રફેલ મામલે સુપ્રિમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. ખરેખર તો સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ તેના નિર્ણય પર અમુક સમય ટિપ્પણીઓ થાય કે પછી પિષ્ટપેષણ થાય અને પછી એ મુદ્દાને બંધ થઇ ગયેલો માની લેવામાં આવે છે. કોંગ્રેસ પ્રમુખે આ મામલે દેશની અને ખાસકરીને સેનાની મોટી કુસેવા કર્યા બાદ હવે જ્યારે રફેલ મુદ્દે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે પણ હજી કોંગ્રેસ JPC એટલેકે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા રફેલની તપાસ કરાવવા પર અડીખમ છે.

અગાઉ પણ ગાઈવગાડીને કહેવામાં આવ્યું છે કે જ્યારે મામલો દેશની સુરક્ષાનો હોય ત્યારે અમુક પ્રકારના સવાલો ઉઠાવવાથી બચવું જોઈએ. ભૂતકાળમાં સંસદમાં કોંગ્રેસી પ્રધાનોએ અમુક મામલાઓ દેશની સુરક્ષાને લગતા હોવાનું કહીને તેના પર ચર્ચા ટાળી છે તેના દસ્તાવેજી પુરાવાઓ આપણી સમક્ષ હાજર છે જ. પરંતુ ચાર-ચાર વર્ષ સુધી નરેન્દ્ર મોદી કે પછી તેમના એક પણ મંત્રી સામે ભ્રષ્ટાચારનો એક કેસ પણ ઉભો ન થવાની હતાશામાં કોંગ્રેસે રફેલ નામનું તૂત પેટ ચોળીને ઉભું કર્યું હતું.
આ પ્રકારે જ્યારે કોઈ બિનમુદ્દાને મુદ્દો બનાવવામાં આવે ત્યારે તેની પાછળ રાજકીય માઈલેજ મેળવવાનો જ આશય હોય તે સિવાય બીજું કશું જ ન હોય તેની નાના બાળકને પણ ખબર પડી જતી હોય છે. પરંતુ જ્યારે વાત સેનાની હોય ત્યારે રાજકીય પક્ષોએ પણ ધ્યાન રાખવું જોઈએ. કોંગ્રેસે ખરેખર તો રફેલમાં ભ્રષ્ટાચાર થયો છે એવું ભૂત ઉભું કર્યું જે આજે દેશની સર્વોચ્ચ અદાલતે પણ નકારી કાઢ્યું છે. પરંતુ કોંગ્રેસે છેલ્લા એક વર્ષમાં થયેલી તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં આ મામલાનો ભરપૂર ઉપયોગ કરીને મત મેળવવાની કોશિશ કરી છે જે જગજાહેર છે.
હાલમાં જ જે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા તેના પ્રચારમાં પણ રાહુલ ગાંધીએ રફેલ મામલે વડાપ્રધાન પર સીધા આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં પણ ત્રણેય રાજ્યોમાં મળેલા વિજય બાદ દિલ્હીમાં કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ રફેલને રાહુલ ગાંધીએ કૌભાંડ ગણાવ્યું હતું. એવું બિલકુલ નથી કે રફેલને લીધે શાસક ભાજપ ચૂંટણીઓ હારી ગયો છે, પરંતુ એક કાલ્પનિક કૌભાંડ રચીને કોંગ્રેસે એ નામે મત તો માંગ્યા હતા જ એ હકીકત કોઇપણ નકારી શકે તેમ નથી.
જ્યારે કોઇપણ ડિફેન્સ ડીલમાં કૌભાંડ હોવાનો આરોપ લાગે અથવાતો ખરેખર એવું કોઈ કૌભાંડ બહાર આવે ત્યારે સેનાની માનસિક પરિસ્થિતિ અને તેના મોરાલ પર સીધી અસર પડતી હોય છે. તો દેશવાસીઓને પણ પોતાની સરકાર શું કૌભાંડી છે કે દેશના સૈનિકોના હકમાં પણ કટકી કરે છે એવી શંકા ઉભી થઇ જતી હોય છે. જ્યારે દેશની સુપ્રિમ કોર્ટ એ મામલે સોઈ ઝાટકીને કહે કે ના અમને એવું બિલકુલ નથી લાગતું કે આ ડીલમાં કોઈ સમસ્યા છે ત્યારે સેનાની અને લોકોની માફી માંગતા રાહુલ ગાંધીને શો વાંધો છે?
