાં શું ઘાલમેલ કરી છે? જરા કહેશો?”

“એમણે બ્લૂટૂથથી ઈવીએમ હેક કર્યા છે અને ઘણી જગ્યાઓએ એવી ફરિયાદ હતી કે ઈવીએમનું કોઇપણ બટન દબાવો તો મત તો બી પક્ષને જ જાય છે.”

“અરે! પણ તમારી વિનંતીને લીધે જ ચૂંટણી પંચે તમામ મતદાનમથકોએ ઈવીએમ સાથે વીવીપેટ મશીનો મુક્યા હતા જેની કાપલી સાબિત કરે છે કે મત કોને અપાયો છે. અને તમે જે વાત કરો છો એ તો અફવા નીકળી હતી અને અત્યારસુધી એવી કોઈજ ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ આખા રાજ્યમાંથી નથી આવી કે કોઈનો મત અને વીવીપેટ મશીનની સ્લિપમાં કોઈ ફેર હોય?”

“જુઓ આ બધું એક મસમોટું કૌભાંડ છે. બી પક્ષે ઈવીએમ હેક કર્યા છે. બાકી એક્ઝીટ પોલે અમને ચૂંટણી પરિણામો માં પૂર્ણ બહુમતી અપાવી હતી.”

“તો એ જ એક્ઝીટ પોલના આધારે તમે એક્ઝીટ સરકાર બનાવી લો, તમને કોણ ના પાડે છે? છઠ્ઠી હારથી સી પક્ષના નેતાનું માનસિક સંતુલન ચાલ્યું ગયું હોય એવું લાગી રહ્યું છે.”

“તમે મારા પર અંગત આક્ષેપ લગાવી રહ્યા છો.”

“અને તમે મારા પક્ષ પર ખોટા આરોપ લગાવો છો એનું શું?”

“તમે લોકો તો છો જ ચોર…”

“ચોરો અન્યોને ચોર કહે તે યોગ્ય ન કહેવાય…”

“લાગે છે કે બી પક્ષ અને સી પક્ષ બંનેના પ્રવક્તાઓ પોતાની ભાષા પરનો કાબુ ગુમાવે તે પહેલાં આપણે એક બ્રેક લઇ લઈએ. તો મળીએ બ્રેકની બીજી બાજુએ.”

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: Fryday ના હીરો ગોવિંદા પોતાને હિરો નંબર વન કેમ ગણાવે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here