લાગતું વળગતું: રાફેલ ડીલ આરોપમાં પણ કોંગ્રેસનો સેલ્ફ ગોલ? |
ઉપર જે વાત કરી એ જ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના એ વાક્ય કે અમે કોઈનાથી ભારતને મુક્ત કરવા નથી માંગતા તેના પર ઘણા ગુજરાતી પત્રકારો અને કોંગ્રેસી ટેકેદારો ઓવારણાં લઇ ગયા હતા, હવે એ જ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીનો દાવો કે રફેલ એક કૌભાંડ છે તે આજે ખોટો પડ્યો છે તો એ જ રાહુલ ગાંધી પર એટલીસ્ટ પત્રકારોએ તો દબાણ કરવું જોઈએ કે એ માફી માંગે?
પરંતુ એવું નહીં થાય. ઉલટું આ જ પત્રકારો કોંગ્રેસની માંગણી કે રફેલ મામલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસ કરે તેને ટેકો આપશે. જરાક સેનાની પરિસ્થિતિ તો વિચારો? અહીં સેના એટલેકે વાયુસેનાની વાત છે. લગભગ બે દાયકાથી સેનાની પાસે એક પણ નવું આધુનિક ફાઈટર જેટ આવ્યું નથી. હવે જ્યારે રફેલ ડીલ જેને ખુદ વાયુસેના અધ્યક્ષ શ્રેષ્ઠ ડીલ કહી ચૂકયા છે તેના અંગે શંકા-કુશંકા માત્ર દેશની ગાદી હાંસલ કરવા માટે કરવી એ ક્યાં સુધી યોગ્ય છે?
કોંગ્રેસના કપિલ સિબલે તો એટલે સુધી કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ કરતા સંસદનું ન્યાયક્ષેત્ર વધુ મોટું છે. તો પછી સુપ્રિમ કોર્ટના આજના ચુકાદાને એક વકીલ તરીકે પણ તેઓ નથી સ્વીકારતા કે શું? તો એક અન્ય કોંગ્રેસી પ્રવક્તા પવન ખેડાએ લાઈવ ટીવી ડિબેટમાં કહ્યું કે સરકારે જે અધૂરા દસ્તાવેજો સુપ્રિમ કોર્ટમાં આપ્યા એને ધ્યાનમાં લઈને જ આજનો ચુકાદો આવ્યો છે. તો શું સુપ્રિમ કોર્ટના જજીઝમાં એટલું જ્ઞાન નથી કે તેમને કોઈ ડોક્યુમેન્ટ ઓછો અથવાતો અધુરો લાગ્યો હોય તેને તે સરકાર પાસેથી મંગાવે?
ટૂંકમાં આ કોંગ્રેસી કલ્ચર છે જેને કોંગ્રેસ દ્વારા જ આપણી સમક્ષ પદર્શનમાં મુકવામાં આવ્યું છે. અમે કહીએ એ જ સાચું અને એ જ તમારે માનવાનું. પછી પ્રજાની, સેનાની કે હવે તો ઇવન સુપ્રિમ કોર્ટની શી મરજી છે એનાથી અમને કોઈજ મહત્ત્વ નથી. જો રાહુલ ગાંધી જીતમાં પણ શાલીનતા દેખાડી શકતા હોય એવું કેટલાક પત્રકારોનું માનવું છે તો પછી આજની હારમાં પણ તેમણે શાલીનતા દેખાડવી જોઈએ, લોકો 2019માં ખોબલેને ખોબલે મત આપશે.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક શું પોતાની જ સહિયરોને મદદ કરતા અચકાય છે?